તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે, (૪)

Submitted by swaminarayanworld on Tue, 24/11/2015 - 7:23pm

રાગ - ગરબી

પદ - ૧

તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે,

કાંઈ નવલ કસુંબી પાઘ રંગના રેલા રે;

શિર અજબકલંગી શોભતી-અલ૦ હૈડામાં રાખ્યાલાગ. રંગના૦ ૧

મોળીડું છાયું મોતીએ-અલ૦ ફુલડાંની સુંદર ફોર. રંગના૦ ૨

ઘેરે રંગે ગુચ્છ ગુલાબના-અલ૦ જોઈ ભ્રમર ભમે  તે ઠોર. રંગના૦ ૩

તારી પાઘડલીના પેચમાં-અલ૦ મારું ચિત્તડું થયું ચકચુર. રંગના૦ ૪

બ્રહ્માનંદ કહે  તારી મૂરતિ-અલ૦ વણદીઠે ઘેલી  તૂર. રંગના૦ ૫

 

પદ - ૨

કેસરનું તિલક સોહામણું ગિરધારી રે,

ઝળકે છે સુંદર ભાલ જાઉં બલિહારી રે,

રસ રેખડલી વિલસી રહી-ગિર૦ નીરખીને થઈ છું નિહાલ. જાઉં૦ ૧

વારી બેહદ ભ્રકુટી વાંકડી- ગિર૦ જાણે કરડી શ્યામકબાણ. જાઉં૦ ૨

રૂપાળી ટસરૂં રાતડી-ગિર૦ લોચનીયાં  તીખાં બાણ. જાઉં૦ ૩

નાસા અણિયાળી નમણી- ગિર૦ જોઈ લાજે દીપક કીર. જાઉં૦ ૪

બ્રહ્માનંદ કહે જોઈ રહેતી નથી- ગિર૦ ઊર દેવત્રિયાને ધીર. જાઉં૦ ૫

 

પદ - ૩

કુંડળ બેઊ રાજે કાનમાં વ્રજ ચંદા રે,

સુંદર માંહી બિંદુ શ્યામ નંદના નંદા રે,

રંગભીના તારા રૂપને- વ્રજ૦ જોઈ લાજે કોટીક કામ. નંદ૦ ૧

તિલનું એક નૌતમ ત્રાજવું- વ્રજ૦ કંકોળેલ ગૌર કપોળ. નંદ૦ ૨

તારા અધર પ્રવાળા સરખા-વ્રજ૦ છબીવદન કમળની ગોળ. નંદ૦ ૩

તારા દંત ડોલરીયાની કળી-વ્રજ૦ વળી દાડમ કેરાં બીજ. નંદ૦ ૪

બ્રહ્માનંદ કહે હાસ્ય વિલાસમાં-વ્રજ૦ રહી વ્રજનારી રંગભજ. નં૦ ૫

 

પદ - ૪

બાંયે બાજુ કાજુ બેરખા મને પ્યારા રે,

બહુમૂલી લટકે બોર કામણગારા રે,

હાથોમાં પોંચી હેમની-મને૦ ખાસી  તન ચંદન ખોર. કામ૦ ૧

બની શોભા વીંટી વેઢની-મને૦ હૈયે નવલ ગુલાબી હાર. કામ૦ ૨

તારું રૂપ જોઈ ઘેલી ફરે-મને૦ ગોકુળીયાં કેરી નાર. કામ૦ ૩

જોઈ તેજ અલૌકિક અંગનું-મને૦ થયા ઝાંખા સુરજ ચંદ. કામ૦ ૪

તારી નવલ છબીની ઊપરે-મને૦ બલિહારી બ્રહ્માનંદ. કામ૦ ૫

Facebook Comments