૫૧ મુચુકુંદ રાજાની દૃષ્ટિ દ્વારા કાળયવનનો નાશ કરાવતા તથા સ્તુતિ કરતા મુચુકુંદરાજા ઉપર કૃપા કરત

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 1:09pm

અધ્યાય ૫૧

મુચુકુંદ રાજાની દૃષ્ટિ દ્વારા કાળયવનનો નાશ કરાવતા તથા સ્તુતિ કરતા મુચુકુંદરાજા ઉપર કૃપા કરતા શ્રીકૃષ્ણ ભગવાન.

શુકદેવજી કહે છે હે રાજા ! અત્યંત સુંદર શ્યામ, પીળાં વસ્ત્રવાળા, વક્ષઃસ્થળમાં લક્ષ્મીનાં ચિહ્નવાળા, કંઠમાં ઝળહળતા કૌસ્તુભ મણિથી શોભતા, પુષ્ટ અને લાંબા ચાર હાથવાળા, કમળની પાંખડી સમાન નેત્રવાળા અને જેનું મુખારવિંદ નિરંતર આનંદવાળું, શોભાયુક્ત, સારા ગાલવાળું, સુંદર હાસ્ય તથા ચળકતાં મકારાકૃતિ કુંડળવાળું હતું એવા ભગવાન ઊગતા ચંદ્રમાની પેઠે નગરમાંથી બહાર આવ્યા, તેને જોઇ કાળયવને વિચાર્યું કે નારદજીએ કહેલાં લક્ષણ પ્રમાણે શ્રીવત્સના ચિહ્નવાળો, કમળ સરખા નેત્રવાળો, વનમાળાને ધરનાર અને અત્યંત સુંદર આ પુરુષ જ વસુદેવનો પુત્ર કૃષ્ણ હોવો જોઇએ, બીજો ન હોવો જોઇએ. આ કૃષ્ણની પાસે આયુધ નથી અને પગપાળો ચાલે છે, માટે હું પણ આયુધ વિના અને પગપાળો ચાલીને આની સાથે યુદ્ધ કરીશ.૧-૫ આવો નિશ્ચય કરી એ યવન, પાછું મુખ રાખીને ભાગતા અને યોગીઓ પણ જેને પહોંચી શકતા નથી એવા ભગવાનને પકડવા સારુ પછવાડે દોડ્યો.૬ પગલે પગલે પોતાનો હાથ પહોંચી જાય તેટલા જ દૂર દેખાતા ભગવાન એ કાળયવનને ઘણે છેટે પર્વતની ગુફામાં લઇ ગયા.૭ તું યદુકુળમાં જન્મેલો છે માટે તારે ભાગવું યોગ્ય નથી, એમ તિરસ્કાર કરતો અને જેનાં અશુભ કર્મ ક્ષીણ થયાં ન હતાં એવો એ કાળયવન ભગવાનની પછવાડે દોડતો ગયો, તોપણ ભગવાનને પહોંચી શક્યો નહીં.૮ ભગવાન તિરસ્કાર કરાયા છતાં પણ પર્વતની ગુફામાં પેસી ગયા, એટલે કાળયવન પણ પછવાડે પેઠો. ત્યાં તેણે બીજા નરને સૂતેલો દીઠો.૯ કાળયવને ભૂલથી વિચાર્યું કે આ કૃષ્ણ મને દૂર લાવીને અહીં સાધુની પેઠે સૂઇ ગયો છે. આ પ્રમાણે સૂતેલા નરને ભગવાન માનીને કાળયવને લાત મારી.૧૦ ઘણા કાળ પહેલાં સૂઇ રહેલો તે પુરુષ લાત વાગવાથી ઊઠીને ધીરે ધીરે આંખો ઉઘાડી ચારેકોર જોવા લાગ્યો, ત્યાં તેણે પડખામાં ઊભેલા કાળયવનને દીઠો.૧૧ ક્રોધ પામેલા મુચુકુંદ રાજાની દૃષ્ટિ પડતાં જ ઉત્પન્ન થયેલા અગ્નિથી બળી ગયેલો કાળયવન ભસ્મ થઇ ગયો.૧૨

પરીક્ષિત રાજા પૂછે છે હે મહારાજ ! એ યવનને બાળી દેનોરો પુરુષ કોણ હતો ? કોના વંશનો હતો ? કેવા પ્રભાવવાળો હતો ? કોનો પુત્ર હતો ? અને ગુફામાં જઇને શા માટે સૂતો હતો ?૧૩

