શ્રી ઘનશ્યામ મહારાજ ગૌઘાટ ગાયો ચારવા જાતા . ગોમતી ગાય મહારાજને વ્હાલી હતી અને ગાયને મહારાજ વહાલા હતા . આપણા દરેક મંદિરોમાં લગભગ ગૌશાળા હોય છે
અહી ગાયનો મહિમા કહું છુ
" ગૌ સેવાનું ફળ ઘણું, જેમાં દેવીનો વાસ;
ગૌનું જે પાલન કરે, તે ઘર સદા ઉલ્લસ. “
આસો અમાસ અને કારતક સુદ પડવાના સુભગ સમન્વય દરમ્યાન ગૌમાતાનું પૂજન, ગૌ સેવા, વગેરે કરવું. ગાયમાતા એ પૃથ્વી પરની કામધેનુ કહેવાય છે. આ પરમ પવિત્ર દિવસે ગૌ માતાઓને અલંકારોથી અલંકૃત કરી તેમને ભરપેટ ભોજન આપવું. તેમની પૂજન વિધિ કરી આરતી ઉતારવી; કારણ કે પૃથ્વી પર માતૃશક્તિનું પ્રત્યક્ષ રૂપ ગાયમાતા છે. શ્રી હરિએ વિશ્વનું પાલન કરનાર યજ્ઞપુરુષની મુખ્ય સહાયિકાના રૂપમાં ગૌ-શક્તિનું સર્જન કર્યું છે. વ્રત વિધિવિધાન દરમિયાન તથા યજ્ઞની સંપૂર્ણ ક્રિયાઓમાં ગાયમાતાનું દૂધ, દહીં, ઘી, વગેરે અનિવાર્ય ગણાય છે.
“ જનેતા સમી પૂજ્ય પૂજું ગાયમાતા,
કરું નિત્ય સેવા નમું ગાયમાતા. “
ગૌક્રીડન વ્રતની કથા આ પ્રમાણે છેઃ
એક વખત લક્ષ્મીજી અતિ મનોહર રૂપ ધારણ કરી અને સુંદર વસ્ત્રાલંકારો પરિધાન કરી, ગાયોના સમુદાયમાં આવી પહોચ્યાં. આ મહાદેવીનું દેવાશી રૂપ અને કમનીય સૌંદર્ય નિહાળી ગાયમાતાઓ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઇ. આ સ્વરૂપવાન સ્ત્રી કોણ હશે, તે જાણવાની ગૌમાતાઓને ઇચ્છા થઇ. આથી તેમની ઓળખાણ પૂછી.
"ગાયમાતાઓ ! તમારું કલ્યાણ થાઓ. સમગ્ર વિશ્વ મને લક્ષ્મી તરીકે ઓળખે છે. જગતના સર્વ લોકો મને ચાહે છે. જેના ઘરમાં હું પ્રવેશ કરતી નથી તે દરિદ્ર કહેવાય છે. માનવજાત મને ઝંખે છે. મારી પૂજા કરે છે.દૈત્યોએ મારો તિરસ્કાર કર્યો તેથી મેં દૈત્યોને ત્યજી દીધા, તેથી તેમની અવગતિ થઇ. ઇન્દ્ર આદિ દેવતાઓને મેં આશ્ચર્ય આપ્યો છે, તેથી તેઓ સુખ-વૈભવ ભોગવી રહ્યા છે.
ધર્મ, અર્થ અને કામ મારા સહયોગથી સુખ આપવાવાળા થઇ શકે છે, એવો મારો પ્રભાવ છે. માટે હું તમારા સુંદર શરીરમાં સદા નિવાસ કરવા ચાહું છું, એટલા માટે હું તમારી પાસે આવીને પ્રાર્થના કરું છું કે, તમે ગાય માતાઓ મારો આશ્રય ગ્રહણ કરો. જેથી તમે "શ્રી" સંપન્ન થઇ શકો."
ગાયમાતાઓએ લક્ષ્મીજીને કહ્યું - "હે દેવી! તમારી વાત તો ઠીક છે, પરંતુ અમે એવું સાંભળ્યું છે કે, તમે બહુ જ ચંચળ છો, ક્યાંય પણ સ્થિર થઇને રહેતાં નથી, માટે અમારે તમારો આશ્રય ગ્રહણ કરવાની ઇચ્છા નથી."
