૭૧ ઉદ્ધવજીની સલાહથી શ્રીકૃષ્ણનું ઇંદ્રપ્રસ્થમાં પધારવું.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 7:21pm

અધ્યાય ૭૧

ઉદ્ધવજીની સલાહથી શ્રીકૃષ્ણનું ઇંદ્રપ્રસ્થમાં પધારવું.

શુકદેવજી કહે છે હે રાજા ! આ પ્રમાણે ભગવાનનું વચન સાંભળી રાજસૂયમાં જવાનો નારદજીનો મત, રાજાઓની રક્ષા કરવાનો સભાસદોનો મત અને તે બન્ને કરવાનો ભગવાનનો મત જાણીને મોટી બુદ્ધિવાળા ઉદ્ધવજી આ પ્રમાણે બોલ્યા.૧

ઉદ્ધવજી કહે છે હે દેવ ! નારદજીના કહેવા પ્રમાણે યજ્ઞ કરવાને ઇચ્છતા આપની ફોઇના દીકરા યુધિષ્ઠિર રાજાને આપે સહાયતા આપવી જોઇએ, અને શરણ ઇચ્છનારા રાજાઓની રક્ષા પણ કરવી જોઇએ.૨ હે પ્રભુ ! રાજસૂય યજ્ઞ કરવાનો છે તેમાં દિગ્વિજય કરવો જ પડશે અને તે પ્રસંગે જરાસંધ પણ જીતાશે, માટે તેમ કરવામાં શરણાગતની રક્ષા અને રાજસૂય એ બન્ને સિદ્ધ થશે, એમ હું માનું છું.૩ હે ગોવિંદ ! આમ કરવાથી જ આપણું મોટું પ્રયોજન સિદ્ધ થશે અને બંધાએલા રાજાઓને છોડાવાથી તમારી કીર્તિ પણ થશે.૪ બળમાં દશહજાર હાથી સરખા તે જરાસંઘ રાજા તેથી વધારે બળવાળા બીજાઓને તો ભારે પડી જાય તેવો છે. કેવળ સમાન બળવાળો ભીમ જ તેને મારી શકે એમ છે, કારણ કે ભીમના હાથથી જ જરાસંધનો વધ સર્જાયેલો છે.૫ તે જરાસંધને દ્વંદ્વયુદ્ધમાં જીતવો, પણ સો અક્ષૌહિણી સૈન્ય ભેગું કરવા માટેનો તેને લાગ આવવા દેવો નહીં. આમ કરવાનો ઉપાય આ છે કે ભીમે બ્રાહ્મણનો વેષ ધરી તેની પાસે જઇને દ્વંદ્વયુદ્ધ માગી લેવું. જરાસંધ બ્રાહ્મણોને માનનાર છે, તેથી બ્રાહ્મણો તેની પાસે કાંઇ માગે છે તો ના કહતો નથી. માટે ભીમે બ્રાહ્મણનો વેષ ધારણ કરી, જરાસંધ પાસે જઇને ભિક્ષા માગવી અને તે સમયે તમારા સાનિધ્યમાં દ્વન્દ્વયુદ્ધને વિષે તો ભીમ તેને મારશે જ, એમાં કશો સંદેહ નથી.૬-૭ વિશ્વની સૃષ્ટિ અને પ્રલયને વિષે પરમ નિમિત્ત કારણ આપ જ છો. જો હું પરમ નિમિત્ત કારણ હોઉં તો અવાન્તર નિમિત્ત કારણ કોણ છે ? પ્રાકૃતરૂપથી રહિત અને કાળના પણ નિયામક એવા આપના અંશભૂત બ્રહ્મા અને શંકર અવાન્તર નિમિત્ત કારણ છે. માટે ભીમદ્વારા તમો જ જરાસંધને મારશો, ભીમ અવાન્તર નિમિત્તરૂપ જ થશે, આપ પરમ નિમિત્તર કારણ થશો. આવો ભાવ છે.૮ જેમ ગોપીઓ શંખચૂડને મારવારૂપ અને તેથી પોતાને છોડાવવારૂપ આપના પવિત્ર કર્મને ગાય છે, જેમ શરણાગત લોકો ઝૂડને મારવારૂપ અને તેથી ગજેન્દ્રને છોડાવવારૂપ આપના પવિત્ર કર્મને ગાય છે, જેમ મુનિઓ રાવણને મારવારૂપ અને તેથી સીતાજીને છોડાવવારૂપ આપના પવિત્ર કર્મને ગાય છે. અને જેમ અમો કંસને મારવારૂપ અને તેથી માતાપિતાને છોડાવવારૂપ આપના પવિત્ર કર્મને ગાઇએ છીએ, તેમ જરાસંધે પકડી રાખેલા રાજાઓની સ્ત્રીઓ પણ પોતાના ઘરોમાં બાળકને રમાડવા આદિ કામ કરતાં ‘‘હે પુત્ર ! રુદન કર મા, કરુણાના સાગર શ્રીકૃષ્ણ જરાસંધને મારશે અને તારા બાપને છોડાવશે’’ એવી રીતે આપના પવિત્ર કર્મને ગાય છે.