રાગ - ધોળ
પદ- ૧
હવે મારા વ્હાલાને નહિ રે વિસારું રે;
શ્વાસઊચ્છવાસે તે નિત્ય સંભારું રે. ૧
પડ્યું મારે સહજાનંદજી શું પાનું રે;
હવે હું તો કેમ કરી રાખીશ છાનુંરે. ૨
આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે;
એ વર ન મળે ખરચે નાણું રે. ૩
એ વર ભાગ્ય વિના નવ ભાવે રે;
એ સ્નેહ લગ્ન વિના નવ આવેરે. ૪
દુરીજન મન રે માને તેમ કહેજો રે;
સ્વામી મારા હૃદીયાની ભતર રહેજો રે. ૫
હવે હું તો પૂરણ પદવીને પામી રે;
મળ્યા મુને નિષ્કુળાનંદનો સ્વામી રે. ૬
પદ - ૨
હવે મારા વ્હાલાનાં દર્શન સારું;
હરિજન આવે હજારે હજારું. ૧
ઢોલિયે બિરાજે સહજાનંદ સ્વામી;
પૂરણ પુરુષોત્તમ અંતર જામી. ૨
સભા મધ્યે બેઠાં મુનિનાં વૃંદ;
તેમાં શોભે તારે વટ્યો જેમ ચન્દ. ૩
દુર્ગપુર ખેલ રચ્યો અતિ ભારી;
ભેળા રમે સાધુ ને બ્રહ્મચારી. ૪
તાળી પાડે ઊપડતી અતિસારી;
ધૂન થાય ચૌદ લોક થકી ન્યારી. ૫
પાઘલડીમાં છોગલીયું અતિ શોભે;
જોઇ જોઇ હરિજનનાં મન લોભે. ૬
પધાર્યા વહાલો સર્વે તે સુખના રાશી;
સહજાનંદ સ્વામી અક્ષરધામના વાસી. ૭
ભાંગી મારી જન્મો જન્મની ખામી;
મળ્યા મુને નિષ્કુળાનંદનો સ્વામી. ૮