શુકદેવજી કહે છે ઇક્ષ્વાકુના કુળમાં જન્મેલો, માંધાતા રાજાનો દીકરો, બ્રાહ્મણોને દેવની પેઠે માનનાર અને સાચી પ્રતિજ્ઞાવાળો એ મુચુકુંદ નામનો રાજા હતો.૧૪ દૈત્યોથી ત્રાસ પામેલા ઇંદ્રાદિક દેવતાઓ પોતાના રક્ષણ માટે પ્રાર્થના કરતાં તેણે દેવતાઓની ઘણા દિવસ સુધી રક્ષા કરી હતી.૧૫ પછી દેવતાઓને ‘કાર્તિકેય સ્વામી’ સેનાપતિ મળતાં, તેઓએ મુચુકુંદને કહ્યું કે હે રાજા ! હવે તમે અમારું પાલન કરવાનો પરિશ્રમ છોડી દો.૧૬ હે વીર ! તમે મનુષ્યલોકમાં પોતાનું નિષ્કંટક રાજ્ય છોડી દઇને અમારું પાલન કરતાં તમારાં સર્વે સુખ ગયાં છે.૧૭ તમારા પુત્રો, રાણીઓ, અને જ્ઞાતિજનો તથા મંત્રીઓ અને તે સમયની પ્રજાઓ કાળથી નાશ પામતા હમણાં એકે અવશેષ નથી.૧૮ ગોવાળ જેમ પશુઓને આમતેમ ફેરવે તેમ બળવાનોમાં શ્રેષ્ઠ અને અવિનાશી ઇશ્વરરૂપ કાળ પણ પોતાની ક્રીડાથી પ્રજાઓને આમતેમ ફેરવે છે.૧૯ તમારું કલ્યાણ થાઓ અને આજ અમારી પાસેથી મોક્ષ વિના બીજો વર માગી લ્યો, મોક્ષના સ્વામી તો એક અવિનાશી ભગવાન વિષ્ણુ જ છે.૨૦ આ પ્રમાણે દેવતાઓ કહેતાં મોટી કીર્તિવાળા તે મુચુકુંદે દેવતાઓને પગે લાગીને શ્રમથી થાકી જવાને લીધે નિદ્રા માગી, અને વચન લીધું કે ‘‘હે દેવતાઓ ! જે કોઇ વચમાં મારી નિદ્રાનો ભંગ કરે, તે તરત બળીને ભસ્મ થાય.’’ દેવતાઓએ તે સ્વીકાર્યું. તેથી તે રાજા દેવોએ આપેલી નિદ્રાથી ગુફામાં જઇને સૂઇ રહ્યા હતા.૨૧- ૨૨ દેવતાઓએ તેને કહ્યું હતું કે તું સૂતો હોઇશ ત્યારે વચમાં જે કોઇ તને જગાડશે તે પ્રાણી તારી દૃષ્ટિ પડતાં જ તરત પ્રાણ રહિત થઇને ભસ્મ થઇ જશે.૨૩ આ પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને કાળયવનને ભસ્મ કરાવી નાખ્યો પછી મુચુકુંદને પોતાનું દર્શન આપ્યું.૨૪ ઘનશ્યામ, પીળાં રેશમી વસ્ત્રવાળા, ચારભુજાવાળા, વૈજયંતી માળાથી શોભતા, સુંદર તથા પ્રસન્ન મુખવાળા, સ્નેહ ભરેલા મંદહાસ્યથી જોતા અને સિંહની પેઠે ઉદાર પરાક્રમવાળા, તે ભગવાનને જોઇ તેમના તેજથી અંજાઇ ગયેલા અને શંકા પામેલા તે બુદ્ધિમાન રાજાએ આ પ્રમાણે પૂછ્યું.૨૫-૨૮ મુચુકુંદ પૂછે છે અહીં આવેલા તમે કોણ છો ? વનમાં અને તેમાં પણ ઘણા કાંટાવાળા પર્વતના વિષમ પ્રદેશમાં કમળની પાંખડીઓ સરખા ચરણથી ફરો છો.૨૯ તમે તેજસ્વી લોકોનું તેજ છો ? અગ્નિદેવ છો ? સૂર્ય, ચંદ્ર કે બીજા કોઇ લોકપાળ છો ?૩૦ હે દેવ ! તમે પોતાની કાંતિથી દીવાની પેઠે ગુફાના અંધકારને મટાડો છો, માટે હું ધારું છું કે, ત્રણ મોટા દેવમાના વિષ્ણુ છો.૩૧ હે મનુષ્યોમાં ઉત્તમ ! જો તમારી રુચિ હોય તો પોતાના જન્મ, કર્મ અને વંશની વાત કહો. કારણ કે અમે સાંભળવા ઇચ્છીએ છીએ, ૩૨ હે પુરુષોમાં સિંહ ! અમો ઇક્ષ્વાકુવંશના ક્ષત્રિયો છીએ, હું માંધાતાનો દીકરો મુચુકુંદ નામથી ઓળખાઉં છું.૩૩ ઘણા કાળના ઉજાગરાથી થાકીને નિદ્રાથી ઇંદ્રિયો પરવશ થતાં આ એકાંત સ્થળમાં સુખેથી સૂઇ રહ્યો હતો, ત્યાં હમણાં કોઇએ મને જગાડ્યો.૩૪ એ જગાડનાર પણ પોતાના પાપથી જ ભસ્મ થઇ ગયો. તે પછી શત્રુઓને મારનાર શોભાયમાન આપ જોવામાં આવ્યા છો.૩૫ હે ભાગ્યશાળી ! તમારા અસહ્ય તેજથી અંજાઇ જવાને લીધે હું તમને સારી રીતે જોઇ શકતો નથી, તમે પ્રાણીઓને માન દેવા યોગ્ય છો.૩૬

