હરિજન સાચા રે, જે ઊરમાં હિંમત રાખે, (૪)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 11:24pm

રાગ - ગરબી

પદ - ૧

હરિજન સાચા રે, જે ઊરમાં હિંમત રાખે,

વિપતે વરચી રે, કેદી દીન વચન નવ ભાખે .

જગનું સુખ દુઃખ રે, માયિક મિથ્યા કરી જાણે,

તન ધન જાતા રે, અંતરમાં શોક ન આણે. ૧

પર ઊપકારી રે, જન પ્રેમ નિયમમાં પૂરા,

દૈહિક દુઃખમાં રે, દાઝે નહિ સાધુ શૂરા. ૨

હરિને સમરે રે, નિત્ય અહોનિશ ઊમંગ ભરીયા,

સર્વે  તજીને રે, નટનાગર વહાલા કરીયા. ૩

બ્રહ્માનંદ કહે રે, એવા હરિજનની બલિહારી,

મસ્તક જાતા રે, નવમેલે ટેક વિચારી. ૪

 

પદ - ૨

ટેક ન મેલે રે,  તે મરદ ખરા જગમાંહી,

ત્રિવિધિ  તાપે રે, કેદી અંતર ડોલે નાહી,

નિધડક ર્વં ઇે રે, દઢ ધીરજ મનમાં ધારી,

કાળ કર્મની રે, શંકા  તે દેવે વિસારી. ૧

મોડું વહેલું રે, નિશ્ચય કરી એક દિન મરવું,

જગ સુખ સારું રે, કેદી કાયર મન નવ કરવું. ૨

અંતર પાડી રે, સમજીને સવળી આંટી,

માથું જાતા રે, મીલે નહિ  તે નર માટી. ૩

કોઈની શંકા રે, કેદી મનમાં નવ ધારે,

બ્રહ્માનંદના રે, વહાલાને પળ ન વિસારે. ૪

 

પદ - ૩

જો હોય હિંમત રે, નરને ઊરમાંહી ભારી,

દ્રઢતા  જોઈને રે,  તેની મદદ કરે મોરારી.

બીક  તજીને રે, નિત્ય હિંમત સોતો બોલે,

મસ્તક માયા રે, સર્વે  તૃણ જેવું  તોલે. ૧

કેસરી સિંહને રે, જેમ શંકા મળે નહિ મનમાં,

એકાએકી રે, નિરભે થઈ વિચરે વનમાં. ૨

પંડે છોટો રે, મોટા મેંગળને મારે,

હિંમત વિનાનો રે, હાથી  તે જોઈને હારે. ૩

બ્રહ્માનંદ કહે રે, એમ સમઝે  તે જન શૂરા,

તન કરી નાખે રે, ગુરુવચને ચૂરેચૂરા. ૪

 

પદ - ૪

પેટ કટારી રે, પહેરીને સનમુખ ચાલ્યા,

પાછા ન વળે રે, કોઈના તે ન રહે ઝાલ્યા.

આમાસામા રે, ઊડે ભાલાં અણિયાળાં,

તે અવસરમાં રે, રહે રાજી  તે મતવાલા. ૧

સાચા શૂરા રે, જેના વેરી ઘાવ વખાણે,

જીવત જુઠું રે, મરવું  તે મંગળ જાણે. ૨

તેની પેરે રે, હરિજન પણ જોઈએ  તીખા,

અંતરશત્રુને રે, લાગે અતિ વજ્ર સરીખા. ૩

માથું જાતા રે, મુખનું પાણી નવ જાવે,

બ્રહ્માનંદ કહે રે,  તે સંત હરિ મન ભાવે. ૪

Facebook Comments