મારે આજ પ્રીતમ ઘેર આવશે રે, મુને હેતે કરીને બોલાવશે જીરે (૪)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 11:34pm

રાગ ગરબી

પદ - ૧

મારે આજ  પ્રીતમ ઘેર આવશે રે,

મુને હેતે કરીને બોલાવશે જીરે. મારે આજ૦

એના સાથીડાને સાથે લાવશે રે ;

કરી લટકાં  તાળી દઇ ગાવશે જીરે. મારે આજ૦ ૧

હરિ હેતે કરીને સામું ભાળશે રે;

રંગડાની  તે રેલું વાળશે જીરે. મારે આજ૦ ૨

કરી ખ્યાલ અલૌકિક ખેલશે રે ;

માથે ફુલડાંનાં છોગલાં મેલશે જીરે . મારે આજ૦ ૩

બ્રહ્માનંદનો સ્વામી શ્યામળો રે ;

સુખદેશે આવીને ઉતાવળો જીરે. મારે આજ૦ ૪

 

પદ - ૨

જોઈ રહી છું  પ્રીતમજીની વાટડી રે;

મેં તો ખાંતે ઢાળી છે ખાટડી જીરે. જોઈ૦

અગર ચંદને લીપાવું ઓરડા રે;

જળકુંભ ભરાવું કોરડા જીરે. જોઈ૦ ૧

રૂડાં ભોજન કર્યાં છે રસેભર્યાં રે;

તાજાં તરત તૈયાર ઢાંકી ધર્યાં જીરે. જોઈ૦ ૨

મેં તો સજજ કરાવી શેરીયાં રે;

ચોકે ચોકે તે ફુલડાં વેરીયાં જીરે. જોઈ૦ ૩

બ્રહ્માનંદના સ્વામીને કોડલે રે;

મેં તો  તોરણ બંધાવ્યાં ટોડલે જીરે. જોઈ૦ ૪

 

પદ - ૩

ધન્ય ધન્ય ઘડી છે આજની રે;

રૂડી ખબર આવી મહારાજની જીરે. ધન્ય૦

સખી હળી મળી મંગળ ગાય છે રે;

અતિ આનંદ ઊભરાયો જાય છે જીરે. ધન્ય૦ ૧

મોતી થાળ ભરી ટોળે મળી રે;

સખી હરીને વધાવા થઈ આકળી જીરે. ધન્ય૦ ૨

સર્વે ઘરનો તે ધંધો વિસરી રે;

હરિને મળવા આતુર થઈ સુંદરી જીરે. ધન્ય૦ ૩

ઘરમાંથી આવી ઉભી બારણે રે;

બ્રહ્માનંદના સ્વામીને કારણે જીરે. ધન્ય૦ ૪

 

પદ - ૪

મારે આજ  પ્રીતમ ઘેર આવીયા રે;

ભરી મોતીડે થાળ વધાવીયા જીરે. મારે આજ૦

પહેલાં નીર ઊને નવરાવીયા રે;

પછી  પ્રીતમ માંહી પધરાવીયા જીરે. મારે આજ૦ ૧

મેં તો ભોજન જમાડ્યાં ભાતભાતનાં રે;

વહાલે આપ્યાં તે સુખ એકાંતનાં જીરે. મારે આજ૦ ૨

પે’લું પરઠ્યું હતું  તે વેણે પળ્યા રે;

વાલો હેત કરીને મુજને મળ્યા જીરે. મારે આજ૦ ૩

બ્રહ્માનંદ કહે આજની ધન્ય ઘડી રે;

મારો વહાલોજી પધાર્યા સેજડી જીરે. મારે આજે૦ ૪

Facebook Comments