શુકદેવજી કહે છે આ પ્રમાણે રાજાએ કહ્યું, એટલે જગતને પાળનાર ભગવાન હસીને મેઘના નાદ સરખી ગંભીર વાણીથી આ પ્રમાણે બોલ્યા.૩૭

શ્રી ભગવાન કહે છે હે રાજા ! મારા જન્મ, કર્મ અને નામ હજારો છે. અનંત હોવાને લીધે તેઓની સંખ્યા મારાથી પણ કહી શકાતી નથી.૩૮ કોઇ પુરુષ ઘણા જન્મોથી પૃથ્વીના રજકણને પણ ગણી શકે, પરંતુ મારા ગુણ, કર્મ, નામ અને જન્મને કદી ગણી શકે નહીં.૩૯ હે રાજા ! ત્રણકાળમાં થતા મારા જન્મ અને કર્મોને મોટા મોટા ઋષિઓ ગણ્યા કરે છે, તોપણ તેઓ પાર પામતા નથી.૪૦ તો હમણાંના જન્મો અને કર્મો કહું છું તે સાંભળો. પ્રથમ ધર્મના રક્ષણને માટે અને પૃથ્વીને ભારરૂપ થયેલા અસુરોનો ક્ષય કરવાને માટે બ્રહ્માની પ્રાર્થનાથી હું યદુકુળમાં વસુદેવના ઘરમાં અવતરેલો છું. હું વસુદેવનો પુત્ર છું તેથી મને ‘‘વાસુદેવ’’ કહે છે.૪૧-૪૨ જે કંસ પૂર્વ જન્મમાં કાલનેમિ દૈત્ય હતો તેને અને પ્રલંબાસુર આદિ બીજા શત્રુઓને મેં માર્યા અને હે રાજા ! આ યવનને તમારાં તીક્ષ્ણ ચક્ષુથી બાળી નખાવ્યો.૪૩ હું ભક્તો ઉપર પ્રેમ રાખનાર છું, તમે પૂર્વે ઘણી ભક્તિ કરી હતી, તેથી તમારા ઉપર અનુગ્રહ કરવાને માટે આ ગુફામાં આવ્યો છું.૪૪ હે રાજા ! વર માગો, તમારી સર્વે ઇચ્છા પૂર્ણ કરું, મને શરણ થયેલો કોઇ પણ પુરુષ ફરીવાર સંતાપ પામવાને યોગ્ય જ રહતો નથી.૪૫

શુકદેવજી કહે છે આ પ્રમાણે ભગવાનનાં વચન સાંભળી, આનંદ પામેલા મુચુકુંદે પોતાને વૃદ્ધ ગર્ગમુનિનાં વચનનું સ્મરણ આવતાં, તેમને નારાયણદેવ જાણીને આ પ્રમાણે સ્તુતિ કરી.૪૬

