મોહન મો’લે પધારો રંગભીના રે, મોહન મો’લે પધારો (૨)

Submitted by swaminarayanworld on Fri, 12/02/2016 - 11:37pm

રાગ - ગરબી

પદ - ૧

મોહન મો’લે પધારો રંગભીના રે, મોહન મો’લે પધારો;

મો’લે પધારો મારો જનમ સુધારો. રંગ૦ ટેક.

ગજગતિ ચાલે ગુલતાન થઈ છું હું તો,

ચિત્તને ચોરે છે રાવળો કમર કટારો. રંગ૦ ૧

આડી આડી મીટે જોતાં, મનડાંને મો ’તા વારી,

નિપટ લાગે છે વા’લો નેણુંનો નજારો. રંગ૦ ૨

નવલ કલંગી ચંગી રસિક રસીલી લાગે,

મોલીડું શોભે છે જાણે ફુલડાંનો ભારો. રંગ૦ ૩

બ્રહ્માનંદના રે વા’લા છેલ છબીલા વારી,

આવી મારા  તનડાં કેરા  તાપ નિવારો. રંગ૦ ૪

 

પદ - ૨

મોહન મનડું હરો છો મરમાળા રે, મોહન મનડું હરો છો;

મનડું હરો છો છેલા રંગમાં ફરો છો. મર૦

મોરલી વજાડતા ઘેરી, લાલ  તોરંગી લે’રી,

રંગના રંગીલા મારા ઊરમાં ગરો છો. મર૦ ૧

જરકસી પહેરી જામા, આવો છો સામા વારી,

ભાવ સહિત પ્રેમે પગલાં ભરો છો. મર૦ ૨

પાઘડલી પચાળી બાંધી, રો’છો દૃાૃગ સાંધી વાલા,

રંગના રંગીલા છોગાં શીશ ધરો છો. મર૦ ૩

બ્રહ્માનંદના રે વા’લા છેલ ગુમાની લાલા,

લોચન અમારાં  તમે સુફળ કરો છો. મર૦ ૪

Facebook Comments