અધ્યાય ૮૭
વેદોએ કરેલી નિર્ગુણ બ્રહ્મની સ્તુતિ.
પરીક્ષિત રાજા પૂછે છે હે શુકદેવજી ! સર્વાન્તર્યામી પરમાત્મા તો અનિર્દેશ્ય છે. ચેતન તત્ત્વનો અને અચેતનતત્ત્વનો શબ્દોથી જે રીતે નિર્દેશ કરી શકાય છે, એ રીતે તેઓના સમાનપણે સર્વાન્તર્યામી પરમાત્માનો નિર્દેશ કરી શકાતો નથી. માટે પરમાત્માને અનિર્દેશ્ય કહેલા છે. અને એ પરમાત્મા ચેતન તથા અચેતનથી સર્વપ્રકારે વિલક્ષણ છે. તથા શબ્દોના જે જે પ્રવૃત્તિનિમિત્તક ગુણો છે, તે ગુણોના પ્રત્યક્ષ સંબન્ધથી રહિત હોવાને કારણે એ સર્વાન્તર્યામી પરમેશ્વરને નિર્ગુણ કહેલા છે. તો હે મુને ! શબ્દોના પ્રવૃત્તિનિમિત્તક ગુણોના સંબન્ધથી રહિત, એવા નિર્ગુણ પરમાત્માને વિષે પ્રવૃત્તિનિમિત્તક ગુણવાળા શબ્દાત્મક વેદો પ્રત્યક્ષપણે કેવી રીતે પ્રવર્તી શકે છે. અર્થાત આ શબ્દાત્મક વેદો પરમાત્માનું કેવી રીતે પ્રતિપાદન કરે છે. જાતિ, ગુણ, ક્રિયા અને સંજ્ઞા આ શબ્દોના પ્રવૃત્તિનિમિત્તક ગુણો છે. અર્થાત જાત્યાદિ ગુણો અર્થના નિયામક છે. જાત્યાદિક ગુણોના આધારે જ શબ્દોની અર્થમાં પ્રવૃત્તિ જોયામાં આવે છે. જેમ કે ‘‘આ ગાય છે’’ અહીં ઇન્દ્રિયોની સાથે ગોત્વ જાતિના પ્રત્યક્ષ સંબન્ધને આધારે જ અર્થને વિષે શબ્દની પ્રવૃત્તિ થયેલી છે. અને વળી ‘‘આ ગાય શ્વેત છે.’’ અહીં ઇન્દ્રિયોની સાથે શ્વેતત્વ ગુણના પ્રત્યક્ષ સંબન્ધને આધારે જ અર્થને વિષે શબ્દની પ્રવૃત્તિ થઇ છે. અને વળી ‘‘આ ગાય જાય છે’’ અહીં ઇન્દ્રિયોની સાથે ગમનત્વ ક્રિયાના કોઇ પણ સંબન્ધના આધારે જ અર્થને વિષે શબ્દની પ્રવૃત્તિ થઇ છે. અને વળી ‘‘આ ગાય ગંગા છે’’ અહીં ઇન્દ્રિયોની સાથે સંજ્ઞાના સંબન્ધના આધારે જ અર્થને વિષે શબ્દની પ્રવૃત્તિ થઇ છે. આ રીતે કોઇ પણ શબ્દોની અર્થમાં પ્રવૃત્તિ જાત્યાદિક શબ્દગુણોના આધારે જ થાય છે. અને પરમાત્માના વિષયમાં તો ઇન્દ્રિયોની સાથે જાત્યાદિક શબ્દગુણોના પ્રત્યક્ષ સંબન્ધનો અભાવ હોવાથી, શબ્દાત્મક એવા વેદો સાક્ષાત પરમાત્માને વિષે કેવી રીતે પ્રવૃત્તિ શકે છે ? આવો પ્રશ્નનો ભાવ છે.૧ શુકદેવજી કહે છે હે રાજન ! નામરૂપના નિર્વાહક એવા પરમાત્માએ, માયાના ઉદરમાં અનાદિ કાળથી પડેલા એવા જીવાત્માઓને, હસ્ત ચરણાદિકથી યુક્ત શરીર આપી કરી, તેઓની આ લોકમાં ઉત્ક્રાન્તિને માટે, અને આરાધના કરનાર જીવોને ધર્મ, અર્થ અને કામરૂપી પુરુષાર્થને આપવા પૂર્વક તેઓના અભ્યુદયને માટે, તથા મુક્તિના સાધનભૂત ઉપાસનાની સિદ્ધિને માટે, અને ઉપાસનાના અનુષ્ઠાન દ્વારા દેવ મનુષ્યાદિક ભેદોની નિવૃત્તિ પૂર્વક મુક્તિને માટે, જીવોનાં બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણો સર્જેલાં છે. (સ્થાવર જંગમ જગતની અંદર જીવો દ્વારા અનુપ્રવેશીને પરમાત્મા તે તે નામરૂપના નિર્વાહક થયેલા છે. માટે તે તે શબ્દો તે તે અર્થનું પ્રતિપાદન કરવા પૂર્વક મુખ્યવૃત્તિથી પરમાત્માને વિષે જ વિરામ પામે છે. અર્થાત સર્વે શબ્દો મુખ્યવૃત્તિથી પરમાત્માના જ વાચક બને છે. જેમ કે આ આપણું શરીર છે, અને શરીરની અંદર જે આત્મા રહેલો છે એ શરીરી છે. તો શરીર વાચક તમામ શબ્દો શરીર દ્વારા આત્મામાં જ વિરામ પામે છે. ‘‘આ મનુષ્ય છે’’ અહીં મનુષ્ય શબ્દ શરીરનો વાચક છે. છતાં એ શરીરવાચક મનુષ્ય શબ્દ, મનુષ્ય શરીરથી વિશિષ્ટ જીવાત્મામાં જ વિરામ પામે છે. જેમ કે ‘‘મનુષ્ય એટલે મનુષ્ય શરીરથી વિશિષ્ટ એવો જીવ’’ પશુ એટલે પશુશરીરથી વિશિષ્ટ એવો જીવ.
એ જ રીતે સર્વે પદાર્થો પરમાત્માનાં શરીરો છે. અને પરમાત્મા એ સર્વે પદાર્થોના શરીરી આત્મા છે. માટે પરમાત્માના શરીર વાચક સર્વે શબ્દો તે તે અર્થોનું પ્રતિપાદન કરવા પૂર્વક, શરીરી એવા પરમાત્માના જ મુખ્યવૃત્તિથી વાચક બને છે. જેમ કે ‘‘પૃથ્વી એટલે પૃથ્વી શરીરથી વિશિષ્ટ પરમાત્મા’’ ‘‘જીવ એટલે જીવ શરીરથી વિશિષ્ટ પરમાત્મા’’ આ રીતે સર્વે શબ્દો શરીરી એવા પરમાત્માના વાચક બને છે. માટે પરમાત્માને વેદની અંદર સર્વશબ્દથી કહેલા છે. આ રીતે શબ્દાત્મક વેદો ઇન્દ્રાદિક શબ્દો દ્વારા સર્વાન્તર્યામી પરમાત્માને વિષે પ્રવર્તે છે. આવો ભાવ છે.૨ ઉપર પ્રતિપાદન કરેલી સર્વે શબ્દોની પરમાત્માને વિષે જ મુખ્યપણે પ્રવર્તવારૂપ જે વૃત્તિ છે. એ ઉપનિષદ્ના રહસ્યરૂપ છે. અર્થાત ઉપનિષદ્ના અર્થનો વિચાર કરવાથી જ જાણવા યોગ્ય છે. અને આ વૃત્તિને પૂર્વના પણ પૂર્વજો જે વામદેવાદિ મુનિઓ તેમણે ધારણ કરેલી છે. અર્થાત વામદેવાદિ મુનિઓએ સર્વે શબ્દોનું પરમાત્મા પર્યંત વાચકપણું બતાવીને, પરમાત્માને વિષે જ સર્વે શબ્દોની મુખ્યવૃત્તિ બતાવેલી છે. માટે જે પુરુષ ઉપનિષદ્ના રહસ્યરૂપ આ વૃત્તિને શ્રદ્ધાથી ધારણ કરે છે, તે પુરુષ નિષ્કિંચન થઇને મોક્ષપદને પામે છે.૩ હે પરીક્ષિત ! આ તમારા પ્રશ્નના ઉત્તરમાં નારાયણ ભગવાનના સંબન્ધવાળી એક ગાથા હું વર્ણવું છું, કે જે ગાથાની અંદર નારાયણ ભગવાન અને નારદ ઋષિનો સંવાદ રહેલો છે.૪ એક સમયને વિષે ભગવાનના પ્રિય ભક્ત નારદજી જુદા જુદા લોકોમાં ભ્રમણ કરી, સનાતન એવા નારાયણ ભગવાનનાં દર્શન કરવા માટે બદરીકાશ્રમમાં પધારેલા હતા.૫ જે નારાયણ ભગવાન આ ભરતખંડને વિષે મનુષ્યોના લૌકિક અભ્યુદયને માટે તથા આત્યંતિક મોક્ષને માટે, આ કલ્પના પ્રારંભથી ધર્મ, જ્ઞાન અને સંયમની સાથે મહાન તપશ્ચર્યા કરે છે.૬ હે પરીક્ષિત ! એક દિવસ બદરિકાશ્રમને વિષે કલાપગામવાસી (બદરિકાશ્રમવાસી) સિદ્ધ ઋષિઓની મધ્યે નારાયણ ભગવાન બિરાજેલા હતા. તે સમયે નારદજીએ ભગવાનને પ્રણામ કરી નમ્રતા પૂર્વક એ જ પ્રશ્ન પૂછ્યો હતો કે જે પ્રશ્ન તમોએ મને પૂછેલો છે.૭ હે રાજન્ ! નારદજીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન નારાયણે સર્વે ઋષિઓના સાંભળતાં નારદજીને એ જ કથા સંભળાવી કે જે કથાની અંદર જનલોકવાસી સનકાદિકનો પરસ્પર બ્રહ્મસંવાદ રહેલો છે.૮ ભગવાન નારાયણ કહે છે કે હે નારદ ! પ્રાચીન સમયની એક કથા છે કે જે કથામાં જનલોકને વિષે ત્યાંના રહેવાસી અને બ્રહ્માના માનસપુત્રો, તથા ઊર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી એવા સનકાદિક ઋષિઓનો પરસ્પર બ્રહ્મસંવાદ થયેલો હતો.૯
ભગવાન કહે છે હે નારદ ! તમો જ્યારે શ્વેતદ્વીપના અધિપતિ વાસુદેવ ભગવાનનાં દર્શન કરવા માટે શ્વેતદ્વીપ ગયા હતા, ત્યારે એ બ્રહ્મસંવાદ પ્રવર્તેલો હતો. જે બ્રહ્મસંવાદને વિષે શ્રુતિઓ પણ મૌન ધારણ કરીને સુખપૂર્વક ત્યાં વિરાજેલી હતી. હે નારદ ! તમોએ મને જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્ન બ્રહ્મસંવાદમાં વર્ણવવામાં આવેલો હતો. માટે તમારા પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે એ સર્વે કથા હું તમારા પ્રત્યે કહું છું, તેને તમો ધ્યાન દઇને સાંભળો.૧૦ ભગવાન કહે છે હે નારદ ! સનક, સનન્દન, સનાતન અને સનતકુમાર આ ચારે જોકે શાસ્ત્રીય જ્ઞાન, તપશ્ચર્યા અને સ્વભાવમાં સમાન છે, અને એ ચારની દૃષ્ટિમાં શત્રુ તથા મિત્ર પણ સમાન છે. છતાં પણ એક સનન્દન વક્તા બનેલા હતા અને સનકાદિક બીજા મુનિઓ ર્શ્રોંઈા બન્યા હતા.૧૧
