અધ્યાય ૫૨
શ્રીકૃષ્ણ મથુરાથી દ્વારિકા જઇને રહ્યા અને લક્ષ્મીજીનો સંદેશો સ્વીકાર્યો.
શુકદેવજી કહે છે હે રાજા ! આવી રીતે શ્રીકૃષ્ણે અનુગ્રહ કર્યો એટલે તે મુચુકુંદ રાજા ભગવાનને પ્રદક્ષિણા કરી તથા પ્રણામ કરી, ગુફાના દ્વારમાંથી બહાર નીકળ્યા.૧ મનુષ્ય, પશુ, લતા અને વનસ્પતિઓ પ્રમાણમાં ટૂંકાં થઇ ગયાં હતાં, તે જોઇ કળિયુગ આવ્યો માનીને તે મુચુકુંદ ઉત્તર દિશામાં ગયા.૨ ધીરજશાળી આસક્તિઓથી રહિત અને જેમના સંશય દૂર થયા છે, એવા મુચુકુન્દ રાજા તપને વિષે શ્રદ્ધાવાળા થઇ, ભગવાનમાં મન રાખીને ગંધમાદન પર્વતમાં ગયા.૩ ત્યાં નરનારાયણના સ્થાનકરૂપ બદરિકાશ્રમમાં જઇ, સર્વ સુખદુઃખાદિક દ્વંદ્વો સહન કરી તથા શાંત રહી, તપથી ભગવાનની આરાધના કરવા લાગ્યા.૪ શ્રીકૃષ્ણ ભગવાન યવનોએ ઘેરેલી મથુરામાં પાછા આવી, મ્લેચ્છોનું સૈન્ય મારીને તેનું ધન દ્વારકામાં મોકલવા લાગ્યા.૫ ભગવાનની પ્રેરણાથી બળદો તથા માણસો દ્વારકામાં ધન લઇ જતા હતા. ત્યાં ત્રેવીશ અક્ષૌહિણી સૈન્ય લઇને જરાસંધ ચડી આવ્યો.૬ હે રાજા ! શત્રુના સૈન્યના વેગનો વધારો જોઇ શ્રીકૃષ્ણ અને બળરામ મનુષ્યની ચેષ્ટાનો સ્વીકાર કરી તરત ભાગ્યા.૭ નહીં ભય પામવા છતાં ભય પામેલાની પેઠે ઘણુંક ધન પડતું મૂકીને ઘણા યોજન સુધી દોડતા ગયા.૮ એ બન્ને ભાઇઓને ભાગતા જોઇ, ખડખડાટ હાસ્ય કરતો અને ઇશ્વરના પ્રમાણને નહીં જાણતો બળવાન જરાસંધ રથનાં સૈન્યોથી તેઓની પછવાડે દોડ્યો.૯ ઘણા દૂર સુધી દોડીને થાકી રહેલા બન્ને ભાઇઓ પ્રવર્ષણ નામના ઊંચા પર્વત ઉપર ચડી ગયા. જે પર્વતમાં ઇંદ્ર દરરોજ દિવસે વૃષ્ટિ કરે છે.૧૦ હે રાજા ! એ બે ભાઇઓને પર્વતમાં છુપાયેલા જાણી, શોધ કરતાં પણ પત્તો નહીં મળતાં, જરાસંધે ચારેકોર લાકડાં મૂકી અગ્નિ સળગાવીને તે પર્વતને બાળ્યો.૧૧ શિખરો બળવા લાગતાં અગિયાર યોજન ઊંચા તે પર્વત ઉપરથી ઠેકીને એ બન્ને જણા શત્રુઓ ન દેખે એવા પ્રદેશમાં નીચે ધરતી ઉપર પડ્યા.૧૨ હે રાજા ! શત્રુ અને શત્રુના અનુચરોના જોવામાં નહીં આવેલા એ બે ભાઇઓ સમુદ્રરૂપી ખાઇવાળી પોતાની દ્વારકાપુરીમાં આવ્યા.૧૩ જરાસંધ પણ શ્રીકૃષ્ણ અને બળદેવજી બળી ગયા એવી ખોટી સમજણથી, પોતાનું મોટું સૈન્ય પાછું વાળીને મગધ દેશમાં ગયો.૧૪ આનર્ત દેશના રાજા રૈવતે બ્રહ્માની પ્રેરણાથી પોતાની દીકરી રેવતી બળભદ્રને આપી હતી.૧૫ હે રાજા ! શ્રીકૃષ્ણ ભગવાન પણ ભીષ્મક રાજાની કુંવરી અને લક્ષ્મીજીના અંશરૂપ રુક્મિણીને સ્વયંવરમાં પરણ્યા હતા.૧૬ ગરુડે જેમ દેવતાઓને હરાવીને અમૃતનું હરણ કર્યું હતું, તેમ શ્રીકૃષ્ણ ભગવાને, સર્વ લોકોના દેખતા શિશુપાળના પક્ષના શાલ્વ આદિ રાજાઓને હરાવી કરી રુક્મિણીનું હરણ કર્યું.૧૭
પરીક્ષિત રાજા પૂછે છે ભગવાન શ્રીકૃષ્ણ, સુંદર મુખવાળી ભીષ્મક રાજાની કુંવરી રુક્મિણીને રાક્ષસ વિવાહની રીતિથી એટલે યુદ્ધમાં હરણ કરીને પરણ્યા, એમ તમે કહી ગયા. તો હે મહારાજ ! અપાર તેજવાળા ભગવાન, જરાસંધ અને શાલ્વ આદિ રાજાઓને જીતી લઇ, જેવી રીતે કન્યાને હરી લાવ્યા તે સર્વે વાત વિસ્તારથી સાંભળવાને ઇચ્છીએ છીએ.૧૮-૧૯ હે મહારાજ ! પવિત્ર, જગતના પાપને દૂર કરનાર અને સર્વદા નવીન લાગે એવી ભગવાનની કથાઓ સાંભળતાં સારને જાણનાર કયો પુરુષ તૃપ્તિ પામે ?૨૦
શુકદેવજી કહે છે વિદર્ભ દેશનો અધિપતિ ભીષ્મક નામે મોટો રાજા હતો, તેને પાંચ દીકરા હતા અને એક દીકરી હતી.૨૧ સૌથી મોટો રુક્મિ નામે હતો અને તેથી નાના રુક્મરથ, રુકમબાહુ, રુક્મકેશ અને રુક્મમાલી નામના પુત્રો હતા. તેની બહેનનું નામ ‘‘રુક્મિણી’’ હતું.૨૨ ઘેર આવેલા જનોએ ગાવા માંડેલ ભગવાનનું રૂપ, પરાક્રમ, ગુણ અને સંપત્તિ તેને સાંભળીને રુક્મિણીએ ભગવાનને જ પોતાના યોગ્ય પતિ માન્યા.૨૩ તેમજ ભગવાને પણ બુદ્ધિ, લક્ષણ, ઉદારતા, શીલ અને ગુણોના આશ્રયરૂપ તે રુક્મિણીને પોતાને યોગ્ય સ્ત્રી માની, તેને પરણવાનું મન કર્યું.૨૪ હે રાજા ! સર્વે સંબંધીઓ કન્યા ભગવાનને જ આપવા ઇચ્છતાં હતાં છતાં ભગવાનનો દ્વેષ કરનારા રુક્મીએ તે વાત બંધ રાખી, તે કન્યાનું શિશુપાળની સાથે સગપણ કરાવ્યું.