મુચુકુંદ સ્તુતિ કરે છે હે ઇશ્વર ! તમારી માયાથી મોહ પામવાને લીધે તમારા વાસ્તવિક સ્વરૂપને નહીં જાણનારા આ સ્ત્રીઓ અને પુરુષોરૂપી સર્વલોકો તમને ભજતા નથી, અને એકબીજાથી ઠગાઇને જે ઘર દુઃખનું જ સ્થાનક છે, તેમાં સુખની ઇચ્છાથી બંધાઇ રહે છે.૪૭ હે નિર્દોષ ! આ કર્મભૂમિમાં કરોડો ઉદ્યમથી પણ ન મળે એવો અને તેમાં વળી સર્વે પરિપૂર્ણ અવયવવાળો મનુષ્યદેહ પ્રયત્ન વગર પ્રાપ્ત થયા છતાં, પશુની પેઠે વિષયસુખમાં જ પ્રીતિ રાખનારા અને ઘરરૂપી ઊંડી ખાડમાં પડેલા લોકો તમારા ચરણારવિંદને ભજતા નથી.૪૮ હે પ્રભુ ! હું રાજ્ય લક્ષ્મીથી મદોન્મત્ત થયેલો અને દેહને આત્મા કરી માનનાર અને અપાર ચિંતાથી પુત્ર, સ્ત્રીઓ, ભંડાર અને પૃથ્વીમાંજ આસક્ત થઇ રહેલો રાજા છું. મારો આટલો કાળ વ્યર્થ ગયો છે.૪૯ ઘડા અને ભીંત સરખા ક્ષણભંગુર આ જડ દેહમાં, હું રાજા છું, એવું દૃઢ અભિમાન ધરાવનાર અને રથ, હાથી, ઘોડા, તથા પાયદળોના સેનાપતિઓથી વીંટાઇને, તમને નહીં ગણકારતાં, પૃથ્વી પર ફરનાર હું આટલા સમય સુધી મદોન્મત્ત થઇ રહ્યો હતો.૫૦ આ કાર્ય કરવું છે, હજુ આ કાર્ય કરવું છે. એવી ચિંતાથી ગાફલ રહેનાર, મનોરથો ભાંગી જવા છતાં પણ વિષયોમાં ઉત્કંઠાવાળો અને મનોરથો પ્રાપ્ત થાય તો વળી જેને તુષ્ણા વધતી જાય છે, એવા મનુષ્યને જેમ ભૂખથી ગલોફાં ચાટતો સર્પ ઉંદરને ઝડપમાં લે છે, તેમ અપ્રમત્ત કાળરૂપી તમે ઝડપમાં લઇ લ્યો છો.૫૧ પ્રથમ રાજા એવું નામ ધારી, જે દેહ સોનાથી શણગારેલા રથોથી અને હાથીઓથી ફરતો હોય, તે જ દેહ ટાળ્યો ટળે નહીં એવા કાળરૂપ આપ પ્રાપ્ત થતાં, અંતે કોઇ ખાઇ જાય તો ‘વિષ્ટા’ એવું નામ ધારણ કરે છે, પડ્યો રહે તો ‘કીડા’ એવું નામ ધારણ કરે છે અને બાળી નાખવામાં આવે તો ‘ભસ્મ’ એવું નામ ધારણ કરે છે.૫૨ હે ઇશ્વર ! સર્વે દિશાઓને જીતી લેવાથી જેને કોઇ સંગ્રામ કરવો રહ્યો ન હોય એવો, ઉત્તમ સિંહાસન પર બેઠેલો અને સર્વે રાજાઓ જેને પ્રણામ કરતા હોય એવો પુરુષ પણ, માત્ર મૈથુનનાં જ સુખવાળાં ઘરોમાં સ્ત્રીઓનો ક્રીડામૃગ થઇને, મદારીના વાંદરાની પેઠે ચારેકોર રઝળે છે.૫૩ પ્રથમ રાજ્ય મેળવવાની ઇચ્છાથી તપ કરવામાં નિષ્ઠા રાખી ભોગ ભોગવવાનું છોડી દે છે અને જે પોતા પાસે હોય તે આપી દે છે. પછી રાજ્ય મળતાં વળી બીજા જન્મમાં હું ચક્રવર્તી થાઉં, એવી તૃષ્ણા વધવાથી સુખ ભોગવવાનો અવસર જ મળતો નથી.૫૪ હે ભગવન્‌ ! સંસારમાં ભટક્યા કરતા માણસને તમારા અનુગ્રહથી જ્યારે બંધનનો અંત આવ્યો હોય, ત્યારે તેને સાધુલોકોનો સમાગમ મળે છે, અને ત્યારે જ સત્પુરુષોની ગતિરૂપ અને કાર્ય તથા કારણોના નિયંતા એવા તમારે વિષે ભક્તિ પ્રાપ્ત થાય છે.૫૫ હે ઇશ્વર ! મને તો આપોઆપ યદૃચ્છાથી જ રાજ્યાદિકનો સંબંધ છૂટી ગયો છે, એ તમારો મારા ઉપર મોટો અનુગ્રહ થયો છે. એમ માનું છું; કેમકે સર્વથી અલગ થઇને વનમાં જવાની ઇચ્છા કરતા ઉત્તમ ચક્રવર્તી રાજાઓ પણ પોતાથી એ સંબંધને નહીં છોડી શકાતાં તે છોડવાની પ્રાર્થના જ કરે છે.૫૬ હે પ્રભુ ! તમારા ચરણનું સેવન, કે જેને દેહાભિમાન રહિત પુરુષો બહુ જ માગ્યા કરે છે, તે વિના કોઇપણ વરને ઇચ્છતા  નથી. હે વિષ્ણુ ! મોક્ષ આપનારા આપને પ્રસન્ન કરી, કયો સમજુ પુરુષ, જેથી પોતાને બંધન થાય એવું વરદાન માગે ?૫૭ માટે હે ઇશ્વર ! રજોગુણ, તમોગુણ અને સત્વગુણથી બંધાએલી સર્વ સુખની ઇચ્છાઓને છોડી દેતાં જે તમો નિરંજન, નિર્ગુણ, અદ્વૈત અને જ્ઞાનસ્વરૂપ પરમ પુરુષ છો, એવા તમારું હું શરણ લઉં છું.૫૮ રક્ષણ આપનાર હે પરમાત્મા ! હે પરમેશ્વર ! જે હું ઘણા કાળથી આ સંસારમાં કર્મોના ફળથી પીડાએલો છું, કર્મોની વાસનાઓથી તપેલો છું, અને જેના છ ઇંદ્રિયોરૂપી શત્રુઓ તૃષ્ણા રહિત થયા જ નથી, એવો હું તે માંડ માંડ શાંતિ મળતાં નિર્ભય, સત્ય અને શોક રહિત તમારા ચરણારવિંદના શરણે આવેલો છું, માટે જે હું દુઃખી છું, તેનું રક્ષણ કરો.૫૯

