૭૫ દુર્યોધનનું થયેલું માનભંગ.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 7:54pm

અધ્યાય ૭૫

દુર્યોધનનું થયેલું માનભંગ.

પરીક્ષિત રાજા પૂછે છે હે મહારાજ ! યુધિષ્ઠિર રાજાના યજ્ઞમાં આવેલા મનુષ્યો, દેવતાઓ, રાજાઓ અને ઋષિઓ રાજસૂયનો મહોત્સવ જોઇને સર્વે રાજી થયા, પણ તેઓને મધ્યે એક દુર્યોધન રાજી ન થયો. એમ મેં તમારી પાસેથી સાંભળ્યું તેમાં જે કારણ હોય તે કહો.૧-૨

શુકદેવજી કહે છે તમારા દાદા મહાત્મા યુધિષ્ઠિર રાજાના રાજસૂયમાં પ્રેમના બંધનને લીધે તેમના બાંધવો કામકાજમાં લાગ્યા હતા.૩ ભીમસેન રસોડાના ઉપરી થયા, દુર્યોધન ધનનો ઉપરી થયો, સહદેવ પૂજાનું કામ કરતા હતા, નકુલ ધન મેળવવાનું કામ કરતો હતો.૪ અર્જુન ગુરુજનની સેવાના કામમાં લાગ્યા હતા, શ્રીકૃષ્ણ મહાત્માઓના પગ ધોવાના કામમાં હતા, દ્રૌપદી પીરસવાના કામમાં હતાં, ઉદાર મનવાળો કર્ણ દાનના કામમાં લાગ્યો હતો.૫ હે રાજા ! સાત્યકિ, કર્ણ, કૃતવર્મા, વિદુરાદિક, ભૂરિ આદિ બાલ્હિક રાજાના પુત્રો અને સંતર્દનાદિક કે જેઓને મોટા યજ્ઞમાં નોખાનોખા કામમાં ઉપરી ઠરાવ્યા હતા, તેઓ સર્વે યુધિષ્ઠિર રાજાનું પ્રિય કરવાની ઇચ્છાથી તે તે કામોમાં લાગ્યા હતા.૬-૭ ઋત્વિજ, સભાસદ, ઘણું જાણનારા બીજા પણ વિદ્વાનો અને પ્યારા સંબંધીઓનું મધુર વાણી, અલંકારાદિક અને દક્ષિણાઓથી પૂજન થયા પછી અને શિશુપાળ શ્રીકૃષ્ણના ચરણમાં પ્રવેશ કર્યા પછી યુધિષ્ઠિર રાજાએ પણ ગંગાજીમાં અવભૃથસ્નાન કર્યું.૮ એ અવભૃથના ઉત્સવમાં મૃદંગ, શંખ, પણવ, નોબત,નગારા અને ગોમુખ આદિ વિચિત્ર વાજાં વાગતાં હતાં.૯ રાજી થયેલી વેશ્યાઓ નાચતી હતી, ટોળેટોળાં ગવૈયાઓ ગાંતા હતા, તેઓનો મોટો શબ્દ આકાશ સુધી વ્યાપ્ત થઇ રહ્યો હતો.૧૦ સોનાની માળા પહેરનારા યદુ, સૃઞ્જય, કમ્બોજ, કુરુ, કૈક્ય અને કોસલ દેશના રાજાઓ વિચિત્ર ધ્વજ તથા પતાકાઓથી યુક્ત અને ખૂબ શણગારેલા મોટા હાથીઓ, રથો અને ઘોડાઓ પર બેસીને શણગારેલા યોદ્ધાઓની સાથે મહારાજ યુદ્ધિષ્ઠિરને આગળ કરી, પૃથ્વીને કંપાવતા થકા અવભૃથ સ્નાન કરવા ગામ બહાર નીકળ્યા.૧૧-૧૨ સભાસદો, ઋત્વિજ અને મોટા મોટા બ્રાહ્મણો વેદનો ભારે શબ્દ કરતા નીકળ્યા. દેવ, ઋષિ, પિતૃ, અને ગંધર્વો સ્તુતિ કરતા હતા તથા ફૂલની વૃષ્ટિ કરતા હતા.૧૩ સુગંધ, માળા, ભૂષણ અને વસ્ત્રોથી સારી રીતે શણગારેલી સ્ત્રીઓ અને પુરુષો અનેક પ્રકારના દહીં, દૂધ આદિ રસોથી એક બીજાને લેપન કરી અને ભીંજવીને વિહાર કરતા હતા.૧૪ તેલ, ગોરસ, સુગંધી જળ, હળદર અને ઘાટાં કેસરોથી પુરુષોએ લેપન કરેલી અને પુરુષોને તે પદાર્થોથી લેપન કરતી વેશ્યાઓ વિહાર કરતી હતી.