મંત્ર (૧૯) ૐ શ્રી જીતેન્દ્રિયાય નમઃ
શતાનંદસ્વામી કહે છે - હે મહારાજ ! તમે ઈન્દ્રિયોને જીતનારા છો, ઈન્દ્રિયો અને અંતઃકરણને વશ કરનારા છો. આપણે તો બધા ઈન્દ્રિયો અને અંતઃકરણ કહે તેમ કરીએ છીએ. ભગવાન ઈન્દ્રિયો કહે તેમ કરતા નથી, એની ઈચ્છા મુજબ વર્તે છે.
-: ખેલ કરાવો ભગવાનમાં :-
વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે કે - અંતઃકરણને અમે પકડી લઈએ છીએ, જેમ સહ બકરાંને પકડે તેમ અમે અમારાં અંતઃકરણને પકડી લઈએ છીએ, અને બીજાના અંતઃકરણને પણ પકડી લઈએ છીએ. ભગવાન સિવાય કોઈની તાકાત નથી કે બીજાનાં અંતઃકરણને તે પકડી શકે. પોતાના મનને પોતે વશ ન કરી શકે તો બીજાની કયાં વાત ?
સારંગપુરની લીલા સાંભળો બહુ મજા આવશે, ઘણું ઘણું જાણવાનું મળશે, ભગવાન સ્વામિનારાયણ સારંગપુર પધાર્યા. એક આશ્વ ઊપર બેઠા અને ઘોડાને એવો જોરથી દોડાવ્યો, આમ દોડે તો તેમ રાસ ખેંચે, ઘોડો આમ છલાંગ ભરે તો અવળી લગામ ખેંચે, જાણે ગરુડની ગતિ જોઈ લ્યો. શ્રીજીમહારાજ કેવા શોભે છે.
શ્વેત વસ્ત્રનું છોગલું ફરકતું જાય, જાણે હમણાં પાઘ ઊતરી જાશે. શ્રીજી-મહારાજના શરીરે પરસેવાનાં બદુ મોતી જેવાં શોભે છે. ઘોડો દોડી દોડીને હાંફી ગયો, શ્વાસ એક દંડો ચાલું થઈ ગયો, બધાં અંગ નરમ થઈ ગયાં, ત્યારે ભગવાને ઘોડાને ઉભો રાખીને પાણી પાયું ને ઘાસ નાખ્યું.
પછી સ્વામિનારાયણ ભગવાન સભામાં બિરાજમાન થયા ત્યારે સુરાખાચરે પૂછ્યું, "પ્રભુ ! તમે આજે અશ્વને ખૂબ દોડાવ્યો એવા અમે કયારેય દોડાવતા દીઠા નથી, દોડાવવાનું કારણ શું ?" ત્યારે પ્રભુ બોલ્યા, "કારણ તો એ છે કે આ અશ્વને એના ધણીએ બાંધ્યો ને બાંધ્યો રાખ્યો છે. ખાવા પીવા બરાબર આપે પણ જરાય એની પાસેથી કામ ન લે, તેથી તે ઘોડો ઊન્મત્ત થઈ ગયો હતો. એનો મદ ઊતારવા આજે અમે એને ખૂબ દોડાવ્યો."
શ્રીજીમહારાજ વાતની વાતમાં ઘડતર કરે. મૂળ વાત એ છે કે, માણસ માત્રની ઈન્દ્રિયો આ ઘોડા જેટલી જ ચંચળ છે. ઈન્દ્રિયો રૂપી અશ્વ છે તેની પાસેથી કામ ન લો તો ઊન્મત્ત બની જાય છે.
ઈંદ્રિયોની ઊન્મત્તાઈ ટાળવી હોય તો ખેલ કરાવો. ભગવાનનાં, કથા કીર્તન સાંભળી તમારી ઈન્દ્રિયોને ભગવાનમાં જોડો. ભગવાનનું રૂપ જોઈને તમારી દૃષ્ટિને ભગવાન સાથે જોડો. ભગવાનના ગુણો ગાઈને તમારી જીભને ભગવાન સાથે જોડો. તો ઈંદ્રિયોનો બધો ગર્વ ઊતરી જશે અને ઈંદ્રિયો મોક્ષ આપનારી થાશે.
ઘોડો જેમ ઊન્મત્ત હતો, તેમ દેહ રૂષ્ટ પુષ્ટ થઈ જાય તો ઊપવાસ કરવો. ત્યારે ખબર પડે પગ કેવા ઢીલા થઈ જાય છે. ઈંદ્રિયો રૂપી અશ્વને નરમ કરવો હોય તો દંડવત્ પ્રણામ કરવા. પચાસેક દંડવત્ કરો તો મજાગરા નરમ થઈ જશે, બાકી બહેનોનાં પંચાંગ પ્રણામ સાવ સહેલાં છે, ધ્યાન ન રાખે તો ઊંઘ પણ આવી જાય. તો શું કરવું ? પ્રદક્ષિણા કરવી અને એક પગે ઉભીને તપની માળા ફેરવવી અને આસન જીતવું તો પગ જીતાય, માળા ફેરવીએ તો હાથની ચંચળતા પણ જીતાય. મંદિરમાં સાફસુફી કરવી, વાસીદું કાઢવું, ફૂલ વીણવા જવું, હાર પરોવવા, વાસણો માંજવાં, વૃધ્ધ સંતોની સેવા કરવી, વસ્ત્ર ધોઈ આપવાં, આવી બધી સેવાને તપ કહેવાય.