ભગવાન કહે છે હે ચક્રવર્તી રાજા ! તમારી બુદ્ધિ નિર્મળ અને નિવૃત્તિ ધર્મમાં નિષ્ઠાવાળી થયેલી છે. કેમકે વરદાનની લાલચ આપી તોપણ લલચાઇ નહીં.૬૦ મેં તમને વરદાનની લાલચ આપી, એ પણ તમોને સાવધાન બનાવવા માટે જ છે. એમ તમો જાણો. અને તે પ્રમાણે તમે કદાચ વર માગો તોપણ તમને પ્રમાદ થાય જ નહીં એમ સમજવું; કેમકે મારા સાચા ભક્તોની બુદ્ધિ કદી પણ સંસારના સુખોમાં આસક્ત થાય નહીં.૬૧ હે રાજા ! જેઓ મારા અભક્ત હોય તેઓ પ્રાણાયામાદિક સાધનોથી મનને વશ કરે, તોપણ જેની વાસના ક્ષીણ થતી નથી, એવું તેઓનું મન ફરી પણ વિષયોથી લલચાય છે.૬૨ તમે મારામાં મન રાખી ઇચ્છા પ્રમાણે પૃથ્વીમાં ફરો, તમને મારે વિષે અવિનાશી ભક્તિ સર્વદા રહેશે.૬૩ તમે ક્ષત્રિય ધર્મમાં રહી, મૃગયા આદિકે કરીને ઘણા જીવ માર્યા છે, તે પાપ, મારો આશ્રય રાખી એકાગ્રપણાથી તપ કરીને ટાળો. હે રાજા ! તમે હવે પછીના જન્મમાં સર્વપ્રાણીઓના મિત્ર ઉત્તમ બ્રાહ્મણ થઇને મારા દિવ્ય સ્વરૂપને પામશો.૬૪-૬૫

ઇતિ શ્રીમદ્‌મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો એકાવનમો અધ્યાય સંપૂર્ણ.