ૐ નમો ભગવતે વાસુદેવાય
શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય સંક્ષિપ્ત
અધ્યાય :- ૧
અકે સમયે કથારસના રસીયા શૌનકમુનિએ નૈમિષારણ્યમાં બેઠેલા સૂતજીને પૂછ્યું, અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર હે સૂત ! ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યથી મળતો વિવેક કઇ રીતે વધે, મોહમાયાનો ત્યાગ શી રીતે થાય, કળિયુગમાં દુઃખી જીવને શુદ્ધ કરવા ઉત્તમ ઉપાય, શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરાવનાર પવિત્ર સાધન કયું છે તે અમોને કહો.
સૂત કહે છે હે શૌનક ! ભવભય હરનાર શ્રીકૃષ્ણને પ્રસન્ન કરનાર એવું કળિયુગમાં કાળરૂપી સર્પથી બચાવનાર શાસ્ત્ર તે શુકદેવજીએ ‘ભાગવત શાસ્ત્ર’ કહ્યું છે. દેવોએ અમૃતના કુંભના બદલામાં મનની શુદ્ધિ કરનાર ભાગવતની કથારૂપ અમૃતની માગણી પરીક્ષિત રાજાને કથા સંભળાવવા સભામાં બેઠેલ શુકદેવજી પાસે કરી, પરંતુ અભક્ત દેવોને શુકદેવજીએ કથારૂપી અમૃત આપ્યું નહીં. બ્રહ્માએ સત્યલોકમાં બીજાં સાધનો કરતાં ભાગવત પ્રમાણમાં વધી ગયું હતું. આ ભાગવત બ્રહ્માએ નારદજીને અને નારદજીએ સનત્કુમારોને વિધિના જ્ઞાન સાથે આપ્યું.
સત્સંગ માટે બદરિકાશ્રમમાં આવેલા ચાર સનત્કુમારોએ ત્યાં આવેલા નારદજીને ઉદાસ જોઇ તેમને ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે નારદજીએ જણાવ્યું કે પૃથ્વીપર અનેક તીર્થોમાં ફરતાં ક્યાંય સુખ ન જોયું અને સર્વત્ર અધર્મના મિત્ર કળીયુગની પીડા વ્યાપી ગઇ છે. લોકો અધર્મી બની રોગાદિક ઉપદ્રવોથી પીડાય છે, સંતો વૈરાગીઓ પાખંડી અને ઘરબારી થઇ ગયા છે, પરિવારમાં સ્ત્રીઓ ધણી થઇ ગઇ છે. સાળાઓની બુદ્ધિ સલાહનું ચલણ થયું છે. કન્યાઓ વેચાય છે. પવિત્ર સ્થળોમાં યવનો જામી ગયા છે. જ્ઞાની સત્પુરુષો રહ્યા નથી. બ્રાહ્મણો વેદ વેચે છે, સ્ત્રીઓ દેહ વેચે છે. ફરતાં ફરતાં જમનાજીને કાંઠે ગયો ત્યાં એક યુવાન સ્ત્રી પાસે બે વૃદ્ધ પુરુષો બે ભાન જેવા પડ્યા હતા. સ્ત્રી તે પુરુષોની સેવા કરતી હતી. અને રડતી હતી. સેંકડો સ્ત્રીઓ તેને પવન નાખતી હતી. યુવાન સ્ત્રીએ મને કહ્યું સાધુ પુરુષનું દર્શન દુઃખહરનાર, ચિંતાનો નાશ કરનાર છે. આપ મારી ચિંતાનો નાશ કરો. મેં તેની વિગત પૂછી. તો તેણે કહ્યું હું ભક્તિ છું. આ બે વૃદ્ધ તે મારા જ્ઞાન અને વૈરાગ્ય પુત્રો છે. દ્રવિડ દેશમાં જન્મેલી, કર્ણાટક-મહારાષ્ટ્રમાં વૃદ્ધિ પામેલી, ગુજરાતમાં પાખંડોએ મારાં અંગો ભાંગી નાખતાં પુત્રો સાથે અશક્ત થઇ ગઇ છું. વૃંદાવનમાં આવવાથી જુવાન રૂપાળી થઇ ગઇ છું. હું વૃદ્ધ થવાને બદલે જુવાન થઇ છું. મારા પુત્રો જુવાન હોવાને બદલે વૃદ્ધ છે. યોગના ભંડારરૂપ હે નારદ ! આમાં જે કારણ હોય તે મને કહો.
