૧૩ ત્રયોદશોધ્યાય: ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:38pm

અધ્યાય - ૧૩


श्रीपरमात्मने नमः
अथ त्रयोदशोऽध्यायः

श्रीभगवानुवाच
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते ।
एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः ॥१३- १॥

શ્રી ભગવાન કહે છે =
હે અર્જુન ! આ શરીરને ક્ષેત્ર એવા નામે કહેવામાં આવે છે. અને તે ક્ષેત્ર-શરીરને જે જાણે છે. તે જીવાત્માને ક્ષેત્રજ્ઞ એવા નામે તે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના સ્વરૂપને યથાર્થ જાણનારા જ્ઞાની જનો કહે છે. ।।૧૩- ૧।।

क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत ।
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ॥१३- २॥

હે ભારત ! સર્વક્ષેત્ર-શરીરોમાં રહેલા ક્ષેત્રજ્ઞ-જીવાત્માને પણ ક્ષેત્રની પેઠેજ મને જ જાણ ! અને આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, એ બન્નેના સ્વરૂપનું જે યથાર્થ જ્ઞાન તેજ જ્ઞાન છે. એમ મેં માનેલું છે. ।।૧૩- ૨।।

तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारि यतश्च यत् ।
स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु ॥१३- ३॥

તે ક્ષેત્ર-શરીર, જે છે. જેવું છે. જેવા વિકારવાળું છે. તથા જેના થકી જે થયેલું છે. તથા ક્ષેત્રજ્ઞ-જીવાત્મા જે છે. અને જેવા પ્રભાવવાળો છે. તે સઘળું સંક્ષેપથી મારા થકી સાંભળ ! ।।૧૩- ૩।।

ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ।
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः ॥१३- ४॥

આ ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ સ્વભાવ વિગેરે ઋષિઓએ બહુ પ્રકારે નાના પ્રકારના વેદમંત્રોથી જુદુ જુદુ કહેવામાં આવ્યું છે. તેમજહેતુવાદ પૂર્વકનાં નિશ્ચિત અર્થવાળાં બ્રહ્મસૂત્રોનાં વાક્યોથી પણ કહેવામાં આવ્યું છે. ।।૧૩- ૪।।

महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च ।
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः ॥१३- ५॥
इच्छा द्वेषः सुखं दुःखं संघातश्चेतना धृतिः ।
एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् ॥१३- ६॥

પંચ મહાભૂત, અહંકાર, અને અવ્યક્ત-પ્રકૃતિ, મહત્તત્ત્વ, તથા દશ ઇન્દ્રિયો, એક મન અને શબ્દાદિક પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયો. તેમજ ઇચ્છા, દ્વેષ, સુખ, દુ:ખ, પંચભૂતના સમૂહરૂપ સ્થૂળ પિંડ, ચેતન જીવાત્માને ધારણ કરવું, અથવા ચેતના-બુદ્ધિ અને ધારણ અથવા ધૈર્ય, આ સંક્ષેપથી વિકારોએ યુક્ત ક્ષેત્રનું સ્વરૂપ કહેલું છે. ।।૧૩- ૫-૬।।

अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् ।
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः ॥१३- ७॥
इन्द्रियार्थेषु वैराग्यमनहंकार एव च ।
जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम् ॥१३- ८॥
असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु ।
नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ॥१३- ९॥

હવે-પાંચ શ્લોકથી જ્ઞાનનું લક્ષણ કહે છે - નિર્માન ભાવે વર્તવું, દંભે રહિત વર્તન રાખવું, અહિંસા, ક્ષમા રાખવી, મન અને વાણીથી સરલ વર્તવું, શ્રદ્ધા પૂર્વક ગુરૂની સેવા કરવી, અંદર અને બહારની શુદ્ધિ રાખવી, સ્વધર્માદિક આચરવામાં મનની સ્થિરતા રાખવી, અને મન-ઇન્દ્રિયોનો વિશેષપણે નિગ્રહ કરવો. ।।
ઇન્દ્રિયોથી ભોગવાતા શબ્દાદિક વિષયોમાં રાગે રહિત વર્તવું, કોઇ પ્રકારનો અહંકાર ન રાખવો, આ સંસારમાં અનુભવાતા જન્મ, મૃત્યું, જરા, વ્યાધિ, વિગેરે વિકારોમાં રહેલાં દુ:ખ અને દોષોનું વારંવાર આલોચન રાખવું. ।।
પુત્ર, દારા અને દેહ-ગેહાદિક વસ્તુઓમાં આસક્તિ ન રાખવી, તેમજ તેમાં અતિ મમતાથી બંધાઇ જવું નહિ, સારા-નરસા સંજોગો પ્રાપ્ત થાય ત્યારે તેમાં સદાય સમચિત્તપણું રાખવું ।।૧૩- ૭-૯।।

मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी ।
विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि ॥१३- १०॥
अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् ।
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ॥१३- ११॥

મારામાં અનન્ય યોગથી આવ્યભિચારિણી નિશ્ચળ ભક્તિ રાખવી. તથા એકાન્ત અને શુદ્ધ શાન્ત પ્રદેશમાં રહેવાની રૂચિ અનેવિષયી જનસમુદાયમાં પ્રીતિ ન રાખવી. ।।

આત્મસ્વરૂપના અનુસન્ધાનપૂર્વક પરમાત્મસ્વરૂપમાં નિત્યિ નરન્તર સ્થિતિ રાખવી અને તત્ત્વજ્ઞાનરૂપ અર્થનું દર્શન-સાક્ષાત્કાર કરવો. આ સઘળું જ્ઞાન એમ કહેલું છે. અને આનાથી જે વિપરીત તે અજ્ઞાન જાણવું. ।।૧૩- ૧૦-૧૧।।

ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्नुते ।
अनादि मत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते ॥१३- १२॥

જે જાણવા યોગ્ય છે. અને જેને જાણીને અમૃતરૂપ-મુક્તિને પામે છે. તે હું તને સારી રીતે કહું છું. તે અનાદિ-આદિરહિત છે. હુંજ જેને પર-પ્રધાન છું એવું બ્રહ્મ છે. અને તે બ્રહ્મ સત્‌ એમ પણ નથી કહેવાતું, તેમ અસત્‌ એમ પણ નથી કહેવાતું. ।।૧૩- ૧૨।।

सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् ।
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥१३- १३॥

તે બ્રહ્મ સર્વ બાજુએ હાથ-પગવાળું છે. સર્વ બાજુએ નેત્ર, મસ્તક અને મુખવાળું છે. સર્વ બાજુએ કાનવાળું છે. કેમકે લોકમાં સર્વને આવરીને-વ્યાપીને રહેછે. ।।૧૩- ૧૩।।

सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् ।
असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च ॥१३- १४॥

સર્વની ઇન્દ્રિયોના વિષયોનો પ્રકાશ કરનારૂં છે. અને પોતે સર્વ ઇન્દ્રિયોથી રહિત છે. પોતે અસક્ત-નિર્લેપ છે. અને સર્વનું ધારણ- પોષણ કરનારૂં છે. પોતે માયિક ગુણોથી રહિત માટે નિર્ગુણ છે. અને નિયન્તાપણે ગુણનું ભોગવનારૂં પણ છે. ।।૧૩- ૧૪।।

बहिरन्तश्च भूतानामचरं चरमेव च ।
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् ॥१३- १५॥

ભૂત-પ્રાણીમાત્રની બહાર અને અંદર પણ પૂર્ણરૂપે છે. ચરઅચરરૂપે પણ એજ છે. અતિ સૂક્ષ્મ હોવાથી તે દુર્વિજ્ઞેય છે. અને દૂર રહેલું પણ એ છે. અને સમીપમાં પણ એજ છે. ।।૧૩- ૧૫।।

अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् ।
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ॥१३- १६॥

સ્વયં અવિભક્ત-વિભાગશૂન્ય હોવા છતાં પણ સર્વ ભૂતોમાં વિભક્ત જેવું જ રહેલું છે. પ્રાણીઓનું ભરણ-પોષણ કરનારૂં, ઉત્પન્ન કરીને વૃદ્ધિ પમાડનારૂં અને વળી પ્રલય વખતે સર્વને ગળી લેનારૂં છે. અર્થાત્‌ સંહાર કરનારૂં છે. એવું તે જાણવું. ।।૧૩- ૧૬।।

ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॥१३- १७॥

સર્વ પ્રકાશ કરનારાં તેજોને પણ તે પ્રકાશ આપનારૂં છે. માયાના તમ-અંધકારથી પર કહેલું છે. જ્ઞાનરૂપ છે. જાણવા યોગ્ય છે. જ્ઞાનથીજ ગમ્ય-પ્રાપ્ય છે. અને સર્વના હ્રદયમાં વસી રહ્યું છે. ।।૧૩- ૧૭।।

इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः ।
मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते ॥१३- १८॥

આ પ્રમાણે ક્ષેત્ર, તથા જ્ઞાન શુદ્ધ આત્મતત્ત્વરૂપ સંક્ષેપથી કહી બતાવ્યું, મારો બક્ત આ બરોબર સમઝીને મારા ભાવને-સાધર્મ્યરૂપ પરમ પદને પામે છે. ।।૧૩- ૧૮।।

प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि ।
विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसंभवान् ॥१३- १९॥

પ્રકૃતિ-માયા અને પુરૂષ-જીવાત્મા એ બન્નેયને અનાદિ જાણ-સમઝ ! અને સર્વ વિકારો અને ગુણો તે પ્રકૃતિમાંથી થયેલા જાણ ! ।।૧૩- ૧૯।।

कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते ।
पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥१३- २०॥

કાર્ય અને કારણના કર્તાપણામાં હેતુ પ્રકૃતિ કહેવાય છે. અને સુખ દુ:ખના ભોક્તા પણામાં હેતુ પુરૂષ-જીવાત્મા કહેવાય છે. ।।૧૩- ૨૦।।

पुरुषः प्रकृतिस्थो हि भुङ्‌क्ते प्रकृतिजान्गुणान् ।
कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ॥१३- २१॥

પુરૂષ-જીવાત્મા પ્રકૃતિમાં રહીનેજ પ્રકૃતિના ગુણો-વિષયોને ભોગવે છે. અને આ જીવાત્માને સારી-નરસી યોનિઓમાં જન્મ પ્રાપ્ત થવામાં પ્રકૃતિના ગુણનો સંગ જ કારણ છે. ।।૧૩- ૨૧।।

उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः ।
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुषः परः ॥१३- २२॥

વળી - આ દેહમાં એક બીજો પુરૂષ પણ રહેલો છે. અને તે ઉપદ્રષ્ટા-સાક્ષીરૂપે છે. અનુમન્તા-અનુમતિ આપનારો-બુદ્ધિનો પ્રેરક સર્વજ્ઞ છે. ભર્તા-ભરણ પોષણ કરનારો છે. ભોક્તા-શરીરભૂત જીવદ્વારા એ પણ ભોક્તા છે. અને મહેશ્વર-સૌનો મોટો ઉપરિનિયામક છે. અને એને પરમાત્મા એમ પણ કહેવામાં આવે છે. ।।૧૩- ૨૨।।

य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह ।
सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ॥१३- २३॥

આ પ્રમાણે પુરૂષને-પરમાત્માને અથવા જીવાત્માને તથા પ્રકૃતિ જે માયા તેને તેના ગુણોએ સહિત જે મનુષ્ય યથાર્થ જાણે છે. તે સર્વથા-હરકોઇ પ્રકારે વર્તતો હોય કે રહેતો હોય તો પણ તે ફરી જન્મ નથી પામતો. ।।૧૩- ૨૩।।

ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना ।
अन्ये सांख्येन योगेन कर्मयोगेन चापरे ॥१३- २४॥

કેટલાક ઉપાસકો એ પરમાત્માને શુદ્ધ મનથી સ્વસ્વરૂપમાંજ ધ્યાનદ્વારા દેખે છે. સાક્ષાત્‌ અનુભવે છે. બીજા સાંખ્ય યોગથી અને કેટલાક તો કર્મયોગથી પણ એને દેખે છે. ।।૧૩- ૨૪।।

अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।
तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ॥१३- २५॥

બીજા કેટલાક આમ પૂરૂં નહિ સમજનારા તે તો બીજાઓ- તત્ત્વવેત્તા સત્પુરૂષો થકી સાંભળીને પરમાત્માની ઉપાસના કરે છે. તો તેવા શ્રવણપરાયણ વર્તનારા જનો પણ મૃત્યુપરમ્પરાથી ભરેલા આ સંસાર-સાગરને સર્વથા તરી જ જાય છે. ।।૧૩- ૨૫।।

यावत्संजायते किंचित्सत्त्वं स्थावरजङ्गमम् ।
क्षेत्रक्षेत्रज्ञसंयोगात्तद्विद्धि भरतर्षभ ॥१३- २६॥

