અધ્યાય - ૫૧ - ભગવાન શ્રીહરિએ ત્યાગી સાધુઓ માટેના મહાદીક્ષાવિધિનું કરેલું વર્ણન.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 6:38pm

અધ્યાય - ૫૧ - ભગવાન શ્રીહરિએ ત્યાગી સાધુઓ માટેના મહાદીક્ષાવિધિનું કરેલું વર્ણન.

ભગવાન શ્રીહરિએ ત્યાગી સાધુઓ માટેના મહાદીક્ષાવિધિનું કરેલું વર્ણન.

ભગવાન શ્રીનારાયણ મુનિ કહે છે, હે પુત્રો ! હવે તમને ત્યાગી સાધુઓના મહાદીક્ષાવિધિનો ક્રમ કહું છું. તે ક્રમથી જ ગુરુએ શિષ્યને દીક્ષા આપવી. પરંતુ ક્રમ તોડીને ન આપવી.૧

સત્-અસત્, શુભ-અશુભ, ગુણ-અવગુણના વિવેકી ધીરજધારી મુમુક્ષુ તેમજ શ્રદ્ધાવાન એવા ત્રણે વર્ણના પુરુષ તીવ્રવૈરાગ્યના વેગથી જ્યારે ગૃહસ્થાશ્રમ છોડવાની ઇચ્છા કરે.૨

ત્યારે તે વૈરાગ્યવાન ગૃહસ્થે પ્રથમ પોતાની શાસ્ત્રવિધિ અનુસાર ઔર્ધ્વદેહિક ક્રિયા કરાવવી ને પછી પોતાના સંબંધીજનોની આજ્ઞા લઇને આચાર્યના શરણે આવવું.૩

ત્યારે ગુરૂએ પણ તે શિષ્યને પોતાની સમીપે થોડો કાળ રાખી તે ત્યાગીદીક્ષાનો અધિકારી છે કે નહિ તેની પરીક્ષા કરવી.૪

એ શિષ્ય પૂર્વોક્ત સુડતાલીમા અધ્યાયમાં કહેલાં લક્ષણોથી સંપન્ન છે કે નહિ ? તેની પરીક્ષા કરવી, તેમજ તે શિષ્ય અંધ છે ? કાણો છે ? જડબુદ્ધિનો છે ? કોઇ રોગથી ઘેરાયેલો છે ?.૫

તેની તપાસ કરીને પછી તેના તીવ્ર વૈરાગ્યની પરીક્ષા કરવી. તેનો સંતોના મંડળમાં મળી જાય એવો સ્વભાવ છે કે નહિ ? તેની પરીક્ષા કરવી.૬

પછી તેમના સંબંધીજનો અહીં આવીને કોઇ ફરી વિક્ષેપ નહિ કરે ને ? એમ વિચારી ગુરૂએ સ્વયં તપાસ કરાવવી.૭

જો સંબંધીજનો વિક્ષેપ કરે તેમ હોય તો શિષ્યને ફરી ઘેર મોકલવો. કદાચ સંબંધીજનો વિક્ષેપ ન કરે એમ હોય છતાં જો શિષ્યને વૈરાગ્યમંદ હોય તો પણ તેને ફરી ઘેર મોકલવો.૮

હે પુત્રો ! આ પ્રમાણે પરીક્ષા કરી જો શિષ્યને તીવ્રવૈરાગ્ય હોય, ત્યાગીના ધર્મ પાળવાની બહુ રૂચિ હોય, તે નક્કી કરીને પછીથી ગુરુએ પોતાના શરણે આવેલા શિષ્યને પોતાના આશ્રિત સાધુદ્વારા સાધુદીક્ષા અપાવવી.૯

આ દીક્ષા પણ એકાદશી કે દ્વાદશીના દિવસે આપવાની. દીક્ષાના આગલા દિવસે નિરાહાર ઉપવાસ કરવો.૧૦

દીક્ષા લેનાર શિષ્યે આગલા દિવસે કક્ષ, ઉપસ્થ અને અને બગલ સિવાય મુંડન કરાવવું. તેમજ આચાર્યે પૂર્વની માફક જ અહીં પણ સર્વતોભદ્ર મંડળની રચના કરાવવી.૧૧

