દોહા
પ્રેમે કરીને પૂજા તણી, હરિજને ન પૂરિ હાસ ।
સેવિ ન શકયા સ્વામીને, અતિ રહિ ગયો અપશોષ ।।૧।।
મત્સ્યાદિક મોર્યે ધર્યા, અસંખ્યાત અવતાર ।
કારજ નિમિત નવાં નવાં, તન ધર્યાં નિરધાર ।।૨।।
જળ સ્થળમાં જાણજો, અવતાર ધર્યા છે અનેક ।
સર્વે જીવને સુખ આપવા, હોય ન હોય એ એક ।।૩।।
સેવકને સેવી સુખ લેવું, કેવું થયા પુરણકામ ।
એમ ન માન્યું જન મન, ત્યારે પ્રગટિયા ઘનશ્યામ ।।૪।।
ચોપાઈ
મહા મોટા મત્સ્ય અવતારરે, પણ રહ્યા જળ મોઝારરે ।
માનવીએ તેને ન મળાયરે, વણ મળે અજ્ઞાન ન જાયરે ।।૫।।
અન્ન જળ અંબર આભૂષણરે, તેલ ફુલેલ સુગંધિ પણરે ।
અત્તર ચંદન પુષ્પની માળારે, તેણે પૂજી શું થયા સુખાળારે ।।૬।।
કર્યાં કાંયેક જીવનાં કાજરે, પછી પધાર્યા ધામ મહારાજરે ।
કચ્છ પ્રભુ પણ કૃપા કરીરે, આવ્યા જન અર્થે તન ધરીરે ।।૭।।
જે અર્થે આવ્યા અવિનાશરે, કર્યો તે તને તેવો સમાસરે ।
બહુ જીવને અર્થ ન આવ્યારે, આવી દેવ દાનવ સમજાવ્યારે ।।૮।।
વપુ વારાહ વાલમ લીધુંરે, પૃથ્વીનું તે કાર્ય કીધુંરે ।
તેને પણ બીજાં બહુ મળીરે, સુખ ન લીધું સેવિને વળીરે ।।૯।।
નૃસિંહ રૂપ નઊત્તમ તનરે, ધારી ઊધ્ધારિયા નિજજનરે ।
પણ ક્રોધે ભર્યા ભયંકારરે, કેમ સેવિ શકે નરનારરે ।।૧૦।।
વામનજીએ વપુને ધારીરે, લીધી પૃથવી પડ વધારીરે ।
બલી બોલે બાંધ્યો બહુપેરરે, પછી વર દઈ વસિયા ઘેરરે ।।૧૧।।
પરશુરામ રૂપે પ્રગટ થઈ રે, કરી નક્ષત્રિ પૃથવી લઈરે ।
તેમાં સહુનો ન થયો સમાસરે, સેવી સુખ ન પામિયા દાસરે ।।૧૨।।
રામરૂપ ધરી થયા રાજરે, કર્યાં મોટાં મોટાં બહુ કાજરે ।
તેતો લખાણાં લાખો ઠેકાંણેરે, દેવ દાનવ માનવ જાણેરે ।।૧૩।।
પણ દીન દાસ રહી પાસરે, પૂજી પુરી કરી નહિ આશરે ।
શું આપીને ઓશગલ થાયરે, રાંકે રાજાને કેમ પૂજાયરે ।।૧૪।।
કૃષ્ણાવતારમાં ક્રીડા કરીરે, બહુ તાર્યા એ અવતાર ધરીરે ।
તે છે વાત પુરાણે પ્રસિદ્ધરે, લખી વ્યાસજીએ બહુ વિધરે ।।૧૫।।
દિધાં સેવકને સુખ ભારીરે, સેવી સુખ પામ્યા નરનારીરે ।
પણ એમના એમ ન રહ્યારે, પછી રાજાઅધિરાજ થયારે ।।૧૬।।
ત્યારે સહુને મળ્યાનું સુખરે, ન રહ્યું થયું દાસને દુઃખરે ।
બુદ્ધ કલકિ બે અવતારરે, પ્રયોજને પૃથવી મોઝારરે ।।૧૭।।
તેતો કરીલિયે જયારે કામરે, પાછા પધારે પોતાને ધામરે ।
એહ આદિ બહુ અવતારરે, તેતો અવતારીના નિરધારરે ।।૧૮।।
પણ સર્વે રીતે સુખકારીરે, તેતો પુરૂષોત્તમ અવતારીરે ।
તેહ પોતે પધાર્યા છે આજરે, અક્ષરધામના ધામી મહારાજરે ।।૧૯।।
માટે સર્વે રીતે સેવ્યા જેવારે, આજ અલબેલો થયા છે એવારે ।
સહુ જનની પુરવા હામરે, આવ્યા આપે કહું ઘનશ્યામરે ।।૨૦।।
ઈતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરૂષોત્તમપ્રકાશ મધ્યે દશમઃ પ્રકારઃ ।।૧૦।।