ક્ષણવાર વિચારી નારદજીએ કહ્યું હે સુંદરી ! દારુણ કળિયુગથી લોકો અઘાસુર જેવા થઇ સદાચાર યોગ તપને તજી શઠતા અને નિચ કર્મને વર્યા છે. વિષયોથી અંધ દુષ્ટજનો સત્પુરુષોને પીડાતા જોઇ રાજી થાય છે. આવા લોકોએ તારી ઉપેક્ષા કરવાથી તું વૃદ્ધ થઇ ગઇ હતી. જ્યાં ભક્તિ નાચે છે એવા વૃન્દાવનનો યોગ થતાં તું જુવાન રૂપાડી બની ગઇ. તારા પુત્રોને અહીં કાંઇક સુખ થવાથી તેમને નિદ્રા આવી ગઇ છે.
ભક્તિએ પૂછ્યું, પરીક્ષિત રાજા અને દયાળુ ભગવાને કળિયુગ તેમજ અધર્મને શા વાસ્તે રહેવા દે છે ? હે નારદજી ! તે તમારી સુખદાયક વાણીમાં મને કહો.
નરદજી કહે હે સુંદરી ! પરીક્ષિત રાજાએ કળિયુગમાં રહેલો એક ગુણ જોયો. કે જે ફળ સમાધિથી ન મળે તે કળિયુગમાં ભગવાનના કીર્તનમાત્રથી મળે છે. તેમણે ભ્રમરની માફક આ સાર સ્વીકારી સત્પુરુષોના કલ્યાણને માટે કળિયુગને રહેવા દીધો. જેથી ભગવાનની કીર્તનભક્તિ કરીને લોકો સુખ મેળવે. કળિયુગના પ્રભાવથી હાલમાં ભાગવત કથાનો, તીર્થોનો, તપનો, ધ્યાન અને યોગનો સાર જતો રહ્યો છે. કારણકે લોભી, નાસ્તિક, ક્રોધી, વ્યાકુળ, ઢોંગી, પાખંડી, તૃષ્ણાથી વ્યાકુળ અને પાડાની જેમ પોતાની સ્ત્રી સાથે વિહાર કરનારા પંડિતજનો સમાજમાં વધી ગયા છે. અને તેમનું વર્ચસ્વ છે. નારદજીનાં વચનથી વિસ્મય પામેલ ભક્તિએ નારદજીને કહ્યું, સંત દર્શન ઉત્તમ અને સિદ્ધિ આપનાર છે. મારું અહો ભાગ્ય કે હું આપનાં દર્શન પામી, દરેક કલ્યાણના પાત્ર આપને હું પ્રણામ કરું છું. ।।૧।।
નારદજી કહે છે હે સુંદરી ! તું જેમને વહાલી છે, એવા શ્રીકૃષ્ણનું સ્મરણ કર, એથી તારું દુઃખ દૂર થશે. ચૈતન્યમૂર્તિ ભગવાને તને આજ્ઞા કરેલી છે કે ‘તારે મારા ભક્તોનું પોષણ કરવું.’ તને મુક્તિરૂપ દાસી અને જ્ઞાન તથા ભક્તિરૂપ સાથી આપ્યા. એમને લઇ તું પૃથ્વી પર આવી. કળિયુગમાં તારી ઉપેક્ષાને લિધે તારા બન્ને પુત્રો નિર્બળ વૃદ્ધ થઇ ગયા છે. હું તેનો ઉપાય કરી ઘેર ઘેર દરેક માણસમાં તારું સ્થાપન કરીશ. ભક્તિવાળા જીવ પાપી હશે તો પણ વૈકુંઠમાં જશે. ચિત્તમાં ભક્તિવાળાને પ્રેત આદિ તત્ત્વો સ્પર્શ કરી શકતા નથી. પ્રેમ ભક્તિથી ભગવાન વશ થાય છે. ભક્તિનો દ્રોહ કરનાર દુઃખી થાય છે. ભક્તિથી જ મુક્તિ મળે છે.
પોતાનું માહાત્મ્ય સાંભળી ભક્તિએ નારદજીને કહ્યું, હે નારદ ! હું સર્વદા તારા ચિત્તમાં રહીશ પછી તેણે પોતાના બેભાન પડેલા પુત્રોને જગાડવા કહ્યું.
