અધ્યાય ૨૮
શ્રીકૃષ્ણ ભગવાન વરુણ લોકમાંથી નંદરાયને પાછા લાવ્યા અને ગોવાળોને વૈકુંઠ દેખાડ્યું.
શુકદેવજી કહે છે- એકાદશીને દિવસે નારાયણનું પૂજન કરી જેણે ઉપવાસ કર્યો હતો, એવા નંદરાયે બારશને દિવસે સ્નાન કરવાને માટે યમુનાજીના જળમાં ડૂબકી મારી. ૧ બારશના વહેલું પારણું કરવા સારું આસુરીવેળાને નહિ જાણીને, રાતના પાણીમાં પ્રવેશેલા તે નંદરાયને પકડીને વરુણનો અનુજ્ઞ એક અસુર વરુણદેવની પાસે લઇ ગયો. ૨ ત્યાર પછી પ્રભાતે ગોવાળો નંદરાયને નહીં દેખવાથી, હે કૃષ્ણ ! એક તમે જ તમારા પિતાને લાવી શકો છો, હે બળરામ ! અમને એક તમારો જ ભરોસો છે. આ પ્રમાણે ઊંચેથી કહેવા લાગ્યા. ભક્તોને અભય આપનાર શ્રીકૃષ્ણ ભગવાન ગોવાળોનો આર્તનાદ સાંભળી, વરુણદેવ પકડી લઇ ગયેલા છે તે જાણી પોતે વરુણદેવની પાસે ગયા. ૩ ભગવાનને આવેલા જોઇ, તેમનાં દર્શનથી મોટો આનંદ પામેલા લોકપાળ વરુણદેવે મોટી પૂજાથી તેમનું પૂજન કરીને આ પ્રમાણે કહ્યું. ૪
વરુણદેવ કહે છે- આજ મારો જન્મ સફળ થયો. હે પ્રભુ ! આજ મને સર્વોત્તમ લાભ મળ્યો. આજે મારો સંસાર પણ મટી ગયો, કેમકે આપના ચરણારવિંદનું ભજન કરનારા ઘણા પુરુષો મોક્ષ પામી ગયા છે. ૫ હે પ્રભુ ! જેના સ્વરૂપમાં જીવના જ્ઞાનને સંકોચ પમાડનારી એવી માયા સાંભળવામાં પણ આવતી નથી, એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન તમોને પ્રણામ કરું છું. ૬ શાસ્ત્રમર્યાદાને તથા કર્તવ્યને નહિ જાણનારા મારા મૂઢ અનુચરે આ તમારા પિતાને અહીં લાવેલા છે, તો તે અપરાધ આપ ક્ષમા કરવાને યોગ્ય છો. ૭ અમો અપરાધી છીએ તોપણ તમારી પ્રજા છીએ. માટે અમો તમારા અનુગ્રહને યોગ્ય છીએ. હે ગોવિંદ ! આ તમારા પિતાને લઇ જાઓ. ૮
શુકદેવજી કહે છે- આ પ્રમાણે વરુણદેવે પ્રસન્ન કરેલા અને ઇશ્વરના ઇશ્વર શ્રીકૃષ્ણ ભગવાન પોતાના પિતાને લઇ આવ્યા, અને સંબંધીઓને આનંદ આપ્યો. ૯ કોઇ દિવસે નહીં જોએલું વરુણદેવનું ઐશ્વર્ય જોઇને અને તે દેવો સર્વે શ્રીકૃષ્ણને નમ્યા તે જોઇને વિસ્મય પામેલા નંદરાયે તે વાત સંબંધીઓને કહી દેખાડી. ૧૦ હે રાજા ! ગોવાળો શ્રીકૃષ્ણને ઇશ્વર માની મોટા ઉત્સાહથી સંકલ્પ કરવા લાગ્યા કે ઇશ્વર અમોને પોતાનું સ્થાન અને સૂક્ષ્મ સ્વરૂપ દેખાડશે ? ૧૧ સર્વજ્ઞ ભગવાને આ પ્રમાણે સંબંધીઓનો સંકલ્પ જાણી લઇને, તેનો સંકલ્પ સિદ્ધ કરવા સારું દયાથી વિચાર કર્યો કે દેહાદિકમાં અહંબુદ્ધિ અને તેથી થયેલી વિષયોમાં તૃષ્ણાથી થયેલાં કર્મો અને કર્મોથી ઊંચા નીચા જન્મોમાં ભટકતો માણસ, આલોકમાં પોતાની ગતિને જાણતો નથી. ૧૨-૧૩ આ પ્રમાણે વિચાર કરીને મહાદયાળુ શ્રીકૃષ્ણ ભગવાને ગોવાળોને પ્રકૃતિથી પર પોતાનું બ્રહ્મસ્વરૂપ દેખાડ્યું અને પછી વૈકુંઠલોક પણ દેખાડ્યો. ૧૪ સત્ય, જ્ઞાનરૂપ, અનંત, સ્વયં પ્રકાશ, અને નિરંતર સિદ્ધ પોતાનું બ્રહ્મસ્વરૂપ કે જેને ત્રણે ગુણથી રહિત થયેલા સમાધિનિષ્ઠ પુરુષો દેખે છે, આવું પોતાનું સ્વરૂપ પ્રથમ દેખાડ્યું. ૧૫ પરબ્રહ્મરૂપી ધરામાં લઇ જઇને શ્રીકૃષ્ણ ભગવાને તેમાંથી પાછા કાઢેલા તે ગોવાળોએ વૈકુંઠલોક દીઠો, કે જેમાં પૂર્વે અક્રૂર ગયા હતા. ૧૬ એ વૈકુંઠલોકને જોઇને તથા તેમાં વેદ જેમની સ્તુતિ કરતા હતા, એવા ભગવાનને જોઇને નંદાદિક ગોવાળો બહુજ આનંદ પામ્યા, અને વિસ્મય પામ્યા. ૧૭
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો અઠ્યાવીશમો અધ્યાય સંપૂર્ણ.