પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર - ૦૯

Submitted by swaminarayanworld on Sat, 17/09/2011 - 11:09am

દોહા –

પછી મુકતને આપી આગન્યા, તમે ફરો દેશપ્રદેશ ।

જેમ કહ્યું તેમ વર્તજો, રાખજો સાધુનો વેષ ।।૧।।

પછી મુનિ પરવર્યા, જેમ હાલ્યાં હુડિયાં વા’ણ ।

ભારે વા’ણને ભરવા, સહુ સજજ થયા છે સુજાણ ।।૨।।

પછી પોતે પ્રભુજીએ, ઊર વિચારિયું એમ ।

બહુ જીવ જેમ ઊદ્ધરે, મારે કરવું તર્ત તેમ ।।૩।।

બંધાવું બહુપેરે કરી, સુંદર સદાવરત ।

જે જમે અન્ન અમતણું, તે પામે પરમ ગતિ તરત ।।૪।।

ચોપાઈ –

એમ કૈ’ બંધાવ્યાં અન્નક્ષેત્રરે, જમે જન અન્ન પવિત્રરે ।

ઝાઝે હેતે જનને જમાડેરે, કરી વાત આનંદ પમાડેરે ।।૫।।

સુણી વાત રળીયાત થાયરે, પછી સમજી રહે સત્સંગ માંયરે ।

એમ સદાવ્રત બાંધ્યાં બહુરે, તેહ ગામ તણાં નામ કહુંરે ।।૬।।

લોઝ માંગરોલ અગત્રાઈરે, સદાવ્રત માણાવદ્ર માંઈરે ।

મેઘપુર ધોરાજી શાંકળીરે, અન્ન આપે ભાડેરમાં વળીરે ।।૭।।

જાંમવાળી ને નવેનગરેરે, બ્રાહ્મણ ભેખ ત્યાં ભોજન કરેરે ।

ફણેણી ને જાણો જેતપરરે, જમે જન સરધાર સુંદરરે ।।૮।

કોટડું ગઢડું કારિયાણીરે, જમી બોલે જેજે જન વાણીરે ।

માણેકવાડે ને મેથાંણ માંઈરે, જેતલપુર શ્રીનગર ત્યાંઈરે ।।૯।।

એહ આદિ ગામે આપે અન્નરે, જેહ જમે તે થાય પાવનરે ।

તેણે તજે બીજું ભજે શ્યામરે, તન મુકે પામે પર્મ ધામરે ।।૧૦।।

એમ અનેક જીવ ઊદ્ધાર્યારે, ભય ટાળી ભવજળ તાર્યારે ।

તોયે ન માન્યું નાથનું મનરે, કર્યા જન તારવા જગનરે ।।૧૧।।

જાણ્યું જગ્નમાં જમશે જે અન્નરે, જાશે ધામે તે થાશે પાવનરે ।

એમ જગ્ન કર્યા બહુ જાગેરે, જમ્યા દ્વિજ અતિ અનુરાગેરે ।।૧૨।।

ક્ષત્રી વૈશ્ય ને શુદ્ર વળીરે, જમ્યા બહુ જન એઆદિ મળીરે ।

લેખું ન થાય લાખ હજારેરે, એમ જમાડ્યા જગ આધારેરે ।।૧૩।।

જેજે જમ્યા એ જગનનું અન્નરે, પામ્યા પરમ પ્રાપ્તિ પાવનરે ।

એમ વે’તી કીધી છે જો વાટરે, બ્રહ્મમોહોલ માંહિ જાવા માટરે ।।૧૪।।

જેજે જીવ પામીયા સંબંધરે, તેના છોડાવિયા ભવ બંધરે ।

આપ પ્રતાપે અક્ષરધામેરે, સહુને પો’ચાડિયા ઘનશ્યામેરે ।।૧૫।।

કેના જોયા નહિ ગુન્હા વાંકરે, એવો આજ વાળ્યો આડો આંકરે ।

આ સમામાં જેનો અવતારરે, તેના ભાગ્ય તણો નહિ પારરે ।।૧૬।।

ત્યાગે કરી તપી ખપી જાયરે, તોયે પણ એ ધામે ન જવાયરે ।

સર્વે પાર છે સુખની સીમારે, જન સે’જે સે’જે જાય તેમાંરે ।।૧૭।।

સે’જે સે’જે આપેછે આનંદરે, સમરથ સ્વામી સહજાનંદરે ।

સિંધુ પર્યંત ભૂમિના વાસીરે, સહુ થયા એ ધામના નિવાસીરે ।।૧૮।।

એવો પ્રગટાવ્યો પોતે પ્રતાપરે, તેણે ઊદ્ધારિયા જન આપરે ।

એવાં કર્યાં અલૌકિક કાજરે, તોયે રિઝયા નહિ મહારાજરે ।।૧૯।।

જાણે હજીયે કાંયે ન કીધુંરે, મને સેવીને સુખ ન લીધુંરે ।

પામે સુખ મારી પૂજા કરીરે, અશન વસન ભૂષણે ભાવ ભરીરે ।।૨૦।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે નવમઃ પ્રકારઃ ।।૯।।