૨૫ તે વાત જાણી બહુજ કચવાએલાં તે શ્યામ કટાક્ષવાળાં રુક્મિણીએ વિચાર કરી, તરત પોતાના વિશ્વાસપાત્ર અને સત્યવક્તા એક બ્રાહ્મણને ભગવાનની પાસે મોકલ્યો.૨૬ દ્વારિકામાં આવેલા તે બ્રાહ્મણે સોનાના આસન ઉપર બેઠેલા શ્રીકૃષ્ણ ભગવાનને દીઠા.૨૭ બ્રાહ્મણોને માન આપનાર ભગવાન એ બ્રાહ્મણને જોઇ આસન ઉપરથી ઊઠી, તે આસન ઉપર તેને બેસાડ્યો, અને પોતાની જેમ દેવતાઓ પૂજા કરે છે તેમ પોતે એ બ્રાહ્મણની પૂજા કરી.૨૮ તે બ્રાહ્મણે જમીને વિશ્રામ લીધો, પછી ભગવાને તેની પાસે જઇ પોતાના હાથથી ધીરે ધીરે તેના પગ ચાંપતાં ધીરજથી આ પ્રમાણે તેને પૂછ્યું.૨૯
ભગવાન પૂછે છે હે બ્રાહ્મણોમાં સર્વોત્તમ ! વૃદ્ધલોકોએ સ્વીકારેલો તમારો ધર્મ મનમાં સર્વદા સંતોષ રહેતાં ઘણું કષ્ટ ભોગવ્યા વગર બરાબર ચાલે છે, કારણ કે સંતોષ એ જ બ્રાહ્મણનો પરમ ધર્મ છે.૩૦ પોતાના ધર્મથી ભ્રષ્ટ નહીં થતો બ્રાહ્મણ જો જે કાંઇ મળે તેથી સંતોષ રાખીને વર્તે, તો તે ધર્મ તેના સર્વે મનોરથ પૂર્ણ કરે છે.૩૧ જો અસંતોષ હોય તો ઇંદ્રની પદવી મળતાં પણ કોઇ લોકોમાં સુખેથી એક ઠેકાણે બેસી શકાતું નથી, અને સંતોષ હોય તો નિષ્કંચન છતાં પણ સર્વ અંગમાં તાપ રહિત થઇને સુખે રહે છે.૩૨ જે બ્રાહ્મણો પોતાની મેળે મળતા લાભથી સંતોષ રાખનાર, સ્વધર્મમાં નિષ્ઠાવાળા, સર્વ પ્રાણીઓના પરમ મિત્ર, અહંકાર રહિત અને શાંત હોય, તેઓને હું વારંવાર મસ્તકથી પ્રણામ કરું છું.૩૩ હે બ્રાહ્મણ ! રાજદ્વારથી તો તમારું કુશળ છે ને ? જે રાજાના દેશમાં પાલન પામતી પ્રજા સુખેથી રહે છે, તે રાજા મને પ્યારો થાય છે.૩૪ તમે આ મહાસાગરને ઊતરી જ્યાંથી અને જે કામની ઇચ્છાથી અહીં આવ્યા છો તે સર્વે વાત જો ગુહ્ય ન હોય તો અમારી પાસે કહો. અમે તમારું શું કામ કરીએ ?૩૫
શુકદેવજી કહે છે ભગવાને આ પ્રમાણે પ્રશ્ન પૂછતાં, તે બ્રાહ્મણે સર્વે વાત કહી દેખાડી.૩૬ (રુક્મિણીએ એકાંતમાં જે પત્ર લખ્યો છે તે બ્રાહ્મણ ભગવાનની આજ્ઞાથી વાંચી સંભળાવે છે.)
