રાગ - ગરબી
પદ-૧
કોડે કોડે એકાદશી કીજીએ રે ,
એવું વ્રત જાવા નવ દીજીએ રે... કોડે૦૧
એવું વ્રત કરે તે ધન્ય માનવી રે,
તેતો નાહ્યો કોટિકવાર જાહ્નવી રે... કોડે૦૨
જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું રે,
તેણે કારજ પોતાનું સરવે કર્યું રે... કોડે૦૩
એ નો મહીમા મુનિવર ગાય છે રે ,
અવિનાશી મળ્યાનો ઊપાય છે રે... કોડે૦૪
બ્રહ્માનંદ કહે એમાં હરિ રહ્યા વસીરે,
કીધી ઊદ્ધવ પ્રમાણે એકાદશી રે... કોડે૦૫
પદ - ૨
હરિજન હોય તે હરિને ભજે રે ,
વ્રત એકાદશી તે કદી નવ તજે રે... હ૦૧
જાણે માત સમાન પર નાર ને રે ,
ગણે તુચ્છ સરીખો સંસારને રે... હ૦૨
મદ્ય માંસ હરામ જે ને નવ ખપે રે ,
જીભે રાત દિવસ પ્રભુને ભજે રે... હ૦૩
માયા જીવ ઈશ્વરના જાણે મર્મ ને રે ,
રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે... હ૦૪
બ્રહ્માનંદના વહાલાની છબી ઊર ધરે ,
મતવાલો થઈને જગમાં ફરે રે... હ૦૫
પદ - ૩
ભલે આવી અનુપમ એકાદશી રે ,
મારે વહાલે મુજ સામું જોયું હસી રે... ભ૦ ૧
આજ વાધી આનંદ કે રી વેલડી રે ,
થઈ રસીયા સંગાથે રંગ રેલડી રે... ભ૦૨
લટકાળા કુંવર નંદલાલની રે ,
ચિત્તડામાં ખુતીછે છબી ચાલની રે... ભ૦૩
રંગ ભીનો ર મે રસ રં ગ માં રે ,
અતિ આનંદ થયો છે મારા અંગમાં રે... ભ૦૪
પ્રીતિ જાણી રસીલો વચને પડ્યા રે ,
બ્રહ્માનંદનો વ્હાલો મુજને મળ્યા રે... ભ૦૫
પદ - ૪
ધન્ય ધન્ય એકાદશી આજની રે ,
રૂડી નિરખી છબી વ્રજરાજની રે... ધ૦૧
ફુલડાંનાં છોગાં તે શિરપર ધર્યાં રે,
તે જોઈને મારાં નેણાં ઠર્યાં રે... ધ૦૨
ભાળી કેસર તિલક રૂડું ભાલમાં રે,
મારી લગની લાગી છે નંદલાલમાં રે... ધ૦ ૩
વાંકી ભ્રકુટીમાં મન મારું ભમે રે,
હવે બીજું દીઠું તે મને નવ ગમે રે... ધ૦ ૪
બ્રહ્માનંદ કહે રૂપાળી એની આંખડી રે,
પ્યારી લાલ કમળ કેરી પાંખડી રે... ધ૦ ૫