સદ્ શ્રી પ્રેમાનંદ સ્વામી
ગુજરાતમાં બે પ્રેમાનંદ થયા. એકના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન અને બીજાના ઈષ્ટ્દેવ સહજાનંદસ્વામી (ભગવાન સ્વામિનારાયણ). સ્વામિનારાયણ ભગવાનમાં જેને નિર્વિકલ્પ નિષ્ઠા હતી, તેવા પ્રેમાનંદસ્વામીનું જીવન અલૌકિક છે. કાદવમાં જ્ન્મેલું કમળ દેવશિરે ચડી કૃતાર્થ બની જાય છે, તેમ ગાંધર્વ જ્ઞાતિમાં જ્ન્મેલા પ્રેમાનંદ સ્વામી પ્રગટ પ્રભુના મિલનથી ધન્ય બની ગયા છે. સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં સંતોની હરોળમાં રહેનાર પ્રેમાનંદ સ્વામીનું જન્મ સ્થળ, માતાપિતાનું નામ શું? બાળપણનું નામ શું? આ અંગે પ્રમાળભૂત માહિતી નથી. તેમાં કેટલીક ગર્ભિત કરૂણતા છૂપાયેલી છે. કોઈ કહે છે માતા પિતાથી ત્યજાયેલું આ પુષ્પ અમદાવાદના દરિયાખાનના ઘુમ્મટમાંથી મળ્યું, તો કોઈ કહે છે આ પુષ્પ વૈરાગીઓના ઝુંડમાં ઉછરતું રહ્યું, તો કોઈ કહે છે આ પુષ્પ બ્રાહ્મણ માતપિતાના મૃત્યુ થવાથી નિરાધાર બની ગયું. બન્યું ગમે તે હોય, પરંતુ સત્ય હકીકત તો એ હતી, એ પુષ્પ ખીલ્યું હતું સહજાનંદ સ્વામીના ચરણોમાં સમર્પિત થવા. સુંદર વાન અને મધુર કંઠને કારણે આ બાળક આકર્ષણનું કેન્દ્ર બની ગયું.
પરમ કૃપાળુ પરમાત્માની ઝંખના આ બાળકના મનમાં નાનપણથી એક જ ઝંખના રહ્યા કરતી. સંતનું મિલન...
‘અમને એવા સંત મળે.....
હાંરે જેથી બવના ફેરા ટળે. અમને એવા સંત મળે.’
આ રીતે ગંગા જેવા નિર્મળ સંતને મળવા માટે તેમનું હૈયું સદાયને માટે ઝંખતું રહેતું. કહેવાય છે કે જેવી ભાવના એવું ફળ. કાનમ પ્રદેશના દોરા ગામમાં એકવાર વહેલી પરોઢે ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ શબ્દો સાંભળતાં જ હૃદયમાં અનેરી અનુભૂતિ થઈ અને મનમાં થયું કે હું જેની ઝંખના કરી રહ્યો છું, એ પરમેશ્વર આ જ છે. આ જ એનો મંત્ર છે. સવારનું થોડું અજવાળું થયું. જોયું તો ભગવાધારી સંતો હતા. આ વૈરાગી યુવાન એ સંતો પાસે ગયો. “તમે જેનું ભજન કરી રહ્યા છો એ સ્વામિનારાયણ કોણ છે?” મોટ સંત જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આ યુવાન સામે મીટ માંડીને કહ્યું, “એ તો પ્રગટ પુરૂષોત્તમ નારાયણ છે.” “જો એમ જ હોય તો મને તેના દર્શન કરવો.” સાધુ જ્ઞાનજીવનદાસજી આ માટેની તેની ઝંખના જોઈ ખૂબ જ રાજી થયા. અવારનવાર આ બાળક આ સાધુ પાસે મળવા આવતો. જેમ જેમ પ્રગટ હરિની વાતો (મહિમા) સાંભળતા ગયા તેમ તેમ આ બાળકના મનમાં શ્રીહરિને મળવાની ઝંખના વધતી ગઈ.
