પ્રભાતે ઉઠીને પ્રાણી, ગોવિંદ કેમ નથી ગાતો રે (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:10pm

 

રાગ : ભૈરવ

પદ - ૧

પ્રભાતે ઉઠીને પ્રાણી, ગોવિંદ કેમ નથી ગાતો રે;

આઠ જામ ધામ ધન અર્થે , કામ થકી નથી કાતો રે. પ્રભાતે૦

માતતણા ઉદરની માંહી, અહોનિશ તું અકળાતો રે;

જઠરાનળની બળતો ઝાળે, અતિ કષ્ટ તુંને થાતો રે. પ્રભાતે૦ ૧

તે દુઃખમાંથી બારો કાઢ્યો, માયાનો મદ માતો રે;

પરધન પરસ્ત્રિય કારણ ડોલે, બોલે મુખ મરડાતો રે. પ્રભાતે૦ ૨

ગર્ભમાંહી નિત્ય ગરજુ થઇને, ખુટલ તું સમ ખાતો રે;

તે હરિથી અવળો થઇ ચાલે, લંપટ નથી લજાતો રે. પ્રભાતે૦ ૩

જમપુરીમાં જમવાનો બાંધ્યો, ભુંડપ કેરો ભાતો રે;

બ્રહ્માનંદ કહે હજી સમજ તો, ઉગરીશ જાતો જાતો રે. પ્રભાતે૦ ૪

 

પદ - ૨

પ્રભાતે ઉઠીને પ્રાણી, ગાયે ગિરિવરધારી રે;

શ્યામ સુંદરવર જનમ સંગાથી, કમળનેન સુખકારી રે. પ્રભાતે૦

પાપરૂપ મન દુષ્ટ પૂતના, વિષદાયક વ્યભિચારી રે;

માત સમાન મુક્તિ જેની કીધી, આવા દેવ મોરારી રે. પ્રભાતે૦ ૧

ભારતમાં ભિષ્મ પણ રાખ્યો, પણ પોતાનો હારી રે;

પાંડવ તણા જગનમાં પોતે, પંક્તિ ભોમ સમારી રે. પ્રભાતે૦ ૨

અંતરભાવ અલૌકિક જેનો, તે સાથે અતિ રાજી રે;

નૃપ પકવાન્ન તજીને જમીયા, વિદુર ઘરે તરકારી રે. પ્રભાતે૦ ૩

પતિવરતા કઇ પડી રહીને, તારી પંચભર્તારી રે;

બ્રહ્માનંદ કહે પ્રેમ કરીને, રટીએ કુંજવિહારી રે. પ્રભાતે૦ ૪

 

પદ - ૩

પ્રભાતે ઉઠીને પ્રાણી, ધ્યાન હરિનું ધરવું રે;

આળ પંપાળ મિથ્યા એ ટાણે, કાંઇ બીજું નવ કરવું રે. પ્રભાતે૦

સહિત કલંગી પાઘ સુરંગી, જોઇ મગન થઇ ફરવું રે;

ભાલ તિલક શુભ રેખને ભાળી, કાળ થકી નવ ડરવું રે. પ્રભાતે૦ ૧

ભ્રકુટિ નેન કમળ ભુધરનાં, લખી અંતરમાં ઠરવું રે;

પૂરણ ચંદ્ર સરીખું પ્રભુનું, મુખ ક્ષણ નહિ વિસરવું રે. પ્રભાતે૦ ૨

કરણ છબી ભુજ જુગલ કૃષ્ણનું, ભૂષણ સહિત વિસરવું રે;

હાર યુક્ત પંકતું ઉર હરિનું, ત્યાંથી નવ નિસરવું રે. પ્રભાતે૦ ૩

ઉદર નાભિ ઉરુ જાનુ જંઘા, ચરણ કમળમાં ફરવું રે;

બ્રહ્માનંદ કહે એ છબી ઉર ધરી, બીજું સર્વ પરહરવું રે. પ્રભાતે૦ ૪

 

પદ - ૪

પ્રભાતે ઉઠીને પ્રાણી, શ્રીઘનશ્યામ સંભારો રે;

મંગળરૂપ મનોહર મૂર્તિ, લઇ અંતરમાં ધારો રે. પ્રભાતે૦

અશરણ શરણ કૃષ્ણ અવિનાશી, નટવર નંદ દુલારો રે;

મોરલીધર મોહન મધુસુદન, એવાં નામ ઉચ્ચારો રે. પ્રભાતે૦ ૧

ભરત ખંડમાં નરતન પામ્યા, અવસર આવ્યો સારો રે;

નંદકુમાર ચરણ ચિત્ત ધારી, વિષય વિકાર વિસારો રે. પ્રભાતે૦ ૨

ભજીએ રંગ સહિત ભૂધરને, તજીએ સંગ નઠારો રે;

કુળ મરજાદા મેલીને કરીએ, પ્રાણજીવનને પ્યારો રે. પ્રભાતે૦ ૩

સાચા સંતની સોબત કરીને, કર્મનો ભાર ઉતારો રે;

બ્રહ્માનંદ કહે હરિ ભજો તો, સરશે અર્થ તમારો રે. પ્રભાતે૦ ૪

Facebook Comments