૧૬ એ ઉત્સવ જોવા સારુ ઉત્તમ વિમાનમાં બેસીને જેમ દેવાંગનાઓ નીકળી હતી, તેમ યોદ્ધાઓએ રક્ષણ કરેલી ઇન્દ્રપ્રસ્થના રાજાઓની રાજસ્ત્રીઓ પણ સુંદર પાલખીઓ ઉપર સવાર થઇને સ્નાન કરવા સારુ નીકળી હતી. મામાના દીકરા શ્રીકૃષ્ણ અને મિત્રોએ રાણીઓ ઉપર રંગ આદિ ફેંકી રહ્યા હતા, તેથી રાણીઓના મુખો લાજ સહિત હસવાથી ખીલી ઊઠેલાં હતાં, અને તેથી અતિશે શોભતી હતી.૧૬ ઉત્સુકપણાને લીધે છૂટી ગયેલા ચોટલાઓમાંથી ફૂલ ખરતાં હતાં એવી, અને વસ્ત્રો ભીંજાઇ જવાને લીધે જેઓનાં ગાત્ર, સ્તન, સાથળ અને મધ્યભાગ સ્પષ્ટ દેખવામાં આવતાં હતાં એવી તે રાજય પત્નીઓ, પોતાના દિયર અને મિત્રોને ચામડાના યંત્રોથી પાણી નાખીને ભીંજવતી હતી અને એવા એવા સુંદર વિહારોથી કામી લોકોના મનમાં કામજ્વર ઉત્પન્ન કરતી હતી.૧૭ સારા ઘોડાવાળા અને સુવર્ણની માળાઓ વાળા રથમાં બેઠેલા તે ચક્રવર્તી યુધિષ્ઠિર રાજા, ક્રિયાઓથી જાણે દેહધારી રાજસૂય શોભતો હોય તેમ પોતાની સ્ત્રીઓથી શોભતા હતા.૧૮ પત્નીસંયાજ નામનું કર્મ અને અવભૃથ સંબંધી કર્મ કરીને જેણે આચમન લીધું છે. એવા તે યુદ્ધિષ્ઠિર રાજાને ઋત્વિજોએ ગંગાજીમાં દ્રૌપદીની સાથે નવરાવ્યા.૧૯ તે સમયે માણસોના દુદુંભીઓની સાથે દેવતાઓનાં દુદુંભીઓ પણ વાગતાં હતાં. દેવ, ઋષિ, પિતૃ અને મનુષ્યો ફૂલની વૃષ્ટિ કરતા હતા.૨૦ એ  અવભૃથસ્નાનમાં વર્ણ આશ્રમવાળા સર્વે માણસોએ સ્નાન કર્યું, કેમકે એ સ્નાન કરે તો મહાપાપી પણ તરત પાપમાંથી મુક્ત થાય છે.૨૧ પછી નવાં વસ્ત્ર પહેરી, સારી રીતે શણગારેલા રાજાઓ, આભરણ અને વસ્ત્રોથી ઋત્વિજ, સભાસદ અને બ્રાહ્મણો આદિની પૂજા કરી.૨૨ નારાયણને આધીન યુધિષ્ઠિર રાજાએ બંધુ, જ્ઞાતી, રાજાઓ, મિત્ર, સંબંધીઓ અને બીજા પણ સર્વે લોકોની વારંવાર પૂજા કરી.૨૩ એ સમયે દેવતા સરખી કાંતિવાળા તથા મણિના કુંડળ, માળા, પાઘડી, ઝૂલડી, વસ્ત્ર અને અમૂલ્ય હાર ધરનારા સર્વે પુરુષો શોભતા હતા. કુંડળની જોડ અને કેશના સમૂહથી ચમકતી મુખની શોભાવાળી સ્ત્રીઓ પણ સોનાની કટિમેખળાથી શોભતી હતી.૨૪ ઉત્તમ સ્વભાવવાળા ઋત્વિજો, બ્રહ્મવાદી સભાસદો, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, રાજાઓ, દેવ, ઋષિ, પિતૃ, ભૂત અને અનુચર સહિત લોકપાળો તે સર્વે યજ્ઞમાં આવ્યા હતા. તેઓ સત્કાર પામી યુધિષ્ઠિર રાજાની સંમતિ લઇને પોતપોતાના સ્થાનકોમાં ગયા.૨૫-૨૬ માણસ જેમ અમૃત પીતાં તૃપ્તિ ન પામે તેમ એ સર્વે લોકો ભગવાનના ભક્ત યુધિષ્ઠિર રાજાના રાજસૂય સંબંધી ઉત્સવની પ્રશંસા કરતાં તૃપ્તિ પામતા ન હતા.૨૭ પછી જે યુધિષ્ઠિર રાજા પોતાના પ્રિય બાંધવોના વિરહને ન ખમી શકે એવા, હતા તેથી તે રાજાએ પ્રેમને લીધે પોતાના મિત્રો, સંબંધીઓ, બંધવો અને શ્રીકૃષ્ણને ઇંદ્રપ્રસ્થમાં જ રાખ્યા.