શ્રી હરિ દર્શન અને જીવન સમર્પણ (પરમાત્માની પ્રાપ્તિ)
આ અતિ ઝંખનાયુક્ત યુવાનની ઉંમર પરિપક્વ થતાં સાધુ જ્ઞાનજીવનદાસજી સ્વામી એ વિચાર્યું, ચાલો દ્વારકા દર્શન કરવા માટે જઈએ. સંતમંડળ સાથે આ યુવાન પણ હતા. પરંતુ આ યુવાનને એક એક મિનિટ એક એક કલાક જેવી લાગતી હતી. પાણી વિના જેમ કંઠમાં શોષ પડે તેવું હરિદર્શન વિના તેનું હૈયું બેચેન બની ઝૂરતું હતું. આ ભાવનાને જોઈ સ્વામી એ મહારાજની એક છબી આપી અને ચિંતવન કરવા કહ્યું. આ યુવાન છબીને ઘડીક આંખે અડાડે ત્પ ઘડીક હૃદય ઉપર દબાવી રાખે.
દ્વારકાની યાત્રા પૂર્ણ કરી, આ સંતમંડળી ભાવનગર જિલ્લાના ગઢડા ગામે આવી પહોંચી. ઘેલા નદીના કાંઠે, ગઢપુર ગામે, દાદાખાચરના દરબારમાં ઉગમણા દ્વારનાં ઓરડાની ઓસરીમાં ઢાળેલા ઢોલિયા પર શ્રીજી મહારાજ વિરાજમાન છે. ત્યાં જ્ઞાનજીવનદાસજીએ વૈરાગી યુવક પાસે શ્રીફળ અને સોપારી ધરાવ્યા. આમ વૈરાગી યુવાને શ્રીફળ રૂપી શીશ નમાવી અને સોપારીરૂપે આત્મા સમર્પી રજુ થયા. એથી શ્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થયા. પ્રથમ દર્શને જ પ્રેમપલ્લવિત બની પરમ શાંતિ અનુભવી. શ્રીજી મહારાજે પોતાના વરદ હસ્તે ચંદન ચર્ચી, તિલક કરી, કંઠી બાંધી, નિજબોધાનંદ નામ આપી, પોતાના સાધુ સમાજમાં અપનાવી લીધા. આ નિજબોધાનંદ પ્રેમાનંદની ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા.
મહાન સંગીતજ્ઞ અને કવિ
પ્રેમાનંદને દીક્ષા આપ્યા પછી સંગીતની વિશેષ તાલીમ લેવા માટે બુરાનપુર મોકલવામાં આવ્યા. સંગીત અને કાવ્યાકળાના શિક્ષણથી રાગ, રાગીણી, તાલ, લય, સુર અને યતિ માત્રા વગેરેનું એમનું જ્ઞાન વૈજ્ઞાનિક બની ગયું નરસિંહ મહેતા પછે મધ્યકાળના સાહિત્યમાં જો કોઈના કાવ્યમાં શુદ્ધ ભક્તિ દેખાતી હોય તો એ આ પ્રેમાનંદ સ્વામીના કાવ્યમાં દેખાય છે.
