પંચાળા ૩ : મુનિબાવાનું – મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહિએ તેનું
સંવત્ ૧૮૭૭ના ફાગણ સુદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મઘ્યે ઝીણાભાઇના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ફેંટો માથે બાંઘ્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી પછેડી ઓઢી હતી, અને પોતાના મુખારવિંદની આગળ પરમ-હંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”સર્વે પરમહંસ માંહોમાંહી પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, ”આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે, ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે, તથા સત્સંગનો ખપ છે, તો પણ માન, ઇર્ષ્યા કેમ રહી જાય છે ?” પછી એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”એવો જે છે તેમાં બુદ્ધિ નથી. અને જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે, તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે, બીજામાં જે ગુણ તથા અવગુણ હોય તેને પણ જાણે. અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે પણ અવગુણ હોય તેને તો જાણે નહિ, અને પોતાને સનકાદિક જેવો મોટો જાણે, ને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે અને જે બુદ્ધિવાળો હોય તે પોતાના અવગુણને જાણતો હોય જે, ‘મારામાં આટલો અવગુણ છે.’ પછી તેની ઉપર ચાડ રાખીને તે અવગુણને ટાળી નાખે, તથા તે અવગુણને ટાળ્યાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને, માટે એમાં માન, ઇર્ષ્યાદિક કોઇ અવગુણ રહે નહિ, અને કોઇકમાં મોટી બુદ્ધિ જણાતી હોય, ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી. અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાળી જણાય પણ એને બુદ્ધિવાળો ન કહેવાય, તેને તો અતિમૂર્ખ જાણવો, ને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહિ. અને થોડીક બુદ્ધિ હોય ને જો પોતામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળ્યાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાયછે. અને એનેજ બુદ્ધિવાળો કહીએ. અને જે પોતામાં તો કોઇવારે અવગુણ પરઠે નહિ ને ગુણ પરઠે, તેને મૂર્ખ કહીએ, અને પોતામાં અવગુણ પરઠે તેને બુદ્ધિવાળો કહીએ.
પછી શ્રીજીમહારાજે આજ્ઞા કરી જે, ”કીર્તન ગાઓ” પછી ”સખી આજ મોહન દીઠા રે સેરિયે આવતારે” એ કીર્તન પરમહંસ ગાવા લાગ્યા. ત્યારે વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”હવે કીર્તન રાખો. અને આ કીર્તન ગાયાં એમાં હેત બહુ છે. તે હેતનો અમે વિચાર કર્યો જે, હેત મોટી વાત છે, અને હેતે કરીને ભગવાનને ભજવા એ ઠીક છે. પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાણું જે, ‘હેત છે તેજ ભગવાનની માયા છે, કેમ જે સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય, જોતી હોય, સ્પર્શ કરતી હોય તેમાં બીજી રીતનું હેત છે, અને પુરૂષ હોય ને પરસ્પર બોલે જુએ, સ્પર્શ કરે, તેમાં પણ બીજી રીતનું હેત છે. અને પુરૂષ જે તે સ્ત્રીને જોતો હોય, ને આલિંગન કરતો હોય, તેની વાર્તા સાંભળતો હોય, તેનો સુગંધ લેતો હોય, ને તેની વાર્તા કરતો હોય, તેને વિષે જેવું હેત થાય છે, ને તે સ્ત્રીમાં પુરૂષનું મન આકર્ષણ થઇ જાય છે તેવું પુરૂષને પુરૂષમાં નથી થતું, તથા સ્ત્રી હોય ને પુરૂષને જોતી હોય, આલિંગન કરતી હોય, ઇત્યાદિક પુરૂષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરૂષમાં થાય છે ને તેનું મન પુરૂષમાં સમગ્રપણે ખેંચાઇ જાય છે તેવું સ્ત્રીને સ્ત્રીમાં નથી થતું. માટે જે થકી જગતનો પ્રવાહ છે ને જે જીવને સંસૃતિ ને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તેજ હેતરૂપ છે. પછી એમ વિચાર થયો જે, ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાંજ આત્યંતિક સુખ જાણીને જોડયા હોય તો તો ઠીક છે. તે માયા નથી.’ પછી વળી તેમાં પણ વિચાર થયો જે એ પણ ઠીક નહિ, કાં જે, ભગવાનના રૂપ કરતાં અધિક રૂપ, અધિક સ્પર્શ, અધિક રસ, અધિક ગંધ, અધિક શબ્દ તે બીજાને વિષે જણાય તો ભગવાનને મુકીને તેને વિષે હેત થઇ જાય. જેમ સોળ હજાર ને એકસો જે શ્રીકૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી તે જન્માંતરે અપસરાઓ હતી, તેણે બ્રહ્મા પાસે વર માગ્યો જે, ‘હે મહારાજ ! અમે દેવ, દૈત્ય અને મનુષ્ય, એ સર્વેનો સ્પર્શ કર્યો છે, પણ જે નારાયણ પુરૂષ છે તેનો પતિભાવે સ્પર્શ નથી કર્યો. માટે એવી કૃપા કરો જે એ અમારા પતિ થાય.’ પછી બ્રહ્માએ કહ્યું જે, ‘તમે તપ કરો, તમારા પતિ નારાયણ થશે. ત્યારે તેમણે ઘણું તપ કર્યું પછી તેમની ઉપર અષ્ટાવક્રઋષિ તથા નારદમુનિ તેપણ પ્રસન્ન થયા, ને વર આપયો જે તમારા પતિ નારાયણ થશે.’ એવી રીતે જન્માંતરે ઘણુંક તપ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને પામી હતી, પણ જો ભગવાન કરતાં સાંબને વિષે અધિક રૂપ દીઠું તો તેમાં મોહ પામી. માટે જેની એક મતિ રહેતી ન હોય તેને પંચ ઇંદ્રિયોના વિષયના સુખ સંબંધે કરીને ભગવાનમાં પ્રીતિ કરવી તે ઠીક નહિ. અને જેની મતિ એકની એક નિસ્તર્કપણે રહ્યા કરે તેને તો ઠીક છે. અને જેને બુદ્ધિ હોય તેને ભગવાનમાં હેત કેમ કરવું તો, જે ચોવિશ તત્ત્વ છે તે થકી પોતાના જીવને પૃથક્ જાણવો, ને તે જીવને વિષે ખુંતીને રહી જે પંચઇંદ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને ઇંદ્રિયોની વૃત્તિ વિના જીવ સત્તાપણે રહ્યા થકા નિર્ગુણપણે કરીને જેટલું ભગવાનમાં હેત થાય તેટલું કરવું. તે નિર્ગુણપણું તે શું ? જે દશ ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે, અને અંત:કરણ ને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે, અને પંચભૂત ને પંચવિષય તે તમોગુણની સંપત્તિ છે. તે એ ત્રણ ગુણની સંપત્તિઓ ને ત્રણ ગુણ તેને પૃથક્ માનીને કેવળ જીવસત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવો નિર્ગુણ થઇને ભગવાનમાં હેત કરવું. તે કહ્યું છે જે, ‘નૈગર્ુણ્યસ્થા રમન્તે સ્મ ગુણાનુકથને હરે:’ તથા
“પરિનિષ્ઠિતોડપિ નૈર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા | ગૃહીતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્ ||”
અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞરૂપે થઇને ભગવાનમાં પ્રીતિ કરે છે. તે ક્ષેત્ર તે શું ? તો સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ, તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા. એ સર્વે ક્ષેત્ર છે. તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક્ જાણે છે જે, ‘એ મારે વિષે કોઇ દિવસ હોય નહિ, હું તો એનો જાણનારો છું. ને અતિશુદ્ધ છું, અરૂપ છું, અલિંગ છું, ચેતન છું, અને એ ક્ષેત્ર તો અતિ મલિન છે, જડ છે નાશવંત છે.’ એમ દૃઢપણે સમજીને ને એ સર્વથી વૈરાગ્યને પામીને સ્વધર્મ સહિત જે ભગવાનને વિષે ભકિત કરવી તેને એકાંતિકી ભકિત કહીએ અને એને જ્ઞાની કહીએ. અને એ જે જ્ઞાની તે સર્વથી શ્રેષ્ઠ છે. તે ભગવાને કહ્યું છે જે-
“તેષાં જ્ઞાની નિત્યયુકત એકભકિતર્વિશિષ્યતે |
પ્રિયો હિ જ્ઞાનિનોડત્યર્થમહં સ ચ મમ પ્રિય: | ઉદારા: સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ ||”
એમ સમજીને ઇંદ્રિયો, અંત:કરણ, વિષય એ સર્વેનાં જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિષે હેત કરવું એજ ઠીક છે. અને જ્યાં સુધી એનાં મૂળ ઉખાડી નાખ્યાં ન હોય ત્યાં સુધી એ ઇંદ્રિયો અંત:કરણે કરીને ભગવાનનાં દર્શન સ્પર્શનાદિકરૂપ જે કામ તે લેવું પણ એને પોતાનાં હેતુ ન માનવાં, અને વૈરી માનવાં, અને એનો ગુણ ન લેવો જે, ‘એ ભગવાનની ભકિતને વિષે ઉપકાર કરે છે.’ કેમ જે, નેત્રે કરીને ભગવાનનાં દર્શન થાય છે, શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનની માળા ને તુલસીનો સુગંધ લેવાય છે, મુખે કરીને ભગવાનનાં કથા કીર્તન કહેવાય છે, તથા જિહ્વાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે, ઇત્યાદિક ભગવાનની ભકિતને વિષે ઉપયોગી છે. એમ સમજીને એનો ગુણ ન લેવો ને એનો વિશ્વાસ ન કરવો, એને તો વૈરી જ જાણવાં; કાં જે શું જાણીએ એ ભગવાનનાં દર્શનસ્પર્શનાદિકે કરીને સુખ માનતા થકા સ્ત્રીયાદિકના દર્શનસ્પર્શનાદિકે કરીને જ સુખ મનાવી દે તો ભૂંડું થાય. માટે એ પંચઇંદ્રિયો રૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભકિતરૂપ કામ લેવું. જેમ કોઇ રાજાએ પોતાના શત્રુને પકડયો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છુટો મેલે નહિ ને વિશ્વાસ કરે નહિ, અને જો તેને છુટો મેલે ને વિશ્વાસ કરે તો તે રાજાને તે વૈરી નિશ્વય મારે, તેમ જો ઇંદ્રિયોરૂપ વૈરીનો વિશ્વાસ કરે ને છુટા મુકે ને કેદમાં ન રાખે તો એને નિશ્વય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે, માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ અંગ્રેજ કોઇક ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઉભો રાખીને પુછે છે પણ છુટો મુકતો નથી, ને તેનો વિશ્વાસ કરતો નથી. તેમ એ ઇંદ્રિયો અંત:કરણને પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરૂં તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભકિત કરાવવી પણ એને વિષે ગુણ ન લેવો, શત્રુભાવ જ રાખવો. અને જો એમને ભકિતમાં ઉપયોગી માનીને હેતુમાને ને એનો ગુણ લે તો ભગવાનનાં દર્શનસ્પર્શના-દિકને વિષે સુખ મનાવતે થકે જો સ્ત્રીયાદિકને વિષે કાંઇક સુખ મનાવી દે તો એનું કર્યું કરાવ્યું સર્વે વ્યર્થ થઇ જાય. જેમ ઝાઝો દારૂનો ઢગલો હોય ને તેમાં એક અગ્નિનો તણખો પડયો હોય તો તે દારૂ સર્વે ભસ્મ થઇ જાય છે. તેમ એનું કાંઇ ઠેકાણું રહેતું નથી, માટે કેવળ આત્મરૂપ થયે થકે જે ભગવાનને વિષે હેત થાય તે ઠીક છે. એમ અમારો સિદ્ધાંત છે, અને એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અને એમ પણ વિચાર કરવો જે, ભગવાનમાં જેવું રૂપ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજે નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો બીજે નથી, અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ છે તેવું બીજે નથી, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી. એમ ઇંદ્રિયો અંત:કરણને લોભ દેખાડીને બીજા વિષયથી પાછાં વાળવાં એ પણ સમજણ ઠીક છે.”
ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”હે મહારાજ ! આ જે સર્વે વિચાર તે કયા સ્થાનકે રહીને કરવો ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ”પોતાના હૃદયને વિષે એમ વિચાર કરે જે, સ્થૂલદેહ, સૂક્ષ્મદેહ, કારણદેહ, એ હું નહિ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા હું નહિ, અને પંચ જ્ઞાન ઇંદ્રિયો ને પંચ કર્મ ઇંદ્રિયો ને ચાર અંત:કરણ ને એમના દેવતા એ સર્વે હું નહિ, હું તો એ સર્વેથી પૃથક્ છું ને ચૈતન્ય છું ને ભગવાનનો ભક્ત છું.’ અને ઇંદ્રિયો અંત:કરણ કાંઇક ચાળા કરે તો એને કહેવું જે, ‘કેમ તારે તે એક ભગવાનનું જ રૂપ જોવું છે કે બીજાનું પણ જોવું છે ? ને કેવળ ભગવાનનો શબ્દ સાંભળવો છે તથા ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ સાંભળવો છે ને ગંધ લેવો છે ? અને જો ભગવાન વિના બીજા વિષયમાં તું જઇશ તો તારે મારે શું છે ભાઇ ? તું કોણ ને હું કોણ ? તારે મારે લેવું દેવું નથી. તમે કરશો તે તમે ભોગવશો.’ એમ ઇંદ્રિયો અંત:કરણને કહીને પછી ભગવાનની પ્રાર્થના કરવી જે, ‘હે મહારાજ ! હે સ્વામિન્ ! હે ભક્તવત્સલ ! હે દયાનિધે ! આ ઇંદ્રિયો અંત:કરણનો વાંક છે, ને હું તો એથી નોખો છું, ને એ તો મારા શત્રુ છે, માટે એ થકી મારી રક્ષા કરજો.’ એમ નિરંતર પ્રાર્થના કર્યા કરવી. ને પોતાને ક્ષેત્રજ્ઞ, ચૈતન્યરૂપ માનીને ભગવાનને વિષે હેત ભકિત કરવી. ઈતિ વચનામૃતમ્ પંચાળાનું ||૩|| ૧૨૯ ||