૬૩ શ્રીકૃષ્ણ ભગવાને બાણાસુરના હાથ કાપી નાખ્યા.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 7:11pm

અધ્યાય ૬૩

શ્રીકૃષ્ણ ભગવાને બાણાસુરના હાથ કાપી નાખ્યા.

શુકદેવજી કહે છે હે રાજા ! અનિરુદ્ધને નહીં દેખતા અને તેમનો શોક કરતાં તેમનાં સંબંધીઓને વર્ષાઋતુના ચાર મહિના વીતી ગયા.૧ પછી નારદજીના કહેવાથી અનિરુદ્ધ બંધાયાની વાત તથા તેમણે કરેલું કામ જાણવામાં આવતાં, શ્રીકૃષ્ણને અનુસરનારા યાદવો શોણિતપુરમાં ગયા.૨ શ્રીકૃષ્ણ તથા બળદેવજીની સાથે પ્રદ્યુમ્ન, સાત્યકિ, ગદ, સાંબ, સારણ, નંદ, ઉપનંદ તથા ભદ્ર આદિ ઉત્તમ યાદવોએ બાર અક્ષૌહિણી સૈન્યથી ચારેકોર બાણાસુરના નગરને ઘેરી લીધું.૩-૪ સર્વે દિશાઓમાં પુર, બગીચા, ગઢ, કોઠા અને દરવાજા ભાંગતાં જોઇ ક્રોધથી ભરાએલો બાણાસુર બાર અક્ષૌહિણી સૈન્ય લઇને યુદ્ધ કરવા નીકળ્યો.૫ બાણાસુરને માટે પોતાના પુત્રો અને પાર્ષદોથી વીંટાએલા શિવજી નંદિકેશ્વર ઉપર બેસીને બલરામ તથા ભગવાનની સાથે યુદ્ધ કરવા લાગ્યા.૬ હે રાજા ! શ્રીકૃષ્ણ તથા શંકરને અને પ્રદ્યુમ્ન તથા કાર્તિકેય સ્વામીને પણ ભારે તુમુલ અદ્ભુત અને રુવાંડાં ઊભાં કરે એવું યુદ્ધ થયું.૭ બળદેવજીની સાથે કુભાંડ અને કૂપકર્ણ નામના બાણાસુરના મંત્રીઓ યુદ્ધ કરવા લાગ્યા, સાંબની સાથે બાણાસુરનો પુત્ર અને સાત્યકિની સાથે બાણાસુર પોતે યુદ્ધ કરવા લાગ્યો.૮ બ્રહ્માદિક મોટા દેવતાઓ, મુનિઓ, સિદ્ધ, ચારણ, ગંધર્વ, અપ્સરા અને યક્ષો વિમાનોમાં બેસીને જોવા આવ્યા હતા.૯ ભૂત, પ્રમથ, ડાકણ, રાક્ષસો, યક્ષો, વૈતાલ, વિનાયક, પ્રેત, માતૃગણ, પિશાચ, કુષ્માંડ અને બ્રહ્મરાક્ષસ આદિ શંકરના અનુચરોને શ્રીકૃષ્ણે શારંગ-ધનુષમાંથી મૂકેલાં તીક્ષ્ણબાણોથી નસાડી મૂક્યા.૧૦-૧૧ વિસ્મય નહીં પામેલા શ્રીકૃષ્ણ ભગવાને, મહાદેવે પોતાની સામે મૂકેલા અનેક પ્રકારનાં અસ્ત્રોને સામા અસ્ત્રોથી સમાવી દીધાં.૧૨ બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર, વાયુના અસ્ત્રની સામે પર્વતનું અસ્ત્ર, અગ્નિના અસ્ત્રની સામે મેઘનું અસ્ત્ર અને પાશુપતાસ્ત્રની સામે નારાયણાસ્ત્ર મૂક્યું.૧૩ જૃંભણાસ્ત્રના પ્રયોગથી મહાદેવને મોહ ઊપજતાં તે બગાસા ખાવા લાગી ગયા, તેટલામાં ભગવાન તલવાર, ગદા અને બાણોથી બાણાસુરની સેનાનો સંહાર કરવા લાગ્યા.૧૪ ચારેકોર પ્રદ્યુમ્નના બાણથી પીડા પામતા અને જેમના શરીરમાંથી લોહી નીકળતું હતું, એવા કાર્તિકેય સ્વામી મોર ઉપર બેસીને યુદ્ધમાંથી ભાગી ગયા.૧૫ બલરામના મુશળથી પીડા પામેલા કુભાંડ અને કૂપકર્ણ પડી ગયા. જેઓના મુખ્ય યોદ્ધા મરણ પામ્યા છે. એવા બાણાસુરના સૈન્યો ચારેકોર ભાગવા લાગ્યાં.૧૬ પોતાના સૈન્યને નાસેલું જોઇ, બહુ જ ક્રોધ પામેલો બાણાસુર સાત્યકિને છોડી દઇ રથમાં બેસીને ભગવાનની સામે દોડ્યો.૧૭ મદોન્મત્ત બાણાસુર એક સામટા પાંચસો ધનુષ ખેંચીને તે પ્રત્યેકમાં બબ્બે બાણ સાંધતો હતો.૧૮ ભગવાને એ ધનુષોને એક સામટા જ કાપી નાખ્યાં અને બાણાસુરના સારથિ તથા ઘોડાઓને પણ કાપીનાખીને શંખનાદ કર્યો.૧૯ બાણાસુરની મા કોટરા પોતાના પુત્રના પ્રાણ બચાવવા સારુ, વાળ છૂટા મૂકી નાગી થઇને ભગવાનની સામે આવીને ઊભી રહી.૨૦ પછી નાગીને નહીં જોતા ભગવાન આડું મોઢું કરી ગયા, તેટલીવારમાં રથ વગરનો અને જેનું ધનુષ કપાઇ ગયું હતું એવો બાણાસુર ગામમાં પેસી ગયો.૨૧ ભગવાને ભૂતપ્રેતોને ભગાડી મૂકતાં ત્રણ માથાં અને ત્રણ પગવાળો તાવ જાણે દશે દિશાઓને બાળતો હોય તેમ ભગવાન સામો યુદ્ધ કરવા આવ્યો.૨૨ ભગવાને તે તાવને જોઇને તેની સામે પોતાનો શીતજ્વર મૂક્યો. શિવનો ગરમ તાવ તથા વિષ્ણુનો ટાઢીઓ તાવ બેય યુદ્ધ કરવા લાગ્યા.૨૩ વિષ્ણુના તાવે પોતાના બળથી પીડેલો , ચીસો પાડતો, ભય પામેલો અને શરણને ઇચ્છતા  શિવનો તાવ બીજા કોઇથી અભય નહીં મળતાં હાથ જોડીને ભગવાનની સામે સ્તુતિ કરવા લાગ્યો.૨૪