પ્રેમાનંદ સ્વામીની ભક્તિ ઉપાસના અને સાહિત્ય ઉપાસનામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ જ કેન્દ્ર સ્થાને રહ્યા છે. ગુજરાતી સાહિત્યના ઈતિહાસના પાનાં પર નોંધવું પડ્યું છે કે, ‘ કોમળ ભાવસંદેશ જગાડતી શુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિથી નીતરતાં પદો આપીને પ્રેમાનંદ સ્વામીએ ગુજરાતી સાહિત્યની ભક્તિકવિતા સમૃદ્ધ કરેલી છે
પ્રેમસખીનું બિરુદ
સામાન્ય રીતે બધા કવિ ભક્ત હોતા નથી અને બધા ભક્ત કવિ હોતા નથી. પરંતુ પ્રેમાનંદ સ્વામી ઉત્તમ કવિ હતા અને ભક્ત પણ હતા. અર્થાત તેઓ ઉત્તમ ભક્ત કવિ હતા. પ્રેમરસથી ઊભરતા તેમનાં કીર્તનો સાંભળી મહારાજ ગદ્ ગદ્ બની જતાં અને ‘પ્રેમસખી’ નામે સંબોધતાં. એટલું જ નહિ, મહારાજ કહેતાં કે એમ્નો પ્રેમ તો વ્રજની ગોપીઓને પણ ભૂલાવે એવો છે.
અદભૂત વ્યક્તિત્વ પ્રેમાનંદ હરિરસની હેલીથી હરિભક્તોને ભીંજવતા રહ્યા હતા. એમનો કંઠ મધુર અને ભાવથી ભરપૂર હતો. તેથી સૌ શ્રોતા તરબોળ થઈ જતા હતા. વળી સાજવિદ્યા પણ તેમણે સહેલાઈથી વરી હતી. પ્રેમ અને ભક્તિ એમના હૈયામાં ભરપૂર હતાં. તેથી સૌ શ્રોતા તરબોળ થઈ જતા હતા.
જૂનાગઢના નવાબ પણ એમના રૂહાની સંગીતથી એવા પ્રભાવિત થયા હતાં કે ગ્લાલિયરના દ્રુપદ ગાયકીના ઉસ્તાદ ગવૈયાઓ એમના દરબારમાં ગયા, તેમને સ્પષ્ટ સુણાવી દીધું કે ‘તમે પ્રેમાનંદ સ્વામીનાં ભજન-કીર્તનો સાંભળી આવો. પછી તમારા ગાયનો સંભળાવજો !’ નવાબની આજ્ઞાથી આ ગવૈયા મંડળ પ્રેમાનંદસ્વામીના કીર્તન સાંભળવાં ગયા. મહારાજે પ્રેમાનંદ સ્વામીને આજ્ઞા કરી. પ્રેમાનંદ સ્વામીએ કીર્તન ઉપાડ્યું, ‘આજ બંગલે મેં ઘુંઘજું બાજે.’ આ કીર્તન પુરું થતાં બધા જ ગાયકોએ પોતાનું અભિમાન ઉતારીને વિદાય લીધી.
સ્વરૂપ નિષ્ઠા
પ્રેમાનંદ સ્વામીએને એક નિયમ હતો કે ‘પ્રથમ શ્રી હરિને રે’ તેના દસ પદ ગાઈને સુવું. આ મહારાજને ખબર પડી એટલે મહારાજે પણ સર્વે સત્સંગીઓને આ પદ દરરોજ બોલવાની આજ્ઞા કરી જે આજે પણ સંપ્રદાયમાં ગવાય છે. આ ઉપરાંત પ્રેમાનંદ સ્વામીએ ‘વદું સહજાનંદ’ ના આઠ પદ રચ્યાં છે. જ્યારે પ્રેમાનંદ સ્વામી હાથમાં સારંગી લઈને આ પદ ગાતા હતા ત્યારે એક વાર શ્રીજી મહારાજ ઉભા થઈ ગયા અને કહ્યું કે, ‘’આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય છે. તેવા સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું મન થાય છે.’’
વિરહની વેદના
ભગવાન સ્વધામ પધાર્યા પછે પાણી વિના માછનું, મા વિનાનું નાનું બાળક, ગાય વિનાનું વાછરડું જેમ વિરહની વ્યાકુળતા અનુભવે છે. તેમ પ્રેમાનંદ સ્વામી મહારાજના વિરહમાં ઝૂરતા હતાં. પ્રેમાનંદ સ્વામીએ સારંગી નીચે મૂકી દીધી હતી. પછી સંતોએ વિનંતી કરી અને કહ્યું, તમારા ગાવાથી સ્મૃતિ વધુ સચવાઈ રહેશે. માટે વિરહના પદો રચો. આથી વિરહના પદો રચ્યા.