સનન્દન કહે છે જેવી રીતે પ્રાત:કાળ થતાં સૂતેલા ચક્રવર્તી રાજાને જગાડવા માટે ભૃત્ય એવા બંદિજનો, રાજાની પાસે આવી રાજાના પરાક્રમ તથા યશનું ગાન કરી રાજાને જગાડે છે. એ જ રીતે પોતે સર્જેલા આ જગતનો સંહાર કરી, સૂક્ષ્મ અવસ્થાને પામેલી પ્રકૃતિપુરુષાદિક શક્તિઓથી વિશિષ્ટપણે જ પોઢેલા, એવા પરમાત્માને, શ્રુતિઓ તેમના અસાધારણ પરાક્રમો તથા માહાત્મ્યનું વર્ણન કરી જગાડે છે.૧૨-૧૩
(વેદસ્તુતિ) શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરતાં કહે છે કે હે અજિત ! આપનો જય હો !!! જય હો !!! દોષરૂપ અને જીવાત્માઓને દુઃખ આપનારા સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી યુક્ત એવી સ્થાવર જંગમ જીવોની જે માયા છે, તેનો તમે નાશ કરો. (પ્રલયકાળને અંતે માયાના ઉદરમાં રહેલા જીવોની અવિદ્યા નાશ કરવાને માટે શ્રુતિઓએ ‘‘અજાં જહિ’’ આ રીતે પ્રાર્થના કરેલી છે. તેથી પ્રલયકાળને વિષે પણ જીવો અને ઇશ્વરના ભેદનું વાસ્તવિકપણું અને માયાનું સત્યપણું સિદ્ધ થાય છે. અને વેદો પણ પ્રલયકાળને વિષે વિદ્યમાન હોવાથી વેદોનું પણ નિત્યપણું સિદ્ધ થાય છે.) અને વળી કાળ, માયા, મહતત્ત્વાદિક સમગ્ર શક્તિઓના પ્રકાશક એવા, હે પ્રભુ ! જે કારણથી તમો અનંત શક્તિઓથી યુક્ત છો, એ જ કારણથી સ્વભાવસિદ્ધ જ પ્રાપ્ત થયેલાં સમગ્ર ઐશ્વર્યોથી યુક્ત છો, પણ જીવો તેવા નથી. કારણ કે જીવોને તમારી ઉપાસનાદિકે કરીને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. માટે સ્વભાવસિદ્ધ જ ઐશ્વર્યવાળા જીવો નથી. આવા હે પ્રભુ ! સર્વાન્તર્યામીપણે પ્રકૃતિપુરુષથી વિશિષ્ટપણે વર્તતા તમોને શબ્દસમૂહાત્મક એવી અમો શ્રુતિઓ, ચિત અચિરત્થી વિશિષ્ટપણે પ્રતિપાદન કરીએ છીએ. (રુદ્ર, ઇન્દ્ર, અગ્નિ, સૂર્યાદિકના અંતર્યામીરૂપે વર્તતા તમોને વેદો, રુદ્ર, ઇન્દ્ર, અગ્નિ, સૂર્યાદિકરૂપે જ પ્રતિપાદન કરે છે.) કારણ કે સર્વે શબ્દો મુખ્યવૃત્તિથી પરમાત્મામાં જ વિરામ પામે છે. માટે શબ્દસમૂહાત્મક વેદો, બ્રહ્માત્મક ભાવથી રુદ્ર, ઇન્દ્રાદિક શબ્દદ્વારા જ આપને વિષે સાક્ષાત પ્રવર્તે છે. આવો ભાવ છે.૧૪ ( તમો તો ક્યારેક જ મારું પ્રતિપાદન કરો છો, મોટે ભાગે ઇન્દ્ર, અગ્નિ તથા વરુણાદિક દેવોનું જ પ્રતિપાદન કરો છો ? આ શંકાના પરિહારમાં વેદો પરમાત્માની સ્તુતિ કરતાં કહે છે.) હે પ્રભુ ! પ્રલયકાળને વિષે જ્યારે આ જગત નામરૂપના વિભાગથી રહિત અતિ સૂક્ષ્મપણાને પામે છે, ત્યારે અવશેષપણે રહેલું (અર્થાત વ્યતિરેક ભાવથી રહેલું) અને પછી સૃષ્ટિ સમયે પોતે જ સર્જેલા બ્રહ્મા, ઇન્દ્ર, વરુણાદિકને વિષે (ઉપલબ્ધમ્) અન્વયભાવને પ્રાપ્ત થયેલું જે આ તમારું અંતર્યામી સ્વરૂપ છે, તેને મંત્રદૃષ્ટા મુનિઓ (બૃહત) બ્રહ્મ આવા નામથી જાણે છે. અને જેમ અવિકારી મૃત્તિકા ઘટ શરાવાદિકરૂપે વિકારને પામે છે, છતાં એ ઘટ શરાવાદિક વિકારો મૃત્તિકાત્મક જ છે. અર્થાત કારણરૂપ મૃત્તિકાથી એ ઘટશરાવાદિક વિકારો પૃથક્ભૂત નથી. અને એ સર્વે વિકારો તે તે અર્થનું પ્રતિપાદન કરવા પૂર્વક મૃત્તિકામાં જ વિરામ પામે છે. જેમ કે ‘‘ઘટ’’ આ શબ્દ કમ્બુગ્રિવાદિવત અર્થનું પ્રતિપાદન કરવા પૂર્વક મૃત્તિકામાં જ વિરામ પામે છે. તેમ અવિકારી એવા જે તમારા થકી વિકારી કાર્યોની ઉત્પત્તિ થાય છે, અને જે તમારે વિષે વિકારી કાર્યોનો લય થાય છે, એ તમારા થકી વિકારી કાર્યો પૃથક્ નથી. કારણ કે બ્રહ્મ એવા તમો સર્વત્ર અંતર્યામીપણે રહેલા હોવાને કારણે એ સર્વે વિકારી કાર્યો બ્રહ્માત્મક છે. એ જ કારણથી ઇન્દ્ર, વરુણાદિક દેવોનું પ્રતિપાદન કરનારા વેદો પણ મન, વાણી અને કર્મો તમારે વિષે જ ધારણ કરે છે. અર્થાત મનથી તમારું જ ધ્યાન કરે છે, વાણીથી તમારી જ સ્તુતિ કરે છે, અને શરીરથી તમારા સંબન્ધવાળી જ ચેષ્ટા કરે છે. (જેમ ઘટશરાવાદિકનું વર્ણન એ મૃતિકાનું જ વર્ણન છે, કારણ કે ઘટશરાવાદિક મૃત્તિકાત્મક છે. તેમ ઇન્દ્ર, વરુણાદિક દેવોનું વર્ણન એ પરમાત્માનું જ વર્ણન છે. કારણ કે એ સર્વેમાં પરમાત્મા અંતર્યામીપણે રહેલા હોવાથી એ સર્વે બ્રહ્માત્મક છે.) જેમ મનુષ્ય પોતાનો પગ કાષ્ઠ, પાષણાદિક કોઇ પણ વસ્તુ ઉપર ધારણ કરે, એ પૃથ્વી ઉપર જ ધારણ કર્યો કહેવાય છે. કારણ કે સર્વે વસ્તુ પૃથ્વીરૂપ જ છે. તેમ તમારા શરીરભૂત ઇન્દ્ર, વરુણાદિક દેવોનું પ્રતિપાદન કરતી એવી અમો શ્રુતિઓ કોઇ પણ વિભૂતિઓનું પ્રતિપાદન કરીએ, એ તમારું જ પ્રતિપાદન કર્યું કહેવાય છે. કારણ કે તમો સર્વત્ર રહેલા હોવાથી એ સર્વે વિભૂતિઓ બ્રહ્માત્મક છે.૧૫ (પૂર્વ શ્લોકને વિષે પ્રતિપાદન કરાયેલા સર્વાન્તર્યામી ભગવાનનું ધ્યાન, સંસારિક સર્વે તાપોનું નિવારણ કરનાર છે. એ વિષયનું પ્રતિપાદન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે ત્રિલોકીના અધિપતિ ! જે કારણથી તમો જીવ દ્વારા અનુપ્રવેશીને જગતના નામરૂપના નિર્વાહક છો, એ જ કારણથી પ્રવૃત્તિધર્મના પ્રવર્તક બ્રહ્માદિક દેવો અને તેવા જ પ્રકારના બીજા પણ આધુનિક મુનિઓ સમગ્ર લોકોના પાપોને નાશ કરનારી એવી તમારી કથારૂપી અમૃતના સાગરમાં ડુબકી મારીને જો, અધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક આ ત્રણ પ્રકારના તાપોને દૂર કરી શકતા હોય, તો હે સર્વોત્કૃષ્ટ ! નિવૃત્તિધર્મના પ્રવર્તક જે નારદાદિક ઋષિઓ અથવા તેવા જ પ્રકારના બીજા પણ આધુનિક ઋષિઓ તમારા સ્વરૂપના માહાત્મ્યજ્ઞાન વડે રાગાદિક મનની વૃત્તિઓનો તથા જરા, મરણાદિક કાળની વૃત્તિઓનો નાશ કરી, નિત્ય જ્ઞાનાનન્દાત્મક તમારા સ્વરૂપનો સમાધિ વડે સાક્ષાત્કાર કરીને ત્રણ પ્રકારના તાપોને દૂર કરી શકે એમાં તો કહેવું જ શું ? એ તો કરી જ શકે.૧૬ (પૂર્વ શ્લોકને વિષે કહેલા બન્ને પ્રકારના ભક્તજનો જો ભગવાનની ભક્તિ કરે નહિ, તો એ નિંદાને પાત્ર બને છે, એ વિષયનું નિરૂપણ કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે અનંત ! પ્રાણધારી પુરુષો જો કોઇ પણ પ્રકારે તમારો આશ્રય કરે છે. (અર્થાત જે કોઇ પણ ભાવથી તમોને ભજે તો જ એ સફળ જીવે છે.) પણ જે પ્રાણધારી પુરુષો તમારો આશ્રય નથી કરતા, અર્થાત કોઇ પણ ભાવથી તમારું ભજન નથી કરતા. એ તો કેવળ ધમણની પેઠે શ્વાસ લે છે. (અને વળી કદાચ તમો કહેશો કે સકામ ભાવથી મારો આશ્રય કરવાથી શું પ્રાપ્ત થાય છે ?) આ શંકાના પરિહારમાં શ્રુતિઓ કહે છે કે હે પ્રભુ ! મહતત્ત્વ અહંકારાદિક તત્ત્વોના અભિમાની દેવો સકામ ભાવથી સ્તુતિરૂપ તમારો આશ્રય કર્યા પછી જ, તમારા અનુગ્રહથી વૈરાજપુરુષના શરીરરૂપ બ્રહ્માંડને સર્જી શક્યા હતા. માટે કોઇ પણ ભાવથી તમોને જે ભજે છે. તેનું જ જીવન સાર્થક છે. (કદાચ તમે કહેશો કે ભક્તોને ભજવા યોગ્ય મારું સ્વરૂપ સાકાર છે કે નિરાકાર છે ?) આ શંકાના પરિહારમાં શ્રુતિઓ કહે છે કે હે પ્રભુ ! અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનન્દમય આ પાંચકોશોને મધ્યે જે અંતિમ આનન્દમય છે, જે મહદાદિક કાર્યથી પર છે તથા પ્રકૃતિ પુરુષાદિ કારણથી પણ પર છે, વિલક્ષણ છે. અર્થાત જે કાર્યકારણના પ્રવર્તક છે. અને ચિત અચિત્થી મિશ્ર એવા બ્રહ્માંડને વિષે જે અન્વય ભાવને પામેલા છે, અને પ્રલયકાળ પ્રાપ્ત થતાં નેતિ નેતિ દ્વારા સર્વેનો નિષેધ કરતાં જે એક અવશેષ રહે છે, અને જે સત્યસ્વરૂપ છે, આવા જે પરમતત્ત્વ પરબ્રહ્મ પરમાત્મા છે, એ સાક્ષાત પુરુષાકાર છે. (અર્થાત હસ્ત ચરણાદિકથી યુક્ત એવા મનુષ્યની પેઠે જ, પરમાત્મા દિવ્ય હસ્ત ચરણાદિકથી યુક્ત પુરુષાકાર છે, આવો ભાવ છે.)૧૭ (પૂર્વ શ્લોકને વિષે પુરુષાકાર આનન્દમય પરમાત્માનું જે સ્વરૂપ નિરૂપણ કર્યું, એ સ્વરૂપની ઉપાસનાના ભેદથી ઉપાસના કરનારા ત્રણ પ્રકારના ઉપાસકોનું નિરૂપણ કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે અનંત ! આપની પ્રાપ્તિને માટે ઋષિઓએ અનેક ઉપાસનાના માર્ગો નિશ્ચિત કરેલા છે. એ માર્ગોને વિષે જે સુક્ષ્મબુદ્ધિવાળા છે. અને તેમાં પણ જે અરુણ ઋષિના માર્ગને અનુસરનારા છે. (અર્થાત દહર વિદ્યામાં નિષ્ઠાવાળા છે) એ પુરુષો હૃદયમાં રહેલા અને દહર શબ્દથી વાચ્ય એવા તમારી ઉપાસના કરે છે. અને જે કેટલાક વૈશ્વાનર વિદ્યામાં નિષ્ઠાવાળા છે, એ જઠરાગ્નિ સ્વરૂપે તમારી ઉપાસના કરે છે. અને વળી કેટલાક તો (परिसरपद्धतिं) સુષુમ્ણા માર્ગની ઉપાસના કરે છે. (અર્થાત સુષુમ્ણા નાડી દ્વારા આપની ઉપાસના કરે છે.) કે જે સુષુમ્ણા નાડી તમારી ઉપાસનાનું પરમ સ્થળ છે. અને હૃદયથી આરંભીને બ્રહ્મરન્ધ્ર પર્યંત ઉપર નીકળેલી છે. કે જે બ્રહ્મરન્ધ્રને પામીને પુરુષ ફરીવાર આ પ્રકૃતિમંડળને વિષે, તેમાં પણ યમરાજાના મુખની સમાન આ સંસારમાં ફરીવાર પડતો નથી.૧૮ (પરમાત્મા અપવિત્ર શરીરને વિષે પ્રવેશ કરીને રહેલા છે, છતાં તેના લેપથી રહિત શુદ્ધ સ્વરૂપ છે. આ વિષયનું નિરૂપણ કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે પ્રભુ ! તમો જીવોના કર્મને અનુસારે સર્જેલી એવી ઊંચ નીચ યોનિયોને વિષે કારણપણે જાણે પ્રવેશ કરીને રહેલા છો. ‘‘જાણે પ્રવેશ કરીને રહેલા છો’’ આમ કહ્યું તેણે કરીને હે પ્રભુ ! તમારો વ્યતિરેકભાવ પણ સૂચવેલો છે. અર્થાત મૂર્તિમાન દિવ્ય સ્વરૂપે તમારા ધામમાં પણ વિરાજો છો. અને વળી હે ભગવન્ ! જેમ અગ્નિ સ્વભાવસિદ્ધ તારતમ્યભાવથી રહિત છે, છતાં પણ નાના મોટા કાષ્ઠને અનુસારે નાનો મોટો જણાય છે. તેમ તમો પણ સ્વભાવ સિદ્ધ તારતમ્યતાથી રહિત છો. અર્થાત સર્વત્ર સમભાવથી પ્રવેશ કરીને રહેલા છો, છતાં પણ કર્મને અનુસારે સર્જાયેલી ઊંચ નીચ યોનિને અનુસારે તારતમ્યભાવથી પ્રકાશો છો. (કદાચ તમો કહેશો કે પ્રાકૃત એવી ઊંચ અને નીચ યોનિઓનો જ્યારે નાશ થાય છે. ત્યારે તેની અંદર પ્રવેશ કરીને રહેલો એવો જે હું તે મારો પણ થવો જોઇએ ?) આ શંકાના પરિહારમાં શ્રુતિઓ કહે છે કે હે પ્રભુ ! તમો સર્વત્ર પ્રવેશીને રહેલા છો છતાં સર્વે યોનિઓના નાશની સાથે તમારો નાશ થતો નથી. કારણ કે તમારું સ્વરૂપ સમ છે. અર્થાત એક જ રૂપે રહેનારું છે, વિકારથી રહિત છે. તેથી કાર્યોમાં અનુપ્રવેશને લીધે લાગતા દોષના સ્પર્શથી રહિત છે. અને વળી તમારું સ્વરૂપ એકરસ છે. અર્થાત અપરિચ્છિન્ન આનંદસ્વરૂપ છે. આવું ધામમાં રહેલું જે તમારું સ્વરૂપ છે તેને માયિક ગુણોથી રહિત નિર્મળબુદ્ધિવાળા પુરુષો આલોક તથા પરલોક સંબન્ધી કર્મફળથી રહિત થઇને પામે છે. (અર્થાત પુણ્ય અને પાપથી રહિત થયેલા ગુણાતીત પુરુષો જ ધામમાં રહેલા આ તમારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે.૧૯ (પૂર્વ શ્લોકને વિષે દિવ્ય મૂર્તિમાન અને ધામમાં રહેલા પરમાત્માના સ્વરૂપની ઉપાસના કરનારા પુરુષોને જે સ્વરૂપની પ્રાપ્તિ કહેલી છે, એ જ સ્વરૂપની પ્રાપ્તિ અંતર્યામી સ્વરૂપની ઉપાસના કરનારને પણ થાય છે. એ વિષયનું નિરૂપણ કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે પ્રભુ ! સમગ્ર શક્તિઓને ધારણ કરનારા એવા તમારા સંકલ્પાત્મક જ્ઞાનથી ગ્રહણ કરાયેલું, અને તમોએ સર્જેલા આ દેવ-મનુષ્યાદિક શરીરોમાં રહેલું, એવું જે તમારું અંતર્યામી અંગુષ્ઠમાત્ર પુરુષાકાર સ્વરૂપ છે, તેને વેદાર્ન્ંઈો બહાર અને અંદરના આવરણથી રહિત કહે છે, અર્થાત બહાર અને અંદર વ્યાપવામાં સમર્થ કહે છે. અને જ્ઞાન સંકોચના ર્હેંઈુરૂપ અજ્ઞાનના આવરણથી રહિત કહે છે. આવા અંતર્યામી અંગુષ્ઠમાત્ર પુરુષાકાર સ્વરૂપનો વિચાર કરીને તથા મનુષ્યોની ગતિનો વિચાર કરીને તમારા સ્વરૂપનું યથાર્થ માહાત્મ્ય જાણનારા કેટલાક વિવેકી પુરુષો શ્રદ્ધાવાળા થઇને, એ અંતર્યામી સ્વરૂપના ચરણની ઉપાસના કરે છે. કે જે ચરણ વેદો દ્વારા પ્રતિપાદ્ય છે, અને સંસારના ભયને નિવારણ કરનારાં છે. (ધામમાં રહેલા દિવ્ય પુરુષાકાર, એવા તમારા ચરણની ઉપાસના કરનારા, તથા સર્વાન્તર્યામિપણે રહેલા અંગુષ્ઠમાત્ર દિવ્ય પુરુષાકાર એવા તમારા ચરણની ઉપાસના કરનારા, બન્ને પણ તમારી ઉપાસનાએ કરીને સમાન મોક્ષગતિને પામે છે, આવો ભાવ છે.)૨૦ (કદાચ તમે કહેશો કે માયાના ઉદરમાં રહેલા અને તેથી જ માયાના ત્રણે ગુણોથી બંધાયેલા એવા અલ્પજ્ઞ અજ્ઞાની જીવો, પરથી પણ પર રહેલું એવું જે અક્ષરધામ તેને વિષે રહેલો અને પ્રકૃતિપુરુષથી પર એવો જે હું તે મારી ઉપાસના કેવી રીતે કરી શકે ?) આ શંકાના પરિહારમાં શ્રુતિઓ કહે છે કેહે દયાળુ ! ધામમાં વિરાજેલા પરમતત્ત્વ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. છતાં જીવાત્માઓને એ પરમતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે પોતાની મૂર્તિને વિષે રહેલ અપરિમિત દિવ્ય પ્રકાશ, ઐશ્વર્યાદિકને ઢાંકીને જ્યારે તમો રામકૃષ્ણાદિક મનુષ્યરૂપે સર્વે જનોને દૃશ્યરૂપે થાઓ છો, ત્યારે તમારા ચરિત્રરૂપી મહાસાગરમાં ડૂબકી મારીને, આધ્યાત્મિક આદિક સંસારના ત્રિવિધ તાપોથી રહિત થયેલા એવા તે જનો, તમારા ચરણકમળને વિષે હંસોની પેઠે ક્રીડા કરતા ભાગવત ભક્તોના સમાગમથી સમગ્ર ઘરની અભિલાષાઓ ત્યાગ કરી દે છે. અને હે ઇશ્વર ! પછી એ જનો મોક્ષની પણ અભિલાષા રાખતા નથી. કેવળ તમારી સેવાને જ ઇચ્છે છે.૨૧ (પ્રથમ ધામમાં રહેલા હોય ત્યારે મનુષ્યોને પ્રાપ્ત કરવા કઠિન એવા ભગવાન અજ્ઞાની જીવો ઉપર દયા કરીને રામકૃષ્ણાદિકરૂપે પ્રાદુર્ભાવને પામેલા હોય, છતાં પણ જે જનો તેને ભજતા નથી, તે જનો નિંદાને પાત્ર બને છે. અને સંસારને વિષે ભ્રમણ કર્યા કરે છે. એ વિષયનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે પ્રભુ ! મહાન ખેદની વાત છે કે તમારી સેવાને અનુકૂળ વર્તતું, અને પક્ષીના માળાની સમાન આ શરીર આત્માની પેઠે પોતાને અનુકૂળ વર્તતું હોય, (જેમ આત્મા ઇષ્ટ સાધનની પ્રવૃત્તિમાં અનુકૂળ વર્તે, તેમ અનુકૂળ વર્તતું હોય) મિત્રની પેઠે પોતાને અનુકૂળ વર્તતું હોય, પોતાના પ્રિયની પેઠે પોતાને અનુકૂળ વર્તતું હોય, (પોતાનો પ્રિય જેમ પ્રેરણા કર્યા વિના પોતાનું હિત કરવામાં અનુકૂળ વર્તે, તેમ) આ રીતે સર્વપ્રકારે શરીર પોતાને અનુકૂળ હોય, શરીરમાં કોઇ પ્રકારના રોગો ન હોય, છતાં પણ જે આત્મ હત્યારા જનો અસત્પુરુષોના પ્રસંગે કરીને કે પુત્ર, સ્ત્રી, દેહ અને ઘરાદિકને વિષે આસક્તિએ કરીને, રામકૃષ્ણાદિકરૂપે રહેલા હોવાથી સર્વપ્રકારે આશ્રય કરવા યોગ્ય, ઉપદેશાદિકે કરીને સર્વપ્રકારે હિતકારક અને પ્રેમના સ્થાનરૂપ એવા તમારે વિષે ધ્યાનાદિકે કરીને રમતા નથી. અર્થાત તમારું ભજન કરતા નથી. એ પુરુષો અસત્પુરુષોના પ્રસંગે કરીને કે પુત્ર, સ્ત્રી, દેહ ઘરાદિકને વિષે વાસનાએ કરીને, અતિ નિંદિત દેહોને પામીને બહુ ભયથી યુક્ત એવા સંસારને વિષે ભ્રમણ કર્યા કરે છે.