૫૩ શ્રીકૃષ્ણ ભગવાને બળાત્કારે રુક્મિણીનું હરણ કર્યું.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 1:12pm

અધ્યાય ૫૩

શ્રીકૃષ્ણ ભગવાને બળાત્કારે રુક્મિણીનું હરણ કર્યું.

શુકદેવજી કહે છે હે રાજા ! ભગવાને રુક્મિણીનો સંદેશો સાંભળી, તે બ્રાહ્મણનો હાથ પોતાના હાથે પકડી, હસતાં હસતાં આ પ્રમાણે કહ્યું.૧ ભગવાન કહે છે મારું ચિત્ત રુક્મિણીમાં જ લાગ્યું છે, અને તેની ચિંતાને લીધે રાતની નિદ્રા પણ આવતી નથી. રુક્મીએ દ્વેષને લીધે મારા વિવાહને અટકાવ્યો છે તે હું જાણું છું.૨ મનુષ્ય લાકડાનું મંથન કરી જેમ અગ્નિની શિખાને બહાર લાવે, તેમ યુદ્ધમાં નીચ રાજાઓનું મંથન કરી મારા પરાયણ અને નિર્દોષ અંગવાળી તે રુક્મિણીને  હું બહાર લાવીશ.૩

શુકદેવજી કહે છે હે રાજા ! પરમ દિવસે રાત્રીમાં રુક્મિણીના વિવાહનું નક્ષત્ર છે, એમ જાણી ભગવાને પોતાના સારથિને કહ્યું કે હે દારુક ! મારા રથને તૈયાર કર.૪ શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના ચાર ઘોડાથી જોડેલો રથ પાસે લાવીને તે સારથી હાથ જોડીને આગળ ઊભો રહ્યો.૫ ભગવાન પોતે રથમાં બેસી તથા બ્રાહ્મણને સાથે બેસાડી, ઘોડાઓને ઉતાવળા ચલાવ્યા અને ઓખા દેશમાંથી એક રાત્રીમાં વિદર્ભ દેશમાં ગયા.૬ સ્નેહને લીધે પુત્ર રુક્મીની ઇચ્છા પ્રમાણે ચાલેલો કુંડિનપુરનો પતિ ભીષ્મક રાજા, પોતાની કન્યા શિશુપાળને પરણાવવા સારુ સર્વે તૈયારી કરવા લાગ્યો.૭ ગામના માર્ગ, રાજમાર્ગ, ચૌટાઓને સ્વચ્છ કરાવી રસ્તામાં પાણી છંટાવ્યાં. સ્ત્રીઓ અને પુરુષોએ માળા, સુંગંધી પુષ્પ, આભરણ અને સ્વચ્છ વસ્ત્રોથી શણગાર કર્યા. ઘેરઘેર અગરુના ધૂપની સુગંધી પ્રસરાવી રહી. વિચિત્ર ધ્વજ, પતાકા, અને તોરણોથી નગર શણગાર્યું.૮-૯ પિતૃ અને દેવતાઓની વિધિ સહિત પૂજા કરી, તથા બ્રાહ્મણોને યોગ્ય રીતે જમાડી સ્વસ્તિવાચન કરાવવા લાગ્યો.૧૦ કન્યાને સારી પેઠે નવરાવી, કૌતુકથી વિવાહસૂત્ર પહેરાવવાનું મંગળ કરી, નવાં વસ્ત્ર તથા ઉત્તમ આભૂષણો પહેરાવી સ્વસ્તિ વાચન કરાવ્યું.૧૧ ઉત્તમ બ્રાહ્મણોએ ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદના મંત્રોથી કન્યાની રક્ષા કરી. અથર્વવેદના મંત્રોને જાણનાર પુરોહિતે ગ્રહશાંતિ માટે હોમ કર્યો.૧૨ વિધિ જાણનારાઓમાં ઉત્તમ ભીષ્મક રાજાએ બ્રાહ્મણોને સોનાં, રૂપાં, વસ્ત્ર, તલ, ગોળ અને ગાયોનાં દાન આપ્યાં.૧૩ એ જ રીતે ચેદીના પતિ દમઘોષ રાજાએ પણ પોતાના પુત્ર શિશુપાળને માટે મંત્ર જાણનારા બ્રાહ્મણોની પાસે વિવાહને યોગ્ય સર્વ કર્મ કરાવ્યું.