૯ હે કૃષ્ણ ! જરાસંધને મારવાથી બીજાં પણ ઘણાં પ્રયોજન સિદ્ધ થશે, કેમકે તેને મારવાથી શિશુપાળ આદિ શત્રુઓ નબળા પડી જશે. હું ધારું છું કે ઘણું કરીને કેદી રાજાઓના પુણ્યનો પાક કાળ આવવાથી અને જરાસંધાદિકના પાપોનો પાકકાળ આવવાથી રાજસૂય કરાવવા તમને રુચિ થઇ છે.૧૦

શુકદેવજી કહે છે આ પ્રમાણે સર્વે રીતે સુખકારક અને ઉત્તમ યુક્તિથી ભરેલાં ઉદ્ધવજીનાં વચનને નારદજી, વૃદ્ધ યાદવો અને શ્રીકૃષ્ણ ભગવાને માન આપીને સ્વીકારી લીધું.૧૧ પછી શ્રીકૃષ્ણ ભગવાને વસુદેવાદિ ગુરુજનોની સંમતિ લઇને પ્રયાણ કરવા માટે દારુક અને જૈત્ર આદિ ભૃત્ય લોકોને આજ્ઞા કરી.૧૨ હે શત્રુને મારનાર પરીક્ષિત ! પુત્રો સહિત અને દાસી-દાસ તથા સરસામાન સહિત પોતાની સ્ત્રીઓને દ્વારકામાંથી પ્રયાણ કરાવી અને બલરામ તથા ઉગ્રસેનની આજ્ઞા લઇ શ્રીકૃષ્ણ ભગવાન સારથિએ આણેલા અને જેની ધ્વજામાં ગરુડનું ચિહ્ન હતું એવા રથમાં બેઠા.૧૩ પછી રથ, હાથી, પાળા, ઘોડેસવારો અને નાયકોથી ભયંકર લાગે એવી પોતાની સેનાથી વીંટાએલા ભગવાન મૃદંગ, ભેરી, આનક, શંખ અને ગોમુખ નામનાં વાજાંઓના શબ્દોથી શબ્દાયમાન થયેલી દિશામાંથી નીકળ્યા.૧૪ ઉત્તમ આભૂષણ, વસ્ત્ર, લેપન અને માળાવાળી તથા ઢાલ તલવારવાળા મનુષ્યોથી વીંટાએલી પતિવ્રતા સ્ત્રીઓ પુત્રોની સાથે મેના આદિ મનુષ્યોનાં વહાન, ઘોડા જોડેલા રથ અને પાલખીઓમાં બેસીને પોતાના પતિ ભગવાનની પછવાડે ચાલવા લાગી.૧૫ સારી રીતે શણગારેલી સેવકોની સ્ત્રીઓ અને વેશ્યાઓ પણ સાદરડીઓ, તંબુઓ, ધાબળા અને વસ્ત્રાદિક સામાનો લઇ તથા તે સમાનોને ગાડાઓમાં સારી રીતે બાંધીને માણસ, ઊંટ, બળદ, પાડા, ખચ્ચર, ગાડાં અને હાથણીઓ ઉપર બેસી ચારેકોરથી ચાલતી થઇ.૧૬ ભારે શબ્દવાળું તે મોટું સૈન્ય, ધ્વજા, છત્ર, ચામર, ઉત્તમ આયુધ, આભરણ, કિરીટ, કવચ અને સૂર્યનાં કિરણોથી, સમુદ્ર જેમ ક્ષોભ પામેલા મત્સ્યો અને તરંગોથી શોભે તેમ દિવસમાં શોભવા લાગ્યું.૧૭ પછી ભગવાને સત્કાર કરી પૂજેલા અને ભગવાનનાં દર્શનથી પરમ આનંદ પામેલા નારદજી ભગવાનને પ્રણામ કરી તથા તેમનો નિશ્ચય સાંભળી હૃદયમાં તેનું જ ધ્યાન કરતા કરતા આકાશમાર્ગથી ગયા.૧૮ પછી વચનથી પ્રસન્ન કરતા ભગવાને રાજાઓના દૂતને કહ્યું કે હે દૂત ! તું રાજાઓને કહેજે કે ભય પામશો નહીં, તમારું ભલું થશે હું જરાસંધને મરાવીશ.