૪૯ ધૃતરાષ્ટ્રનો પોતાના પુત્રો તથા પાંડવો પ્રત્યેનો ભેદભાવ જાણીને મથુરામાં આવતા અક્રૂરજી.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:52am

અધ્યાય ૪૯

ધૃતરાષ્ટ્રનો પોતાના પુત્રો તથા પાંડવો પ્રત્યેનો ભેદભાવ જાણીને મથુરામાં આવતા અક્રૂરજી.

શુકદેવજી કહે છે- પુરુ વંશના મોટા રાજાએ કરાવેલાં દેવાલયાદિકનાં ચિહ્નવાળા હસ્તિનાપુરમાં જઇને અક્રૂરજીએ ત્યાં ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિદુર, કુંતી, સોમદત્ત, બાલ્હિક, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, દુર્યોધન, અશ્વત્થામા અને બીજા સંબંધીઓને પણ મળ્યા.૧-૨  અક્રૂરજી બંધુઓની સાથે યથાયોગ્ય રીતે મળ્યા પછી ધૃતરાષ્ટ્રાદિકોએ સંબંધીઓની વાત પૂછી અને પોતે પણ સર્વને કુશળ પૂછ્યું.૩ થોડી ધીરજવાળો અને ખળપુરુષોની ઇચ્છા પ્રમાણે ચાલનાર ધૃતરાષ્ટ્ર રાજા, કે જેના પુત્રો દુષ્ટ હતા, તેના સ્વભાવ પ્રકૃતિ જાણવાની ઇચ્છાથી અક્રૂરજી કેટલાક મહિના સુધી હસ્તિનાપુર રહ્યા.૪  ત્યાં પાંડવોમાં પ્રભાવ, શાસ્ત્રાદિકમાં નિપુણતા, બળ, શૂરવીરપણું, નમ્રતા આદિ શુભગુણો, પાંડવો પ્રત્યે પ્રજાનો જે સ્નેહ તેને સહન ન કરી શકતા ધૃતરાષ્ટ્રના પુત્રોએ જે કાંઇ પાંડવો વિષે ધાર્યું હતું તથા ઝેર દેવા આદિ જેટલા અન્યાય કર્યા હતા તે વિષેની સર્વે વાત કુંતીએ તથા વિદુરજીએ અક્રૂરજીની પાસે કહી દેખાડી.૫-૬  પોતાના ભાઇ અક્રૂરજી ત્યાં આવ્યા તેમની પાસે જઇ જન્મભૂમિને સંભારતાં અને આંસુનાં બિંદુઓ જેના નેત્રમાંથી ઝરતાં હતાં, એવાં કુંતીએ ઉપરની વાત કહ્યા પહેલાં અક્રૂરજીને આ પ્રમાણે કહ્યું.૭

કુંતી કહે છે- હે સૌમ્ય ! મારાં માબાપ, ભાઇઓ, બહેનો, ભાઇના દીકરા, કુળની સ્ત્રીઓ અને સખીઓ અમને સંભારે છે ?૮  મારા ભાઇના પુત્ર શરણાગતનું રક્ષણ કરનાર અને ભક્તવત્સલ શ્રીકૃષ્ણ તથા કમળ સરખા નેત્રવાળા બલરામ એમની ફઇના દીકરાઓને સંભારે છે ?૯  હું વરુઓની વચ્ચમાં મૃગલીની જેમ શત્રુઓની વચમાં શોક કર્યા કરું છું આવી મને અને બાપ વગરના મારા બાળકોને શ્રીકૃષ્ણ વચનથી ધીરજ આપશે ?૧૦  હે કૃષ્ણ ! હે કૃષ્ણ ! હે મોટાયોગી ! હે જગતના આત્મા ! હે જગતને પાળનાર ! હે ગોવિંદ ! શરણાગત એવી હું બાળકોની સાથે પીડા પામું છું, તેની રક્ષા કરો.૧૧  મૃત્યુરૂપ સંસારથી ભય પામતા માણસોને આપ ઇશ્વરના મોક્ષ આપનારા ચરણારવિંદ વિના બીજું કોઇ શરણ હું દેખતી નથી.૧૨  શુદ્ધ, પરબ્રહ્મ, પરમાત્મા, યોગેશ્વર અને જ્ઞાનસ્વરૂપ આપ શ્રીકૃષ્ણને પ્રણામ કરું છું. અને આપને શરણે આવી છું.૧૩

શુકદેવજી કહે છે- હે રાજા ! આ પ્રમાણે સ્વજનને અને ઇશ્વર શ્રીકૃષ્ણને સંભારી દુઃખ પામેલાં તમારી પરદાદી (કુંતી) રોવા લાગ્યાં.૧૪  જેને સુખ દુઃખ સમાન હતાં એવા અને મોટી ર્કીતિવાળા અક્રૂરજીએ તથા વિદૂરજીએ, એ કુંતીને તેના પુત્રોના જન્મનાં કારણો કહીને સાંત્વના કરી.૧૫  પછી અક્રૂરજી હસ્તિનાપુર- માંથી રવાના થયા ત્યારે ધૃતરાષ્ટ્ર રાજા, કે જે વિષમ રીતે વર્તનાર અને પ્રેમથી કુપુત્રોને અનુસરતો હતો તેને શ્રીકૃષ્ણ તથા બળદેવજી આદિ બંધુઓએ જે સ્નેહથી કહેવાનું કહ્યું હતું તે અક્રૂરજીએ સર્વે સંબંધીઓના સાંભળતાં આપ્રમાણે કહ્યું.૧૬