આ કથા આપણે બધાને સમજવા જેવી છે. માણસો આજ સુધી પોતાની ઈંદ્રિયોને ભોગ આપતો આવ્યો છે. આંખને રૂપ બતાવતો આવ્યો, જગતનાં રૂપ જોઈ જોઈને ધરાયો નહિ, તો છેલ્લી બાકી ટી.વી. જોઈને આંખને સંતોષે, રેડીયાનાં ગંદાં ગાણાં સાંભળીને કાનને સંતોષે, અનેક જાતના મેવા મિષ્ટાંન અને તીખાં તમતમતાં ભોજન જમીને જીભને સંતોષે, જગતની ચર્ચા કરી કરીને ગપ્પા મારી મારીને લવરીને સંતોષે, પછી ઈંદ્રિયો ઊધ્ધત ન થાય તો થાય શું ? હવે જો તે ઈંદ્રિયોનું દમન કરવામાં ન આવે, તો તેના ઊપર સવાર કરનાર જીવને નરકની ખાણમાં નાખે ને નાખે. ભગવાન તો જીતેન્દ્રિય છે જ, આપણને પણ જીતેન્દ્રિય બનાવવાનો બોધ આપે છે કે હે ભકતજનો ! જો તમે ઈંદ્રિયોના ગુલામ થશો તો ન જોવાનું જોશો, ન સાંભળવાનું સાંભળશો, ન બોલવાનું બોલશો, ન જવાનું હોય ત્યાં જશો, તો નરકમાં પડશો અને હેરાન થશો. શ્રીજીમહારાજે ઘોડાને ખૂબ દોડાવ્યો થકાવી નાખ્યો, તેમ આપણી ઈંદ્રિયોને સત્કર્મમાં અને સેવામાં, ભજન ભક્તિમાં ખૂબ કામ કરાવો.
આંખને ભગવાનનાં ધ્યાનનામાં એવી લગાડો, કે ખૂલવાનું મન ન થાય. બે ત્રણ કલાક સ્થિર થઈ જાવ. પગથી એવું આસન વાળો, થાકી જવાય તો ભલે પણ આસનથી ઉઠો નહિ, સતત પ્રાયસ કરતા રહે.
ઘોડાને બાંધ્યો ને બાંધ્યો રાખે તો ઘોડો અટકચાળો ને આળસુ થઈ જાય. એને ખેડવો જ પડે, દોડાવવો જ પડે, ધંધે લગાડવો જ પડે. તો જ સીધો ચાલે. નહિતર તોફાન કરે. પણ કોઈક દિવસ ચલાવો તો આગળને બદલે પાછો ચાલે. તો શું થાય ? નાખે ખાડામાં... તેમ ઈંદ્રિયોરૂપી અશ્વને તમે ભગવાન તરફ નહિ ફેરવો તો બગડશે, હઠીલું થઈ જાશે, આળસુ થઈ જાશે. પછી ચલાવશો આગળ ને ચાલશે પાછળ. પછી કહેશો ચાલ માળા ફેરવ તો નહિ ફેરવે. આંટા મારશે પણ એક જગ્યાએ બેસશે નહિ.
એકાગ્ર ચિત્તે થાવું કથામાં, દૃષ્ટિ જવા દેવી નહિ વૃથામાં,
ત્યારે જ તે ભક્તિ સાચી ગણાય, પ્રભુ તે ઊપર રાજી થાય,
ધીરે ધીરે ઈંદ્રિયોને જીતવાનો પ્રયાસ કરીશું તો મનનો ઘોડો અક્ષરધામ સુધી પહાચી શકશે, નહિતર કયાંક ખાડામાં નાખી દેશે. ખાડો કયો ખબર છે ? માના ગર્ભમાં નાખી દેશે, પછી ત્યાં ઊંધે માથે શીર્ષાસન કરીને નરકમાં આળોટશે, ફફડશે અને ગોથાં ખાશે. આ કથા આપણને સાવધાન કરે છે.
શ્રીજીમહારાજ શિક્ષાપત્રીમાં કહે છે, બધી ઈંદ્રિયોને જીતવી, તેમાં રસના ઈંદ્રિયને વિશેષે કરીને જીતવી. રસના ઈંદ્રિય એટલે જીભ. હવે તેને જીતવાની કથા આવે છે. શતાનંદસ્વામી કહે છે, પ્રભુ ! તમે કેવા છો ? સ્વયં જીતેન્દ્રિય છો અને જીતાહારી છો.