પંચાળા ૭ : નટની માયાનું
સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૧૧ એકાદશીને દિવસ છો ઘડી દિવસ ચઢતે શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મઘ્યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને માથે ધોળો ફેંટો બાંઘ્યો હતો, તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી ઝીણી પછેડી ઓઢી હતી, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
અને શ્રીજીમહારાજ નિત્યાનંદસ્વામી પાસે શ્રીમદ્ભાગવતના પ્રથમ સ્કંધની કથા કરાવતા હતા, તેમાં ‘જન્માદ્યસ્ય યત:’ એ શ્લોક પ્રથમ આવ્યો તેનો અર્થ કર્યો ત્યારે ‘યત્ર ત્રિસર્ગો મૃષા’ એવું જે એ શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજીમહારાજ કરવા લાગ્યા જે, માયાના ત્રણગુણનો સર્ગ જે પંચભૂત, ઇંદ્રિયો, અંત:કરણ અને દેવતા તે ભગવાનના સ્વરૂપને વિષે ત્રિકાળમાં છે જ નહિ.’ એમ સમજે, તથા એ શ્લોકનું પદ જે, ‘ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ્’ કેતાં ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્યસ્વરૂપ છે, તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે, તેવું ને તેવું જ તે પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિષે જાણવું, તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને એજ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માયિક દૃષ્ટિએ કરીને જુવે છે ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે. અને જેમ પોતે જન્મ્યો હોય, બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ થાય, ને મરી જાય, તેમ જ ભગવાનને પણ જાણે છે. અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિષે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના ચરણકમળને ભજે છે, ત્યારે એની માયિક દૃષ્ટિ મટે છે. તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સત્ ચિત્ આનંદમય જાણે છે. તે પણ ભાગવતમાં કહ્યું છે જે:-
“સ વેદ ધાતુ: પદવીં પરસ્ય દુરન્ત્યવીર્યસ્ય રથાંગપાણે: | યોડમાયયા સંતતયાનુવૃત્યા ભજેત તત્પાદસરોજગન્ધમ્ ||”
અને એ ભગવાનને વિષે જે બાળક યુવાન વૃદ્ધપણું દેખાય છે તથા જન્મમરણપણું દેખાય છે, તે તો એની યોગમાયાએ કરીને દેખાય છે, પણ વસ્તુગતે તો ભગવાન જેવા છે તેવાને તેવાજ છે, જેમ નટ વિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇંદ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વઢવા જાય છે, પછી કટકા થઇને હેઠો પડે ને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે, પછી થોડીવારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવોજ આવે, ને રાજા પાસે મોજ માગે ને કહે જે, ‘મારી સ્ત્રી લાવો’ એવી રીતની જે નટની માયા તે પણ કળ્યામાં કોઇને આવતી નથી. તો ભગવાનની યોગમાયા કળ્યામાં કેમ આવે ? અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે જે, ‘એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી. જેવો છે તેવો ને તેવો જ છે’ તેમ ભગવાનના સ્વરૂપને જે તત્ત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મુકયો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રૂકિમણી આદિક હતી. તે એ ભગવાનના દેહને લઇને બળી મરી, ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, ‘હવે એ નાશ થઇ ગયા’ અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે, અહીંથી અંતધર્ાન થઇને બીજે ઠેકાણે જણાણા છે. એમ ભગવાનને અખંડ સમજે. તે પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે જે:-
“અવજાનન્ત્િા માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ | પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્ ||”
માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે, તો કેવળ મનુષ્ય જેવા જ સમજે અને જો નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માયિક જાણે તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે, અને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે; માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું જે :- ‘સ ઈક્ષત’ કહેતાં ‘તે ભગવાન જે તે જોતા હવા.’ ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર શ્રોત્રાદિક અવયવ સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું અને વળી એમ પણ કહ્યું છે જે :- ‘પુરુષેણાત્મભૂતેન વીર્યમાદ્યત્ત વીર્યવાન્’ એવી રીતે પુરૂષરૂપે થઇને એ પુરૂષોત્તમ તેણે માયાને વિષે વીર્યને ધારણ કર્યું ત્યારે એ ભગવાન પ્રથમ સાકાર જ હતા. અને એ જે પુરૂષોત્તમ નારાયણ તે કોઇ કાર્યને અર્થે પુરૂષરૂપે થાય છે ત્યારે એ પુરૂષ છે તે પુરૂષોત્તમના પ્રકાશમાં લીન થઇ જાય છે. ને પુરૂષોત્તમ જ રહે છે. તેમજ માયારૂપે થાય છે ત્યારે માયાપણ પુરૂષોત્તમના તેજમાં લીન થઇ જાય છે. ને તે રૂપે ભગવાનજ રહે છે. અને પછી એ ભગવાન મહત્તત્ત્વમાંથી થયાં જે બીજાં તત્ત્વ તે રૂપે થાય છે, અને પછી તે તત્ત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે, તથા તે વિરાટ પુરૂષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે, તથા નારદ સનકાદિકરૂપે થાય છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિષે એ પુરૂષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે, તેને તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને પોતે જ તે રૂપે કરીને સર્વેોત્કર્ષપણે વિરાજમાન થકા રહે છે. અને જેને વિષે પોતે વિરાજમાન રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રકટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિષે આવે છે ત્યારે લોઢાનો જે શીતળગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે, તથા જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રમાદિકનાં તેજ લીન થઇ જાય છે ને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે; તેમ એ ભગવાન જેને જેને વિષે આવે છે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે. અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો, તે કાર્ય કરી રહ્યા કેડે તેમાંથી પોતે નોખા નીસરી જાય છે, ત્યારે તો તે પંડે જેવો હોય તેવો રહે છે અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરૂષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું. એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરૂષોત્તમનારાયણ તેની મૂર્તિને વિષે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગભાગ સમજવો નહિ ને જેવી મૂર્તિ દીઠી હોય તેનુંજ ઘ્યાન ઉપાસના ભકિત કરવી પણ તેથી કાંઇક પૃથક્ ન સમજવું અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો. અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિષે કોઇ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજ્યામાં આવે છે તો જેને એવી દૃઢ પ્રતીતિ હોય જે, આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકારરૂપે કરીને અક્ષરધામને વિષે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે. અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તનાં રૂપ તે અનંત સૂર્ય ચંદ્રના પ્રકાશ સરખાં પ્રકાશે યુક્ત છે,’ એવી જાતની જેને દૃઢ મતિ હોય તેજ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્યમૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિષે નવ પ્રકારની ભકિત જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વે શકિતઓ, ઐશ્વર્ય, પાર્ષદ તેણે સહિત થકાજ મનુષ્ય જેવા થાય છે, ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિષે જેવું રહ્યું છે તેવુંજ પૃથ્વીને વિષે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે. પણ તે સ્વરૂપને વિષે ને આ સ્વરૂપને વિષે લેશમાત્ર ફેર સમજતા નથી. અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને તેને માયાની નિવૃત્તિ થઇ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દૃઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઇ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને તેને કદાચિત્ કોઇ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધ-કર્મને યોગે કરીને કાંઇ અવળું વર્તાઇ જાય તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઊઘ્ર્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દૃઢ નિશ્વય કર્યો હોય જે, ‘જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે.’ એવી દૃઢ ગ્રંથિ હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઇ થકી સાંભળે તો પણ તેને સંશય થાય નહિ. કેમ જે એતો એમ સમજ્યો છે જે, ‘ભગવાન તો સદા સાકારજ છે પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે.’ એવી રીતે જેની દૃઢપણે સમજણ હોય તેની પરિપકવ નિષ્ઠા જાણવી.” એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્યનિષ્ઠા તે સંબંધી વાર્તા કરી તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત તે શ્રીજીમહારાજના સ્વરૂપની એવીજ રીતે વિશેષ દૃઢતા કરતા હવા. ઈતિ વચનામૃતમ્ પંચાળાનું ||૭|| ૧૩૩ ||