૨૨ (કલ્યાણના આશ્રયરૂપ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપનું કોઇ પણ ભાવથી સ્મરણ કરનારા જીવો એકાંતિક ભક્તોની સમાન ગતિને પામી જાય છે. એ વિષયનું નિરૂપણ કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે કૃપાના સાગર ! પ્રાણ અંત:કરણ અને બાહ્યેન્દ્રિયોને સંયમિત કરીને દૃઢપણે યોગમાં નિષ્ઠાવાળા મુનિઓ હૃદયને વિષે જે તમારા સ્વરૂપની ઉપાસના કરે છે, એ જ તમારા સ્વરૂપને ક્રોધના આવેશથી નિરંતર સ્મરણ કરનારા શત્રુઓ પણ પામી ગયા છે. તેવી જ રીતે મહાસર્પના શરીરની સમાન જે તમારા ભુજદંડ તેને વિષે આસક્ત થયેલી અર્થાત આલિંગનની અભિલાષાવાળી અને તેથી જ કામભાવે કરીને સ્મરણ કરનારી એવી ગોપીઓ પણ તે જ તમારા સ્વરૂપને પામી ગયેલી છે. અને તમારા ચરણ કમળનું સારી રીતે ધ્યાન કરનારી એવી જે અમો શ્રુતિઓ પણ, મનુષ્યાદિકની પેઠે જ સમદૃષ્ટિવાળા એવા તમારા એજ સ્વરૂપને શબ્દોની મુખ્યવૃત્તિથી અને તાત્પર્યવૃત્તિથી પામીએ છીએ.૨૩ (ઉત્પત્તિ અને સ્થિતિ અવસ્થાને વિષે તેમાં પણ ભગવાનના પ્રાદુર્ભાવ સમયે જીવો ધ્યાન ભજનાદિકનું સુખ મેળવી શકે છે. પણ પ્રલયસમયે જીવો પરમાત્માની સમીપે રહેવા છતાં ધ્યાનભજનાદિકનું સુખ મેળવી શકતા નથી, એ વિષયનું નિરૂપણ કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે ભગવન્ ! આપ અગ્રસર છો. અર્થાત સૃષ્ટિથી પૂર્વે પણ (પ્રલયકાળને વિષે પણ) સૂક્ષ્મ ચેતન અચેતનથી વિશિષ્ટ કારણપણે રહેલા છો. અને વળી આપ અનંત છો. તેથી આપની પાછળ જ કાળે કરીને ઉત્પત્તિ અને લયને પામેલો કયો પુરુષ આપને જાણી શકે !!! અર્થાત શાસ્ત્ર વિના કોઇ પણ જાણી શકે નહિ. જે તમારા થકી બ્રહ્મા ઉત્પન્ન થયા, જે બ્રહ્મા થકી નિવૃત્તિ ધર્મમાં નિષ્ઠાવાળા સનકાદિકો અને પ્રવૃત્તિ ધર્મમાં નિષ્ઠાવાળા મરીચ્યાદિકો ઉત્પન્ન થયા. અને એમના પછી મનુષ્યાદિક ઉત્પન્ન થયા છે. આ રીતે મનુષ્યો તો આપથી બહુ જ પાછળ ઉત્પન્ન થયા છે. અને વળી જ્યારે તમો શાસ્ત્રનું આકર્ષણ કરીને (સ્થિતિનું આકર્ષણ કરીને, અથવા તો પ્રકૃતિ સહિત સર્વે કાર્યને અક્ષરના તેજને વિષે લીન કરીને) શયન કરો છો. ત્યારે પ્રલય સમયે કાર્યરૂપે રહેલી ચેતન વસ્તુ અને અચેતન વસ્તુ પણ ન હતી. અને ક્ષણ, મુહૂર્ત અને સંવત્સરાદિક કાળની પ્રવૃત્તિ પણ ન હતી. બહુ શું કહેવું, તે સમયે કાંઇ પણ ન હતું. એ જ કારણથી પ્રલય સમયે જીવાત્માઓને તમારા ધ્યાન ભજનાદિકનું જ્ઞાન પણ હોતુ નથી. એટલા જ માટે મનુષ્યોને કેવળ ઉત્પત્તિ તથા સ્થિતિ અવસ્થાને વિષે તમારા અવતારભૂત જે રામકૃષ્ણાદિકની ભક્તિ છે, એજ પરમ કલ્યાણના સાધનરૂપ છે, એમ જણાય છે.૨૪ (જેઓ શાસ્ત્રને જાણનારા હોય, છતાં જો ભગવાનના સ્વરૂપને યથાર્થ જાણનારા એવા એકાંતિક ભક્તોનો સમાગમ ન હોય, તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનના જન્મ અને કર્મનું દિવ્યપણું જાણી શકતા નથી. આ વિષયનું નિરૂપણ કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે પ્રભુ ! અસત - અતિ સૂક્ષ્મપણે ધામમાં રહેલા, અજન્મા અને દિવ્યમૂર્તિમાન એવા જે તમો તે તમારા જન્મને જે પુરુષો કર્માધીન જીવની સમાન કહે છે. અને સર્વે જનોના નેત્રોથી ગ્રહણ કર્યામાં આવતા એવા રામકૃષ્ણાદિકરૂપે રહેલા, નટની પેઠે ક્રીડા કરનારા, સત્યમૂર્તિ એવા જે તમો, તે તમારા અંતર્ધાનલીલાને જે પુરુષો કર્માધીન જીવની સમાન કહે છે, તમારા દિવ્ય આકારને વિષે અને મનુષ્ય આકારને વિષે જે પુરુષો ભેદ કહે છે, અને મોક્ષને આપનાર હોવાથી સત્ય સ્વરૂપ તથા દિવ્ય એવાં તમારાં ચરિત્રોને જે પુરુષો માયિક કહે છે. અર્થાત જીવોએ કરેલા વ્યવહારની સમાન જ કહે છે, તે પુરુષો માત્ર પોતાની બુદ્ધિથી કલ્પેલા ભ્રમો વડે કરીને જ કહે છે. અને ભ્રમો વડે બીજા જનોને ઉપદેશ પણ કરે છે. (આ રીતે એ જીવો જો ભ્રાન્ત જ થયેલા હોય તો કેવી રીતે ઉપદેશ કરી શકે ?) આ શંકાના પરિહારમાં શ્રુતિઓ કહે છે ર્ક હે પ્રભુ ! એ ઉપદેષ્ટા જીવો ત્રણે ગુણોની પ્રધાનતાથી યુક્ત છે, અને તેથી જ અજ્ઞાનતાથી ભરેલા છે. અને તેને કારણે જ પોતપોતાની રુચિને અનુસારે વર્ણવેલો સર્વે ભેદ દિવ્ય મૂર્તિમાન એવા તમારા સ્વરૂપના અજ્ઞાનથી જ વર્ણવેલો છે, કે જે અજ્ઞાન સર્વે ભેદોથી પર, જ્ઞાનસ્વરૂપ એવા તમારે વિષે નથી. અર્થાત ભેદને ઉત્પન્ન કરનારું અજ્ઞાન, જ્ઞાનસ્વરૂપ એવા તમને સ્પર્શી શકતુ નથી.૨૫ (અસંખ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત, દિવ્યમૂર્તિ એવા પરતત્ત્વ પરમાત્માનો આ વિશ્વને વિષે અન્વયભાવનો પ્રકાર વર્ણવતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે અનંત ! કેવળ મનના વિલાસરૂપ તમારા સંકલ્પથી ઉત્પન્ન થયેલું. ત્રણગુણનું વર્તન જેને વિષે રહેલું છે, અર્થાત ત્રિગુણાત્મક એવું આ વિશ્વ મનુષ્યથી આરંભીને વિરાટપુરુષ પર્યંત અસત છે, છતાં પણ તમો અંતર્યામીપણે રહેતાં અજ્ઞાનીપુરુષોને સતની સમાન જણાય છે. તમારા સ્વરૂપને જાણનારા પુરુષો તો કર્મફળને આપનારી અંતર્યામી શક્તિ દ્વારા આ વિશ્વને સત જાણે છે, પણ જીવો દ્વારા આ વિશ્વને સત જાણતા નથી. જેમ સુવર્ણને ઇચ્છનારા પુરુષો ચાંદીથી મિશ્ર એવાં પણ કડાં, કુંડળાદિક વિકારોને સુવર્ણાત્મકપણે ગ્રહણ કરે છે, અર્થાત ચાંદીનો પણ સુવર્ણની સમાન આકાર જોઇને ચાંદીને પણ સુવર્ણ પણે ગ્રહણ કરે છે. તેમ હે પ્રભુ ! તમારા સ્વરૂપને જાણનારા પુરુષો તમારી અંતર્યામીશક્તિથી યુક્ત ક્ષેત્રક્ષેત્રજ્ઞરૂપ વિકારોને બ્રહ્માત્મકપણે ગ્રહણ કરે છે. અર્થાત અસત એવા પણ વિકારોને બ્રહ્માત્મકપણે સત માનીને સ્વીકારે છે. (સુવર્ણ જેમ કડાં, કુંડળાદિક વિકારોરૂપે પરિણામને પામે છે, માટે એ વિકારો સુવર્ણથી ભિન્ન નથી. અર્થાત સુવર્ણમય જ છે. તેમ બ્રહ્મ જ જો ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞરૂપે થયેલા હોય તો ક્ષેત્રક્ષેત્રજ્ઞરૂપી વિકારો અને બ્રહ્મની અભિર્ન્નંઈા હોવી જોઇએ. પણ અહીં સુવર્ણના દૃષ્ટાન્તથી અભિન્નતા શા માટે વર્ણવવામાં આવી નથી ?) આ શંકાના પરિહારમાં કહે છે કે હે પ્રભુ ! તમો પોતે ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞરૂપે પરિણામને પામતા નથી. પણ ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞથી વિશિષ્ટ તમારી અંતર્યામી શક્તિ પરિણામને પામે છે. તમો તો નિત્ય છો. આદિ અંતથી રહિત નિત્ય એવા તમો, નિત્ય એવા જીવોના કર્મફળ આપવાને માટે અંતર્યામીરૂપે અનુપ્રવેશ કરો છો. તેથી આ વિશ્વને વિદ્વાન પુરુષો બ્રહ્માત્મક તમારા રૂપ કહે છે. પણ વસ્તુતાએ આ વિશ્વ બ્રહ્માત્મક તમારારૂપ નથી. અર્થાત તમારા વિકારરૂપ નથી કારણ કે તમો અને જીવો આ બન્ને નિત્ય છો, અને અજન્મા છો. તથા માયા જડ છે. આ રીતે ત્રણે પૃથક્ હોવા છતાં તમારી અંતર્યામીશક્તિથી જીવ અને માયા તમારી સાથે જોડાયેલાં રહે છે.