નારદજીએ જ્ઞાન, વૈરાગ્ય બન્ને જગાડવા કાનમાં વેદવેદાંતના શબ્દોથી, ગીતાના શ્લોકથી, મોટા અવાજે જગાડતાં તેઓ માંડ ઉઠ્યા અને આળશને લીધે બગલાની પેઠે પાછા પડી ગયા. નારદજી ચિંતામાં પડ્યા, ત્યાં આકાશવાણી થઇ, હે નારદજી શીલવાન સાધુપુરુષો તમને સત્કર્મનો ઉપદેશ કરશે, એ પ્રમાણે સત્કર્મ કરો. એથી આ બન્ને જાગૃત થશે અને તેનું વૃદ્ધત્વ જતું રહેશે, આકાશવાણી સાંભળ્યા પછી નારદજી ત્યાંથી ચાલી નીકળ્યા. તીર્થ સ્થળોમાં ફરતા ફરતા મુનીશ્વરોને સત્કર્મ અંગે પુછવા લાગ્યા પણ કોઇ પાસેથી ઉપાય મળ્યો નહિ.
ચિંતાતુર નારદજી બદ્રીકાશ્રમમાં ગયા ત્યાં ભાગ્યવશ મુનીશ્વર સનકાદિકનો મેળાપ થયો. નારદજી કહે હે દયાવાન સનકાદિક ! જેનાથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને સુખ થાય અને સર્વવર્ણોમાં તેઓનું સ્થાન થાય તેવું આકાશવાણીએ કહ્યું તે સાધન કયું ? અને તે કેવી રીતે કરવું તે દયા કરીને કહો.
સનત્કુમારે નારદજીને કહ્યું હે નારદજી ! ચિંતા કરો નહિ, સત્કર્મ સૂચવનાર સાધન કહું તે સાંભળો, શુકાદિક મુનિઓએ ગાયેલ શ્રીમદ્ભાગવતના આલાપરૂપ એક જ્ઞાનરૂપી યજ્ઞ જ સત્કર્મ સૂચવનારો છે. વેદ, ઉપનિષદ્, ગીતાના સારમાંથી થયેલ શ્રીમદ્ભાગવત કથારૂપ ફળ અતિ ઉત્તમ છે. ભાગવતનું પ્રકાશન ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યના સ્થાપન માટે જ કહેલું છે, તેનું શ્રવણ શોક તથા દુઃખનો નાશ કરનારું છે. નારદજી કહે છે હે સનકાદિક ! તમારું દર્શન પાપનો નાશ કરનારું તેમજ ભવદુઃખના દાવાનળથી પીડાએલાઓને કલ્યાણ કરનાર છે, તેથી હું આપને શરણે છું. ।।૨।।
સનકાદિકે કહ્યું, હે નારદ ! હરિદ્વારની પાસે આનંદ નામે તટ છે એ સ્થળે તમારે જ્ઞાનયોગ કરો, ભાગવતની કથા થતી હોય ત્યાં ભક્તિ પોતે જ્ઞાન તથા વૈરાગ્યને લઇને આવે એવો નિયમ છે. એટલે એ ત્રણે કથા પ્રસંગે આવશે. આ સાંભળી સનકાદિક ભાગવતનો મહિમા સંભળાવે તે માટે તેમને લઇ આનંદ તટે આવ્યા.
સનકાદિકો મહાત્મા નારદજીને ભાગવત કથાનું મહાત્મ્ય કહેવા લાગ્યા, ભાગવત કથા ઘટને તીર્થરૂપ બનાવે છે હજારો યજ્ઞો તેના સોળમા ભાગ જેટલા પણ નથી. ભાગવત કથાનો સાર્થ પાઠ કરનારનાં અનેક જન્મનાં પાપ નાશ પામે છે. મૃત્યુ સમયે ભાગવત સાંભળનાર વૈકુંઠમાં જાય છે. અને જેને ભાગવતની કથા સાંભળી નથી તેનો જન્મ વૃથા છે.
