અધ્યાય - ૫૨ - ભગવાન શ્રીહરિએ સામાન્ય કે મહાદીક્ષા પ્રાપ્ત કરનારાથી ભગવાનનો અપરાધ ન થાય તે માટે કહેલા સાધારણ ધર્મો.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 6:45pm

અધ્યાય - ૫૨ - ભગવાન શ્રીહરિએ સામાન્ય કે મહાદીક્ષા પ્રાપ્ત કરનારાથી ભગવાનનો અપરાધ ન થાય તે માટે કહેલા સાધારણ ધર્મો.

ભગવાન શ્રીહરિએ સામાન્ય કે મહાદીક્ષા પ્રાપ્ત કરનારાથી ભગવાનનો અપરાધ ન થાય તે માટે કહેલા સાધારણ ધર્મો. અપરાધ થવાનાં ભયસ્થાનો.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! આ ઉદ્ધવસંપ્રદાયને વિષે સામાન્ય કે મહાદીક્ષા જે પુરુષો પામ્યા હોય તેમણે પ્રતિદિન શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરવી.૧

તે સર્વે જનોએ નિત્યપૂજા માટે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પણ ઉદ્ધવસંપ્રદાયના આચાર્ય થકી જ રૂચી પ્રમાણે પ્રાપ્ત કરવી.૨

દીક્ષા પામેલા ત્રૈવર્ણિક જનોએ તથા સત્શૂદ્રોએ તેમજ ચોથા આશ્રમવાળા બ્રહ્મચારી તથા ત્યાગી સાધુઓએ પણ શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પૂજવી, પરંતુ અન્ય અસત્શૂદ્રોએ પ્રતિમાની પૂજા ન કરવી.૩

તેમાં પણ આચાર્યે જેની પ્રતિષ્ઠા કરીને અર્પણ કરી હોય તેવી જ ચિત્રપ્રતિમા કે ધાતુપ્રતિમા પૂજન કરવા યોગ્ય છે. પરંતુ બીજી મૂર્તિઓને વંદન કરવા.૪

अकालमृत्युहरणं सर्वव्याधिविनाशनम् । विष्णोः पादोदकं तीर्थं जठरे धारयाम्यहम् ।। ६

હે પુત્રો ! પૂજાને અંતે ભગવાનનું ચરણોદક જમણા હાથની અંજલીમાં ગ્રહણ કરીને પ્રતિદિન આ મંત્ર બોલતાં બોલતાં પાન કરવું કે 'અકાળમૃત્યુને હરણ કરતા, તેમજ સર્વવ્યાધિનો વિનાશ કરતા, સમગ્ર તીર્થ સ્વરૂપ, શ્રીવિષ્ણુ ભગવાનના પાદોદકને હું મારા જઠરમાં ધારણ કરું છું.'૫-૬

આવી રીતે પાદોદકનું પાન કરવાથી કોટી જન્મના પાપ નાશ પામે છે. પરંતુ જો ચરણોદકનું એક પણ બુન્દ ભૂમિ ઉપર પડે તો તેનું આઠગણું પાપ થાય છે. માટે ચરણોદક પૃથ્વી પર ન પડે તેનું બરાબર ધ્યાન રાખવું.૭

દીક્ષિત સર્વ જનોએ સર્વપ્રકારે આળસનો ત્યાગ કરી રમાપતિની પ્રતિદિન દૃઢ નવધાભક્તિ કરવી.૮

અપરાધ થવાનાં ભયસ્થાનો :- હે પુત્રો ! આપણા આ ઉદ્ધવસંપ્રદાયમાં રહી ભગવદ્ ભક્તિ કરતા સર્વે જનો જે રીતે ભગવાનનો અપરાધ ન થાય, તે જ રીતે સદાય વર્તવું.૯

વાહનમાં બેસીને કે પાદુકા પહેરીને મંદિરે જવાથી ભગવાનનો અપરાધ થાય છે. ભગવાનના જન્મોત્સવાદિ ઉત્સવો થતા હોય તેમાં સેવા ન કરે તો અપરાધ થાય છે. ભગવાનની આગળ પસાર થાય ને પ્રણામ ન કરે તો અપરાધ થાય છે.૧૦

