અધ્યાય ૬૧
શ્રીકૃષ્ણ ભગવાનના પુત્ર પૌત્રાદિકની કથા તથા બળભદ્રે કરેલો રુક્મિનો નાશ.
શુકદેવજી કહે છે ભગવાનની એ સોળહજાર એકસો આઠ સ્ત્રીઓએ દરેકે દશ દશ પુત્રોને જન્મ આપ્યા. તે સર્વે પુત્રો પિતાથી ન્યૂન ન હતા.૧ ભગવાનના આત્મારામપણાને નહીં જાણતી એ ભગવાનની પત્ની રાજપુત્રીઓ, ભગવાનને પોતપોતાના ઘરમાં રેહલા અને ઘર છોડીને નહીં જતા જોઇને તેમને પોતપોતાના જ પ્યારા માનતી હતી.૨ ભગવાનનું સુંદર કમળના કોશ જેવું મુખ, લાંબા હાથ તથા નેત્ર દ્વારા પ્રેમ સહિત હાસ્યરસથી યુક્ત, મધુર દૃષ્ટિ અને મનોહર ભાષણોથી મોહ પામેલી એ સ્ત્રીઓ પોતાના અનેક વિલાસોથી ભગવાનના મનનું હરણ કરવાને સમર્થ થતી ન હતી.૩ ગૂઢ હાસ્યયુક્ત કટાક્ષથી સૂચવેલા અભિપ્રાયને લીધે, મનનું હરણ કરનાર ભૃકુટીના મંડળથી યોજેલા રતિક્રીડાના મંત્રો તેને વિષે પ્રવીણ એવાં કામદેવનાં બાણોથી અને બીજા પણ કામશાસ્ત્રમાં પ્રસિદ્ધ ઉપાયોથી ભગવાનના મનને વશ કરવામાં એ સ્ત્રીઓ સોળહજાર એકસો અને આઠ હતી છતાં પણ સમર્થ થતી ન હતી.૪ બ્રહ્માદિક પણ જેમની પદવીને જાણતા નથી, એવા એ લક્ષ્મીના પતિ ભગવાનને પતિ તરીકે પામીને એ સ્ત્રીઓ નિરંતર વૃદ્ધિ પામતી પ્રીતિથી, આ પ્રમાણે સ્નેહ સહિત હાસ્ય કટાક્ષ અને નવીન સંગમમાં ઉત્સુકપણું, ઇત્યાદિક વિહારો કરતી હતી.૫ જો કે પ્રત્યેકની પાસે સેંકડો દાસીઓ હતી તોપણ સામે જવું, આસન દેવું, સુંદર પૂજન કરવું, પગ ધોવા, પાનબીડી દેવી, પગ ચાંપવા, પંખા નાખવા, ચંદન પુષ્પ દેવાં, કેશ સ્વચ્છ કરાવવા, સુવડાવવા, નવરાવવા અને ભોજન દેવું એવા એવા ઉપચારોથી તે સ્ત્રીઓ ભગવાનની પાસે દાસીપણું કરતી હતી.૬ દશ દશ દીકરાવાળી એ ભગવાનની સ્ત્રીઓમાં જે આઠ પટરાણીઓ કહેલી છે, તેઓના પુત્ર પ્રદ્યુમ્નાદિકનાં નામ હું તમારી પાસે કહું છું.૭ ભગવાનને રુક્મિણીમાં પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ, સુદેષ્ણ, ચારુદેહ, સુચારુ, ચારુગુપ્ત, ભદ્રચારુ, ચારુચંદ્ર, વિચારુ અને ચારુ, એ દશ પુત્રો થયા હતા કે જેઓ પિતાથી ન્યૂન ન હતા.૮ હવે સત્યભામાના પુત્રોનાં નામ કહું છું. ભાનુ, સુભાનુ, સ્વર્ભાનુ, પ્રભાનુ, ભાનુમાન, ચંદ્રભાનુ, બૃહદ્ભાનુ, રતિભાનુ, શ્રીભાનુ, અને પ્રતિભાનુ, હવે જાંબવતીના પુત્રોનાં નામ કહું છું. સાંબ, સુમિત્ર, પુરુજિત, શતજિત, સહસ્રજિત, વિજય, ચિત્રકેતુ, વસુમાન, દ્રવિડ, અને ક્રતુ .૯- ૧૨ વીર, ચંદ્ર, અશ્વસેન, ચિત્રગુ, વેગવાન, વૃષ, આમ, શંકુ, વસુ, અને કુન્તિ, એ દશ નાગ્નજિતીના પુત્રો હતા.