લક્ષ્મીજી ગાયમાતાના શબ્દો સાંભળીને ત્યાં જ ઊભા રહ્યાં. એમને અડગ ઉભેલાં જોઇને ગાયમાતાઓએ કહ્યું - "દેવી! તમે તમારી ઇચ્છા હોય ત્યાં જઇ શકો છો. અમારે તમારું કોઇ કામ નથી. અમારાં શરીર તો સ્વભાવથી જ સુંદર અને મજબૂત છે. તમે અમને દર્શન આપી, આટલી વાતચીત કરી એટલા માટે અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ. માટે જે દેવી! હવે તમે વિદાય લઇ શકો છો."
પરંતુ લક્ષ્મીજી તો અડગ રહ્યાં અને દ્રઢતાપૂર્વક ગાય માતાઓને કહ્યું - "હે દેવીઓ! તમે મારું અપમાન કરી રહ્યાં છો. જગત પરના માનવીઓ તો માને છે કે, લક્ષ્મી ચાલ્લો કરવા આવે તો મોઢું ધોવા પણ ન જવાય. આ તો ઘેર બેઠાં ગંગા આવી છે. માટે સ્નાન કરીને પવિત્ર થાઓ, નહિ તો પસ્તાશો. હું (લક્ષ્મીજી) તો દેવોને પણ દુર્લભ છું અને પરમ સતુ છું. મને એ નથી સમજાતું કે, તમે મારો શા માટે સ્વીકાર કરતા નથી! આજે હવે મને સમજાયું કે વગર બોલાવે કોઇની પાસે જવાથી અનાદર થાય છે, એ વાત ખરેખર સાચી છે."
ગાયમાતાઓએ કહ્યું - દેવી! અમે તમારો અનાદર કરતાં નથી, પણ અમારે તમારી સેવાની હાલમાં જરૂર નથી, માટે તમે જઇ શકો છો.
લક્ષ્મીજીએ વિનંતી કરી કહ્યું - ગાય દેવીઓ! દેવ, દાનવ, ગાંધર્વ, પિશાચ, નાગ, મનુષ્ય વગેરે બહુ જ ઉગ્ર તપસ્યા કરવાથી મારી સેવાનું અને પૂજાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. તમે મારો આ પ્રભાવ અને મારા મહિમા ઉપર ધ્યાન દો અને મારો સહર્ષ સ્વીકાર કરી લો. સમગ્ર જગતે મારો સ્વીકાર કર્યો છે અને આ ચરાચર જગતમાં મારો અનાદર કોઇ પણ કરતું નથી.
ગાયમાતાઓએ કહ્યું - દેવી! અમને ક્ષમા કરો. અમે તમારું અપમાન કરતાં નથી, અમે તો ફક્ત તમારો અવીકાર કરી રહ્યાં છીએ, ત્યાગ કરી રહ્યા છીએ. તેનું કારણ ફક્ત એટલું જ છે કે, તમારું ચિત્ત ચંચળ છે. તમે ક્યાંય સ્થિર રહી શકતાં નથી. માટે હે દેવી! અમે વિનંતી કરીએ છીએ કે, તમે જ્યાં જવા ઇચ્છતાં હો ત્યાં જઇ શકો છો.
લક્ષ્મીજીએ છેલ્લો પાસો ફેંકી જોયો અને કહ્યું - હે ગાયમાતાઓ! હું તમારો મહિમા સારી રીતે જાણું છું. પ્રાચીન સમયમાં ભારતવાસીઓ ગાયોને જ મુખ્ય ધન ગણતા. જેની પાસે વધુ ગાયો હોય તે શ્રીમંત કહેવાતો! શાસ્ત્રો પણ એની સાક્ષી પૂરે છે. તમારી માત્ર સેવા-પૂજા જ નહિ, પણ રક્ષણ અને પાલન પણ કરવામાં આવતું. તમારા શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. તમે પૂજાને યોગ્ય છો, કારણ કે દૂધ, ઘી વગેરે વિના યજ્ઞ થઇ શકતો નથી. તદુપરાંત, ગૌ-વંશનું આપણા નિત્યક્રમમાં અનેક રીતે મહત્વ છે. ગૌ-વંશની (બળદની) શ્રમ-શક્તિથી પૃથ્વી સરળતાથી ખેડી શકાય છે, જેથી ધન-ધાન્ય પાકે છે.
હે ગાયમાતાઓ! તમારા દ્રારા યજ્ઞભૂમિ અને ગૃહસ્થીનાં આંગણા તેમ જ વાનપ્રસ્થાશ્રમ વ્યતીત કરતા સંત-મહાત્માઓની કુટિરો પવિત્ર થાય છે. અરે! ગાયમાતાનું દાન કરવાથી વૈતરણી નદી પાર કરી શકાય છે. તેમજ દાન કરીને માણસ અનેક પ્રકારનાં પાપોથી મુક્તિ મેળવે છે, અને ગૌ-વંશનું સંવર્ધન કરીને સૃષ્ટિના વિસ્તારનું પુણ્ય કાર્ય કરીને પિતૃલોક તથા દેવલોકને સંતુષ્ટ કરે છે.