શિવનો તાવ સ્તુતિ કરેછે હે અપાર શક્તિવાળા પરમેશ્વર ! સર્વના આત્મા ! જ્ઞાનસ્વરૂપ ! શાંત ! વેદથી જાણવામાં આવો એવા ! અને જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલયના કારણરૂપ ! જે આપ પરબ્રહ્મ છો તે આપને હું પ્રણામ કરું છું.૨૫ કાળ, કર્મ, કર્મનો સંસ્કાર, જીવ, પાંચ વિષયો, શરીર, પ્રાણ, અહંકાર, અગિયાર ઇંદ્રિયો, પંચમહાભૂત, લિંગશરીર અને દેહથી કર્મ તથા કર્મથી દેહ એમ ચાર્લંઈો પ્રવાહ, એ સર્વ તમારા સંકલ્પરૂપ જ્ઞાનને આધીન છે. માટે એ કાળાદિકનો જેમાં નિષેધ રહ્યો છે. એવા આપને શરણે હું આવેલો છું.૨૬ આપ સર્વે ઉપાધિઓથી મુક્ત હોવા છતાં જ લીલાથી સ્વીકાર કરેલા અનેક અવતારોથી દેવ, સાધુ અને વર્ણાશ્રમની મર્યાદાઓને પાળો છો અને જગતને પીડા કરનારા કુમાર્ગી લોકોને હણો છો. એવા આ આપનો જન્મ પૃથ્વીનો ભાર ઉતારવા સારુ છે.૨૭ આપે ઉત્પન્ન કરેલા અસહ્ય અને મહાભયંકર આ શીતજ્વરથી હું પીડાયો છું. પ્રાણીઓ આશામાં બંધાઇને જ્યાં સુધી આપના ચરણને સેવે નહીં ત્યાં સુધી જ તેઓને તાપ રહે છે.૨૮

ભગવાન કહે છે હે ત્રણમાથાંવાળા. હું તારી ઉપર પ્રસન્ન થયો છું. તને મારા તાવની બીક ટળો. આપણા આ સંવાદનું સ્મરણ કરે તેને તારે ભય આપવો નહીં.૨૯