૧૪ પછી મદ ઝરનાર હાથી, સોનાની માળાઓવાળા રથ, પાયદળ અને ઘોડાની ભારે ભીડવાળા સૈન્યોથી વીંટાઇને કુંડિનપુરમાં ગયો.૧૫ વિદર્ભ દેશના પતિ ભીષ્મક રાજાએ તે દમઘોષનું સામૈયું કરી તથા સત્કાર કરી પ્રીતિથી બીજા ઘરમાં ઉતારો આપ્યો.૧૬ શાલ્વ, જરાસંધ, દંતવક્ર, વિદૂરથ અને પૌંડ્રક આદિ શિશુપાળના પક્ષના હજારો રાજાઓ કે જેઓ શ્રીકૃષ્ણ તથા બળદેવના શત્રુ હતા, તેઓ સજ્જ થઇને જાનમાં આવ્યા હતા. બળદેવાદિક યાદવોથી વીંટાએલા શ્રીકૃષ્ણ જો અહીં આવીને કન્યાનું હરણ કરશે તો કન્યા શિશુપાળને અપાવવા સારુ સર્વે એક થઇને કૃષ્ણની સાથે યુદ્ધ કરીશું. એવો દૃઢ નિશ્ચય કરી પોતાનાં સર્વ સૈન્ય અને વહાનોને સાથે લઇ એ સર્વ રાજાઓ આવ્યા હતા.૧૭-૧૯ આવી રીતનો શત્રુના પક્ષના રાજાઓનો ઉદ્યમ સાંભળી, કન્યાનું હરણ કરવા શ્રીકૃષ્ણને એકલા ગયેલા જાણી, યુદ્ધની શંકાથી બળદેવજી પણ હાથી, ઘોડા, રથ અને પાયદળનું મોટું સૈન્ય લઇ ભાઇના સ્નેહથી વ્યાપ્ત થવાને લીધે તરત કુંડિનપુર આવ્યા.૨૦-૨૧ સુંદર રૂપવાળી ભીષ્મક રાજાની કન્યા રુક્મિણી કે જે ભગવાનના આવવાની રાહ જોતાં હતાં. તે પોતે મોકલેલા બ્રાહ્મણને પાછો આવ્યો નહીં. તેને જોઇને તે સમયમાં ચિંતા કરવા લાગ્યાં કે અહો !!! હું મંદભાગ્યવાળી છું. મારા વિવાહને એકજ રાત આડી રહી છે. અને હજુ સુધી ભગવાન આવતા નથી, તે વિષયનું કારણ મારા જાણવામાં આવતુ નથી.૨૨-૨૩ મારો સંદેશો લઇ જનાર તે બ્રાહ્મણ પણ હજુ સુધી પાછો આવતો નથી. મારું પાણીગ્રહણ કરવામાં સજ્જ થઇને રખેને પછી કાંઇ મારામાં દોષ જાણવામાં આવતાં નિર્દોષ ભગવાન રોકાઇ ગયા હોય ! !૨૪ ભાગ્ય રહિત એવી મને બ્રહ્મા અનુકૂળ નહિ હોય, અથવા શિવ અનુકૂળ નહિ હોય, અથવા તો પાર્વતી દેવી અનુકૂળ નહિ હોય, જેથી શ્રીકૃષ્ણ ન પધાર્યા.૨૫ આ પ્રમાણે વિચાર કરતાં અને જેનું મન ભગવાનમાં જ લાગી રહ્યું હતું, એવાં તે રુક્મિણી શ્રીકૃષ્ણને આવવાનો સમય હજુ થયો નથી, એમ માની કાંઇક ધારણા મળતાં આંસુનાં ટીપાંઓથી વ્યાકુળ થયેલી પોતાની આંખોને મીંચી ગયાં.૨૬ હે રાજા ! આવી રીતે તે રુક્મિણી ભગવાનના આવવાની રાહ જોતાં હતાં ત્યાં તેમના અંગોમાં પ્રિય સૂચન થયું. ડાબો હાથ, ડાબો સાથળ અને ડાબી આંખ ફરકી.૨૭ તેટલી વારમાં જ ભગવાને મોકલેલો તે જ બ્રાહ્મણ આવ્યો અને એ બ્રાહ્મણ અંત:પુરમાં રહેનારાં તે રાજ કુંવરીને મળ્યો.૨૮ સ્વસ્થ રીતે ચાલ્યા આવતા અને જેનું મુખારવિંદ પ્રફુલ્લિત મુદ્રામાં હતું એવા તે બ્રાહ્મણને જોઇ દૂત કામ કરી આવ્યો છે કે નહીં, એ વાતને તેનાં લક્ષણ ઉપરથી જ જાણી જનારાં રુક્મિણીએ મનોહર રીતે હસીને તે બ્રાહ્મણને પૂછ્યું.