રાગ : કેદારો પ્રભાતી
પદ-૧
ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાસે;
કોટિ રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિષે નાથ ભાસે... ધ્યાન૦ ૧
શિર પર પુષ્પનો મુગટ સોહામણો, શ્રવણ પર પુષ્પના ગુચ્છ શોભે,
પુષ્પના હારની પંક્તિ શોભે ગળે, નીરખતાં ભક્તનાં મન લોભે... ધ્યાન૦ ૨
પચરંગી પુષ્પના કંકણ કર વિષે, બાંયે બાજુબંધ પુષ્પ કેરા,
ચરણમાં શ્યામને નેપુર પુષ્પના, લલિત ત્રિભંગી શોભે ઘણેરા... ધ્યાન૦ ૩
અંગોઅંગ પુષ્પનાં આભરણ પહેરીને, દાસ પર મહેરની દષ્ટિ કરતાં ,
કહે છે મુક્તાનંદ ભજ દઢ ભાવશું, સુખ તણા સિંધુ સર્વે કષ્ટ હરતા..ધ્યાન૦
પદ-૨
પ્રીત કર પ્રીત કર પ્રગટ પરબ્રહ્મ શુ, પર હર અવર પંપાળ પ્રાણી,
પરોક્ષથી ભવ તણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્ય વાણી..પ્રીત૦ ૧
કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે, પાસે જઈ પ્રીત શું સેવે જયારે,
તેમ જે પ્રગટ પુરુષોત્તમ પ્રીછશે, થાશે હરિજન તત્કાળ ત્યારે... પ્રીત૦ ૨
પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુનિકા કપિવૃંદ કોટી,
વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી...પ્રીત૦ ૩
શ્રી નારાયણ સ્વામીને પરહરી, જાર ભજનાર સર્વે ખ્વાર થાશે,
કહે છે મુક્તાનંદ પ્રગટ ભજ પ્રાણીયા, અદ્યતણા ઓઘ તત્કાળ જાશે...પ્રીત૦ ૪
પદ-૩
રાત રહે પાછલી ચાર ઘટિકા તૈયેં, સંતને શયન તજી ભજન કરવુ,
સ્વામિનારાયણ નામ ઉચ્ચારવું, પ્રગટ પરબ્રહ્મનું ધ્યાન ધરવું... રાત૦ ૧
તે સમે આળપંપાળ બકવું નહિ, ચિત્ત હરિચરણમાં પ્રોઈ દેવું;
ગૃહસ્થને જગત જંજાળને પરહરી, કૃષ્ણ ગોવિંદ ગોપાળ કહેવું... રાત૦ ૨
ભજન તજી એ સમે અન્ય ઉદ્યમ કરે, નારકી થાય તે નર ને નારી;
તે માટે અમૂલખ અવસર પામીને, હરિજન સર્વ લેજો વિચારી... રાત૦ ૩
દુર્લભ સાજ તે સુગમ શ્રીહરિ કર્યો, ખોયલા દિવસની ભાંગી ખામી;
કહે છે મુક્તાનંદ ભજ દઢ ભાવ શુ, શ્રીનારાયણ સત્ય સ્વામી... રાત૦ ૪
પદ-૪
ભજન કર ભાવ શું પ્રગટ પરબ્રહ્મનું, રાખ હરિરૂપમાં મન તારું;
પ્રગટના ભજનથી પરમસુખ પામીએ, ઉર થકી નાશ પામે અંધારું...ભજન૦
નખશિખ નાથની મૂર્તિ સોહામણી, ચરણનાં ચિહ્ન સંતાપ ટાળે,
પ્રેમ શું ચિંતવે ચરણ શ્રીહરિતણાં, ગ્રંથી ગાળે કામ સર્વે બાળે... ભજન૦
નખતણી પંક્તિની જ્યોત નિતનિત નવી, ઉદરમાં ત્રિવળી અધિક શોભે;
ઉર વિષે શ્રીવત્સ ચિહ્નને નિરખતાં, સંતના ચિત્ત તત્કાળ લોભે... ભજન૦
નેણ ને વેણ ચિત્તચોર સોહામણાં, પરમ ઉદાર અતિચતુર સ્વામી;
કહે છે મુક્તાનંદ ભજ દઢ ભાવ શું, પ્રગટ પ્રમાણ એ અંતરજામી...ભજન૦