મેં તો સરવે સંઘાથે તોડી રે, સાહેલી (૪)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 11:14pm

રાગ - ઘોળ

પદ-૧

મેં તો સરવે સંઘાથે  તોડી રે, સાહેલી૦

એક જગના જીવન સાથે જોડી રે. સાહેલી૦ ૧

શું કરશે પિયર સાસરિયાં રે, સાહેલી૦

મેંતો સમજીને પગલાં ભરિયાં રે. સાહેલ૦ ૨

મેંતો નિશ્ચે કર્યું મનમાંથી રે, સાહેલી૦

શિર સાટે એ વર કયાંથી રે. સાહેલી૦ ૩

પહેલું માથું પાસંગમાં મેલ્યું રે, સાહેલી૦

પછી વરવાનું બીડુ ઝીલ્યું રે. સાહેલી૦ ૪

હું  તો રહું નહિ કોઈની વારી રે, સાહેલી૦

ધાર્યા એક ધણી ગિરધારી રે. સાહેલી૦ ૫

છાની વાત નહિ  એતો છાવી રે, સાહેલી૦

બ્રહ્માનંદના વાલાની કાવી રે. સાહેલી૦ ૬

 

પદ - ૨

જોયું સરવે જગત  તપાસી રે. રઢ લાગી૦

એક પુરુષ દીઠા અવિનાશી રે. રઢ લાગી૦ ૧

બીજી અબળાની સરવે ટોળી રે, રઢ લાગી૦

દીઠું ચૌદ ભુવન લગી ખોળી રે. રઢ લાગી૦ ૨

અબળા અબળાને શું પરણું રે, રઢ લાગી૦

માટે બળિયાનું લીધું શરણું રે. રઢ લાગી૦ ૩

કાન કુંવરથી સગપણ કીધું રે, રઢ લાગી૦

એનું મેણું મેં માથે લીધું રે. રઢ લાગી૦ ૪

શીર નાખ્યો હવે મેંતો છેડો રે, રઢ લાગી૦

લાગ્યો નંદના નંદન સાથે નેડો રે. રઢ લાગી૦ ૫

સરવે અવર પુરુષ પર હરીયા રે, રઢ લાગી૦

બ્રહ્માનંદના વાલાને વરિયા રે. રઢ લાગી૦ ૬

 

પદ - ૩

શું કરશે સંસારી કહિને રે, હરિ વરિયા૦

ચાલી જગ માથે પગ દઈને રે. હરિ વરિયા૦ ૧

જેમ શૂરો રણમાં ખેલે રે, હરિ વરિયા૦

શત્રુ સનમુખ પગલાં મેલે રે. હરિ વરિયા૦ ૨

થઈ નિશંક લડાઈ લેવે રે, હરિ વરિયા૦

કેદી પાછા પગ નવ દેવે રે. હરિ વરિયા૦ ૩

એમ સમજીને હું  તો ચાલી રે, હરિ વરિયા૦

મનમાં વરવાની આંટી ઝાલી રે. હરિ વરિયા૦ ૪

સૌ સાથે  તે નાતો  તોડ્યો રે, હરિ વરિયા૦

હથેવાળો  તે હરિ શું જોડ્યો રે. હરિ વરિયા૦ ૫

બ્રહ્માનંદ કહે થઈ મતવાલી રે, હરિ વરિયા૦

માથે સાટે વર્યા વનમાળી રે. હરિ વરિયા૦ ૬

 

પદ - ૪

એવી અંતર આંટી પાડી રે. સુણ બેની૦

ઊખડે નહિ કોઈની ઊખાડી રે. સુણ બેની૦ ૧

જેમ ચાતક આંટી રાખે રે, સુણ બેની૦

વિના સ્વાતિ નીર નવ ચાખે રે. સુણ બેની૦ ૨

જેમ કેસરી ઘાસ ન ખાય રે, સુણ બેની૦

સો લાંઘણ કરી મરી જાય રે. સુણ બેની૦ ૩

એમ નિશ્ચય વિઠ્ઠલને વરવું રે, સુણ બેની૦

નહિતો સાવ કુંવારાં મરવું રે. સુણ બેની૦ ૪

બીજા પુરુષ સામું નવ જોવું રે, સુણ બેની૦

ચિત્ત પાતળિયામાં પ્રોવું રે. સુણ બેની૦ ૫

બ્રહ્માનંદ કહે પહેલું વિચારી રે, સુણ બેની૦

પછી વાત કાઢી મેં બારી રે. સુણ બેની૦ ૬

Facebook Comments