સનકાદિકોએ આ રીતે સભામાં ધર્મનો પ્રકાશિત કરવા માંડ્યો તે સમયમાં ભગવાનના નામનો ઉચ્ચસ્વરે આલાપ કરતી ભક્તિ પોતાના બે યુવાન પુત્રો સાથે પ્રગટ થઇ, અને નમ્રભાવે સનત્કુમારને કહ્યું, કથારસનું પાન કરાવી તમોએ મને હમણાંજ પૃષ્ટ કરી છે હવે મારે ક્યાં રહેવું તે આજ્ઞા કરો. સનકાદિકે તેને કહ્યું, ધૈર્યશાળી વૈષ્ણવોના ચિત્તમાં રહો એટલે કળિયુગના પ્રબળ દોષ તારી સામે પણ જોઇ શકશે નહી. આ સાંભળીને ભક્તિ ભગવાનના દાસોના ચિત્તમાં જઇ નિવાસ કર્યો, જેના ચિત્તમાં શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ વસે છે તેના ચિત્તમાં ભગવાન પણ પ્રવેશ કરે છે. અને ભાગવત સાંભળનારને પણ ભગવત્સમાનપણું પ્રાપ્ત થાય છે. ।।૩।।
વૈષ્ણવોના ચિત્તમાં ભક્તિને જોઇને ભગવાને તેઓના ચિત્તમાં પ્રવેશ કર્યો, સર્વે શ્રોતાઓને કથા શ્રવણથી દેહ, ઘર, સ્વભાવનું વિસ્મરણ થઇ ગયું, નારદજીએ પૂછ્યું, હે મુનીશ્વરો ! ભાગવત કથાનું શ્રવણ કરવાથી કોણ કોણ શુદ્ધ થાય છે તે મને કહો. સનકાદિકે કહ્યું, કોઇ પણ પ્રકારનું પાપ કરનાર ક્રોધી, કુટીલ, કામી, પંચમહાપાપ કરનાર, નિર્દય, મન-વાણી કાયાથી પાપ કરનાર તમામ કળિયુગમાં ભગવાનની કથા યજ્ઞથી પવિત્ર થાય છે.
ત્યારપછી શનકાદિકે આ વિષયમાં જુના વખતની એક ઘટના કહી. આત્મદેવ નામે બ્રાહ્મણની મનચલી પત્ની ધુંધલી હતી. આત્મદેવે સન્તાન પ્રાપ્તિ માટે સન્યાસીએ આપેલું ફળ ધુંધલીને ખાવા માટે આપ્યું પણ તેણે તે ફળ ગાયને ખવડાવી દીધું. સમય જતાં પોતાની બહેનને જન્મેલ પુત્ર પોતાને ઘેર લાવી પોતાને પુત્ર થયાની વધામણી આત્મદેવને આપી, વળી કહ્યું કે મારી બહેનનો પુત્ર જન્મીને મરી ગયો છે તેથી તે આ પુત્રનું પોષણ કરશે, બીજી બાજું ગાયને ફળ આપ્યું હોવાથી ગાયના પેટે બાળકનો જન્મ થયો. એ બાળક રૂપાળો, દિવ્ય, સોનેરી કાન્તિવાળો હતો, આ ઘટનાનું રહસ્ય કોઇના જાણવામાં આવ્યું નહિ. તેના કાન ગાયના સરખા હોવાથી તેનું નામ ગોકર્ણ રાખ્યું, ધુંધલીના પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું, ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો. જ્યારે ધુંધુકારી મહા ખડ દુરાચારી થયો, અને પિતાના ધનનો નાશ કર્યો.
ભીખારી હાલતમાં આવેલો આત્મદેવ દુઃખી થઇ રડતો હતો. ત્યારે ગોકર્ણે આવી પિતાને બોધ આપ્યો કે, સંસારમાં ક્યાંય સુખ નથી, દિકરા, ધન અને ચક્રવર્તી રાજ્યમાં પણ સુખ નથી પરંતુ વૈરાગ્યવાળા એકાંતવાસી મુનિને સુખ છે. માટે તમે આ દેહ પડી જાય તે પહેલાં વનમાં જાઓ. દેહમાં અભિમાન છોડી સ્ત્રી, પુત્રની મમતા મુકી દઇ જગત ક્ષણભંગુર છે એવો નિરંતર વિચાર કરવો. વૈરાગ્યમાં વૃત્તિ રાખી ભક્તિમાં નિષ્ઠા રાખવી, ધર્મ તથા સાધુ પુરુષોનું સેવન કરવું અને વિષય તુષ્ણાનો ત્યાગ કરી ભગવત્કથારસનું પાન કરવું.
