માતા પાર્વતી સાત્ત્વિક દેવી છે, કાલિકાદેવીનો ભગવાને નિષેધ નથી કર્યો, પણ એની આગળ થતી હિંસા અને દુષ્ટ ભાવ છે તેનો નિષેધ કર્યો છે.
ભગવાન નીલકંઠ વર્ણીએ વનવિચરણ કરતા કરતા શ્રાવણ વદ અષ્ટમીની રાત્રીએ એક વડલા નીચે વિશ્રાંતિ લીધી, એ વડલામાં કાળભૈરવ રહેતો હતો.
-: કોઈ ડરશો નહિ, હું બેઠો છું :-
તેની સાથે ઘણાં ભૂત પ્રેત પણ હતાં. ભૈરવે નીલકંઠવર્ણીને જોયા કે તરત દોડીને જાણે હમણાં મારી નાખું, પડકાર કર્યો, કોણ મારા વડલા નીચે બેઠો છે ? એને મારી નાખો, કાપી નાખો, કયાંય જગ્યા ન મળી તે અહિ આવ્યો ? જયાં દોડીને મારવા જાય ત્યાં હનુમાનજી આવી ગયા. વીરવેશમાં પડકાર કર્યો, મારા ઈષ્ટદેવ સામે આવા શબ્દ બોલનાર છે કોણ ? કિકિયારી કરીને માંડ્યા જેમ લાગ આવે તેમ ફટકારવા. ભૂત પ્રેત જાય ભાગ્યા, ભાગો.... ભાગો..... નહીતર જીવના જાશું. આ કોઈ જબરો વાંદરો આવ્યો છે.
પછી કાળભૈરવ આવ્યો. ખાઉં ખાઉં કરતો જયાં નજીક જાય ત્યાં હનુમાનજીએ એવી જોરદાર મુષ્ટિકાનો પ્રહાર કર્યો, કે તરત માથું ધડમાં પેસી ગયું. લોહી લુહાણ થઈ ગયો. જાય ભાગ્યો. ભગવાન નીલકંઠવર્ણી શાંતિથી વડ નીચે બેઠા છે. સામે હનુમાનજી બેઠા છે. તમોગુણી ભૈરવને હનુમાનજીએ ભીંસી નાખ્યો.
નીલકંઠવર્ણી આસામ પધાર્યા ત્યાં, કૌલપંથનો પિબેક આવ્યો હતો. બ્રાહ્મણ પણ વૈદિક ધર્મને પાળતો ન હતો. મંત્ર તંત્રથી અનેક સિધ્ધોને એણે શિષ્યો બનાવ્યા, જાણે મારા જેવો દુનિયામાં કોઈ નહિ. આવો અભિમાની. જાણે હું જ સાચો સિધ્ધ છું.
ભગવાન સાથે ઘણા યોગી હતા. પિબેક કહે છે; તમે બધા છો કોણ ? મને ઓળખો છો ? હું પરમ સિધ્ધ છું. તમારે જીવતા રહેવું હોય તો તમારી કંઠી અને જનોઈ કાઢી નાખો, મારા શિષ્ય થઈ જાઓ, નહિતર મારી નાખીશ. બધા યોગી ભયભીત થઈ ગયા, ભગવાન કહે છે, કોઈ ડરશો નહિ. હું બેઠો છું. તારાથી થાય તે કર.
ચિડાઈને પિબેકે મંત્ર તંત્રથી મૂઠ નાખી. વડ ઊપર મંત્રેલા અડદ ફકયા, લીલોછમ વડ તરત સુકાઈ ગયો, પીળાં પાદડાં મડ્યાં ખરવા. પિબેક બોલ્યો, જોયું વડને સૂકાતાં વાર ન લાગી, એમ તમને મારતાં વાર નહિ લાગે, માટે માની જાઓ મારા શિષ્ય થઈ જાઓ. યોગી બધા ગભરાઈ ગયા.
ત્યારે નીલકંઠવર્ણીએ કહ્યું, "કોઈ ડરશો નહિ, હું બેઠો છું," ભગવાન કડકાઈથી બોલ્યા, "પિબેક ! તારાથી થાય તે કર, જોઈ લઉં તારું પરાક્રમ. તારા જેવા મચ્છરિયાંથી શું થવાનું છે ?"
જેમ સર્પ છંછેડાય તેમ, દાંત કચકચાવી ગુસ્સે થઈને ભગવાન ઊપર અડદ નાખ્યા. ભગવાનને કાંઈ ન થયું. જેમ છે તેમ તટસ્થ બેઠા છે. ભગવાન હસીને બોલ્યા, "તારાથી જે થાય તે કરીલે, ધાર્યું બધું ભગવાનનું થાય છે." પિબેક મંડ્યો અંદર સળગવા. ધૂંધવાતો ધૂંધવાતો બોલ્યો, "અરે બાલાજોગી ! તું વગર મોતે મરી જઈશ, માટે મારો શિષ્ય થઈ જા, નહિતર હમણાં કાળભૈરવને બોલાવું છું, એ તને હમણાં હતો ન હતો કરી નાખશે."
પછી કાળભૈરવને મંત્રથી બોલાવ્યો. તે આવ્યો. શું કામ છે બતાવ ? પિબેકે કહ્યું, સામે બેઠેલો બાલાયોગી છે તેને મારી નાખ. દોડતો આવ્યો પણ કાળભૈરવ નજીક ન જઈ શકયો. પાછા ફરીને પિબેકને માર્યો. લોહી લુહાણ કરી નાખ્યો. બરાબર જેવો માર્યો, બેઠું નથી થવાતું, પિબેકનાં સગાં સંબંધી આવ્યાં ભગવાન પાસે અને માફી માગી.
થોડીવાર પછી પિબેક બેઠો થયો, વળી ભૈરવને કહ્યું ભગવાનને મારી નાખ. કાળભૈરવે દોડીને પિબેકને જ ધોકાવ્યો. ખૂબ માર્યો. ત્યારે ભગવાનને દયા આવી અને કહ્યું, "હે કાળભૈરવ ! તું પિબેકને જીવતો રાખ કેમ કે અમે તેનું અનાજ જમ્યા છીએ."
પછી પિબેકને સવળી સમજણ આવી, પગે લાગી માફી માગી કે મારી ભૂલ થઈ મને માફ કરો, તમારે શરણે લ્યો, તમો સાક્ષાત્ ભગવાન છો, મને મરતાં બચાવ્યો છે, હવે તમે જેમ કહેશો તેમ કરીશ. ત્યારે ભગવાન નીલકંઠવર્ણીએ કહ્યું, "જે તમે મલિન દેવના મંત્ર જપો છો તે છોડી દો. કૌલાવર્ણ છોડી દો અને વૈદિક મંત્રનું વાંચન, શ્રવણ કરી એને અનુસાર ભજન ભક્તિ કરો, પાઠ પૂજા કરો, જેથી તમારું સારું થશે."
શુધ્ધ સ્વસ્વરૂપની ઊપાસના પ્રવર્તાવવા માટે પ્રભુએ તામસી દેવનો નિષેધ કર્યો, સાધારણ માનવીઓ તામસી દેવથી બીવે છે, પણ બીવાની જરૂર નથી. એ બધા તામસી મંત્ર તંત્રવાળા છે. એનું જોર કાંઈ ન ચાલે. માટે હિંમતમાં રહીને પ્રભુનું ભજન કીર્તનનું બળ રાખવું, ભગવાનના આશરાનું બળ રાખવું, પણ જયાં ત્યાં માથાં ભટકાવવાં નહિ.