૨૬ (પરમાત્માના સ્વરૂપને જાણનારા જે પુરુષ અંતર્યામીશક્તિ દ્વારા આ જગતને સત જાણવા પૂર્વક ઉપાસના કરે છે, તે પુરુષો મૃત્યુને તરી જાય છે, એ બાબતનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે અનંત ! સમગ્ર પ્રાણીઓના આધારપણે જે પુરુષો તમોને સેવે છે. અર્થાત સર્વપ્રાણીઓના અંતર્યામીપણે તમારા સ્વરૂપને જાણીને જે પુરુષો તમારી ઉપાસના કરે છે, તે પુરુષો મૃત્યુનો અનાદર કરીને મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને ઉલ્લંઘી જાય છે. અર્થાત મૃત્યુ ઉપર વિજય મેળવે છે. અને જે જનો વિમુખ છે. અર્થાત તમારી ઉપાસનાથી રહિત છે, તે પુરુષો ભલે શાસ્ત્રોને જાણનાર હોય છતાં પણ વ્યવહારિક નામરૂપવાળી વાણી વડે પશુની પેઠે જ બંધાઇ જાય છે. (અર્થાત જીવો તમારી ઉપાસના વિના મૃત્યુ ઉપર વિજય મેળવી શકતા નથી, અને વાસ્તવિક રીતે જીવો મનુષ્યો, પશુ, પક્ષી એ આદિ નામરૂપથી રહિત છે. છતાં વારંવાર જન્મ દ્વારા મનુષ્ય, પશુ, પક્ષી એ આદિ નામરૂપનો સ્વીકાર કરીને બંધનને પામે છે) અને જે પુરુષો તમારે વિષે સ્નેહ કરેલો છે, તમારા પરમ ભક્ત છે, એ પુરુષો તો પોતાને અને બીજાને પણ પવિત્ર કરે છે. પણ તમારી ભક્તિથી રહિત વિમુખ પુરુષો તો પોતે જ વિઘ્નોથી પરાભવ પામીને નાશ પામી જાય છે.૨૭ (પ્રકૃતિ પુરુષાદિકની અંદર શક્તિને ધારણ કરનારા પરમાત્મા છે. તેથી પ્રકૃતિ પુરુષાદિક દ્વારા થતી જે સૃષ્ટિ તેના કર્તા પણ પરમાત્મા જ છે. અને એજ કારણથી બ્રહ્માદિક દેવો પરમાત્મા થકી ભય પામીને સૃષ્ટ્યાદિક કાર્યોને કરે છે. એ વિષયનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે ભગવન્ ! તમો પ્રાકૃત ઇન્દ્રિયો, અંત:કરણથી રહિત દિવ્ય મૂર્તિમાન છો. અથવા તો હે પ્રભુ ! તમો માયા, પુરુષ, કાલ આદિક કારણો વિના પણ સૃષ્ટિ કરવાને માટે સમર્થ છો. એટલા જ માટે તમો સ્વરાટ છો. અર્થાત સ્વતંત્ર ઐશ્વર્યથી યુક્ત છો. (કદાચ તમો એમ કહેશો કે પ્રકૃતિ પુરુષાદિક જ સૃષ્ટિના કર્તા છે. હું કાંઇ સૃષ્ટિનો કર્તા નથી ?) આ શંકાના પરિહારમાં શ્રુતિઓ કહે છે કે હે પ્રભુ ! તમો જ પ્રકૃતિ પુરુષાદિકની શક્તિના પ્રવર્તક છો, અને ધારણ કરનારા પણ તમેજ છો. વાસ્તવિક સૃષ્ટિના કર્તા તમો જ છો. એટલા જ માટે હે અજય ! બ્રહ્માદિક દેવતાઓ અને વિશ્વને સ્રજનારા પ્રકૃતિ પુરુષાદિક સર્વે તમોને જ પૂજાના ઉપહારો, એ રીતે નિવેદન કરે છે. અને એ ઉપહારોને તમો એ રીતે ગ્રહણ કરો છો. કે જે રીતે ખંડિયા રાજાઓ ચક્રવર્તી રાજાને કર અર્પણ કરે છે, અને ચક્રવર્તી રાજા ખંડિયા રાજાઓએ અર્પણ કરેલા કરને ગ્રહણ કરે છે. અને વળી બ્રહ્માદિક સર્વેને તમોએ જે જે કાર્યોમાં નિયુક્ત કરેલા છે, તે તે કાર્યોને બ્રહ્માદિક દેવતાઓ તમારા થકી ભય પામી કરી, સાવધાન થઇને કરે છે.૨૮ (પરમાત્મા જે આ વિચિત્ર અને વિષમ જગતની સૃષ્ટિ કરે છે, એ જીવોના કર્મને અનુસારે જ કરે છે. પણ પરમાત્માની અંદર વિષમપણું કે નિર્દયપણું નથી. એ વિષયનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે નિત્યમુક્ત ! જ્યારે તમારો પ્રકૃતિની સાથે પુરુષરૂપે વિહાર થાય છે. ત્યારે તમો ક્ષેત્રજ્ઞ જીવત્માઓના કર્મને અનુસારે દૃષ્ટિ કરો છો. અને એ તમારી દૃષ્ટિથી સાત્વિક, રાજસ અને તામસ એવાં પ્રાચીન કર્મો જાગ્રત થાય છે. અને જાગ્રત થયેલાં પ્રાચીન કર્મોને આધારે જ સર્વે સ્થાવર જંગમ પ્રાણીઓના દેહો ઉત્પન્ન થાય છે. અર્થાત પ્રકૃતિના ઉદરમાં રહેલા જીવોના સ્થાવર, જંગમ જે દેહો ઉત્પન્ન થાય છે, એ પરમ પુરુષ એવા તમારી દૃષ્ટિથી જ ઉત્પન્ન થાય છે. (કદાચ તમે કહેશો કે પુરુષ દ્વારા પ્રકૃતિની સાથે મારો વિહાર કહ્યો પણ સાક્ષાત પ્રકૃતિની સારે મારો વિહાર કહેવામાં શું દોષ છે ?) આ શંકાના પરિહારમાં શ્રુતિઓ કહે છે કે હે પ્રભુ ! જે કારણથી તમારી આગળ ઊભી રહેવા માટે પણ માયા લજ્જાને પામે છે. અને ઊભી પણ રહી શકતી નથી. એજ કારણથી તમો સર્વોત્કૃષ્ટ છો. અને સર્વોત્કૃષ્ટ હોવાથી જ આકાશની સામાન આધાર રહિત છતા સર્વાધાર, અને વ્યાપક છો. અને વળી તમો શૂન્યની સમાનપણાને ધારણ કરો છો. અર્થાત કોઇ શૂન્ય ઘર હોય, તેને વિષે નિવાસને સૂચવનાર લેપાદિ હોતા નથી, તેમ તમારે વિષે જગતની વિચિત્ર અને વિષમ સૃષ્ટિના નિમિત્તે ઉત્પન્ન થયેલ વિષમપણું અને નિર્દયપણું એ આદિ દોષોનો લેપ નથી. આવા વિશેષોથી યુક્ત એવા તમોને કોઇ પોતાનો કે પારકો પણ નથી. તેથી તમારે વિષે જે વિષમપણું જોયામાં આવે છે. એ કેવળ જીવોના કર્મને અનુસારે જ જોયામાં આવે છે, પણ વાસ્તવિક રીતે નથી.૨૯ (જીવાત્માઓ નિત્ય છે અને પરમાત્મા દ્વારા શાસ્ય છે. આ વિષયનું નિરૂપણ કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે નિત્ય ! જીવો નિત્ય છે અને અસંખ્ય છે. નિત્ય તથા અસંખ્યપણાને વિષે તો શ્રુતિઓ પ્રમાણરૂપ હોવાથી એ સત્ય જ છે. પણ જીવો જો તમારી ઉપાસનાએ કરીને સ્વરૂપથી સર્વવ્યાપક બની જતા હોય અર્થાત સ્વરૂપે કરીને વિભુ બની જતા હોય તો તમારી સમાન જ બની જાય. અને તેથી જીવોને વિષે જે શાર્સ્યંઈા શાસ્ત્રોએ નિશ્ચિત કરેલી છે એ રહે નહિ. અને એમ થવાથી શાસ્ત્ર પ્રસિદ્ધ શાસ્ય શાસકતારૂપ જે નિયમ છે તેનું ખંડન થઇ જાય. માટે જીવોની સ્વરૂપે કરીને સર્વવ્યાપકતા નથી. સ્વરૂપે કરીને તો જીવ મુક્તિ દશામાં પણ અણુસ્વરૂપ જ છે. કેવળ ધર્મભૂતજ્ઞાનથી જ જીવ વિભુ બની શકે છે. આ રીતે સ્વરૂપે કરીને જીવોના સર્વ વ્યાપકપણાના અભાવને વિષે તો શાસ્ય અને શાસકપણાનો જે નિયમ છે એ ઘટી શકે છે. (સ્વરૂપે કરીને જીવાત્માઓના સર્વવ્યાપકપણાના અભાવપક્ષને વિષે મારા દ્વારા જીવોની જે શાસ્યતા છે, એ શાસ્યતા રાજાઓની પેઠે બહારથી છે ? કે અંદર પ્રવેશીને છે ?) આ શંકાના પરિહારમાં શ્રુતિઓ કહે છે કે હે પ્રભુ ! વ્યાપક એવા જે તમારાથી વિશિષ્ટ આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયેલું છે, એ જ તમો અંદર પ્રવેશીને જ જગતનું નિયંત્રણ કરો છો, પણ રાજાઓની પેઠે બહારથી નહીં, આ પ્રમાણે સારી રીતે જાણનારા પ્રમાણિક પુરુષોને દુષ્ટપણે જે મત અભિમત ન હોય. (અર્થાત પ્રમાણથી વિરુદ્ધ હોય) એ મતનો અનાદર કરી દેવો જોઇએ.