વૃદ્ધ આત્મદેવ પુત્ર ગોકર્ણે આપેલ બોધથી વનમાં ગયા. સ્થિરચિત્તવાળા થઇ ભગવત્સેવા પરાયણ રહ્યા. ભાગવત દશમસ્કંધના પાઠનો નિત્ય નિયમ ધારી શ્રીકૃષ્ણ પરમાત્માને પામ્યા. ।।૪।।
પિતાના મૃત્યુ પછી ધુંધુકારી પૈસા માટે માતાને ત્રાસ દેતો તેથી ધુંધલી કુવામાં પડી મરી ગઇ. ગોકર્ણ તીર્થયાત્રામાં નીકળી ગયા, ઘરમાં એકલા પડેલ ધુંધાકારીએ પાંચ વેશ્યાઓ રાખી. તેમને રાજી કરવા ચોરી કરી ધન, ધરેણાં આદિ લઇ આવતો. વેશ્યાઓએ વિચાર્યું કે આ ચોરી કરે છે તેથી રાજા એને કોઇકવાર પકડશે. અને ધન પણ લઇ જશે. તેમણે ધુંધુકારીને મારી નાખ્યો અને બધું ધન ઘરેણાં લઇને ચાલી ગઇ. કર્મનો મહેલો ધુંધુકારી મોટો પ્રેત થયો. ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરેથી પીડાતો વંટોળિયા રૂપે દશે દિશામાં દોડતો રક્ષણ કે શાન્તિ વગર તે હાય દૈવ કરતો હતો.
સમય જતાં ગોકર્ણે તેનું મૃત્યુ થયાનું જાણી તીર્થોમાં તેનું શ્રાદ્ધ કરતા કરતા પોતાના ગામમાં આવ્યા. ધુંધુકારીએ મધરાતે ગોકર્ણને વિકરાળ રૂપ બતાવા માંડ્યું. પાડો, અગ્નિ, પુરુષ એવાં રૂપ બતાવ્યાં. અલ્યા તું પ્રેત, પિશાચ, રાક્ષસ છે કે કોણ છે ? ગોકર્ણ એમ પુછતાં તે બોલ્યો હું તમારો ભાઇ ધુંધુકારી છું. મારા કુકર્મોથી પ્રેત થયો છું, હે દયાળુ ભાઇ ! મને આ યોનિમાંથી મુક્ત કરો, ગયાજીમાં પિંડદાન કરવા છતાં ધુંધુકારીની મુક્તિ થઇ નહિ તેથી ગોકર્ણને વિસ્મય થયો, સવારે મળવા આવેલા વિદ્વાનો સાધુપુરુષો આદિ લોકો સાથે વાત કરી અને શાસ્ત્રો પણ જોયાં, પરંતુ ધુંધુકારીને પ્રેતમાંથી છુટકારો આપવાનો ઉપાય ન મળવાથી સૂર્યનારાયણને પ્રેત મુક્તિનો ઉપાય પૂછ્યો. એટલે સૂર્યનારાયણે કહ્યું કે શ્રીમદ્ભાગવતથી પ્રેતની મુક્તિ થશે, માટે ભાગવતની સપ્તાહ પારાયણ કરો.
ગોકર્ણે કથાનું આયોજન કર્યું, કથા સાંભળવા અનેક લોકો પોતાના પાપનું નિવારણ થાય તે માટે આવ્યા. ધુંધુકારી પણ આવ્યો, ત્યાં સાત ગાંઠવાળા એક પોલા વાંસને જોઇ પોતે તેના મૂળના છીદ્રમાં પ્રવેશ કરી કથા સાંભળવા બેઠો, પ્રથમ દિવસે સાંજે કથા પૂર્ણ થઇ ત્યારે વાંસની એક ગાંઠ ભારે અવાજ સાથે તૂટી, એ રીતે દરરોજ એક એક ગાંઠ તૂટે અને સાતમા દિવસે સાંજે સાતમી ગાંઠ તૂટી અને ધુંધુકારીનું પ્રેતપણું ટળી ગયું. અને તે દિવ્ય રૂપવાળો પુરુષ બની ગયો. તે પોતાના ભાઇ ગોકર્ણને પગે લાગ્યો અને કહ્યું, ભાગવતને ધન્ય છે અને તમને પણ ધન્ય છે, કે જે કથા સાંભળવાથી મારી મુક્તિ થઇ. એટલામાં તો ભગવાનના પાર્ષદો ધુંધુકારીને વૈકુંઠમાં તેડી ગયા. આ રીતે ધુંધાકારી પરમ મોક્ષને પામ્યો. ।।૫।।
આ રીતે જે મનુષ્યો સાત દિવસ ઉપવાસ કરી સ્થિર ચિત્તે ભાગવતકથા સાંભળે છે તેનો પણ અવશ્ય મોક્ષ થાય છે.