તમારા માટે ભગવતી શ્રુતિ કહે છે - નિરપરાધ અદિતિ સ્વરૂપ ગાયમાતાને ક્યારેય મરાય નહિ, તેનું તો કાળજીપૂર્વક જતન કરાય, સેવા-પૂજા કરાય.
વળી, વેદમાં પણ કહેવાયું છે કે, ગાયમાતાનો વધ ન કરવો જોઇએ, પરંતુ આ વાત પ્રત્યે સમાજ સજાગ નથી. શક્તિ સ્વરૂપ ગાયમાતાનો વધ કરીને સમાજ ઘોર પાપ આચરે છે.
હે માતાઓ! શક્તિ સ્વરૂપ પૃથ્વીની જેમ ગાયમાતા પ્રજાનું પરિપાલન કરે છે. ધરતી પ્રાણીમાત્રને ધારણ કરે છે. જેને યજ્ઞ દ્રારા દેવો પોષે છે અને યજ્ઞ સ્વરૂપ કર્મ ગાયમાતાએ આપેલાં દ્વવ્યો વિના ફળતું નથી. આ પ્રકારે પૃથ્વીમાતાની જેમ માતૃશક્તિ ગાયમાતા પણ સર્વથા અનુપ્રેક્ષ્યા છે. ગાયમાતામાં સર્વ દેવોનો વાસ છે. વાસ્તવમાં તમે અને પૃથ્વી બંને તત્ત્વતઃ એક જ છો. ગાયની પ્રદક્ષિણાથી પૃથ્વી-પ્રદક્ષિણાનું ફળ પ્રાપ્ત થાય છે, એવું વિઘ્નરાજ ગણપતિ અને કાર્તિકેયની કથાથી સ્પષ્ટ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં ગૌચરણનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ભગવાને જાતે ગૌ-પૂજા કરી છે, અને ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરીને ગોવાળિયાઓ તથા ગાયોને રક્ષણ આપ્યું હતું. ગાય પ્રત્યક્ષ દેવી છે. એના રોમેરોમમાં દેવતાઓનો વાસ હોવાથી ગાયમાતાના દેહ પર પ્રહાર એ સીધો તેત્રીસ કરોડ દેવતાઓ પર પ્રહાર છે. આવી પ્રશસ્તિ માત્ર હું જ નથી કરતી, પણ ધર્મગ્રંથો અને ધર્મચાર્યોએ કરી છે. જે ગૌમાતા! તમે તો સર્વનું જીવન છો.
લક્ષ્મીજીએ ઉપરોક્ત વાર્તાલાપ ચાલુ રાખ્યો અને ઘેઘૂર વટવૃક્ષ નીચે પડેલા પથ્થર પર આસન ગ્રહણ કર્યું અને કહ્યું - દેવીઓ! તમારા ઐશ્વર્યનો અને તમારા મહિમાનો કદાચ તમને પણ ખ્યાલ નહિ હોય!!
ગાયમાતાઓ સરવા કાન કરીને લક્ષ્મીજીને એકાગ્રપણે સાંભળી રહી. લક્ષ્મીજીએ પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું.
માતાઓ! સૃષ્ટિના નિર્માણમાં સૌ પ્રથમ ગાય ઉત્પન્ન થઇ હતી. એટલે વેદ તમને 'અજાગ્ર' કહે છે. વેદોએ તો તમારો બહુ જ મહિમા ગાયો છે. ગાય એ તો સનાતન ધર્મની કવિતા છે, ગાય આપણી માતા છે. (ગાયના શરિરમાં સર્વ દેવોની સ્થિતિ દર્શાવતું પ્રસિદ્ધ ચિત્ર જોવામાં આવે છે [ઉપર દર્શાવેલ ચિત્ર], તે કલ્પિત નથી, પરંતુ અશર્વવેદ અનુસાર છે.)
આ વિશ્વમાં જેટલી દક્ષિંઆ આપવા લાયક વસ્તુઓ છે તે બધામાં ગાયોને ઉત્તમોત્તમ ગણવામાં આવે છે. ગાયોનું દાન કરનારાઓને ગોલોક પ્રાપ્ત થાય છે. તમે તો પ્રાણીઓમાં શ્રેષ્ઠ છો. વળી, વંદનીય અને પૂજનીય પણ છો.