૧૯ આ પ્રમાણે ભગવાને કહેતાં ત્યાંથી ગયેલા દૂતે રાજાઓની પાસે તે વાત યથાર્સ્થિંઈ કહી સંભળાવી. છૂટવાને ઇચ્છતા રાજાઓ પણ ભગવાનના દર્શનની વાટ જોવા લાગ્યા.૨૦ આનર્ત, સૌવીર અને મરુદેશને ઓળંગી કુરુક્ષેત્ર, પર્વતો, નદીઓ, ગામ, પુર, વ્રજ અને ખાણોના પ્રદેશોને ભગવાન ઓળંગી ગયા.૨૧ પછી સરસ્વતી નદીને ઊતરી અને પંચાલ તથા મત્સ્ય દેશને ઓળંગી ઇંદ્રપ્રસ્થમાં આવ્યા.૨૨ જેનાં દર્શન મનુષ્યોને દુર્લભ છે, એવા ભગવાનને આવ્યા સાંભળી રાજી થયેલા યુધિષ્ઠિર રાજા પોતાના ઉપાધ્યાયો અને સંબંધીઓની સાથે સામા આવ્યા.૨૩ ઇંદ્રિયો જેમ મુખ્ય પ્રાણની સામે જાય તેમ આદરવાળા યુધિષ્ઠિર રાજા ગાજતે વાજતે અને વેદના મોટા ઘોષની સાથે ભગવાનની સામે ગયા.૨૪ ભગવાનને જોઇ સ્નેહથી જેનું હૃદય પલળી ગયું છે, એવા યુધિષ્ઠિર રાજાએ ઘણે દિવસે દેખેલા પરમ પ્યારા ભગવાનનું વારંવાર આલિંગન કર્યું.૨૫ લક્ષ્મીના સુંદર ઘરરૂપ શ્રીકૃષ્ણના અંગનું આલિંગન કરી જેનાં પાપ નાશ પામ્યાં છે એવા યુધિષ્ઠિર રાજાના નેત્રમાં ઘણું સુખ મળવાથી હર્ષાશ્રુ આવ્યાં, રુવાંડા ઊભાં થયાં અને તે બીજું કર્તવ્ય ભૂલી ગયા.૨૬ હસતા અને પ્રેમના વેગથી આકુળ ઇંદ્રિયોવાળા ભીમસેને એ પોતાના મામાના પુત્રનું આલિંગન કર્યું, અને તેથી તે ભીમસેનને પરમ સુખ મળ્યું. આનંદથી જેઓનાં આંસુ વધી ગયાં છે એવા અર્જુન, નકુલ અને સહદેવે પણ ભગવાનનું આલિંગન કર્યું.૨૭ અર્જુન સમાન વયના હોવાને લીધે ભગવાનને કેવળ મળ્યા જ અને નકુલ તથા સહદેવ તો મળવા ઉપરાંત પગે પણ લાગ્યા. બ્રાહ્મણોને અને વૃદ્ધલોકોને યથાયોગ્ય રીતે નમસ્કાર કરી માન પામેલા ભગવાને કુરુ, સંજય, કૈક્ય, સૂત, માગધ, ગાંધર્વ, બંદિજનો અને ઉપમંત્રીઓને માન આપ્યું.૨૮-૨૯ મૃદંગ, શંખ, ઢોલ, વીણા, પણવ અને ગોમુખ નામનાં વાજાં વાગવા લાગ્યાં. બ્રાહ્મણો પણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા અને ગાવવા લાગ્યા.૩૦ આ પ્રમાણે પવિત્ર કીર્તિવાળા, પુરુષોના ચૂડામણિરૂપ અને સંબંધીઓથી વીંટાએલા તથા સ્તુતિ કરાતા ભગવાન શણગારેલા ઇંદ્રપ્રસ્થપુરમાં પધાર્યા.૩૧ એ પુરના માર્ગોમાં હાથીઓના મદ અને સુગંધી જળોના છંટકાવ થઇ રહ્યા હતા. એ પુર વિચિત્ર ધ્વજા, સોનાના તોરણ અને પૂર્ણ કુંભોથી શોભી રહ્યું હતું. સ્વચ્છ શરીરવાળા અને નવાં વસ્ત્રો, ઘરેણાં, માળા તથા સુગંધોને ધારણ કરનારા પુરુષો અને સ્ત્રીઓથી શોભી રહ્યું હતું.૩૨ ઘેરઘેર દીવા અને પુષ્પાદિકના સમૂહ શોભી રહ્યા હતા, જાળિયાઓમાંથી નીકળતા ધૂપના ધુમાડાઓથી મનોહર લાગતું હતું, પતાકાઓ શોભી રહી હતી, ઉપર સોનાના કળશવાળા અને કળશોની નીચે રૂપાનાં શિખરોવાળાં ઘરોવાળું યુધિષ્ઠિરનું નગર ભગવાને જોયું.