૨૮ યુધિષ્ઠિર રાજાનું પ્રિય કરનારા ભગવાન પણ સાંબ આદિક વીર યાદવોને દ્વારકામાં મોકલીને પોતે ઇંદ્રપ્રસ્થમાં જ રહ્યા.૨૯ આ પ્રમાણે ધર્મના પુત્ર યુધિષ્ઠિર રાજા શ્રીકૃષ્ણની સહાયથી રાજસૂયના મનોરથરૂપી દુસ્તર મહાસાગરને તરીને સંતાપ રહિત થયા.૩૦ પછી એક દિવસે ભગવાનમાં જ ચિત્ત રાખનારા યુધિષ્ઠિર રાજાના અંત:પુરની ભારે લક્ષ્મીને અને રાજસૂયના મહિમાને જોઇને દુર્યોધન મનમાં બળવા લાગ્યો.૩૧ યુધિષ્ઠિર રાજાના અંત:પુરમાં મયદાનવે રચેલી સંપત્તિ, રાજાઓ, દૈત્યોના અધિપતિઓ અને દેવતાના અધિપતિઓની અનેક પ્રકારની વિભૂતિઓ શોભતી હતી. એ વિભૂતિઓની સાથે દ્રૌપદી પોતાના પતિને સેવતાં હતાં, જેમાં મન લાગી રહેવાથી દુર્યોધનને પરિતાપ થયો.૩૨ જે અંત:પુરમાં નિતંબના ભારને લીધે ધીરે ધીરે ઝમકતાં ઝાંઝરોથી શોભી રહેલા પગવાળી, સુંદર કટીવાળી, સ્તનના કેસરથી રાતા થયેલા હારોવાળી, શોભતાં મુખવાળી અને હાલતાં કુંડળ તથા કેશવાળી ભગવાનની હજારો સ્ત્રીઓ ફરતી હતી, તે અંત:પુરની શોભા જોઇને દુર્યોધનના મનમાં અસહ્ય પરિતાપ થયો.૩૩ એક દિવસે મયદાનવે રચેલી સભામાં ભાઇઓ, બંધુઓ અને પોતાની આંખ સરખા શ્રીકૃષ્ણથી વીંટાઇને ચક્રવર્તી યુધિષ્ઠિર રાજા, સોનાના સિંહાસન ઉપર સાક્ષાત ઇંદ્રની પેઠે શોભતા હતા, ચક્રવર્તીપણાની લક્ષ્મી દીપી રહી હતી અને બંદીજનો સ્તુતિ કરતા હતા.૩૪-૩૫ હે રાજા ! તે સમયમાં અભિમાની રાજાઓથી વીંટાએલો કિરીટ તથા માળાને ધરનારો અને જેના હાથમાં તલવાર હતી એવો દુર્યોધન, ક્રોધથી દ્વારપાળ આદિને ધમકી દેતો તે સભામાં આવ્યો.૩૬ સભામાં જ્યાં સ્થળ હતું ત્યાં જળની ભ્રાંતિને લીધે દુર્યોધને પોતાનાં કપડાં ઊંચાં લીધાં, અને જ્યાં જળ હતું ત્યાં સ્થળ સમજીને જળમાં પડ્યો. આવી રીતે મયદાનવની માયાથી મોહ પામેલા દુર્યોધનને જોઇને ભીમસેન, સ્ત્રીઓ અને બીજા રાજાઓ યુધિષ્ઠિરે વારવા માંડ્યા તોપણ શ્રીકૃષ્ણની સંમતિથી હાંસી કરવા લાગ્યા.૩૭-૩૮ લજાએલો અને ક્રોધથી બળતો દુર્યોધન નીચું મોઢું કરી ચુપચાપ સભામાંથી નીકળીને હસ્તિનાપુરમાં ગયો. આ જોઇને સત્પુરુષો મોટો હાહાકાર કરવા લાગ્યા અને યુધિષ્ઠિર રાજા મનમાં ઉદાસ થઇ ગયા. પૃથ્વીનો ભાર ઉતારવાને ઇચ્છતા, અને જેની દૃષ્ટિથી દુર્યોધનને ભ્રાંતિ થઇ હતી એવા શ્રીકૃષ્ણ ભગવાન તો ચુપ જ રહ્યા.૩૯ હે રાજા ! મોટા રાજસૂયયજ્ઞમાં દુર્યોધનની દુષ્ટતા વિષે તમે જે મને પૂછ્યું હતું તે સર્વે કહીં સંભળાવ્યું.૪૦

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો પંચોતેરમો અધ્યાય સંપૂર્ણ.