પછી સ્નાન કરી શુદ્ધ થઇ શ્વેત વસ્ત્રધારી રહેલા શિષ્ય પાસે બ્રાહ્મણદ્વારા શ્રીરાધાકૃષ્ણ ભગવાનની પૂજા કરાવવી.૧૨

આચાર્યના શરણે રહેલા સાધુએ શરણે આવેલા શિષ્યને પ્રથમથી જ લાલમાટીથી રંગેલી કૌપીન અને બહિર્વાસ માટેની ધોતી તથા ઉપર ધારણ કરવાની કંથા આપવી.૧૩

વળી તે સાધુએ શિષ્યને ભિક્ષાપાત્ર અને જળપાત્ર પણ આપવું. ચાર જગ્યાએ ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરાવી તુલસીની બેવળી કંઠી પણ અર્પણ કરવી.૧૪

હે પુત્રો ! પછી સ્વયં આચાર્યે પૂર્વમુખે બેઠેલા શિષ્યને ઋષિ છંદ દેવતા આદિના સ્મરણ સાથે વિષ્ણુગાયત્રી મંત્રનો ઉપદેશ આપવો.૧૫

ને પોતાના આચાર્યના પ્રવરપરિમિત ત્રણ ગાંઠવાળી કપાસની નવીન એક યજ્ઞોપવીત શિષ્યને ધારણ કરાવવી.૧૬

પછી આચાર્યે જે નામના અંતે ''દાસ'' શબ્દ આવતો હોય એવું નામ આપવું. જેમ કે ''કૃષ્ણદાસ'' ''હરિદાસ'' વગેરે. અને ધર્મશાસ્ત્રમાં કહેલા ત્યાગી સાધુઓના ધર્મોનો તેમને ઉપદેશ આપવો.૧૭

પોતાની શક્તિ પ્રમાણે નિત્ય ભગવદ્ગીતાનો પાઠ કરે એવો ઉપદેશ આપવો. બાકીનો વિધિ પૂર્વે કહ્યો છે તેજ અહીં જાણવો.૧૮

હે પુત્રો ! આ રીતે ત્યાગીદીક્ષા પામેલા સાધુએ ગુરૂને દંડવત્ પ્રણામ કરવા. બીજા વૈષ્ણવ સંતો તથા બ્રહ્મચારીઓને પણ નમસ્કાર કરવા.૧૯

ગુરુકુલમાં નિવાસ કરીને અર્થાત્ સંતોના મંડળમાં નિવાસ કરીને ગુરૂની સેવા કરતાં કરતાં નિત્યે નિર્લોભાદિ એકાંતિક ધર્મોનું પાલન કરવું ને બ્રહ્મવિદ્યાનો અભ્યાસ કરવો. તે દીક્ષિત સાધુએ આળસનો ત્યાગ કરી ગુરૂ પાસેથી તૃતીય પ્રકરણના અઠ્ઠાવીસમાં અધ્યાયમાં કહેલો સાધુઓનો નિત્યવિધિ શીખવો. પ્રતિદિન તે વિધિ પ્રમાણેનું વર્તન કરવું.૨૧

પછી તે ત્યાગી સાધુએ કાયા, મન, વાણીથી ગુરૂનું હિત થાય તેમ વર્તન કરવું, બળદ જેમ પોતાના ધણીને વશ વર્તે તેમ એ સાધુએ ગુરૂને વશ વર્તવું.૨૨

સ્વયં બ્રહ્મરૂપ સ્થિતિવાળો હોય છતાં તે બુદ્ધિમાન સાધુએ ભગવાનનું દાસપણું ક્યારેય છોડવું નહિ. તેમજ ભગવાનના એકાંતિક સાધુઓની સેવા પણ છોડવી નહિ.૨૩

માન આદિ દોષોથી રહિત વર્તતા વિશુદ્ધ મનના એ સાધુએ યથાયોગ્યપણે સંતોના દાસ થઇને રહેવું, ને તેઓની ભર્ત્સના કે તર્જન આદિકને વિશેષપણે સહન કરવા.૨૪