૧૩ હવે કાલિંદીના પુત્રોનાં નામ કહું છું. શ્રુત, કવિ, વૃષ, વીર, સુબાહુ, ભદ્ર, શાંત, દર્શ, પૂર્ણમાસ અને સોમક.૧૪ પ્રઘોષ, ગાત્રવાન, સિંહ, બલ, પ્રબલ, ઉર્ધ્વગ, મહાશક્તિ, સહ, ઓજ અને અપરાજીત આ દશ લક્ષ્મણાના પુત્રો હતા.૧૫ વૃક, હર્ષ, અનિલ, ગૃધ્ર, વર્ધન, અન્નાદ, મહાશ, પાવન, વહ્નિ અને ક્ષુધિ એ દશ મિત્રવિંદાના પુત્રો હતા.૧૬ સંગ્રામજિત, બૃહત્સેન, શૂર, પ્રહરણ, અરિજિત, જય, સુભદ્ર, વામ, આયુ અને સત્યક એ દશ ભદ્રાના પુત્રો હતા.૧૭ ભગવાનને સોળહજાર અને એકસો સ્ત્રીઓને મધ્યે ગુણે કરીને મોટી રોહિણીમાં, દિપ્તમાન અને તામ્રતપ્ત આદિ પુત્રો થયા હતા. હે રાજા ! ભોજકટ નામના પુરમાં રહેલા રુક્મીની કુંવરી રુક્મવતીને પ્રદ્યુમ્ન પરણ્યા હતા, તે રુક્મવતીમાં પ્રદ્યુમ્નને મહા બળવાન અનિરુદ્ધ નામે પુત્ર થયો હતો. શ્રીકૃષ્ણના બીજા પુત્રો અને પૌત્રો કરોડો થયા હતા. શ્રીકૃષ્ણની સોળહજાર એકસો અને આઠ પત્નીઓ હતી તેથી સંતતિ પણ ઘણી જ થઇ.૧૮-૧૯ પરીક્ષિત રાજા પૂછે છે જે રુક્મી શ્રીકૃષ્ણના હાથથી યુદ્ધમાં પરાભવ પામવાને લીધે શ્રીકૃષ્ણને મારવાનો જ લાગ જોતો હતો, તેણે પોતાના શત્રુ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને પોતાની દીકરી કેમ આપી ? હે સર્વજ્ઞ ! શત્રુઓને પરસ્પર વેવાઇનો સંબંધ થયો તેનું કારણ કહો.૨૦ રુક્મીનો અભિપ્રાય તમારાથી અજાણ્યો ન હોવો જોઇએ; કેમકે જે વસ્તુ ભૂત, ભવિષ્ય, વર્તમાન, ઇંદ્રિયોથી ન જાણી શકાય. એવી દૂર કે વ્યવધાનવાળી હોય તેને પણ યોગીઓ સારી રીતે જાણી શકે છે.૨૧
શુકદેવજી કહે છે પ્રદ્યુમ્ન સાક્ષાત કામદેવના અવતારરૂપ હતા, તેમને સ્વયંવરમાં રુક્મવતી વરતાં તેમણે પોતાના એક રથથી, ત્યાં ભેળા થયેલા રાજાઓને યુદ્ધમાં જીતી લઇને રુક્મવતીનું હરણ કર્યું હતું.૨૨ ભગવાને અપમાન કરેલા રુક્મીને વૈર સાંભરતું હતું, તોપણ તેણે પોતાની બહેન રુક્મિણીને રાજી રાખવા સારુ પોતાના ભાણેજને કન્યા આપવામાં વાંધો લીધો ન હતો.૨૩ હે રાજા ! રુક્મિણીની કુંવરી મોટાં નેત્રવાળી ચારુમતી નામની કન્યાને બળવાન કૃતવર્માનો દીકરો પરણ્યો હતો.૨૪ રુક્મીએ ભગવાનની સાથે વૈર બાંધ્યું હતું, તોપણ ભગવાનના પૌત્ર અનિરુદ્ધને પોતાની પૌત્રી રોચના આપી હતી. જો કે શત્રુની સાથે સંબંધ કરવો અયોગ્ય છે, એમ પોતે જાણતો હતો તોપણ સ્નેહરૂપી પાશથી બંધાઇને પોતાની બેનને સારુ લગાડવા માટે એ કામ પણ રુક્મીએ કર્યું.