પંચાળા ૪ : મનુષ્યભાવમાં દિવ્યભાવનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 1:25am

પંચાળા ૪ : મનુષ્યભાવમાં દિવ્યભાવનું

સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મઘ્‍યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, અને ધોળો ફેંટો મસ્‍તક ઉપર બાંઘ્‍યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ઝીણી ધોળી પછેડી ઓઢી હતી ને હસ્‍તકમળને વિષે તુલસીની માળા ફેરવતા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”સર્વે પરમહંસ પરસ્‍પર પ્રશ્ર્ન ઉત્તર કરો.” ત્‍યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, ”પ્રથમ તો ભગવાનનો નિશ્વય હોય ને ભજનસ્‍મરણ કરતો હોય અને પછી ભગવાનનાં મનુષ્ય ચરિત્ર દેખીને તે નિશ્વયમાં સંશય થઇ જાય છે તેનું શું કારણ છે ?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્‍યા પણ થયો નહિ. ત્‍યારે શ્રીજીમહારાજ ઝાઝીવાર વિચારી રહ્યા ને પછી બોલ્‍યા જે, ”એ પ્રશ્ર્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, વેદ, પુરાણ, મહાભારત, સ્‍મૃતિઓ, ઇત્‍યાદિક જે શાસ્ત્ર તેને વિષે ભગવાનનું સનાતન અનાદિ દિવ્‍ય એવું જે મૂળરૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે, તે કહ્યું છે જે, ભગવાન કેવા છે ? તો આ ચક્ષુ ઇંદ્રિયે કરીને દીઠામાં આવે છે જે યત્‍િંકચિત્‍રૂપ તે જેવું તેમનું રૂપ નથી, અને શ્રવણે કરીને સાંભળ્‍યામાં આવે છે જે કાંઇ શબ્‍દમાત્ર, તે જેવો એ ભગવાનનો શબ્‍દ નથી, અને ત્‍વચાએ કરીને સ્‍પર્શમાં આવે છે જે સ્‍પર્શ. તે જેવો એનો સ્‍પર્શ નથી, અને નાસિકાએ કરીને સુંઘ્‍યામાં આવે છે, જે સુગંધ, તે જેવો એનો સુગંધ નથી, અને જીહ્વાએ કરીને વર્ણન કર્યામાં આવે એવા પણ એ ભગવાન નથી, અને મનના સંકલ્‍પમાં આવે એવા નથી, તથા ચિત્તના ચિંતવનમાં આવે એવા નથી, તથા બુદ્ધિના નિશ્વયમાં આવે એવા નથી, તથા અહંકારે કરીને અહંપણું ધરાય એવા નથી જે, ‘એ ભગવાનનો હું છું ને એ મારા છે.’ એવી રીતે ઇંદ્રિયો અંત:કરણને અગોચર એ ભગવાન રહ્યા છે. અને એ ભગવાનનું જેવું રૂપ છે તેવું આ બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્‍તંબપર્યંત કોઇનું રૂપ નથી જે જેની એને ઉપમા દઇએ. તથા એનો જેવો શબ્‍દ છે તેવો બીજો આ બ્રહ્માંડમાં કોઇનો શબ્‍દ નથી જે જેની એને ઉપમા દઇએ. અને એ ભગવાનનો જેવો સુગંધ છે તેવો આ બ્રહ્માંડમાં કોઇનો સુગંધ નથી જે જેની એને ઉપમા દઇએ. તથા એ ભગવાનનો જેવો સ્‍પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઇનો સ્‍પર્શ નથી જે જેની એને ઉપમા દઇએ. તથા એ ભગવાનમાં જેવો રસ છે તેવો આ બ્રહ્માંડમાં કોઇનો રસ નથી જે જેની એને ઉપમા દઇએ. અને એ ભગવાનનું જેવું ધામ છે તેવું સ્‍થાનક આ બ્રહ્માંડમાં કોઇ નથી જે જેની એને ઉપમા દઇએ. તે સપ્‍તદ્વીપ ને નવ ખંડમાં જે જે સ્‍થાનક છે તથા મેરૂ ઉપર ઘણીક શોભાએ યુક્ત બ્રહ્માદિકનાં સ્‍થાનક છે તથા લોકલોકાચળને વિષે ધણાંક સ્‍થાનક છે, તથા ઇન્‍દ્ર, વરૂણ, કુબેર, શિવ, બ્રહ્મા, એનાં જે સ્‍થાનક છે તથા બીજાં પણ ધણાંક સ્‍થાનક છે, એ સર્વે માંહીલું એવું એકે સ્‍થાનક નથી જે જેની ભગવાનના ધામને ઉપમા થાય. અને એ ભગવાનના ધામને વિષે રહ્યા જે ભગવાનના ભક્ત તેને જેવું સુખ છે તેવું આ બ્રહ્માંડમાં કોઇ સુખ છે નહિ જેની એને ઉપમા દઇએ. અને એ ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઇનો આકાર નથી જેની એને ઉપમા દઇએ. કેમ જે આ બ્રહ્માંડમાં જેટલા પુરૂષપ્રકૃતિ થકી ઉત્‍પન્ન થયા જે આકાર તે સર્વે માયિક છે. અને ભગવાન છે તે દિવ્‍ય છે ને અમાયિક છે, માટે એ બેયને વિષે અતિશય વિલક્ષણપણું છે તે સારૂં એને ને એને સાદૃશ્યપણું કેમ થાય ? જેમ મનુષ્યને કહીએ જે, ‘આ માણસ ભેંસ જેવો છે, સર્પ જેવો છે, ચરકલા જેવો છે, ગધેડા જેવો છે, કુતરા જેવો છે, કાગડા જેવો છે, હાથી જેવો છે,’ એવી ઉપમા મનુષ્યને સંભવે નહિ, કેમ જે, મનુષ્ય થકી એ બીજા જે સર્વે તે વિજાતીય છે અને મનુષ્ય મનુષ્યમાં પણ અતિશે સાદૃશ્યપણું નથી જેની ઉપમા એમ દઇએ જે આ તે આ જેવોજ છે, અને જો તે તે જેવો જ હોયતો તેની ઓળખાણ કેમ થાય ? માટે મનુષ્ય મનુષ્ય સજાતિ છે તેને વિષેપણ સાદૃશ્યપણું અત્‍યંત છે નહિ. જુવોને આ ભગો મુળો બે સરખા કહેવાય છે પણ ઝાઝા દિવસ ભેગા રહીએ તો ઓળખાઇ જાય જે, ‘આ ભગો છે ને આ મુળો છે.’ માટે જો વિલક્ષણતા ન હોય તો ઓળખાય કેમ ? માટે મનુષ્ય મનુષ્યમાં પણ અતિ સાદૃશ્યપણું નથી તો માયિક અમાયિકને વિષે સાદૃશ્યપણું કેમ આવે ? જેની ઉપમા ભગવાનને દઇએ, તથા ભગવાનના ધામને દઇએ. કાંજે ‘એ ભગવાન છે તે ઇંદ્રિયો અંત:કરણને અગોચર છે’ એમ સર્વે શાસ્ત્રમાં કહ્યું છે. તે એ ભગવાન જ્યારે જીવને પોતાનું દર્શન દેવાને ન ઇચ્‍છે ત્‍યારે તો આવી રીતે દિવ્‍યરૂપ અગોચર થકા પોતાના અક્ષરધામને વિષે રહ્યા છે. અને એ ભગવાન મહારાજાધિરાજ છે, ને દિવ્‍યરૂપ એવી જે અસંખ્‍ય સમૃદ્ધિ તથા અસંખ્‍ય પાર્ષદ તેણે યુક્ત છે, ને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે, જેમ આ લોકમાં કોઇક મોટો ચક્રવતર્ી રાજા હોય તેનું સૂર્યના ઉદય અસ્‍ત સુધી રાજ્ય હોય અને તે જ રાજા પોતાના તપને બળે કરીને દેવતાના જેવાં ઐશ્વર્યને પામ્‍યો હોય ને સ્‍વર્ગ, મૃત્‍યુ અને પાતાળ એ ત્રિલોકીના રાજ્યને કરતો હોય, જેમ અજર્ુન હતા તે એને એ દેહે કરીને સ્‍વર્ગને વિષે ઇન્‍દ્રાસનને ઉપર કેટલાંક વર્ષ સુધી રહ્યા તથા નહૂષ રાજા ઇન્‍દ્ર થયો હતો, એવો જે પ્રતાપી ચક્રવતર્ી રાજા તેને ઘેર