શુકદેવજી કહે છે આ પ્રમાણે ભગવાને કહેતાં તેમની આજ્ઞાને માથે ચઢાવી પ્રણામ કરીને શિવનો તાવ ત્યાંથી ગયો, તેટલામાં બાણાસુર યુદ્ધ કરવા સારુ રથમાં બેસીને ભગવાનની સામે આવ્યો.૩૦ હે રાજા ! પછી અનેક આયુધોને ધરનાર અને બહુ જ ક્રોધ પામેલો બાણાસુર, પોતાના હજાર હાથથી ભગવાન ઉપર બાણ વરસાવવા લાગ્યો.૩૧ વારંવાર અસ્ત્રોને નાખતા તે બાણાસુરના હસ્તોને ભગવાને સજાયા સરખી ધારવાળા ચક્રથી વૃક્ષની શાખાઓની જેમ કાપી નાખ્યા.૩૨ બાણાસુરના હાથ કપાવા લાગતાં ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણની પાસે આવીને શંકરે આ પ્રમાણે કહ્યું.૩૩

સદાશિવ કહે છે વેદમાં પણ છાના રહેલા અને પરમ પ્રકાશરૂપ પરબ્રહ્મ આપ છો કે જેમને નિર્મળ બુદ્ધિવાળાઓ આકાશની પેઠે નિર્દોષ રૂપે જુવે છે. માટે આપને જાણ્યા વિના આ બાણાસુર યુદ્ધ કરે છે તે કાંઇ આશ્ચર્ય નથી.૩૪ નિરંજનની વાત તો એક કોર પણ જેમ ઉદંબરાના ફળની અંદર રહેતાં જંતુઓ ફળને જાણી શકતાં નથી, તેમ આપે લીલાથી ધરેલા આપના વિરાટ સ્વરૂપને પણ કોઇ જાણતા નથી. કે જે સ્વરૂપમાં આકાશ નાભિરૂપ છે, અગ્નિ મુખરૂપ છે, જળ વીર્યરૂપ છે, સ્વર્ગ મસ્તકરૂપ છે, દિશાઓ કાનરૂપ છે, પૃથ્વી પગરૂપ છે, ચંદ્રમા મનરૂપ છે, સૂર્ય દૃષ્ટિરૂપ છે, હું અહંકારરૂપ છું, સમુદ્ર પેટરૂપ છે, ઇંદ્ર ભુજારૂપ છે, ઔષધિઓ રુવાંડાંરૂપ છે, મેઘ કેશરૂપ છે, બ્રહ્મા બુદ્ધિરૂપ છે, પ્રજાપતિ શિશ્નરૂપ છે અને ધર્મ હૃદયરૂપ છે. આ પ્રમાણે જગતરૂપે કલ્પાયેલા આપ પરમપુરુષ છો.૩૫-૩૬ હે અખંડ સ્વરૂપવાળા ! ધર્મના રક્ષણને માટે અને જગતના કલ્યાણને માટે આ તમારો અવતાર છે. અમે સર્વે લોકપાળો આપનાથી જ રક્ષણ પામીને સાતે લોકનું પાલન કરીએ છીએ.૩૭ હે પ્રભુ ! નામરૂપના વિભાગથી રહિત સૂક્ષ્મ દશાને પામેલાં ચેતન તથા અચેતનથી વિશિષ્ટ હોવાને કારણે આપ એકત્વ વ્યપદેશને યોગ્ય આદિપુરુષ છો. અર્થાત આપ એક જ જગતના ઉપાદાન કારણભૂત છો. અને વળી આપ કેવળ જગતના ઉપાદાન કારણભૂતજ નથી, પરંતુ નિમિત્તકારણ પણ આપ જ છો. અને વળી હે પ્રભુ ! આપ સ્વયંપ્રકાશ, જ્ઞાનસ્વરૂપ, હોવાને કારણે પ્રકૃતિ થકી વિલક્ષણ છો. અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાના સંબન્ધથી રહિત હોવાને કારણે જીવ થકી પણ વિલક્ષણ છો, આપ સર્વેના નિયંતા છો, આપ સર્વેના કારણ છો, પણ આપનું કોઇ કારણ નથી. જો કે આપ ઉપાદાન કારણભૂત છો, છતાં પ્રકૃતિના પરિણામરૂપ વિકારથી રહિત છો. અને સર્વે જીવોને કર્મફળ આપવાને માટે પોતાની અંતર્યામિ શક્તિથી દેવ મનુષ્યાદિકને વિષે ન્યૂનાધિકભાવથી જણાઓ છો.૩૮ હે ઇશ્વર ! જેમ સૂર્ય પોતાથી જ પ્રકાશવા યોગ્ય વાદળાંઓથી નહિ ઢંકાઇને વાદળાંઓને અને વાદળાંઓથી આચ્છાદિત ઘટાદિકને પણ પ્રકાશે છે. તેમ હે ભૂમન્‌ ! આપ ગુણમય પ્રકૃતિ વડે નહિ ઢંકાઇને ગુણમય પ્રકૃતિને અને પ્રકૃતિથી આચ્છાદિત જીવોને પ્રકાશ કરો છો. માટે આપ સ્વયંપ્રકાશ છો.૩૯ આપની માયાથી મોહ પામીને પુત્ર, સ્ત્રીઓ અને ઘર આદિમાં આસક્ત થયેલા લોકો દુઃખના સમુદ્રરૂપ સંસારમાં ઊંચી નીચી યોનિઓ પામ્યા કરે છે.૪૦ આપે આપેલા આ મનુષ્ય દેહને પામી, જે અજિતેંદ્રિય પુરુષ આપના ચરણનું ભજન ન કરે, તે પુરુષ શોક કરવા યોગ્ય અને આત્માને જ ઠગનારો સમજવો.૪૧ જે પુરુષ જડ અપ્રિય અને અનીશ્વર પુત્રાદિકને માટે ચૈતન્ય, પ્રિય અને ઇશ્વર સ્વરૂપ એવા આપને છોડી દે છે, તે પુરુષ અમૃતને મૂકીને ઝેર ખાય છે.૪૨ હું, બ્રહ્મા, દેવતાઓ અને નિર્મળ મનવાળા ઋષિઓ પણ, પ્રિય, ઇશ્વર અને અંતર્યામી એવા આપને જ સર્વપ્રકારે ભજીએ છીએ.૪૩ અને હે પ્રભુ ! આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણરૂપ છો, વિષયભાવથી રહિત છો, ભૂખ તરસ આદિ છ પ્રકારની ઊર્મિઓથી રહિત છો, સર્વના મિત્ર છો, સર્વના અંતર્યામી આત્મા છો, સર્વના ઇશ્વર છો, તમે જ એક સ્વામી છો, તમારા સિવાય બીજો કોઇ પણ સ્વામી નથી. માટે તમો અનન્ય એક છો, પ્રકૃતિ તથા આત્માઓના આધારરૂપ છો. આવા તમને અભ્યુદય માટે અને મોક્ષને માટે અમો ભજીએ છીએ.૪૪ હે દેવ ! આ બાણાસુર મારો આજ્ઞાકારી અને પ્યારો ભક્ત છે. અને તેને મેં અભય આપેલ છે. માટે આપે જેવી પ્રહ્લાદ ઉપર કૃપા કરી તેવી આના ઉપર કૃપા કરો.૪૫