મંદિરમાં ભગવાનથી ઊંચા આસને બેસે તો અપરાધ થાય છે. મંદિરમાં એકલી સ્ત્રીની સાથે માત્ર એકલા પોતાની ક્ષણવારની સ્થિતિ થાય તો અપરાધ થાય છે.૧૧

ભોજન કર્યા પછી હસ્ત કે મુખની બરાબર શુદ્ધિ ન કરી હોય અથવા મળ-મૂત્રનો ત્યાગ કરી નિયમાનુસાર શુદ્ધ ન થયો હોય, તથા જે અપવિત્ર હોય, જન્મ-મરણનું સૂતક હોય તથા ગ્રહણનું સૂતક ચાલતું હોય તે સમયે ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરે તો અપરાધ થાય છે. એક હાથે નમસ્કાર કરે, મંદિરમાં અપશબ્દો બોલે, ભગવાનની આગળ પગ લાંબા કરીને બેસે, ઢીંચણને બાંધીને બેસે કે સૂઇ જાય તો ભગવાનનો અપરાધ થાય છે. ભગવાનની આગળ કાંઇ પણ મુખમાં રાખી ભક્ષણ કરે, ખોટુ બોલે, ઊંચે સાદે બરાડા પાડી બોલે, રુદન કરે કે કોઇને તાડન કરે, કજીયો કરે તો ભગવાનનો અપરાધ થાય છે. બુદ્ધિપૂર્વક સ્ત્રીના રૂપ-વય આદિકને જુએ, સ્ત્રીના અંગનો સ્પર્શ કરે, તેની સાથે કઠોર વચનોનું ઉચ્ચારણ કરે તો ભગવાનનો અપરાધ થાય છે.૧૨-૧૪

હે પુત્રો ! નિરાહાર ઉપવાસ કરવાની સામર્થી હોય છતાં વ્રતાદિકના દિવસે ફલાહારાદિનો સ્વીકાર કરી ગૌણ ઉપવાસ કરે છે, ભગવાનને નિવેદન કર્યા વિનાના ફલાદિકનું ભક્ષણ કરે છે, ભગવાનની આગળ અધોવાયુનું ઉત્સર્જન કરે છે તો ભગવાનનો અપરાધ થાય છે. ભગવાનની આગળ પગ ઉપર પગ ચડાવી બેસે, ગ્રામ્યવાર્તા કરવા લાગે અને પોતાના મુખે પોતાના વખાણ કરે તો ભગવાનનો અપરાધ થાય છે. ભગવાનન પૂંઠવાળીને બેસે તો ભગવાનનો અપરાધ થાય છે. શ્રીહરિની નવધા ભક્તિ માં આ ઓગણત્રીસ અપરાધો ગણાવ્યા. તે સિવાયના બીજા પાંચ અપરાધો પણ ન કરવા જેવા કે, જે સમયે જે ફળ થતાં હોય તે ભગવાનને અર્પણ ન કરવાં, ભગવાનની આગળ કોઇના ઉપર અનુગ્રહ કરવો, કોઇનું અભિવાદન કરવું, ભગવાનની આગળ બીજાની સ્તુતિ કરવી, કે ભગવાનની આગળ કોઇની નિંદા કરવી. હે પુત્રો ! ભગવાનની નવધા ભક્તિમાં આ પાંચ પણ ભગવાનના અપરાધનું કારણ છે. માટે તે ન કરવા.૧૫-૧૬

તેટલા જ માટે ભગવાનને અતિશય રાજી કરવા ઇચ્છતા ભગવાનના પૂજારી ભક્તે આપત્કાળ પડયા વિના આ અપરાધો ન થાય તે માટે પ્રયત્નપૂર્વક ધ્યાન રાખવું.૧૭

આ કહ્યા એ અપરાધોમાંથી કોઇ પણ એક અપરાધ પ્રમાદથી કે અસાવધાનીથી થઇ જાય તો રમાપતિભક્તે એક ઉપવાસ કરવો.૧૮

ને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી ભગવાનની વિનયથી સ્તુતિ કરીને આદરથી આ મંત્ર બોલતાં બોલતાંભગવાન પાસે અપરાધોની ક્ષમા માગવી કે, હે પુરુષોત્તમ ! હું રાત્રી દિવસ હજારો અપરાધો કરું છું, તો તમે "આ મારો દાસ છે" એમ મને જાણીને તે તે અપરાધોની ક્ષમા આપો.૧૯-૨૦