સજની શ્રીજી મુજને સાંભર્યા.....
મહારાજ ધામમાં સિધાવ્યા પછી વડતાલમાં પ્રેમાનંદ સ્વામીનું આગમન થયું. શ્રી રધુવીરજી મહારાજના સાંનિધ્યમાં એક પ્રસંગ ગોઠવ્યો હતો. પ્રેમાનંદ સ્વામીની વાણી સાંભળવા વિશાળ સમુદાય એકત્રિત થયો હતો. પ્રેમાનંદ સ્વામીએ શોકાતુર હૈયે કંઠમાં સંગીત અને કરમાં સારંગી લઈને ગાવાનું શરૂ કર્યુ.
‘સજની શ્રીજી મુજને સાંભર્યા રે...
હૈયે હરખ રહ્યો ઊભરાય... સજની.’
એમ અન્ય વેદનાપૂર્ણ પદો ગાયાં. પ્રત્યેકની આંખોમાંથી આસું વહી રહ્યા હતા. ખુદ પોતે ધરતી પર ઢળી પડયા.
સાહિત્ય પ્રવૃતિ
પ્રેમાનંદ સ્વામીએ દુ:ખ અને દર્દ વ્યક્ત કરવા ઘણાં કાવ્યો લખ્યાં છે.
‘આબુ ન’હોતું કરવું નાથજી રે, ચાલ્યા મારગડામાં મેલી’
આવા અનેક પદો ગાયાં. તેનું દ્રશ્ય વર્ણવતાં દલપતરામ પણ લખે છે. અમદાવાદમાં થયેલ સમૈયામાં પ્રેમસખીએ ઉપરોક્ત ગરબી ગાઈ ત્યારે સ્વામી અને બધા ભક્તો રડી પડ્યા હતા. સ્વામીએ આ ઉપરાંત અનેક પદો અને સાત વારના અને બાર માસના પદો પણ રચ્યાં છે. તેના દ્વારા મહારાજની ઉપાસના અને ધ્યાનનો અલૌકિક અક્ષરદેહ સ્વામિનારાયણ સંપ્રદાયને ભેટ ધરી આપણને ધન્ય બનાવ્યા છે.
અંતિમ વિદાય
ઓગણીસમી સદીમાં ગુજરાતી પદ્ય ભક્તિસાહિત્યને સમૃદ્ધ કરનાર પ્રેમાનંદસ્વામીનું નામ મોખરે છે. સ્વામીએ 15 વર્ષ મહારાજ સાથે સહવાસ કર્યો. પચીસ વર્ષ વિરહાવસ્થામાં વિતાવ્યા અને 71 વર્ષની વયે સવંત 1911માં કાર્તિક વદ અમાસના રોજ ગઢડામાં ભૌતિક દેહ છોડી અક્ષરધામ પહોંચી ગયા.
તેમના દ્વારા રચિત હાલ ચારેક હજાર કાવ્યો વિદ્યમાન છે. કેટલુંક અપ્રગટ સાહિત્ય પણ વિદ્યમાન છે. આવું ઉચ્ચતર સાહિત્ય કોઈ એક સંપ્રદાયનો જ નહિ, પણ ગુજરાતનો સાંસ્કૃતિક સાહિત્ય વારસો છે. અમૂલ્ય ખજાનો છે. તેનો જેટ્લો વધુ સદઉપયોગ થશે તેટલી આધ્યાત્મિક સમૃદ્ધિની અભિવૃદ્ધિ થશે.
---- લેખક અજ્ઞાત
( ઈમેલમાંથી )
Disqus
Facebook Comments