ભગવાન કહે છે હે ભક્ત શિવજી ! આપ જેવું કહો છો તે પ્રમાણે હું આપને રાજી કરું છું. આપ જે ધારો છો તેમાં હું સારી રીતે સંમતિ આપું છું.૪૬ બળિરાજાના દીકરા આ બાણાસુરને મારે પણ મારવો નથી કારણ કે “તમારા વંશને હું મારીશ નહીં’’ એવું મેં પ્રહ્લાદજીને વચન આપ્યું છે.૪૭ ગર્વ ઉતારવા સારુ આના મેં હાથ કાપ્યા છે અને પૃથ્વીને ભારરૂપ લાગતું મોટું સૈન્ય મેં માર્યું છે.૪૮ આના ચાર હાથ અવશેષ રહ્યા છે તે અજરઅમર થશે. તમારા પાર્ષદોમાં મુખ્ય આ અસુરને હવે કોઇ પણ સ્થળથી ભય થશે નહીં.૪૯

શુકદેવજી કહે છે હે રાજા ! આ પ્રમાણે બાણાસુર અભય પામી, શ્રીકૃષ્ણને પ્રણામ કરી, અનિરુદ્ધને પોતાની દીકરી ઊષાની સાથે રથમાં બેસાડીને લાવ્યો.૫૦ બાણાસુરે આપેલી એક અક્ષૌહિણી સેનાથી વીંટાએલા અને સારાં વસ્ત્ર અલંકારોથી શણગારેલી સ્ત્રીઓ સહિત અનિરુદ્ધને આગળ કરી શ્રીકૃષ્ણ ભગવાન શિવજીની સંમતિ લઇને ત્યાંથી ચાલ્યા.૫૧ નગરના લોકો, સંબંધીઓ અને દ્વિજલોકોએ જેમનું સામૈયું કર્યું હતું. એવા ભગવાન શંખ, આનક અને દુંદુભિઓના ધ્વનિઓની સાથે તોરણ અને ધ્વજાઓથી શણગારેલી તથા જેના માર્ગ અને ચૌટાઓમાં પાણી છાંટ્યાં હતાં, એવી પોતાની રાજધાની દ્વારકામાં પધાર્યા.૫૨ આ પ્રમાણે સદાશિવની  સાથે યુદ્ધ થયાની અને ભગવાનનો વિજય થયાની કથાને, જે માણસ પ્રાત:કાળમાં ઊઠીને સંભારશે તેનો ક્યારેય પણ પરાજય થશે નહીં.૫૩

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ત્રેસઠમો અધ્યાય સંપૂર્ણ.