અક્રૂરજી કહે છે- હે વિચિત્રવીર્યના પુત્ર ! હે કુરુકુળની ર્કીતિને વધારનાર ! તમારા ભાઇ પાંડુ રાજા મરણ પામતાં તેના પુત્રો હોવા છતાં પણ તમે અત્યારે રાજયાસન ઉપર બેઠા છો.૧૭  આમ કર્યા છતાં પણ જો તમે ધર્મમાર્ગથી પૃથ્વીનું પાલન કરશો, પ્રજાઓને સદાચારથી રાજી રાખશો અને સંબંધીઓમાં સમદૃષ્ટિથી વર્તશો તો તમને કલ્યાણ અને ર્કીતિ પ્રાપ્ત થશે.૧૮  પણ એથી ઊલટી રીતે ચાલશો તો જગતમાં નિંદાના પાત્ર બનીને અંતે નરકમાં પડશો. માટે પાંડવોમાં અને પોતાના પુત્રોમાં સમદૃષ્ટિથી વર્તજો.૧૯  હે રાજા ! આ જગતમાં કદી પણ કોઇની સાથે નિરંતર સહવાસ રહેતો નથી. પોતાના દેહની સાથે પણ સહવાસ રહેતો નથી ત્યારે બીજાં સ્ત્રી અને પુત્રાદિકની સાથે ન રહે તેમાં કહેવું શુ?૨૦  જીવ એકલો જ જન્મે છે અને એકલો જ પાપ અને પુણ્ય ભોગવે છે.૨૧  જેમ બીજાં જળચર પ્રાણીઓ માછલાનાં જીવનરૂપ જળને લઇ જાય છે, તેમ અલ્પ બુદ્ધિવાળા માણસે અધર્મથી ભેગા કરેલા ધનને તેના પુત્રાદિક લોકો અમો પોષણ કરવા યોગ્ય છીએ, આવા બહાનાથી હરી જાય છે.૨૨  જેઓને પોતાના સમજી અધર્મથી પોષણ કરે છે તે પ્રાણ, ધન અને પુત્રાદિક લોકો તે પોષણ કરનારા મૂર્ખ માણસને ભોગનું સુખ ન મળ્યું હોય તે પહેલાં જ છોડી દે છે.૨૩  પ્રાણ, ધન અને પુત્રાદિકે છોડી દીધેલો પોતાના સાચા સ્વાર્થને નહીં સમજનાર, સ્વધર્મથી વિમુખ અને જેનું પ્રયોજન સિદ્ધ થયું નથી એવો તે માણસ પોતે કરેલા પાપને જ સાથે લઇને નરકમાં પડે છે.૨૪  માટે હે રાજા ! આ દેહને તથા લોકને સ્વપ્નની પેઠે અનિત્ય જાણીને બુદ્ધિથી મનને વશ રાખતાં શાંતિ ધરી સમદૃષ્ટિ રાખો.૨૫

ધૃતરાષ્ટ્ર કહે- હે અક્રૂરજી ! મનુષ્ય જેમ અમૃત પીવાથી તૃપ્તિ ન પામે તેમ હું તમે કહેલી આ શુભ વાણીથી તૃપ્ત થતો નથી.૨૬  હે સૌમ્ય ! તમારી વાણી મને બહુ જ સારી લાગે છે, તોપણ પુત્રો ઉપર સ્નેહથી વિષમ થયેલા મારા ચંચલ હૃદયમાં સુદામા પર્વતની દિશામાં થએલી વીજળીની પેઠે સ્થિર રહેતી નથી.૨૭ જે ઇશ્વર પૃથ્વીનો ભાર ઉતારવા સારુ યદુકુળમાં જન્મ્યા છે, તેમણે જે ધાર્યું હશે તેને ફેરવી નાખવાને કયો પુરુષ સમર્થ છે ?૨૮  સમજવામાં ન આવે એવી લીલાથી જ બનાવેલા સંસારરૂપ ચક્રને ગતિ આપનાર જે ઇશ્વર, તર્કમાં ન આવે એવા માર્ગવાળી પોતાની માયાથી આ જગતને સ્રજી તેમાં પ્રવેશ કરીને કર્મોના ફળને વિભાગ પૂર્વક આપે છે, તે પરમેશ્વરને પ્રણામ કરું છું.૨૯

શુકદેવજી કહે છે- હે રાજા ! અક્રૂરજી આ પ્રમાણે ધૃતરાષ્ટ્ર રાજાનો અભિપ્રાય જાણી  સંબંધીઓની અનુજ્ઞા લઇને પાછા મથુરામાં આવ્યા અને પાંડવો વિષે ધૃતરાષ્ટ્રની જે વર્તનકથા તે જાણવાને માટે પોતાને મોકલ્યા હતા, તે પાંડવોની સર્વે વાત બળદેવજી અને કૃષ્ણની આગળ કહી દેખાડી.૩૦-૩૧

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમસ્કંધનો ઓગણપચાશમો અધ્યાય સંપૂર્ણ.

------------------------

પૂર્વાર્ધ સંપૂર્ણ