૨૯ અને બ્રાહ્મણે ભગવાન આવી પહોંચ્યાની તથા ભગવાને પાણિગ્રહણ કરવાનું જે સત્ય વચન આપ્યું હતું તે સર્વ વાત રુક્મિણીને કહી સંભળાવી.૩૦ ભગવાનને આવ્યા જાણી રાજી થયેલાં રુક્મિણીએ, સર્વોત્તમ વધામણીમાં દેવા જેવી બીજી કોઇ પ્રિય વસ્તુ નહીં દેખતા એ બ્રાહ્મણને નમસ્કાર કરી વિચાર કર્યો કે (હું કે જે લક્ષ્મીનો અવતાર છું તેને જેઓ નમે તેને સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય તો હું જ જેને નમું તેને શી મણા રહે ?) એવા વિચારથી કેવળ પ્રણામ જ કર્યા.૩૧ શ્રીકૃષ્ણ તથા બળભદ્રને પોતાની દીકરીનો વિવાહ જોવાના ઉત્સાહથી આવેલા સાંભળી, ભીષ્મક રાજાએ પૂજનના પદાર્થો લઇ ગાજતે વાજતે તેઓનું સામૈયું કર્યું.૩૨ મધુપર્ક, સ્વચ્છ વસ્ત્રો તથા પ્યારી ભેટો લાવીને વિધિ સહિત તેઓનો સત્કાર કર્યો.૩૩ મોટી બુદ્ધિવાળા ભીષ્મક રાજાએ સારો ઉતારો આપી તેઓની તથા તેના અનુચરો સહિત સૈન્યની મહેમાનગતિ કરી.૩૪ એ જ પ્રમાણે બીજા રાજાઓ આવ્યા હતા તેઓની પણ તેઓના બળ અને ઐશ્વર્યના પ્રમાણમાં યોગ્ય પદાર્થોથી મહેમનગતિ કરી.૩૫ કુંડિનપુરના રહેવાસીઓ ભગવાનને આવ્યા સાંભળી, ત્યાં આવીને પોતાનાં નેત્રરૂપ અંજલિથી તેઓના મુખારવિંદને પીવા લાગ્યાં, અને કહેવા લાગ્યાં કે ‘‘રુક્મિણી આની સ્ત્રી થવાને યોગ્ય છે.૩૬-૩૭ આપણું કાંઇ પુણ્ય હોય અને તેથી પરમેશ્વર પ્રસન્ન થઇને અનુગ્રહ કરવાના હોય, તો આ શ્રીકૃષ્ણ રુક્મિણીનું પાણિગ્રહણ કરે એજ અનુગ્રહ કરજો.૩૮ આ પ્રમાણે પ્રેમથી બંધાએલા લોકો વાતો કરતા હતા, તેટલી વારમાં ઘણા યોદ્ધાઓના રક્ષણ તળે કન્યા પણ અંબાજીના મંદિરમાં જવા સારુ અંત:પુરમાંથી બહાર નીકળ્યાં.૩૯ અંબાજીના ચરણારવિંદનું દર્શન કરવા સારુ પગે જ ચાલ્યાં જતાં તે રુક્મિણીના મનમાં ભગવાનના ચરણારવિંદનું ધ્યાન સારી રીતે લાગ્યું હતું.૪૦ માતાઓ સાથે હતી, મૌનવ્રત રાખ્યું હતું અને સખીઓ ચારેકોર વીંટાઇને ચાલતી હતી. શૂર, સજ્જ અને જેઓએ આયુધ ઉપાડ્યાં હતાં એવા યોદ્ધાઓ રક્ષણ કરતા આવતા હતા. મૃદંગ, શંખ, પણવ, તૂરી અને ભેરીઓ વાગતાં હતાં.૪૧ હજારો ઉત્તમ વેશ્યાઓ અનેક પ્રકારના ઉપહાર અને બલિઓ લઇને સાથે આવતી હતી, તેમજ માળા, સુગંધ, વસ્ત્રો અને આભરણોથી શણગારેલી બ્રાહ્મણોની સ્ત્રીઓ પણ સાથે હતી.૪૨ ગાંતા તથા સ્તુતિ કરતા ગવૈયાઓ, વાજાં વગાડનારા, સૂત, માગધ અને બંદિજનો કન્યાને વીંટાઇને જતા હતા.