૩૦ (પ્રકૃતિ પુરુષનું અજન્માપણું, નિત્ય એવા ક્ષેત્રજ્ઞ જીવોના દેહોની ઉત્પત્તિનો પ્રકાર અને પ્રલય કાળને વિષે પ્રકૃતિના કાર્યભૂત નામ, રૂપ અને ગુણોનો નાશ, આ સર્વેનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) કે હે અનંત ! ’’અજેંમ્કા‘‘ ‘‘અજેં હ્યેકેં” આ પ્રમાણે વેદને વિષે અજન્માપણે પ્રસિદ્ધ એવા પ્રકૃતિપુરુષની ઉત્પત્તિ ઘટી શકતી નથી. (તો પછી કોની ઉત્પત્તિ થાય છે ?) આ શંકાના પરિહારમાં શ્રુતિઓ કહે છે કે હે પ્રભુ ! જો કે અજન્મા હોવાથી પ્રકૃતિપુરુષની ઉત્પત્તિ નથી. છતાં પણ જેમ વાયુના યોગે કરીને જળ થકી પરપોટા ઉત્પન્ન થાય છે. તેમ પુરુષના યોગે કરીને પ્રકૃતિ થકી ક્ષેત્રજ્ઞ જીવોના માત્ર દેહો આધારભૂત એવા તમારે વિષે ઉત્પન્ન થાય છે. અર્થાત આધારભૂત એવા તમારા સંકલ્પથી પ્રકૃતિપુરુષ દ્વારા જીવોના દેહો ઉત્પન્ન થાય છે, પણ સ્વતંત્રપણે થતા નથી. અને ત્યાર પછી જ્યારે પ્રાકૃત પ્રલય થાય છે, ત્યારે નામ, રૂપ અને ગુણોથી ઉપલક્ષિત એવા વિરાટથી આરંભીને તૃણ પર્યંત ક્ષેત્રજ્ઞ જીવોના દેહો તમારા શરીરભૂત પ્રકૃતિને વિષે લય પામે છે. અર્થાત પ્રલય દશામાં નામ રૂપનો ત્યાગ કરીને અતિ સૂક્ષ્મપણાને પામે છે. નદીઓ જેમ પોતાના નામ, રૂપનો ત્યાગ કરીને સમુદ્રને વિષે એવી રીતે લય પામે છે કે પૃથક્ પોતાનું અસ્તિત્વ હોવા છતાં જોઇ શકાતું નથી. અને વળી અનેક પુષ્પના રસો જેમ નામ, રૂપનો ત્યાગ કરીને મધને વિષે એવી રીતે લયને પામે છે કે મધને વિષે પુષ્પોના રસનું પૃથક્ અસ્તિત્વ હોવા છતાં જોઇ શકાતું નથી. તેમ પ્રલયકાળને વિષે આ સર્વે જગત નામરૂપનો ત્યાગ કરીને આપના શરીરભૂત પ્રકૃતિને વિષે એવી રીતે લયને પામે છે, અર્થાત એવી રીતે અતિ સૂક્ષ્મપણાને પામે છે કે પ્રકૃતિને વિષે સર્વે તત્ત્વોનું પૃથક્ અસ્તિત્વ હોવા છતાં પૃથક્ જોઇ શકાતું નથી.૩૧ (પ્રાકૃત એવા શરીરના ભોગોને વિષે આસક્ત થયેલા જે જીવો છે, અને દેહને વિષે આત્મભ્રમ તથા સ્વતંત્રપણાનો ભ્રમ ધારણ કરનારા જે જીવો છે, તે જ જીવોને ઉત્પત્તિ પ્રલયાદિકને વિષે કાલકૃત ભય રહેલો છે, પણ તમારા ભક્તોને કાલકૃત ભય નથી. એ વિષયનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) કે હે ભગવન્ ! પ્રાકૃત દેહના વિષયોને વિષે આસક્ત થયેલા આ જીવોને વિષે તમારી માયાએ કરીને જન્મોજન્મ ઉત્પન્ન થયેલો જે દેહાત્મભ્રમ તથા સ્વતંત્રપણાનો જે ભ્રમ છે, એ જ સંસૃતિમાં કારણરૂપ છે. એમ જાણીને રૂડી બુદ્ધિવાળા પુરુષો મુક્તિને આપનારા એવા તમારે વિષે જ અત્યંત પ્રેમભાવને ધારણ કરે છે, અને તમારે વિષે જ પ્રેમભાવને ધારણ કરીને તમારું સેવન કરતા એવા પુરુષોને સંસારનો ભય ક્યાંથી હોય ? ન જ હોય. કારણ કે ક્રોધને સૂચવનારી તમારી ભૃકુટિના ભંગરૂપ જે સંવત્સરાત્મક કાળ છે, એ તમારા શરણથી રહિત એવા પુરુષોને વિષે જ વારંવાર સંસારનો ભય સર્જે છે.૩૨ (શાસ્ત્રોક્ત લક્ષણોથી સંપન્ન એવા સદ્ગુરુના સેવન વિના તો રૂડી બુદ્ધિવાળા પુરુષોને પણ વિઘ્નોથી પરાભવ થતો હોવાથી કોઇ પણ કલ્યાણના સાધનની સિદ્ધિ થતી નથી, આ વિષયનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) કે હે અજન્મા ! જે મનુષ્યો વસુદેવાદિકને ઘેર પુત્રપણે પ્રાદુર્ભાવને પામેલા, અને ઉપદેષ્ટા એવા તમારા ચરણના સેવનનો ત્યાગ કરીને અતિશે ચંચળ અને ઇન્દ્રિયો તથા પ્રાણવાયુને જીત્યા વિના વશ કરવા અશક્ય એવા, મનરૂપી ઘોડાને વશ કરવા માટે પ્રાણાયામાદિક બીજાં અનેક સાધનો વડે ખેદ પામતા પ્રયત્ન કરે છે. તે મનુષ્યો સો એ સો દુઃખોથી યુક્ત થઇને આ સંસારને વિષે ભ્રમણ કરતા દુઃખોને પામે છે. જેમ નાવિકોનો આશ્રય કર્યા વિના જે વણિકો સમુદ્રને પાર પામવા ઇચ્છે, તે વણિકો સમુદ્રમાં જ ડૂબકાં ખાતા દુઃખને પામે છે. તેમ સદ્ગુરુના શરણ વિના પ્રાણાયામાદિક અનેક સાધનો વડે મનને વશ કરીને સંસાર સાગરને તરવા ઇચ્છતા પુરુષો સંસારને વિષે જ દુઃખને પામે છે. અર્થાત જન્મ મરણને તરી શકતા નથી.૩૩ (સદ્ગુરુના સેવનથી ભગવાનમાં ભક્તિને પામેલા વિવેકી પુરુષોને એક ભગવાનને વિષે સુખ હોય છે, ભગવાન વિના અન્ય પદાર્થોમાં સુખ હોતુ નથી. વિષયોમાં આસક્ત થયેલા અવિવેકી પુરુષોએ પ્રાકૃત મનુષ્યોને અને પ્રાકૃત પદાર્થોને સુખકારી માનેલાં છે, પણ એ સર્વે દુઃખદાયક છે. એ વિષયનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે પ્રભુ ! અતિ સુખરૂપ, સર્વના અંતર્યામી એવા આપ વિદ્યમાન રહેતાં જીવોને મધ્યે કોઇ પણ જીવ તમારા અથવા સદ્ગુરુના ચરણનું સેવન કરે છે. એ જીવને પિતાદિક સ્વજનો, પુત્રો, દેહ, પત્ની, ધન, ઘર, પૃથ્વી, પ્રાણો અને રથ એ આદિ પદાર્થોની સાથે શું પ્રયોજન છે ? અર્થાત શું સુખ છે ? કાંઇ પણ સુખ નથી. એ સર્વે પદાર્થોને વિષે સુખનો તો એક લેશ છે, પણ દુઃખ અપાર છે. અને આ રીતે એક તમારે વિષે જ સુખ છે, તથા તમારા સિવાય અન્યત્ર દુઃખ છે. આવા સાચા વિવેકને નહિ જાણનારા, એટલા જ માટે પરસ્પર રતિસુખને માટે દંપતી ભાવથી વર્તતા એવા મનુષ્યોને સ્વભાવસિદ્ધ નાશવંત અને સ્વભાવ સિદ્ધ જ સાર રહિત એવા, આ સંસારરૂપી નરકને વિષે કયું પદાર્થ સુખને આપનાર થાય છે ? કોઇ પણ પદાર્થ સુખને આપનાર થતુ નથી.૩૪ (ગૃહસ્થાશ્રમને વિષે અતિ અલ્પસુખમાં આસક્ત થયેલા જનોને વિષે સંસાર સંબન્ધી અપાર દુઃખ રહેલું છે, તેને જાણીને અતિ આનંદસ્વરૂપ પરમાત્માને પમાડનારા સદ્ગુરુના સમાગમને વિષે અત્યંત આસક્ત થયેલા જે વિવેકી પુરુષો છે, તે ગૃહસ્થાશ્રમને વિષે રહેતા નથી. એ વિષયનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે ભગવન્ ! તમારા ચરણ કમળને હૃદયમાં ધારી રહેલા, એટલા જ માટે જેઓનું ચરણતીર્થ પણ સર્વપાપોને નાશ કરનાર છે. આવા મુનિઓ પણ આ પૃથ્વી ઉપર આ દેહને વિષે આત્માભિમાનના મદથી તથા આત્માને વિષે સ્વતંત્રપણાના અભિમાનરૂપી મદથી રહિત થઇને ગંગાદિક જલપ્રધાન પૂણ્યક્ષેત્રો તથા દ્વારિકાદિ સ્થલપ્રધાન તીર્થક્ષેત્રોનું સેવન કરે છે, પણ દંપતીભાવથી ઘરમાં રહેતા નથી. (જો કે ગંગાદિક પૂણ્યક્ષેત્ર તથા દ્વારિકાદિક તીર્થક્ષેત્રના સેવન વિના પણ તમારા તથા તમારા સાધુપુરુષોના સમાગમે કરીને જ પવિત્રપણાને પામેલા એ મહાપુરુષોને તીર્થાદિકનું સેવન કરવાનો કોઇ મતલબ હોતો નથી. છતાં પણ લોક સંગ્રહને માટે અને તીર્થમાં રહેલા જનો તથા સ્વયં તીર્થને પણ પવિત્ર કરવાને માટે, એ મહાત્માપુરુષોનું તીર્થ સેવન હોય છે, આવો ભાવ છે.) અથવા તો જે કારણથી નિત્ય સુખરૂપ પરમાત્મા એવા તમારે વિષે જે પુરુષો એક જ વાર પણ મન સ્થિર કરે છે. અર્થાત એક જ લેશ તમારા સુખનો આસ્વાદ મેળવે છે, તે જનો પણ પુરુષોના ભક્તિ, જ્ઞાનાદિકના બળને હરી લેનારાં ઘરોનું સેવન કરી શકતા નથી. એ જ કારણથી વિરક્ત મુનિઓને ઘરનો ત્યાગ કરીને તીર્થોનું સેવન કરવું એ યોગ્ય જ છે. (જો એકવાર પરમાત્માના સુખનો આસ્વાદ મેળવેલો હોય, તો તે પુરુષને પણ ગૃહસ્થાશ્રમના દંપતી ભાવને વિષે અનાદર થઇ જાય છે. તો પછી નિરંતર પરમાત્માના સુખનો આસ્વાદ મેળવનારા પુરુષોને ગૃહસ્થાશ્રમના દંપતીભાવમાં અનાદર થાય તેમાં તો કહેવું જ શું ? એ તો થાય જ. તેથી વિરક્ત મુનિઓને ભક્તિ જ્ઞાનાદિક બળને હરી લેનારાં ઘરોનો (દંપતીભાવનો) ત્યાગ કરીને તીર્થોનું સેવન કરવું એ જ યોગ્ય છે, આવો ભાવ છે.)