રુક્મિણીએ લખ્યું છે કે હે ત્રૈલોક્ય સુંદર ! હે પ્રભુ ! સાંભળનારાઓના કાનના છિદ્રોથી મારા હૃદયમાં પેસી, મારા તાપને હરનાર તમારા ગુણો અને સર્વે મનોરથોના લાભરૂપ તમારું રૂપ સાંભળીને, લાજ વગરનું મારું ચિત્ત તમારામાં લાગી રહ્યું છે.૩૭ હે મુકુંદ ! હે મનુષ્યોમાં સિંહરૂપ ! આપ કુળ, શીલ, વિદ્યા, રૂપ, અવસ્થા, ધન અને પ્રભાવથી પોતા તુલ્ય જ છો અને મનુષ્યોને પ્યારા લાગો એવા છો, આવા આપને સારા કુળની ઊંચા ગુણવાળી અને બુદ્ધિવાળી કઇ કન્યા વિવાહના અવસરમાં ન વરે ?૩૮ એટલા માટે હે પ્રભુ ! હું તમને પતિ કરીને વરી ચૂકી છું અને મારો દેહ આપને અર્પણ કરેલો છે, માટે અહીં પધારીને પત્ની તરીકે મારો સ્વીકાર કરો. સિંહના ભાગને શિયાળ જેમ અડકી શકે નહિ, તેમ હું આપના ભાગરૂપ છું તેને શિશુપાળ આવીને સ્પર્શ ન કરે એ મારી પ્રાર્થના છે.૩૯ જળાશયાદિકનું નિર્માણ, અગ્નિહોત્રાદિ યજ્ઞ, દાન, નિયમ, વ્રત અને દેવ, બ્રાહ્મણ તથા ગુરુના પૂજનાદિકથી પરમેશ્વર ભગવાનની મેં પૂર્વ જન્મોમાં પણ જો આરાધના કરી હોય તો તમે આવીને મારું પાણિગ્રહણ કરો.૪૦ (કદાચ તમે કહો કે તારા સંબંધીઓએ તને શિશુપાલને આપી છે, તો હવે તેમાં મારાથી શું બની શકે તેના ઉત્તરમાં કહે છે.) હે અજિત ! વિવાહને આગલે દિવસે જ તમે પ્રથમ ગુપ્ત રીતે વિદર્ભ દેશમાં આવી, પછી સેનાપતિઓથી વીંટાઇને શિશુપાળ તથા જરાસંધના સૈન્યનું મથન કરી નાખીને બળાત્કારથી હું કે જેનું મુલ્ય પરાક્રમ જ છે, તેને રાક્ષસ વિવાહની રીતિથી પરણો.૪૧ “તું વતુપુરની અંદર રહેનારી છે, આવી તને તારા બંધુઓને માર્યા વિના શી રીતે પરણી શકું ?’’ એવી તમને શંકા હોય તો તેનો ઉપાય તમને કહું છું. વિવાહથી પહેલે દિવસે અમારા કુળમાં કુળદેવીની યાત્રા કરવાની રીતિ છે, કે જે યાત્રામાં કન્યાને ગામ બહાર પાર્વતીનાં દર્શન કરવા જવું પડે છે. (ત્યાંથી મારું હરણ કરવું સહેલું રહેશે.)૪૨ હે કમળ સરખાં નેત્રવાળા ! સદાશિવની પેઠે બીજા મહાત્મા લોકો પણ પોતાનું અજ્ઞાન ટાળવા માટે જેના ચરણારવિંદની રજમાં નહાવાને ઇચ્છે છે, એવા આપની કૃપા મને નહીં મળે તો મારા પ્રાણોને વ્રતથી દુબળા કરી નાખી, તેઓનો ત્યાગ કરી દઇશ. એમ વારંવાર કરતાં સેંકડો જન્મથી પણ આપની કૃપા જ મેળવવી છે.૪૩ બ્રાહ્મણ કહે છે, હે યાદવોમાં ઉત્તમ ! આ પ્રમાણે આ છાનો સંદેશો મેં આપની પાસે વાંચી સંભળાવ્યો, હવે આ વિષયમાં જે કરવાનું હોય તેનો વિચાર કરીને તરત કરો.૪૪
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો બાવનમો અધ્યાય સંપૂર્ણ.