સખી ગોકુળ ગામના ચોકમાં રે, ખાંતે માંડ્યો રસીલે ખેલ;

Submitted by swaminarayanworld on Tue, 24/11/2015 - 7:17pm

રાગ - ગરબી

પદ - ૧

સખી ગોકુળ ગામના ચોકમાં રે, ખાંતે માંડ્યો રસીલે ખેલ;

રમે રાસ રંગીલો રંગમાં રે. ટેક.

ચહુકોરે સખાની મંડળીરે, ઊભા વચમાં છેલો અલબેલ. રમે૦ ૧

સખી ચાલોને જઇએ દેખવારે, વા’લે પહેર્યાં છે વસ્ત્ર શોભિત.રમે૦ ૨

તાળી પાડે રૂપાડી  તાનમાંરે, મુખે ગાવે મનોહર ગીત. રમે૦ ૩

શોભા બની સલુણા શ્યામની રે, ઊભી વ્રજની નારી જોવા કાજ. ર૦ ૪

હસી હેરે છબીલો હેતમાં રે, બ્રહ્માનંદનો વહાલો વ્રજરાજ. રમે૦ ૫

 

પદ - ૨

સખી નંદમહરને આંગણે રે, ગોપી આનંદ મંગળ ગાય,

છબી જોને સ્નેહી શ્યામની રે - ટેક.

મરમાળે અખાડો માંડીયો રે, કાજુ આસોપાલવની છાંય - છબી૦ ૧

વા’લે પ્રિત કરીને પહેરીયો રે, રૂડો સોનેરી સુરવાળ - છબી૦ ૨

સખી ફરતાં લાગે છે ફુટડી રે, ઝીણી અંગરખીની ચાળ - છબી૦ ૩

બહુ મૂલી મોળીડું બાંધીયું રે, કાજુ ચળકે સોનેરી કોર - છબી૦ ૪

રૂડાં લટકાં કરે છે હાથનાં રે, બ્રહ્માનંદનો વા’લો ચિત્તચોર - છબી૦ ૫

 

પદ - ૩

સખી જોને ગોવાળોના સાથમાં રે, વાલો ફરે અલૌકિક ફેર,

કહી શોભા ન જાય પ્યારા કાનની રે - ટેક૦

છેલો ઠમકે માંડે પાવ ઠાવકા રે, વાજે ઘુઘરડીનો ઘેર - કહી૦ ૧

છાયું નવલમોળીડું ફુલ છોગલે રે, રાજે નવલકલંગી છબીદાર- કહી૦

રૂડો જામો પહેર્યો છે જરકસી રે, શોભે અંગોઅંગ શણગાર - કહી૦ ૩

રંગભીના કા’ના કેરી રાસની રે, છબી જોવા આવ્યા સુરવૃંદ - કહી૦ ૪

સખીનવલ રંગીલી છબી ઊપરે રે, વારી જાય છે બ્રહ્માનંદ - કહી૦ ૫

 

પદ - ૪

સખી આજ ગઈ’તી હું  તો પાણીએ રે, ઊભો છોગાંવાળો રંગછેલ,

મુને વહાલો લાગે કુંવર નંદનો રે ટેક૦

સખી જમુનાને આરે ઝીલતો રે, જોઈ ભરવી ભુલી જળહેલ - મુને૦ ૧

સખી મંત્ર ભણીને નાખી મોહનીરે, થઈ થકીત ન ચાલે મારા પાવ-મુ૦ ૨

સખી શું રે જાણું મુને શું કર્યું રે, મરમાળે રંગીલે માવ - મુને૦ ૩

સખી એની અલૌકિક આંખડીરે, મારે ચોટી છે ચિત્તડામાંય - મુ૦ ૪

બ્રહ્માનંદના વહાલાની મૂર્તિ રે, ઘડી છેટે મેલી કેમ જાય - મુને૦ ૫

Facebook Comments