જેટલાં ગામ છે તેની ગણતી થાય નહિ, એતો અસંખ્‍ય છે; તથા ગામ ગામના જે પટેલ તેની પણ ગણતી નથી, અને તે ગામ ગામના અસંખ્‍ય પટેલ તે એના દરબારમાં અરજ કરવા આવતા હોય, અને તે રાજાના ધન, માલ, ભોગ, સ્‍થાનક, સમૃઘ્‍ધિ તે પણ ગણતીમાં આવે નહિ, તેમ એ ભગવાન અસંખ્‍ય કોટિ જે બ્રહ્માંડરૂપ ગામ તેના રાજાધિરાજ છે. અને એ બ્રહ્માંડરૂપ જે ગામ તેના મુખ્‍ય પટેલ તો બ્રહ્મા, વિષ્ણુ, અને શિવ છે. જેમ એક ગામમાં એક મોટો પટેલ હોય. તેને તે ગામની સર્વે પ્રજા તે આવીને નમે, ને આજ્ઞામાં રહે, તે પટેલ રાજાને નમે, તેમ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્‍યે બ્રહ્મા, વિષ્ણુ, શિવ છે તે મોટેરા છે, ને બીજા જે બ્રહ્માંડમાં દેવ, દૈત્‍ય, મનુષ્ય, ઋષિ, પ્રજાપતિ તે એને ભજે છે ને આજ્ઞામાં રહે છે, ને બ્રહ્મા, વિષ્ણુ, શિવ તે ભગવાન પુરૂષોત્તમને ભજે છે ને આજ્ઞામાં વર્તે છે. તે એ બ્રહ્માંડ બ્રહ્માંડના જે બ્રહ્મા, વિષ્ણુ, અને શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે જે, ”હે મહારાજ ! કૃપા કરીને તમે અમારા બ્રહ્માંડમાં પધારો.’ જેમ કોઇ ગામનો પટેલ હોય તે ચક્રવતર્ી રાજા આગળ જઇને પ્રાર્થના કરે જે, ‘હે મહારાજ ! હું ગરીબ છું તે તમે મારે ઘેર પધારો. મારાથી જેવી તમારી ચાકરી બની આવશે તેવી કરીશ.’ તેમ બ્રહ્મા, વિષ્ણુ, શિવ તે એ ભગવાનની પ્રાર્થના કરે છે જે, ‘હે મહારાજ ! તમે અમને દયા કરીને દર્શન દ્યો ને અમારા બ્રહ્માંડમાં પધારો.’ ત્‍યારે એ જે ભગવાન તે બ્રહ્માંડમાં દેહનું ધારણ કરે છે, તે જ્યાં જેવું કાર્ય ત્‍યાં તેવા દેહનું ધારણ કરે છે ને તેવી રીતે જ વર્તે છે જો દેવમાં દેહ ધારણ કરે છે તો દેવના જેવીજ ચેષ્‍ટા કરે છે તથા પશુના દેહનું ધારણ કરે છે ત્‍યારે તે પશુની પેઠેજ વર્તે છે. જેમ વરાહરૂપ ભગવાને ધાર્યું ત્‍યારે સુંધીને પૃથ્‍વીને ખોળી કાઢી, તથા હયગ્રીવરૂપે થયા ત્‍યારે ધોડાની પેઠે ફુંફાડા મારવા માંડયા, તથા મત્‍સ્‍ય-કચ્‍છાદિક જળજંતુનો દેહ ધારણ કર્યો ત્‍યારે જળમાંજ ફર્યા પણ પૃથ્‍વીમાં ન ફર્યા, તથા નૃસિંહ રૂપે થયા ત્‍યારે સિંહની પેઠેજ વર્ત્યા પણ મનુષ્યના જેવી ચેષ્‍ટા ન કરી, અને એ ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્‍યારે મનુષ્યના જેવીજ ક્રિયા કરે છે, તે જ્યારે સત્‍યયુગ હોય ત્‍યારે મનુષ્યને લાખ વર્ષની આવરદા હોય ત્‍યારે એ ભગવાન પણ લાખ વર્ષજ દેહ રાખે, અને તે સત્‍યયુગનાં માણસ મનોવાંછિત ભોગને ભોગવે ત્‍યારે ભગવાન પણ તેમજ ભોગને ભોગવે પણ અધિકપણે ન વર્તે. અને ત્રેતાયુગમાં દેહ ધારણ કરે ત્‍યારે માણસને દશહજાર વર્ષની આવરદા હોય ત્‍યારે ભગવાન પણ તેટલાજ વર્ષ દેહ રાખે. અને દ્વાપરયુગમાં હજાર વર્ષની આવરદા હોય ને દશહજાર હાથીનું બળ માણસમાં હોય છે ત્‍યારે ભગવાનનું પણ એટલું બળ ને એટલી આવરદા હોય છે. અને કળિમાં દેહ ધારણ કરે ત્‍યારે કળિ પ્રમાણે આયુષ્ય ને બળ તેનું ભગવાન ધારણ કરેછે. અને જેમ બાળક ગર્ભમાં આવે ને તે ગર્ભ વૃદ્ધિને પામે પછી જન્‍મે છે, બાળ, યુવાન, વૃદ્ધ અવસ્‍થા થાય છે ને મૃત્‍યુને પામે છે, તેમજ ભગવાન પણ એવીજ મનુષ્યની ચેષ્‍ટા કરેછે. અને જેમ મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્‍નેહ, મદ, મત્‍સર, ઇર્ષ્યા, રાગ, મોહ, સુખ, દુ:ખ, ભય, નિર્ભય, શૂરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિદ્રા, પક્ષપાત, પારકું, પોતાનું, ત્‍યાગ, વૈરાગ્‍ય, ઇત્‍યાદિક સ્‍વભાવ છે, તેમ તેવાજ એ સર્વે સ્‍વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્‍યારે તેમાં જણાય છે, તે એ મનુષ્ય સ્‍વરૂપ પણ ભગવાનનું સર્વ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે અને મૂળ જે દિવ્‍યરૂપ છે તેનું વર્ણન કર્યું છે. તે એ બેયરૂપનું જેણે યથાર્થ શ્રવણ મનન કરીને દૃઢ નિશ્વય કર્યો હોય તેને તો કોઇ રીતે સંશય થાય નહિ. અને જેને આવી રીતની સમજણમાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે, અને એજ દિવ્‍યરૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે, ત્‍યારે મનુષ્યના જેવા સ્‍વભાવે યુક્ત વર્તતા હોય, પણ જે બુઘ્‍ધિવાન હોય તેને એમ જણાય ખરૂં જે, એમાં કામ છે તે બીજા મનુષ્યના જેવો નથી. તથા ક્રોધ, લોભ, સ્વાદ, માન, ઇત્‍યાદિક મનુષ્યના સ્‍વભાવ તે એ ભગવાનમાં છે પણ બીજા માણસ જેવા તો નથી,’ એમાં કાંઇક દિવ્‍ય ભાવ છે તે બુદ્ધિમાનના જાણ્‍યામાં આવે છે, તેણે કરીને ભગવાનપણાનો નિશ્વય કરે છે. જેમ શંકરાચાર્યે શૃંગારરસની વાર્તા જાણ્‍યાને અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો, ત્‍યારે તે રાજાના જેવાજ સર્વે શૃંગારિક ભાવ ને દેહની ચેષ્‍ટા તો હતી, પણ તે રાજાની રાણી બુદ્ધિવાળી હતી તેણે એમ જાણ્‍યું જે, ‘મારા ધણીમાં આવો ચમત્‍કાર ન હતો, માટે આ દેહને વિષે કોઇક બીજે જીવે પ્રવેશ કર્યો છે.’ તે મનુષ્યરૂપ એવા જે તે ભગવાન તેને વિષે દિવ્‍યભાવ જણાય છે તેણે કરીને ભગવાન પણાનો નિશ્વય થાય છે. ત્‍યારે તમે કહેશો જે, ‘કાંઇક દિવ્‍યભાવ જાણ્‍યામાં આવ્‍યો તેણે કરીને મનુષ્યને ભગવાનપણાનો નિશ્વય થયો, ત્‍યારે ધણો દિવ્‍યભાવ જણાવે તો તો બહુ માણસને નિશ્વય થાય.’ તો એનું તો એમ છે જે, આ સૂર્ય છે તેને સર્વે શાસ્ત્રમાં કહ્યા છે જે, ‘એ નારાયણ છે,’ ને તે એ સૂર્ય સર્વે મનુષ્યને દૃષ્ટિગોચર પણ છે ને નિત્‍ય એનું દર્શન મનુષ્ય માત્ર કરે છે, તો પણ એને દર્શને કરીને મનુષ્યને પોતાના કલ્‍યાણનો નિશ્વય નથી થતો જે, ‘મારૂં કલ્‍યાણ થયું’ અને મનુષ્યપણે રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર તથા નારદ શુકાદિક સંત તેનાં દર્શન કરીને મનુષ્યને એમ નિશ્વય થાય છે જે ‘મારૂં કલ્‍યાણ નિશ્વય થયું અને હું કૃતાર્થ થયો છું’ અને તે ભગવાન ને સંત તેમાં તો કાંઇ પ્રકાશ છે નહિ, દીવો કરીએ ત્‍યારે તેનાં દર્શન થાય છે, તો પણ એવો કલ્‍યાણનો નિશ્વય થાય છે. તથા અગ્‍નિ છે, તે પણ સાક્ષાત્ ભગવાન છે, કાં જે ભગવાને કહ્યું છે :-

“અહં વૈશ્વાનરો ભૂત્‍વા પ્રાણિનાં દેહમાશ્રિત: | પ્રાણાપાનસમાયુકત: પચામ્‍યન્નં ચતુર્વિધમ્ ||”

એવો જે અગ્‍નિ તેનાં પણ સર્વને દર્શન છે, પણ મનુષ્યને કલ્‍યાણનો નિશ્વય થતો નથી. અને ભગવાનને ને સંતને દર્શને કરીને થાય છે, તેનું શું કારણ છે જે, ”મનુષ્યને ને સૂર્ય અગ્‍નિને વિજાતિપણું છે” માટે એને દર્શને કરીને કલ્‍યાણનો નિશ્વય નથી થતો, કાં જે એ અગ્‍નિનો સ્‍પર્શ કરે તો બળી મરે. તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુર્વાસાના આપેલા મંત્રે કરીને તેડયા ત્‍યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્‍યા તે મનુષ્યરૂપે જેવાં કુંતાજી હતાં તેવાજ સૂર્ય થઇને આવ્‍યા ત્‍યારે તેના અંગસંગનું સુખ આવ્‍યું ને કર્ણરૂપ ગર્ભ રહ્યો, પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે તેવા પ્રકાશે સહિત આવ્‍યા હોત તો કુંતાજી બળી મરત ને સ્‍પર્શનું સુખ પણ ન આવત. તથા સત્રાજીત યાદવ પાસે સૂર્ય આવતા તે પણ માણસ જેવા થઇને આવતા. અને જ્યારે સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજીત પાસે આવ્‍યા ત્‍યારે શું આકાશમાં ન હોતા ? આકાશમાં પણ હતા ને બીજે રૂપે એના એજ સૂર્ય કુંતાજી ને સત્રાજીત પાસે આવ્‍યા. અને જેવો સૂર્યનો પ્રકાશ છે તે સર્વે એમાં છે ખરો પણ તેનો સંકોચ કરીને માણસ જેવા થઇને આવ્‍યા છે; તેમ એ જે ભગવાન છે તે પોતે પોતાના દિવ્‍યભાવ સહિતજ જીવને જો દર્શન આપે તો મનુષ્યને ઠીક ન પડે અને એમ જાણે જે, ‘આ તે શું ભૂત હશે કે શું હશે ?’ માટે એ ભગવાન પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા જ થઇને દર્શન આપે છે, અને પોતે પોતાના ધામમાં પણ વિરાજમાન છે; ત્‍યારે તે મનુષ્યને દર્શનમાં, સ્‍પર્શમાં તથા નવ પ્રકારની ભકિત કર્યામાં આવે છે. અને જો ભગવાન મનુષ્ય જેવા ન થાય ને દિવ્‍યભાવે વર્તે, તો મનુષ્યને પોતામાં હેત થાય નહિ ને સુવાણ ન પડે. શા માટે તો મનુષ્યને મનુષ્યને વિષે હેત થાય છે ને સુવાણ થાય છે, પણ પશુને ને મનુષ્યને હેત ને સુવાણ થતી નથી, અને પશુ પશુને પરસ્‍પર હેત ને સુવાણ થાય છે, કેમ જે, સજાતિ સજાતિમાં હેત થાય પણ વિજાતિમાં હેત થાય નહિ. તેમ ભગવાન પોતાના દિવ્‍યભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારૂં માણસ જેવાજ ભગવાન થાય છે, પણ દિવ્‍યભાવ જણાવતા નથી, અને દિવ્‍યભાવ જણાવે તો વિજાતિપણું થાય, માટે ભક્તને પોતામાં હેત ને સુવાણ થાય નહિ, તે સારૂં મનુષ્યરૂપે ભગવાન થાય છે ત્‍યારે પોતાનો દિવ્‍યભાવ છે તે છુપાવી રાખવો તે ઉપરજ પોતાની દૃષ્ટિ રહે છે, અને છુપાવતે છુપાવતે કદાચિત્ પોતે કોઇક કાર્યમાં ઉતાવળા થઇ જાય છે ત્‍યારે દિવ્‍યભાવ જણાઇ આવે છે, અને કયારેક પોતે પોતાની ઇચ્‍છાએ કરીને પણ પોતાના કોઇ ભક્તને જણાવે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાન ભીષ્મને મારવાને ઉતાવળા થયા, ત્‍યારે મનુષ્યભાવ ભૂલી ગયા ને પોતામાં દિવ્‍યભાવ આવ્‍યો તેણે કરીને પોતાના ભારને પૃથ્‍વી સહન કરવા સમર્થ ન થઇ, તથા અજર્ુનને દિવ્‍યભાવ દેખાડયો તે પોતાની ઇચ્‍છાએ દેખાડયો, પણ તે દિવ્‍યભાવે કરીને અજર્ુનને સુખ ન થયું ને બહુ વ્‍યાકુળ થઇ ગયા. પછી શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું મનુષ્યપણે દર્શન અજર્ુનને આપયું ત્‍યારે અજર્ુનને સુખ થયું ત્‍યારે કહ્યું જે:-

“દ્ષ્‍ટ્વેદં માનુષં રુપં તવ સૌમ્‍યં જનાર્દન | ઈદાનીમસ્‍મિ સંવૃત્ત: સચેતા: પ્રકૃતિં ગત: ||”

માટે મનુષ્યપણે કરીને ભગવાન વર્તે તોજ જીવને સાનુકુળ પડે, નહિ તો ન પડે; તે સારૂં એ ભગવાન મનુષ્યપણે વર્તે છે ત્‍યારે જે આવી રીતે નથી સમજતો તેને મનુષ્યભાવ દેખીને અવડું પડે છે. અને જો એ ભગવાન દિવ્‍યભાવેજ વર્તે તો મન-વાણીને અગોચર હોય તે જીવના જાણ્‍યામાં આવે નહિ. માટે એ બે પ્રકારે ભગવાનને શાસ્ત્રમાં કહ્યા છે. તેવી રીતે જેણે યથાર્થ જાણ્‍યા હોય તેને સંશય ન થાય, અને જો એમ ન સમજે તો સંશય જરૂર થાય. અને જે એમ કહે છે જે, ‘મેં ભગવાનને જાણ્‍યા છે ને મને નિશ્વય છે,’ અને જો તે આ વાતને સમજ્યો નથી તો તેનો નિશ્વય કાચો છે. જેમ કોઇક પુરૂષ શ્લોક શિખ્‍યો હોય તથા કીર્તન શિખ્‍યો હોય ને તેને પુછીએ જે, ‘તને આ શ્લોક તથા કીર્તન આવડયો ?’ ‘ત્‍યારે કહે જે,’ આવડયો. ને કંઠથી મુખપાઠે કહી દેખાડે. પણ પછી થોડાક દિવસ થાય ત્‍યારે તે શ્લોક કીર્તનને ભુલી જાય. ત્‍યારે એ તે શું જે એને જ્યારે એ શિખ્‍યો હતો ત્‍યારે જ એ એને એટલો આવડયો નહોતો, કેમ જે શ્રવણ મનને કરીને એનો દૃઢ અભ્‍યાસ થઇને એના જીવમાં એ શ્લોક કીર્તન ચોટી નહોતો ગયો. અને કોઇક વાતનો બાળકપણામાંજ એવો અઘ્‍યાસ થયો છે તો એ યુવાન થાય, વૃદ્ધ થાય તો પણ તે વાતનું જ્યારે કામ પડે ત્‍યારે સાંભરી આવે છે, તેમ એને ભગવાનનો નિશ્વય કર્યો હતો ત્‍યારેજ એના નિશ્વયમાં કસર રહી ગઇ હતી. અને જો કસર ન રહી હોત ને આવી રીતે પ્રથમથી જ શ્રવણ કરીને ને તેનું મનન કરીને તેનો દૃઢ અઘ્‍યાસ એના જીવમાં થયો હોત તો એને કોઇ દિવસ સંશય થાત જ નહિ.” ઈતિ વચનામૃતમ્ પંચાળાનું  ||૪|| ૧૩૦ ||