૩૫ (આ વિશ્વ કેવું છે ?અને શા માટે પરમાત્માએ સર્જેલું છે ? આ વિષયનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે પ્રભુ ! કોઇ પણ જો એવું વિચારતા હોય કે આ વિશ્વ સત થકી (ચેતન અચેતનથી વિશિષ્ટ એવા પરમાત્મા થકી) ઉત્પન્ન થયેલું છે, માટે સત છે. અર્થાત અવિનાશી છે. તો તેનો એ વિચાર તર્કથી હણાયેલો જ છે. અર્થાત તર્કસંગત નથી જ, આવો નિશ્ચય છે. કારણ કે આ વિશ્વ (क्व च मृषा) કોઇ એક ભાગમાં અસત છે. અર્થાત નાશવંત છે. (આ વિશ્વ બે વિભાગથી યુક્ત છે, તેમાં એક જડ વિભાગ છે અને બીજો ચેતન વિભાગ છે. તેમાં જે જડ વિભાગ છે એ અસ્થિર હોવાથી નાશવંત છે, તેથી તેને અસત કહેવામાં આવે છે. માટે આ વિશ્વ એકદેશને વિષે (मृषा) નાશવંત છે.) અને વળી આ વિશ્વ (क्व च व्यभिचरति) કોઇ એક ભાગમાં વ્યભિચારને પામે છે. અર્થાત ચેતન વિભાગ નિત્ય હોવાથી ચેતન પક્ષને વિષે આ વિશ્વ સ્થિર છે, માટે આ વિશ્વ એક દેશને વિષે અવિનાશી અને સત ઠરે છે. (તો પછી આ વિશ્વને સત માનવું ? અસત માનવું ? કે સદસત માનવું ?) આ શંકાના પરિહારમાં શ્રુતિઓ કહે છે કે હે પ્રભુ ! (उभययुक्) આ વિશ્વ સદસત છે. અર્થાત ચેતન અને અચેતનથી મિશ્ર છે. (તો આવા વિચિત્રપણાથી યુક્ત આ વિશ્વને ઇશ્વરે શા માટે સર્જેલું છે ?) આ શંકાના પરિહારમાં કહે છે કે (व्यवहृतये विकाल्प इषिताः) આ વિશ્વમાં પામર વિષયી જીવોને તથા મુમુક્ષુ જીવોને ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ આ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરવા રૂપ વ્યવહારને માટે, ઇન્દ્રિયો શરીરાદિરૂપ આ વિકલ્પ - ભેદ તમોએ સર્જેલો છે. તેમાં અતિ દુઃખરૂપ સંસારથકી ઉદ્વેગને પામેલા જે મુમુક્ષુ જીવો છે, એ કેવળ મોક્ષરૂપી વ્યવહારને માટે પ્રયત્ન કરે છે. અને બીજા સંસાર સુખમાં આસક્ત પામર વિષયી જીવો છે, એ કેવળ ધર્મ, અર્થ અને કામરૂપી વ્યવહારને માટે જ પ્રયત્ન કરે છે. કારણ કે અનાદિકાળનાં પાપોથી દૂષિત બનેલા અને કર્મમાં જ જડ્ એવા પુરુષોને જ, સ્વર્ગાદિકને જણાવનારી વેદરૂપી તમારી વાણી (अरुवृतिभि) સ્વર્ગાદિકને જણાવનારાં વચનો દ્વારા ઉપનિષદ્જન્ય જ્ઞાન દૃષ્ટિથી રહિત એવા પુરુષોની પરંપરાએ ભ્રમ ઉત્પન્ન કરે છે. પણ મુમુક્ષુ પુરુષોને એ સ્વર્ગાદિકને જણાવનારી તમારી વાણી ભ્રમ ઉત્પન્ન કરતી નથી. માટે મુમુક્ષુ જીવો કેવળ મોક્ષને માટે જ પ્રયત્ન કરે છે. અને પામર વિષયી જીવો ધર્મ, અર્થ અને કામને માટે પ્રયત્ન કરે છે.૩૬ (અત્યારે સ્થૂલરૂપે જોયામાં આવતુ જગત સૃષ્ટિથી પહેલાં ન હતું, અને ફરી પ્રલય પછી પણ નહીં હોય, કેવળ મધ્યે જ જોયામાં આવે છે એ વિષયનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે પ્રભુ ! સ્વત: ત્રિગુણાત્મક, જીવાત્માઓના કર્મના ફળરૂપ અને પ્રત્યક્ષપણે જોયામાં આવતુ. એવું આ સ્થૂલ જગત સૃષ્ટિથી પહેલાં સ્થૂલરૂપે જોયામાં આવતુ ન હતું. તેથી કહેવામાં આવે છે કે આ જગત સૃષ્ટિથી પહેલાં ન હતું. અર્થાત સૂક્ષ્મરૂપે તો હતું જ. અને વળી પ્રલય પછી પણ સ્થૂલરૂપે નહિ હોય. એજ કારણથી કેવળ મધ્યે જ સ્થૂલરૂપે સર્વેને જોયામાં આવતુ જે આ જગત, તેને અજ્ઞાની પુરુષોએ સત્યપણે (अनुम्रितम्) જાણેલું છે. છતાંપણ જ્યારે આનંદની પરાકાષ્ટારૂપ તમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે, આદિને વિષે અને અંતને વિષે સૂક્ષ્મરૂપે રહેલું. આ જગત (मृषा विभाति) દુઃખરૂપ હોવાથી અતિ તુચ્છ અને નહિ વર્ણન કરવા યોગ્ય થાય છે. છતાં આ જગત જીવાત્માઓના કર્મફળરૂપ હોવાને કારણે જ અમો શ્રુતિઓ, દ્રવ્ય એટલે જીવોના સ્વરૂપનું આવરણ કરનારી પ્રકૃતિ, જાતિઓ એટલે સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણરૂપ પ્રકૃતિની સ્વરૂપભૂત જાતિઓ, તથા જાતિઓના વિકલ્પો એટલે દેવ, મનુષ્ય, પશુ, પક્ષી એ આદિક ભેદો, તથા તે ભેદોના માર્ગો એટલે ઊંચ નીચ રૂપ અવાન્તર ભેદો, તેઓની સમાનપણે આ જગતનું નિરૂપણ કરીએ છીએ. આ રીતે અમો શ્રુતિઓ દ્વારા વર્ણન કરાયેલું અને નાશવંત એવા મનના વિલાસો જેને વિષે રહેલા છે. (અર્થાત કેવળ મનના વિલાસરૂપ) એવું આ જગત અસત્ય અને દુઃખરૂપ છે, છતાંપણ હે પ્રભુ ! અજ્ઞાની પુરુષો સત્ય અને સુખરૂપ એવા તમારો ત્યાગ કરીને જગતને જ સત્ય અને સુખરૂપ જાણે છે.૩૭ (આ જગતને વિષે ત્રણ પ્રકારના પુરુષો છે. તેમાં એક કર્મપરતંત્ર અજ્ઞાની પુરુષો, અને બીજા સ્વતંત્ર પરમાત્માના અવતાર પુરુષો તથા ત્રીજા સકામ અને નિષ્કામ પરમાત્માના ભક્ત પુરુષો, આ ત્રણે પુરુષોનું વર્ણન અનુક્રમે કરતાં ત્રણ શ્લોકથી શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે ભગવન્ ! કર્મ પરતંત્ર અજ્ઞાની પુરુષો જે કારણથી અનાદિ અવિદ્યારૂપ માયા વડે મોહિત થયેલા છે, એ જ કારણથી પ્રકૃતિના પરિણામરૂપ દેવ, મનુષ્યાદિક આકારોમાં શયન કરે છે. અર્થાત દેવ મનુષ્યાદિકના શરીરોને ધારણ કરે છે. અને ત્યારપછી શબ્દાદિક વિષયોને સેવતાં તેના સમરૂપપણાને પામે છે. અર્થાત દેવ મનુષ્યાદિકના શરીરોને વિષે જ આત્માભિમાની થાય છે. અને ત્યાર પછી મૃત્યુને પામે છે. આ રીતે જીવો જન્મમરણરૂપી સંસૃતિના ભોક્તા હોવાથી જાણે જ્ઞાન ઐશ્વર્યાદિકથી રહિત હોય તેવા થાય છે, પણ એ બદ્ધ જીવો જ્ઞાન ઐશ્વર્યાદિકથી રહિત થતા નથી, પરંતુ કેવળ જ્ઞાન ઐશ્વર્યાદિકની સંકુચિત અવસ્થાવાળા થાય છે. (આ પ્રમાણે કર્મપરતંત્ર અજ્ઞાની પુરુષોનું વર્ણન કરવામાં આવ્યું, હવે સ્વતંત્ર પરમાત્માના અવતારપુરુષોનું વર્ણન કરતી શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે) કે હે પ્રભુ ! અપહતપાપ્મત્વાદિ કલ્યાણકારી ગુણોથી યુક્ત એવા તમો તો પરમ દયાથી મનુષ્યોના કલ્યાણને માટે રામકૃષ્ણાદિક દેવ મનુષ્યરૂપે પ્રાદુર્ભાવને પામો છો. અને પોતાના સ્વભાવનો અને ઐશ્વર્યનો ત્યાગ કર્યા વિના જ દેવમનુષ્યાદિકને અનુકૂળ પોતાનો સ્વભાવ બનાવી કરી, ભક્તજનોએ અર્પણ કરેલા ભોગોને ભોગવો છો. અને પછી સર્પ જેમ ઉપરની ત્વચાનો ત્યાગ કરે, તેમ તમો દેવમનુષ્યાદિકને અનુરૂપ સ્વીકારેલ સ્વભાવરૂપ પ્રકૃતિનો ત્યાગ કરો છો. અને પછી સમસ્ત મહા ઐશ્વર્યોથી સંપન્ન અચિન્ત્ય મહિમાવાળા થઇ, અપહતપાપ્મત્વાદિ આઠ ગુણોથી યુક્ત સ્વયંપ્રકાશ એવા સ્વસ્વરૂપને વિષે વિરાજો છો.