હે પુત્રો ! દીક્ષા પામેલા સર્વેજનોએ પોતાના આચાર્યનું ચરણોદક અને પ્રસાદીનું અન્ન કેવળ સ્વીકારવું. પરંતુ આચાર્ય સિવાય બીજા કોઇનું ક્યારેય પણ ગ્રહણ કરવું નહિ.૨૧

તેમાં પણ પોતાના વર્ણ, આશ્રમ, દેશ, કુળ, પુર, ગામ, આદિના ધર્મોનું સાંકર્યપણું ન થાય તેમજ સમાજ તથા જ્ઞાતિમાં પોતાને જુદો ન કરે એ રીતે જોઇ વિચારીને ગ્રહણ કરવું.૨૨

આચાર્યે જે ફળાદિકને પોતાના દાંતથી તોડીને પ્રસાદી કરી આપેલું હોય તો તે ન ખાવું. આ મર્યાદા ઉદ્ધવસંપ્રદાયની છે. તેથી આચાર્યોએ એવી રીતે પ્રસાદી ન આપવી.૨૩

હે પુત્રો ! આ પ્રમાણેની પોતાની ધર્મમર્યાદામાં જે દીક્ષિતજનો વર્તે છે, તે જ્ઞાન, વૈરાગ્ય સંપન્ન એકાંતિક ભક્તો કહેલા છે.૨૪

તે ભક્તો દેહના અંતે દિવ્ય દેહને ધારણ કરી સૂર્યની સમાન દેદીપ્યમાન દિવ્ય વિમાનમાં બેસી વિષ્ણુના ગોલોક નામના પરમ ધામને પામે છે.૨૫

તે ધામને વિષે તે ભક્તોની શ્રીદામા, નંદ, સુનંદ આદિ પાર્ષદો સેવા કરે છે, તે ભક્ત ત્યાં શ્રીરાધિકાપતિ એવા શ્રીકૃષ્ણ ભગવાનને પામીને પોતાને ઇચ્છીત સુખ પ્રાપ્ત કરે છે.૨૬

હે પુત્રો ! ધર્મવંશી આચાર્યોએ આ બન્ને પ્રકારની દીક્ષા માત્ર પુરુષોનેજ આપવી પરંતુ સ્ત્રીઓને ક્યારેય ન આપવી, સ્ત્રીઓને તો પોતાની પત્ની દ્વારા દીક્ષા અપાવવી.૨૭

હે પુત્રો ! ગુરુઓ સ્ત્રીઓને દીક્ષા આપે તો તેઓના અતિ સહવાસથી ધર્મભ્રષ્ટ થઇ પાપયુક્ત બની વિનાશ પામે છે.૨૮

અને આવો ધર્મભ્રષ્ટ ગુરૂ પોતાના સંપ્રદાય પ્રવર્તક આચાર્ય ઉદ્ધવજીને દોષિત કરી ગુરૂદ્રોહી થાય છે. માટે સ્ત્રીઓને દીક્ષા ક્યારેય ન આપવી.૨૯

હે પુત્રો ! આ પ્રમાણે મેં તમને સંક્ષેપથી દીક્ષાવિધિ કહ્યો. આ વિધિના સેવનથી સર્વે મનોરથ સિદ્ધ થાય છે.૩૦

સાક્ષાત્ ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામીએ કૃપા કરીને આ દીક્ષાવિધિનો પ્રકાર મને ઉપદેશેલો છે, તે જ વિધિ મેં તમને કહ્યો.૩૧

માટે દીક્ષાવિધિનું તમને જ્ઞાન થાય તે માટે જ આ વિધિ મેં કહ્યો છે. એને સારી પેઠે તમારા ચિત્તમાં ધારણ કરો ને શરણે આવેલા શિષ્યોને અધિકારને અનુસારે દીક્ષાપ્રદાન કરો.૩૨

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં દીક્ષિત પુરુષોને ભગવાનનો અપરાધ ન થાય તેની સાવધાની માટે સાધારણ ધર્મો કહ્યા એ નામે બાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૨--