હે ભરતર્ષભ ! જેટલાં સ્થાવર જંગમ પ્રાણી ઉત્પન્ન થાય છે. એ સઘળાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉત્પન્ન થયેલાં તું જાણ ! ।।૧૩- ૨૬।।

समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् ।
विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ॥१३- २७॥

સર્વ ભૂતોમાં-પ્રાણીમાત્રમાં અન્તર્યામીભાવે સમાનપણે રહેલા પરમેશ્વરને જે જુએ છે. તેમજ-નાશ પામવાના સ્વભાવવાળાં આ શરીરોમાં રહેલા અવિનાશી આત્માને, જેમજ મને જે જુએ છે. તે જ ખરૂં જુએ છે. ।।૧૩- ૨૭।।

समं पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम् ।
न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ॥१३- २८॥

અને સર્વત્ર સમપણે વસી રહેલા પરમેશ્વરને જોતો જે પુરૂષ કોઇ પણ આત્માને પોતે પોતાદ્વારા નાશ નથી કરતો તો તેવા વર્તનથી તે પરમ ગતિને પામે છે. ।।૧૩- ૨૮।।

प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः ।
यः पश्यति तथात्मानमकर्तारं स पश्यति ॥१३- २९॥

અને વળી જે પુરૂષ સઘળાં કર્મ પ્રકૃતિથીજ-પ્રકૃતિદ્વારાજ કરાય છે એમ જુએ છે. અને તેથી આત્માને સાક્ષાત્‌ અકર્તા જે જુએ છે તે પુરૂષ બરોબર જુએ છે-સમઝે છે. ।।૧૩- ૨૯।।

यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति ।
तत एव च विस्तारं ब्रह्म संपद्यते तदा ॥१३- ३०॥

જ્યારે આ ભૂતોનો પૃથગ્ભાવ એકજ પરમાત્માને આધારે એ પરમાત્મામાંજ જુએ છે. અને તે પરમાત્મા થકી જ એ ભૂતોનો વિસ્તાર-સર્ગાદિક થતા જુએ છે. અથવા પ્રકૃતિમાંજ પૃથગ્ભાગ અને પ્રકૃતિથીજ સર્ગાદિક જુએ છે. ત્યારે એ બ્રહ્મ-આત્મસ્વરૂપને અથવા પરબ્રહ્મને પામે છે. ।।૧૩- ૩૦।।

अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्ययः ।
शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ॥१३- ३१॥

હે કૌન્તેય ! આ અન્તર્યામી પરમાત્મા અનાદિ અને માયિક ગુણોથી રહિત-નિર્ગુણ હોવાથી અવિનાશી અને અક્ષર સ્વરૂપ છે. માટે શરીરમાં-સ્વશરીરભૂત જીવાત્મામાં રહેવા છતાં તે કરતાય નથી અને લેપાતાય નથી. ।।૧૩- ૩૧।।

यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते ।
सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ॥१३- ३२॥

જેમ આકાશ સૂક્ષ્મતાને લીધે સર્વત્ર રહેવા છતાં લેપાતો નથી. તે જ પ્રમાણે પરમાત્મા સર્વત્ર દેહમાં-સ્વશરીરભૂત જીવાત્મામાં રહેવા છતાં તે તે આત્માઓનાં કર્મથી લેપાતા નથી. ।।૧૩- ૩૨।।

यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः ।
क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॥१३- ३३॥

હે ભારત ! જેમ એકજ સૂર્ય આ સઘળા લોકને પ્રકાશિત કરે છે. તેજ પ્રમાણે ક્ષેત્રી-ક્ષેત્રજ્ઞ પરમાત્મા આ સઘળા ક્ષેત્રભૂત આત્મવર્ગને પ્રકાશિત કરે છે. ।।૧૩- ૩૩।।

क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा ।
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ॥१३- ३४॥

આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બન્નેના વાસ્તવિક ભેદને જ્ઞાનરૂપ નેત્રોથી જુએ છે. તેમજ ભૂત-પ્રાણીમાત્રનો પ્રકૃતિ થકી જ્ઞાનદ્વારા થતો મોક્ષ-મોક્ષનો ઉપાય તેને જે જાણે છે. તે પરમજ્ઞાની ભક્તજન પર-પરમાત્માને અથવા પરમ ધામને પામે છે. ।।૧૩- ૩૪।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः ॥ १३ ॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગો નામ ત્રયોદશોઽધ્યાયઃ।।૧૩।।