૩૮ (ભગવાનને વિષે ભક્તિવાળા છતાં સવાસનિક સકામપુરુષો યોગભ્રષ્ટ થવાથી બે પ્રકારના દુઃખને પામે છે, એ બાર્બંઈનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે ભગવન્ ! તમારા ચરિત્રોના શ્રવણ કીર્તનાદિક ભક્તિમાં તત્પર થયેલા એવા પણ મુનિઓ, જો હૃદયમાં રહેલી વાસનાને નિર્મૂળ કરે નહિ તો એ સવાસનિક સકામભક્તોના હૃદયમાં આપ સમીપે જ રહેલા હોવા છતાં પણ પ્રાપ્ત કરવા અતિ કઠિન છો. અન્યત્ર આસક્તિના કારણે સમીપે રહેવા છતાંપણ દૂર રહેલાની પેઠે આપ જણાતા નથી. જેમ કંઠને વિષે મણી ધારણ કરેલો હોય, છતાંપણ જો એ મણિ વિસ્મૃતિને પામેલો હોય તો તે મણિ કંઠમાં સમીપે હોવા છતાં અપ્રાપ્તની સમાન જણાય છે. તેમ આપ સમીપે હૃદયમાં જ રહેવા છતાં સવાસનિક સકામીભક્તોને દૂર જણાઓ છો. કેવળ એટલું જ નહિ પોતાના પ્રાણોને જ તૃપ્ત કરનારા, અર્થાત કામભોગને વિષે તૃપ્તિથી રહિત એવા જે સવાસનિક યોગીઓ છે, તેમને બે પ્રકારનું દુઃખ જ પ્રાપ્ત થાય છે. તેમાં એક તો સવાસનિક હોવાથી તમારું અક્ષર નામનું સ્થાન તેને પ્રાપ્ત થતુ નથી, પણ યોગભ્રષ્ટ એવા તે યોગીઓ તમારી ભક્તિના પ્રતાપથી નરકની સમાન બહુ દુઃખથી ભરેલા સ્વર્ગ સ્થાનને પામે છે. અને એ સ્વર્ગ સ્થાનનું સુખ તમારા ધામના સુખની આગળ નરકની સમાન છે. માટે એ સ્વર્ગનું સુખ પણ એક દુઃખ જ છે. અને એ સ્વર્ગને વિષે નહિ નિવૃત્તિને પામેલા મૃત્યુ થકી ભય પ્રાપ્ત થાય છે. માટે કાળનો ભય એ બીજું દુઃખ છે. આ પ્રમાણે સવાસનિક, સકામી ભક્તોને બે પ્રકારનું દુઃખ પ્રાપ્ત થાય છે.૩૯ (હવે નિર્વાસનિક એવા જે નિષ્કામી ભક્તો છે, એ આત્યંતિક સુખને પામે છે. એ વિષયનું વર્ણન કરતાં શ્રુતિઓ પરમાત્માની સ્તુતિ કરે છે.) હે ભગવન્ ! દિવ્ય જન્મ અને કર્મથી યુક્ત એવા તમારા સ્વરૂપ, સ્વભાવ, ગુણ, અને વિભૂતિને યથાર્થ જાણનારા અને નિષ્કામી એવા જે એકાંતિક જ્ઞાની ભક્તો છે, એ કર્મફળપ્રદાતા એવા તમારી પ્રેરણાથી ફળ આપવા સજ્જ થયેલાં શુભ અને અશુભ કર્મના ફળરૂપ સુખદુઃખના સંબન્ધનું અનુસંધાન રાખતા નથી. અર્થાત આત્મા પરમાત્માના યથાર્થ જ્ઞાનથી સુખ અને દુઃખને ગણકારતા નથી, તો પછી દેહધારી પુરુષોનાં સ્તુતિ અને નિંદાનાં વાક્યોને ન ગણકારે એમાં કહેવું જ શું ? ન જ ગણકારે. અને વળી દરેક યુગમાં સચ્છાસ્ત્રોની અંદર કહેલા સત્યશૌચાદિ ગુણોની સાથે વર્તતી એવી જે કથાઓ, તેઓની પરંપરાએ પ્રતિદિન સાધુપુરુષો થકી મુમુક્ષુ પુરુષોએ કર્ણ ઇન્દ્રિયો દ્વારા ચિત્તને વિષે ધારણ કરેલા એવા તમો જ, એ એકાન્તિક ભક્તોના દેહને અંતે મોક્ષના પરમ ગતિરૂપ છો. અર્થાત એ એકાંતિક ભક્તોના હૃદયમાં રહેલાં સર્વે અમંગળોને દૂર કરીને તેઓને આપ આત્યંતિક સુખ આપો છો.૪૦ (ભગવાનના ગુણ વિભૂત્યાદિક તો અનંત હોવાથી સમગ્રપણે એ ગુણવિભૂત્યાદિકનું વર્ણન કરવું એ અતિ કઠિન છે. તેથી હવે શ્રુતિઓ પરમાત્માની સ્તુતિનો ઉપસંહાર કરતાં કહે છે.) હે અપરિમિતગુણગણ ! તમારાં સ્વરૂપો અને ગુણ વિભૂત્યાદિક અનંત હોવાથી સ્વર્ગાદિક લોકોના અધિપતિઓ જે ઇન્દ્ર, બ્રહ્માદિક દેવો પણ તમારા સ્વરૂપ સ્વભાવાદિકના પારને પામતા નથી, અક્ષરપુરુષાદિ કરોડે કરોડ મુક્તો પણ તમારા સ્વરૂપ સ્વભાવાદિકના પારને પામતા નથી. બહુ શું કહેવું ? સર્વે દેવો તથા મુક્તોના અધિપતિ તમો પણ તમારા સ્વરૂપ સ્વભાવાદિકના પારને પામતા નથી. કારણ કે તમારા સ્વરૂપ સ્વભાવાદિક અપરિચ્છિન્ન છે. જેમ આકાશને વિષે કાળ સહિત અનેક પરમાણુઓ ઊડતાં ફરે છે. તેમ આઠ આઠ આવરણો સહિત અનેક બ્રહ્માંડો આપના એક રુંવાડાંના છિદ્રને વિષે ઊડતાં ફરે છે. હે પ્રભુ ! જે કારણથી તમો આવા મહિમાવાળા છો, એ જ કારણથી અમો શ્રુતિઓ (अतन्निरसनेन) अतत् ક્ષર અક્ષર શબ્દથી કહેવા યોગ્ય બદ્ધમુક્ત ક્ષેત્રજ્ઞ જીવોના ઉત્કૃષ્ટપણાનો નિષેધ કરીને તમારી અપેક્ષાએ બદ્ધમુક્ત સર્વે જીવો ઉત્કૃષ્ટ નથી.) તમારે વિષે પ્રવેશ પામી કરી સફળ થઇએ છીએ. (શબ્દવૃત્તિથી કે તાત્પર્યવૃત્તિથી બદ્ધમુક્ત જીવોની સાથે સાદૃશ્યપણાનો નિષેધ કરી, એ સર્વથી વિલક્ષણ તમારા સ્વરૂપનું નિરૂપણ કરીને ર્કૃંઈાર્થ થઇએ છીએ.) પણ સમગ્રપણે તમારા સ્વરૂપ સ્વભાવાદિકનું વર્ણન કરવા માટે અમો સમર્થ નથી, આવો ભાવ છે.૪૧ નારાયણ ભગવાન કહે છે હે નારદ ! આ પ્રમાણે પરમાત્માના માહાત્મ્યને બતાવનાર ઉપદેશરૂપી આ ઉત્તરને સાંભળી, પરમાત્માનું યથાર્થ માહાત્મ્ય જાણી, બ્રહ્માના માનસપુત્રો જે સનકાદિકો પોતે સિદ્ધ હોવા છતાં વક્તા એવા સનન્દનની પૂજા કરી.૪૨ હે દેવર્ષિ ! આ પ્રમાણે સૃષ્ટિના પ્રારંભમાં સર્વથી પહેલાં ઉત્પન્ન થયેલા, યોગશક્તિથી આકાશમાર્ગે વિચરણ કરનારા એવા બુદ્ધિમાન સનકાદિકોએ પ્રશ્નોત્તરદ્વારા મંથન કરીને માખણરૂપે સમગ્રવેદો, પુરાણો અને ઉપનિષદોનો સાર બહાર કાઢેલો છે.૪૩ બ્રહ્માના માનસપુત્ર એવા હે નારદ ! તમો પણ મનુષ્યોની સમગ્ર વાસનાઓને બાળીને ભસ્મ કરી નાખનાર આ પરમાત્માના સ્તવનરૂપ બ્રહ્મવિદ્યાને શ્રદ્ધાથી હૃદયમાં ધારણ કરીને ઇચ્છાનુસાર પૃથ્વી ઉપર વિચરણ કરો.૪૪
શુકદેવજી કહે છે હે પરીક્ષિત ! મહાન સંયમી, જેવું સાંભળેલું હોય તેવું જ તરત ધારણ કરી લેનાર, નૈષ્ઠિકબ્રહ્મચારી અને પૂર્ણ એવા નારદજી, આ પ્રમાણે બદરિકાશ્રમવાસી નારાયણ ભગવાને આપેલા ઉપદેશને શ્રદ્ધા વડે ગ્રહણ કરીને, ગુરુ એવા નારાયણ ભગવાનને આગળ કહેવાશે એ પ્રમાણે કહેવા લાગ્યા.૪૫ નારદ કહે છે હે પ્રભુ ! તમો સર્વને સુખ કરનારા છો, સમગ્ર ઐશ્વર્યથી સંપન્ન છો. તમારી મૂર્તિ કર્માધીનથી રહિત પરમ પવિત્ર છે. જે તમો સમગ્ર પ્રાણીઓના મોક્ષને માટે નિર્મળ વિદ્યાઓને ધારણ કરનારા છો. આવા તમોને હું નમસ્કાર કરું છું.૪૬ હે રાજન્ ! આ પ્રમાણે સર્વના આદિ એવા નારાયણ ભગવાનને નમસ્કાર કરી, સભામાં બિરાજેલા સર્વે ઋષિઓને પણ નમસ્કાર કરી મહામનવાળા નારદજી ત્યાંથી મારા પિતા એવા સાક્ષાત વ્યાસજીના આશ્રમમાં પધાર્યા.૪૭ ભગવાન વ્યાસજીએ નારદજીનો યથાયોગ્ય સત્કાર કર્યો, નારદજીએ આસનનો સ્વીકાર કર્યો. અને ત્યારપછી મહાત્મા નારદજીએ નારાયણ ભગવાનના મુખથકી જે સાંભળેલું હતું, એ સર્વે મારા પિતા વ્યાસજીને સંભળાવ્યું.૪૮ હે પરીક્ષિત ! મનવાણીથી અગોચર, સર્વવ્યાપક અને નિર્ગુણ એવા પરમાત્માના સ્વરૂપને વિષે જે રીતે મન પ્રવેશી શકે છે, એ સર્વે મેં તમારી આગળ વર્ણન કર્યું. કે જે તમોએ મને પૂર્વે પ્રશ્ન કરેલો હતો.૪૯ જે ભગવાન આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના નિમિત્તે સંકલ્પ કર્તા છે. (અર્થાત સંકલ્પ કર્તા હોવાથી પરમાત્મા જ આ જગતના નિમિત્ત કારણ છે.) જે ભગવાન કારણ અવસ્થાએ રહેલાં પ્રકૃતિપુરુષની અંદર પ્રવેશીને તેના નિયંતા છે. તેથી એ પરમાત્મા જ ઉપાદાન કારણ છે. જે ભગવાન મહત્ત્વથી આરંભીને પૃથ્વી પર્યંતના સમષ્ટિ તત્ત્વોને સર્જી, જીવદ્વારા તેની અંદર અનુપ્રવેશીને સમગ્ર શરીરો નિર્માણ કરેલાં છે. અને ત્યાર પછી એ જ પરમાત્મા એ શરીરોનું નિયન્ત્રણ કરે છે, અને વળી જેમ માળાને વિષે થોડો સમય સૂતેલું પક્ષી પણ સમય પ્રાપ્ત થતાં માળાનો ત્યાગ કરીને ઊડી જાય છે, તેમ કર્મવશ અજ્ઞાની જીવ જે પરમાત્માને પામી કરી પ્રકૃતિસંબન્ધનો ત્યાગ કરે છે. (અર્થાત મુક્તિ દશાને પામે છે.) અને જે પરમાત્મા સંસારી જીવોને મોક્ષનું પ્રદાન કરીને મનુષ્યાદિક યોનિઓના દુઃખને દૂર કરનારા છે. જે પરમાત્મા નિર્ભય છે, અને શરણે આવેલાઓની પીડાને હરનારા છે. આવા પરમાત્માનું નિરંતર ધ્યાન કરવું જોઇએ.૫૦
ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમસ્કંધનો સપ્તાશીતિમો અધ્યાય સંપૂર્ણ.