૨૫ હે રાજા ! એ અનિરુદ્ધના વિવાહના ઉત્સવમાં રુક્મિણી, બળભદ્ર, ભગવાન, શાંબ અને પ્રદ્યુમ્ન આદિ યાદવો ભોજકટપુરમાં ગયા હતા.૨૬ એ વિવાહની ક્રિયા સંપૂર્ણ થયા પછી અભિમાની કાલિંગ આદિ રાજાઓ રુક્મીને કહ્યું કે જુગારમાં બળભદ્રને જીતીલે.૨૭ બલરામને પાસા નાખવાનું જ્ઞાન નથી, તોપણ તે વાતનું ભારે વ્યસન છે, આ પ્રમાણે રાજાઓના કહેવાથી બળદેવજીને બોલાવી તેમની સાથે રુક્મી જુગાર રમવા લાગ્યો.૨૮ એ પ્રસંગમાં બળભદ્રે સો, હજાર અને દશહજારનો દાવ મુક્યો, તેમાં રુક્મી જીત્યો. એટલે કાલિંગ રાજાએ દાંત દેખાડીને બળદેવની ઊંચા સાદથી હાંસી કરી, તે બળદેવજીથી સહન ન થયું.૨૯ પછી રુક્મીએ એકલાખનો દાવ માંડ્યો. તેમાં બળભદ્ર જીત્યા તોપણ કપટથી રુક્મીએ કહ્યું કે હું જીત્યો.૩૦ સમુદ્ર જેમ પુનમમાં ક્ષોભ પામે તેમ ક્રોધથી ક્ષોભ પામેલા અને જેમના જન્મથી રાતાં નેત્ર ક્રોધથી અત્યંત રાતાં થઇ ગયાં એવા બળદેવજી દશકરોડનો દાવ માંડ્યો..૩૧ એ રમતમાં પણ ધર્મની રીતે બળદેવજી જીત્યા, તોપણ છળ ધરાવનારો રુક્મી બોલ્યો કે હું જીત્યો છું. આ વિષયમાં આ સભાસદો કહેશે.૩૨ એ સમયમાં આકાશવાણી બોલી કે ‘‘આ દાવમાં બળદેવજી જ ધર્મની રીતે જીત્યા છે. અને રુક્મી તો કેવળ વચનથી ખોટું બોલે છે’’ .૩૩ દુષ્ટ રાજાઓએ પ્રેરેલો અને જેનું મોત સમીપે આવ્યું હતું, એવો રુક્મી આકાશવાણીનો અનાદર કરી બળદેવજીની હાંસી કરતાં બોલ્યો કે તમો વનમાં ફરનારા ગોવાળો પાસાની રમતમાં જાણો જ નહીં. રાજાઓ જ પાસાઓથી અને બાણોથી રમી જાણે પણ તમ જેવા ન જાણે.૩૪-૩૫ આ પ્રમાણે રુક્મીએ તિરસ્કાર કરતાં અને રાજાઓએ ઉપહાસ કરતાં ક્રોધ પામેલા બળદેવજીએ, માંગલિક સભામાં ભોગળ ઉપાડીને રુક્મીને મારી નાખ્યો.૩૬ કલિંગ દેશનો રાજા ભાગવા લાગતાં તેને દશમે પગલે પકડી લઇને, ક્રોધથી તેના દાંત પાડી નાખ્યા કારણ કે તે રાજા દાંત ઉઘાડા કરીને હસ્યો હતો.૩૭ બલરામે ભોગળથી તાડન કરેલા, લોહીથી ખરડાએલા અને જેઓનાં સર્વે અંગો ભાંગી પડ્યાં હતાં, એવા બીજા રાજાઓ બીકથી ભાગી ગયા.૩૮ હે રાજા ! શ્રીકૃષ્ણ ભગવાન પોતાનો સાળો રુક્મી મરણ પામતા રુક્મિણી અને બળદેવજીની સાથે સ્નેહ તૂટી જવાની બીકથી સારું કે નરસું કાંઇ પણ બોલ્યા નહીં.૩૯ પછી ભગવાનના આશ્રયને લીધે જેઓના સર્વે મનોરથો પૂર્ણ થયા છે. એવા બળભદ્ર આદિ યાદવો અનિરુદ્ધને એ નવી પરણેલી વહુની સાથે રથમાં બેસાડીને ભોજકટપુરથી દ્વારકામાં ગયા.૪૦
ઇતિ શ્રીમદ્મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો એકસઠમો અધ્યાય સંપૂર્ણ.