ને તેમને વિષે પોતાના ઇષ્ટદેવ સાક્ષાત્ નારાયણની બુદ્ધિ રાખીને ભક્તિભાવપૂર્વક તે જેમ રાજી થાય તેમ આળસ મૂકીને તેમની નિત્ય સેવા કરવી.૨૫

હે પુત્રો ! જેમ ગૃહસ્થજનો પોતાની પત્ની, પુત્ર આદિકનાં દુર્વચનો સહન કરે છે. એજ રીતે તે સંતપુરુષોએ પોતાના કોઇ સ્વભાવને દૂર કરવા, ઉચ્ચારેલા હિતકારી કઠણ વચનો સ્વહિતાર્થે સહન કરવાં.૨૬

જે સાધુ સ્વૈચ્છિક વર્તન છોડીને સંતોને આધીન વર્તે છે તે સાધુ એકાંતિક ભક્ત થઇ પરમગતિરૂપ અક્ષરધામને પામે છે. ૨૭

આ ઉદ્ધવસંપ્રદાયમાં આવા વર્તનવાળા જે ત્યાગી સાધુજનોના ભક્ત થઇને રહેતા હોય ને તેઓમાંથી જેને મહાદીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા થાય તેવા પુરુષોનો વિશેષ વિધિ કહું છું.૨૮

હે પુત્રો ! પૂર્વોક્ત સાધુઓની મધ્યે જે સાધુઓ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સદ્ધર્મની અલ્પ સમયમાં જ પરિપક્વ દશા પામ્યા હોય કે પછી બહુ લાંબા સમયથી પામ્યા હોય.૨૯

તેમાંથી પણ જે સાધુઓ બ્રહ્મચર્યવ્રતના પાલન સાથે અલ્પાહાર કરતા હોય, સ્વાદ ઉપર વિજય મેળવ્યો હોય, કાયા, મન, વાણીથી કોઇનો દ્રોહ કરવારૂપ હિંસા ન કરતા હોય, નિષ્કપટભાવે ગુરૂભક્તિ કરતા હોય એ આદિ ધર્મના સદ્ગુણો જેના વર્તનમાં વૈરાગ્યાદિકથી પણ વધુ વર્તતા હોય.૩૦

અને આવા લક્ષણો વાળા સાધુઓની સેવામાં જે સાધુઓ અનુકૂળ થઇને વર્તતા હોય તથા જે સાધુઓ પોતાની શક્તિને અનુસારે સત્શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, આ ત્રણ શ્લોકમાં કહેલા લક્ષણવાળા સાધુઓ મહાદીક્ષા લેવાના અધિકારી કહેલા છે.૩૧

હે પુત્રો ! જે સાધુ પૂર્વોક્ત બ્રહ્મચર્યાદિ સર્વે નિયમોમાં પૂર્ણ હોય પરંતુ સત્શાસ્ત્રનો અભ્યાસ કરી વિદ્વત્તા પ્રાપ્ત ન કરી હોય છતાં જે અષ્ટાયોગની સાધના તત્ત્વપૂર્વક કરી હોય તે સાધુઓ પણ આ મહાદીક્ષાના અધિકારી કહ્યા છે.૩૨

જે સાધુને મહાદીક્ષા લેવાની ઇચ્છા થાય તેમણે આચાર્યને શરણે જવું. ને આચાર્ય પણ તે સાધુની મહાદીક્ષાના અધિકારપણાની સારી રીતે પરીક્ષા કરીને પછીથી જ મહાદીક્ષા આપવી.૩૩

દીક્ષાગ્રહણને યોગ્ય એકાદશી આદિક તિથિનો નિયમ, ભગવાનની પૂજા, હોમ, અને આગલા દિવસે ઉપવાસ વગેરે જે નિયમો છે તે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે નિયમો કહ્યા તે જ અહીં ત્યાગી સાધુઓની મહાદીક્ષામાં સર્વે જાણવા.૩૪