ભગવાન શ્રી કૃષ્ણ મહાન ઇષ્ટદેવ છે, પરંતુ તમે તો તેમની ઇષ્ટદેવીઓ છો! તેમણે તો ગૌ-સેવા માટે ગોપાલ-શિરોમણિ બનીને આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે. તેઓ પોતે પણ તમારા સેવક છે.
હે દેવીઓ! તમારા રક્ષણ માટે ભગવાન શ્રી રામચંદ્રજીના પૂર્વજ મહારાજા દિલીપ પોતાનો પ્રાણ સિંહને આપવા તૈયાર થઇ ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણે પણ ગાયો ચારી, ગૌ-સેવા અને ગૌ-પૂજા કરી સમગ્ર વિશ્વને ગોપાલનનો, ગૌ-સેવાનો અને ગૌ-પૂજાનો સંદેશો આપેલો છે.
હે માતાઓ! ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચારેય પુરુષાર્થના સાધનનું મૂળ ગાય-દેવતા છે. વેદશાસ્ત્ર, પુરાણ અને સાધુ-સંતોએ તમારી મુક્ત કંઠે પ્રશંસા કરી છે. અરે! ધર્મનું સૌભાગ્ય અને વૈભવ તો તમને જ આભારી છે. ભારતમાં ત્રણ માતાઓ માનવામાં આવે છે - (૧) ગાયમાતા (૨) ગંગામાતા અને (૩) ગાયત્રીમાતા. આ ત્રણેય માતાઓ ભારતવાસીઓનું જીવન છે, અને ત્રણેય ઉપર દેશનું ભાવિ અવલંબિત છે. આ ત્રણેય માતાઓ ભારતના લોકોને પોષે છે, તેથી ત્રણેય પૂજનીય અને વંદનીય છે. પરંતુ આ ત્રણેયમાં તમારું સ્થાન ખરેખર આગવું, અનોખું, અજોડ અને અદ્વિતીય છે.
લક્ષ્મીજીએ પોતાનું વક્તવ્ય ચાલું રાખ્યું - દેવીઓ! એક અગત્યની વાત કહેવી રહી ગઈ તમારો પ્રાણ બચવાનો સંભવ હોય ત્યાં અસત્ય બોલવામાં પાપ લાગતું નથી. અસત્ય બોલવાના પાપ કરતાં ગાયની પ્રાણ-રક્ષાનું પુણ્ય અનેક ગણું વધારે હોય છે. આવો અદભુત તમારો મહિમા છે, તેથી હું તમારી પાસે યાચના કરવા આવી છું કે, મને તમે સ્વીકારી મને આશ્રય આપો. હું તમારા શરણમાં આવી છું, તમારી સેવિકા છું, એમ જાણી મને તમારી પોતાની કરી લો. તમે અન્યને આદર દેવાવાળી અને શુકનવંતી છો. તમે જો મારો ત્યાગ કરશો તો પછી સંસારમાં સર્વત્ર મારો અનાદર થવા લાગશે.
હે માતાઓ! તમે મહાન સૌભાગ્યશાલીની અને સર્વનું કલ્યાણ કરવાવાળી અને સર્વને શરણા આપવાવાળી પુણ્યમયી, પવિત્ર સૌભાગ્યવતીઓ છો. માટે કૃપા કરી મને બતાવો કે, હું તમારા શરીરના કયા ભાગમાંઅ રહું.
કહેવાય છે કે, પછી ગાયમાતાઓએ તેમને પોતાના છાણ-પૂત્રમાં વાસ કરવાનું જણાવતાં આપણે ગૌમાતાના છાણ-મૂત્રનું પણ પવિત્ર ગણીને બહુમાન કરીએ છીએ.
ગાયમાતાઓ અને લક્ષ્મીજીના સંવાદનું તાત્પર્ય એ છે કે, જે ઘરમાં ગાય હોય અને તે સુખી હોય તો તે ઘરના સભ્યો તન, મન અને ધનથી સુખી રહે છે. તે વેદવાક્ય ત્રણેય કાળ માટે સત્ય કરે છે. કારણ કે ગૌ-માતા એ પૃથેવી ઉપરની કામધેનુ કહેવાય છે.
જેનાં છાણ-મૂત્રમાં લક્ષ્મીજી વસી રહ્યાં હોય તે ગૌ-માતાનાં દૂધ, દહીં, માખણ, છાસ, ઘી વગેરેમાં માનવનાં તન, મન વગેરેને પુષ્ટી કરી, પ્રભુ તરફ વાળતી શક્તિ પડેલી જ હોય. ગૌ-માતાના આશીર્વાદ આ લોક અને પરલોક સુધારી આપે છે. માટે શક્તિ સ્વરૂપ ગૌ-માતાને આપણાં લાખ લાખ વંદન.