૩૩ પુરુષોના નેત્રો પણ જેમાં લાગી જ રહે એવા ભગવાનને પધાર્યા સાંભળી, ઉત્સાહને લીધે જેઓના કેશ અને વસ્ત્રોનાં બંધનો શિથિલ થઇ ગયાં હતાં, એવી યુવતિ સ્ત્રીઓ ઘરના કામ કાજને અને પતિને પણ પલંગ ઉપર છોડી દઇ રાજમાર્ગમાં જોવા આવી.૩૪ હાથી, ઘોડા, રથ અને માણસોથી બહુ જ ભીડવાળા રાજમાર્ગમાં સ્ત્રીઓ સહિત ભગવાનને આવેલા જાણી, ઘર ઉપર ચઢેલી કેટલીક સ્ત્રીઓ ફૂલથી વધાવી તથા મનથી આલિંગન કરીને ઉત્સાહ ભરેલા કટાક્ષોથી જ માન આપવા લાગી.૩૫ ચંદ્રની સાથે તારાઓની પેઠે માર્ગમાં ભગવાનની સાથે તેમની સ્ત્રીઓને જોઇને, ઇંદ્રપસ્થની સ્ત્રીઓ વાતો કરવા લાગી કે ‘‘આ સ્ત્રીઓ કે જેઓના નેત્રોને પુરુષોત્તમ ભગવાન પોતાના મંદ હાસ્યથી અને લીલાપૂર્વક જોવાની કળાથી આનંદ આપે છે, તેઓએ શા પુણ્ય કર્યાં હશે ?૩૬ પાપ રહિત થયેલા પૌર લોકો અને વ્યાપાર ચલાવનારા મહાજનોના આગેવાનો હાથમાં મંગળ પદાર્થ રાખી, સ્થળે સ્થળે ભગવાનને મળીને તેમની પૂજા કરવા લાગ્યા.૩૭ પ્રીતિથી પ્રફુલ્લિત નેત્રવાળી અને ઘણાં સંભ્રમવાળી અંત:પુરની સ્ત્રીઓએ સામે જઇને જેમને માન આપ્યું છે, એવા ભગવાન રાજાના ઘરમાં પધાર્યા.૩૮ ત્રિલોકના ઇશ્વર અને પોતાના ભાઇના પુત્ર ભગવાનને જોઇ રાજી થયેલાં કુંતીએ પોતાની વહુ દ્રૌપદી સહિત ઢોલિયા પરથી ઊઠીને તેમનું આલિંગન કર્યું.૩૯ આદરવાળા યુધિષ્ઠિર મોટા દેવતાઓના પણ સ્વામી એવા, શ્રીકૃષ્ણને પોતાને ઘેર તેડી લાવીને પ્રેમથી વિહ્વળ થઇ જવાને લીધે પૂજનના કેટલાક પ્રકારોને પણ ભૂલી ગયા.૪૦ હે રાજા ! શ્રીકૃષ્ણ ભગવાન પોતાની ફોઇને અને ગુરુજનની સ્ત્રીઓને પગે લાગ્યા, અને દ્રૌપદી તથા સુભદ્રા તેમને પગે લાગ્યાં.૪૧ સાસુએ પ્રેરણા કરવાથી દ્રૌપદીએ રુક્મિણી, સત્યભામા, ભદ્રા, જાંબવતી, કાલિંદી, મિત્રવિંદા, શૈબ્યા, નાગ્નજિતી અને બીજી પણ ભગવાનની જે સ્ત્રીઓ આવી હતી, તેઓની વસ્ત્ર, માળા અને આભરણાદિકથી પૂજા કરી.૪૨-૪૪ ભગવાનને, તેમના સૈન્યને, અનુચરોને, મંત્રીઓને અને સ્ત્રીઓને યુધિષ્ઠિર રાજાએ દરરોજ નવાં નવાં લાગે એવાં સુખથી ઇંદ્રપ્રસ્થમાં રાખ્યાં, પ્રેમથી અર્જુનની સાથે નિરંતર રહેતા ભગવાને અર્જુનને સહાયતા આપી, ખાંડવ વનથી અગ્નિને તૃપ્ત કરાવ્યો અને મયદાનવ કે જેણે પછીથી યુધિષ્ઠિર રાજાને દિવ્ય સભા કરી આપી હતી તેને અગ્નિમાંથી છોડાવ્યો.૪૫ અર્જુનની સાથે રથમાં બેસી યોદ્ધાઓથી વીંટાઇને વિહાર કરતા ભગવાન રાજાનું પ્રિય કરવાની ઇચ્છાથી કેટલાક મહિના સુધી ઇંદ્રપ્રસ્થમાં રહ્યા.૪૬

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો એકોતેરમો અધ્યાય સંપૂર્ણ.