૪૩ દેવીના મંદિરની પાસે આવી, હાથ પગ ધોઇ, આચમન લઇ, પવિત્રતાથી તથા ધીરજથી કન્યાએ દેવીના મંદિરમાં પ્રવેશ કર્યો.૪૪ વિધિ જાણનારી બ્રાહ્મણોની વૃદ્ધ સ્ત્રીઓએ તે કન્યાને સદાશિવ સહિત પાર્વતીના ચરણમાં પ્રણામ કરાવ્યા.૪૫ હે અંબિકા ! ગણેશાદિ પોતાના સંતાનો સહિત અને પરમ મંગળરૂપ આપને હું વારંવાર પ્રણામ કરું છું. શ્રીકૃષ્ણ ભગવાન મારા પતિ થાય એવી મારા ઉપર આપ કૃપા કરજો.૪૬ આ મંત્ર બોલીને જળ, ગંધ, અક્ષત, ધૂપ, વસ્ત્ર, માળા, ફૂલ, આભરણ, અનેક પ્રકારના ઉપહાર, બલિ અને દીપમાળાથી કન્યાએ નોખનોખી પૂજા કરી.૪૭ સૌભાગ્યવતી બ્રાહ્મણોની સ્ત્રીઓએ પણ તે પદાર્થોથી તથા મીઠું, માલપુવા, તાંબુલ, કંઠસૂત્ર, ફળ અને શેલડીથી દેવીની પૂજા કરી.૪૮ તે સ્ત્રીઓએ રુક્મિણીને આશીર્વાદ આપ્યા. રુક્મિણીએ પણ બ્રાહ્મણીઓને અને દેવીને પ્રણામ કર્યા તથા પ્રસાદ લીધો.૪૯ પછી મૌનવ્રત છોડી દઇ રત્નની વીંટીઓથી શોભી રહેલા હાથથી દાસીનો હાથ પકડી તે કન્યા દેવીના મંદિરમાંથી બહાર નીકળ્યાં.૫૦ દેવતાઓની માયાની પેઠે વીરલોકોને મોહ પમાડનારાં, સારી કટીવાળાં, કુંડળથી શોભિત મુખવાળાં અને સર્વાંગે આભરણોથી સુશોભિત અને સુંદર ચાલવાળાં રુક્મિણીને જોઇને ઉત્પન્ન થયેલા કામદેવથી પીડાએલા યશસ્વી વીર લોકો કે જેઓ ત્યાં ભેળા થયા હતા, તેઓ સર્વે મોહ પામી ગયા. ચાલવાના મિષથી પોતાની શોભા ભગવાનને દેખાડતાં તે રુક્મિણીને જોઇને સર્વે રાજાઓ તેના ઉદાર હસવા અને લાજ સહિત જોવાથી ચિત્ત હરાઇ જતાં હથિયાર છોડી દઇ મૂઢ થઇને, હાથી તથા ઘોડાઓ ઉપરથી પડવા લાગ્યા.૫૧-૫૪ પોતાના ચરણકમળને ધીરે ધીરે ચલાવતાં અને તે સમયે ભગવાન આવી પહોંચવાની વાટ જોતાં તે રુક્મિણીએ ડાબા હાથના નખવડે પોતાના કેશ ઉંચા કરીને, નેત્રની અણીઓથી ત્યાં આવેલા રાજાઓને લાજથી જોયા, ત્યાં તરત ભગવાન જોવામાં આવ્યા.૫૫ એ રાજકન્યા રથ ઉપર ચડવા જતાં હતાં તેટલી વારમાં શ્રીકૃષ્ણે સર્વે શત્રુના દેખતા જ તેમનું હરણ કર્યું, શ્રીકૃષ્ણ ભગવાન રાજાઓનો પરાભવ કરી તે કન્યાને પોતાના ગરુડના ચિહ્નવાળા રથમાં બેસાડી, જેમ શિયાળિયાંના ટોળામાંથી પોતાનો ભાગ લઇને સિંહ જાય, તેમ ત્યાંથી બળદેવાદિ યાદવોની સાથે ધીરે ધીરે ચાલ્યા.૫૬ જરાસંધના વશમાં રહેનારા બીજા અભિમાની રાજાઓ કીર્તિનો ક્ષય કરનારા, એ પોતાના પરાભવને સહન કરી શક્યા નહીં, તેથી કહેવા લાગ્યા કે અહો !! આપણા હાથમાં હથિયારો છતાં જેમ કેસરીના યશને મૃગ લઇ જાય તેમ આપણા યશને ગોવાળો લઇ ગયા, આપણને ધિક્કાર છે.૫૭

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ત્રેપનમો અધ્યાય સંપૂર્ણ.