રાગ - સોલા
પદ - ૧
પ્યારા ઘનશ્યામ, પૂરણકામ,
રે આવો ઓરા, ખોસું માથે તોરા- મારારાજ. ૧
ધર્મકુમાર, જાઉં બલિહાર, રે લાગે પ્યારી, મૂરતિ તમારી. મા૦ ૨
નખશિખ જોવું, ચિત્તડું પરોવું, રે ચરણોમેં, કરું પરણામ. મા૦ ૩
ઊર્ધ્વરેખા રૂડી, અંત સમે મૂડી, રે નખમાંહી, ચિહ્ન સુખદાઈ. મા૦ ૪
જોઈ પ્રેમાનંદ, આનંદ કંદ, રે નખમણિ, શોભા જગ તણી. મા૦ ૫
પદ - ૨
કૃષ્ણ શ્રીહરિ, ઊભા રહોને જરી, રે નેણાં આગે, મન મારું લાગે. મા૦ ૧
જોઉં ફણા ઘુંટી, પીંડી સાથળ ડુંટી, રે શ્યામ કટિ, જાય દુઃખ મટી. મા૦૨
ઊદર નીરખી, કરું માંહી બકી, રે વળી વળી, નીરખું ત્રિવળી. મા૦ ૩
હૃદય વિશાળ, માંહીમોતી માળ, રે અતિ શોભે, જોઈ મન લોભે. મા૦૪
જોવા છાપ ચિહ્ન, પ્રેમાનંદ દીન, રે સ્તન શ્યામ, અતિ સુખધામ. મા૦૫
પદ - ૩
નારાયણ નામ, રટું આઠો જામ, રે મારા સ્વામી, અંતરજામી. મા૦ ૧
શોભાના ભંડાર, જાઉં બલિહાર, રે ભુજા જોઈ, મન રહ્યું મોહી. મા૦ ૨
અભય ઊદાર, ચિહ્ન તે અપાર, રે જોઈ બળ, જન્મ સુફળ. મા૦ ૩
કરી કર સમ, ઓધાર્યા અધમ, રે માથે મેલી, ચાંપ્યા મેં સાહેલી. મા૦૪
રાતી હથેળીમાં, રેખા સુખસીમા, રે નખચંદ,નીરખે પ્રેમાનંદ. મા૦ ૫
પદ - ૪
નમું કરજોડી, બુદ્ધિ છે થોડી, રે શું ગાઉં, પાર ન પાઉં. મા૦ ૧
જોઈ કંબુકંઠ, મદન અટંટ, રે થયો દીન, પરમ પ્રવીણ. મા૦ ૨
વદન વિલોકી, ભક્તજન કોકી, રે જોઈ ફુલ્યા, તન શુદ્ધ ભૂલ્યા. મા૦૩
ચંદ્રનો પ્રકાશ, શશી મુખ હાસ, રે કુંદકળી, દંત આવળી. મા૦ ૪
અધર પ્રવાળ, રૂપની જાળ, રે નાની રેખે, પ્રેમાનંદ દેખે. મા૦ ૫
પદ - ૫
મળ્યા ભક્ત ટોળે, જમણે કપોળે, રે તિલજોવા, ચિત્તમાં પરોવા. મા૦૧
નાસિકા નમણી, સીમા શોભાતણી, રે અણિયાળાં, નેણાં મરમાળા૦૨
નેણુંને ચાળે, ભ્રકુટિ ઊલાડે, રે ઘેલાં કીધાં, ચિત્ત ચોરી લીધાં. મા૦ ૩
ભાલ વિશાળ, તિલક રસાળ, રે કેસરનું, શોભે હરિવરનું. મા૦ ૪
શિખા છબીદાર, નીરખે વારંવાર, રે એક મન, પ્રેમાનંદ ધન્ય. મા૦ ૫