વિશેષમાં ગુરૂએ શિષ્યને શ્વેત કૌપીન અને શ્વેત ધોતી અર્પણ કરવી ને ઉપર ઓઢવાનો વસ્ત્રખંડ પણ શ્વેત અર્પણ કરવો.૩૫

વળી ગુરૂએ શિષ્યને કંઠમાં ધારણ કરવા યોગ્ય તુલસીની કંઠી બેવળી અર્પણ કરવી, શંખ, ચક્રની ગોપીચંદનની છાપ બન્ને બાહુમાં અર્પણ કરવી.૩૬

હે પુત્રો ! પછી ગુરૂએ પોતાના હૃદયકમળમાં શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરી બે હાથ જોડી બેઠેલા સાધુ શિષ્યને મહા અષ્ટાક્ષરમંત્રનો ઉપદેશ કરવો.૩૭

ને સ્વયં આચાર્યે આનંદમુનિ એવો શબ્દ જે નામની છેડે આવે એવું નામકરણ કરવું, જેમ કે, ''ઘનશ્યામાનંદમુનિ'' ''કૃષ્ણાનંદમુનિ'' વગેરે પછીથી તે સાધુએ ગુરૂને નમસ્કાર કરવા.૩૮

અને તે સાધુને આચાર્યે ધર્મનો ઉપદેશ કરતાં કહેવું કે, હે શિષ્ય ! તમે સદાય તમારૂં અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળજો.૩૯

તમે મનુષ્યજાતિની સ્ત્રીના આકારને જોશો નહિ. જો અજાણતાં પણ સ્ત્રીનું મુખ સ્પષ્ટપણે નજરમાં આવી જાય તો એક ઉપવાસ કરવો.૪૦

તમારે શાસ્ત્રોક્ત શુભ લક્ષણવાળા શાલિગ્રામની જેવા સમયે જેવા ઉપચાર મળેલા હોય તે વડે ભાવથી પ્રતિદિન સેવા પૂજા કરવી.૪૧

શ્રીમદ્ ભાગવતમાં રહેલા પંચમસ્કંધનો ધીમેથી-સમજાય તે રીતે ભોજન કર્યા પહેલા શક્તિ પ્રમાણે પાઠ કરવો.૪૨

તમારે મિતાહાર કરવો. અલ્પ નિદ્રા કરવી ને ભક્તિનિષ્ઠાનો દૃઢ આશ્રય કરવો. વિરક્ત અને આત્મનિષ્ઠ વર્તી પોતાના અષ્ટાંગ બ્રહ્મચર્યવ્રતમાં દૃઢ રહેવું. બ્રહ્મચર્યવ્રતનો તો મહા આપત્કાળમાં પણ ત્યાગ ન કરવો.૪૩

હે શિષ્ય ! આ મેં કહેલા સર્વે ધર્મો તથા ત્યાગીઓને માટે શાસ્ત્રોમાં જે ધર્મો કહ્યા છે તે સર્વે ધર્મો મારી આજ્ઞાથી જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી યથાર્થ પાળવા.૪૪

આ પ્રમાણે આચાર્યે મહાદીક્ષા પામેલા આત્મનિવેદી સાધુને શિક્ષણ આપવું. સાધુની મહાદીક્ષામાં આટલો જ વિધિ વિશેષ છે. બાકીનો સર્વે વિધિ પૂર્વવત્ જાણવો.૪૫

હે પુત્રો ! આ પ્રમાણે ગુરૂ રામાનંદ સ્વામીએ કહેલો શાસ્ત્રસંમત ત્યાગી સાધુઓનો દીક્ષાવિધિ તમને મેં કહ્યો. આ પ્રમાણે સામાન્ય કે મહાદીક્ષા પામેલા બ્રહ્મચારીઓએ કે ત્યાગી સાધુઓએ દ્વારિકાની યાત્રા અવશ્ય કરવી.૪૬

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ આચાર્યોને કહેલા દીક્ષાવિધિમાં ત્યાગીના મહાદીક્ષાવિધિનું નિરૂપણ કર્યું એ નામે એકાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૧--