અધ્યાય -:- ૨
આગ્નીધ્ર રાજાનું ચરિત્ર
શુકદેવજી કહે છે - પિતા પ્રિયવ્રત રાજા આ પ્રમાણે તપશ્ચર્યામાં સંલગ્ન થઇ ગયા ત્યારે આગ્નીધ્ર રાજા તેમની આજ્ઞાને અનુસરીને જંબૂદ્વીપની પ્રજાનું ધર્માનુસાર પુત્રની પેઠે પાલન કરવા લાગ્યા. ૧ એક વખત તેઓ પિતૃલોક પામવાની ઇચ્છાથી સત્પુત્રની પ્રાપ્તિને માટે પૂજાની સર્વે સામગ્રી એકઠી કરીને દેવનારીઓના ક્રીડાસ્થળ એવા મંદરાચળની એક પહાડીમાં ગયા, અને તપસ્યામાં સંલગ્ન થઇને એકાગ્રચિત્તે પ્રજાપતિ બ્રહ્માજીની આરાધના કરવા લાગ્યા. ૨ ભગવાન આદિપુરુષ બ્રહ્માજીએ તેમની ઇચ્છા જાણીને પોતાની સભાની ગાયિકા પૂર્વચિત્તિ નામની અપ્સરા તેમની પાસે મોકલી. ૩ રાજા આગ્નીધ્રના આશ્રમની પાસે અત્યંત રમણીય એક ઉપવન હતું, તેમાં પૂર્વચિત્તિ અપ્સરા ફરવા લાગી, તે ઉપવનમાં જાતજાતના ગાઢ વૃક્ષોની ડાળીઓ પર સોનેરી લતાઓ ફેલાયેલી હતી. તેમના પર બેઠેલાં મોર વગેરે સ્થળચર પક્ષીઓનાં યુગલો સુમધુર પોતાના શબ્દો કરી રહ્યાં હતાં. તેમનો સ્વરોથી યુક્ત ધ્વનિ સાંભળીને જળકૂકડી, કારંડવ, કલહંસ આદિ જળચર પક્ષીઓ પણ વિવિધ પ્રકારના કલરવ કરવા લાગ્યાં, આ બન્ને સ્વરોથી કમળ યુક્ત સરોવર પણ ગુંજી રહ્યું હતું. ૪ પૂર્વચિત્તિની વિલાસપૂર્ણ સુલલિત ગતિવિધિથી અને ચાલની શૈલીથી ડગલે ડગલે તેમનાં ચરણોનાં ઝાંઝરનો મનોહર ધ્વનિ સાંભળીને રાજકુમાર આગ્નીધ્રે સમાધિમાં મીંચેલાં પોતાના કમળ સમાન નેત્રોને અડધા ખોલીને જોયું તો પોતાની પાસે જ અપ્સરા દેખાઇ, તે અપ્સરા ભમરીની પેઠે દરેક પુષ્પ પાસે જઇને તેને સુંઘતી હતી, અને દેવતાઓ તથા મનુષ્યોના મન અને નેત્રોને આહ્લાદિત કરનારી પોતાની વિલાસપૂર્ણ ચાલ તેમજ ક્રીડા, ચાપલ્ય, લજ્જા, વિનયયુક્ત દૃષ્ટિ, મધુરવાણી અને મનોહર પોતાના ગાત્રોથી જાણે પુરુષોના હ્રદયમાં કામપ્રેવશ માટે દ્વારરૂપ હતી. તેમના મુખમાંથી અમૃત સમાન વચન નીકળતું હતું, તેમના સ્તનરૂપી કળશ, કટિપાશ અને કટિમેખળા અત્યંત મનોહર રીતે હાલતા હતા, તેવી અપ્સરાને જોવાથી આગ્નીધ્રના હ્રદયમાં કામ ઉત્પન્ન થયો અને ઉન્મત્તની પેઠે આ પ્રમાણે કહેવા લાગ્યા. ૫-૬ હે મુનિવર્ય ! તું કોણ છે ? આ પર્વત પર તું શું કરવા ઇચ્છે છે ? તું સાક્ષાત્ પરમાત્માની કોઇ માયા તો નથી ને ? હે મિત્ર ! તેં દોરી વિનાનાં આ બે ધનુષ્ય શા માટે ધારણ કર્યાં છે ? એમનાથી અમારાં જેવાં ગાફલ હરણોનો શિકાર કરવા ઇચ્છે છે કે શું ? તારાં આ બે બાણ તો ઘણાં સુંદર અને તીક્ષ્ણ છે, અહો !!! તે કમળની પાંખડી સમાન દેખાવમાં બહુ શાંત છે, અને પીછાં વિનાના આ બાણ કોના ઉપર છોડવા ઇચ્છે છે ? એ અમે જાણતા નથી, પણ એટલી અમારી માગણી છે કે તારું આ પરાક્રમ અમારા જેવા જડબુદ્ધિઓ માટે કલ્યાણકારી થાઓ. ૮ આ આપના શિષ્યો વિદ્યાભ્યાસ કરી રહ્યા છે, અને રહસ્ય સહિત સામવેદનું ગાન કરતાં કરતાં જાણે ભગવાનની સ્તુતિ કરે છે, ઋષિઓ જેમ વેદની શાખાઓનું સેવન કરે તેમ આ આપના સઘળા શિષ્યો ચોટલામાંથી ખરેલા પુષ્પોનું સેવન કરી રહ્યા છે. ૯ હે બ્રહ્મન્ ! તારા ચરણમાં જે પાંજરાં ધર્યાં છે તેમાંથી તેતરનો અવાજ સંભળાય છે પણ તેતર પક્ષી જોવામાં આવતાં નથી. આ સુંદર નિતંબના મંડળમાં કદંબના ફૂલ જેવી કાંતિ તમને ક્યાંથી મળી છે ? એમની ઉપર તો અંગારાઓના મંડળ જેવું પણ દેખાય છે, પરંતુ તારું વલ્કલવસ્ત્ર ક્યાં છે ? ૧૦ હે વિપ્ર તમારા આ સુંદર શીંગડાંમાં શું ભરેલું છે ? લાગે છે કે તેમાં ઘણાં અમૂલ્ય રત્નો ભરેલાં છે, અહીં જઇને તો મારી દૃષ્ટિ રોકાઇ જાય છે, હે સુભગા ! આ શીંગો પર જે તેં લેપ લગાડેલો છે તેની ગંધથી તો મારો આખો આશ્રમ સુગંધીમાન થઇ રહ્યો છે. ૧૧ હે મિત્ર ! તમારો લોક મને દેખાડો કે જ્યાંના રહેવાસીઓ પોતાના વક્ષઃસ્થળો પર આવાં અદ્ભુત અવયવો ધારણ કરે છે અને અમારા જેવાના મનને લલચાવનારા મુખમાં વિચિત્ર હાવભાવ, સુંદર ભાષણ અને અધરામૃત જેવી અનોખી વસ્તુઓ રહેલી છે. ૧૨ હે મિત્ર ! તારો શો આહાર છો ? કે જેને આરોગવાથી તારા મુખથી હવનની સુગંધ ફેલાઇ રહી છે ? લાગે છે કે તું વિષ્ણુ ભગવાનની કોઇ કળા જ છે, વળી તારા કાનમાં ચળકતા અને નેત્રો નહિ મીચનારાં બે માછલારૂપ કુંડળ છે. તારું મુખ સુંદર સરોવર જેવું છે, તેમાં તારી ચંચળ બે આંખો માછલાંની જેમ ઊછળ્યા કરે છે, દંતપંક્તિ હંસો જેવી અને વાંકડિયાળી કેશલટાઓ ભમરાઓ જેવી છે. ૧૩ તું જ્યારે પોતાના હસ્તકમળથી ટપલી મારીને દડાને ઉચ્છાળે છે ત્યારે ચારેકોર જતો મારી આંખોને ભ્રમિત કરે છે, સાથે સાથે મારા મનમાં પણ ખળભળાટ પેદા કરે છે. તારી વાંકી જટા ખુલી ગઇ છે. તેની કેમ સંભાળ કરતા નથી ? અરે !!! આ લંપટ તથા ધૂર્ત પવન કેવો દુષ્ટ છે કે જે વારંવાર તારા કટીવસ્ત્રને ઉડાડી મૂકે છે ! ૧૪ હે તપોધન ! તપસ્વીઓના તપને ભ્રષ્ટ કરનાર આ અનુપમ રૂપ તેં કયું તપ કરીને મેળવ્યું છે ? હે મિત્ર ! થોડા દિવસ મારી સાથે રહીને તપશ્ચર્યા કર અથવા ક્યાંક વિશ્વનો વિસ્તાર કરવાની ઇચ્છાથી બ્રહ્માએ કૃપા કરીને તમને મારી પાસે મોકલી છે કે શું ? ૧૫ સાચે જ તું બ્રહ્માજીએ આપેલી પ્રિય ભેટ છે, હવે હું તને છોડી શકું નહીં. તારામાં તો મારું મન અને આંખો એવી અટવાઇ ગઇ છે કે અન્યત્ર જવા ઇચ્છતા જ નથી. હે સુંદર શીંગડાંવાળી ! હું કે જે તને આધીન છું તેને જ્યાં તારી ઇચ્છા હોય ત્યાં લઇ જા. હું તો તારી સાથે ફરનાર છું અને મંગલમયી સખીઓ પણ ભલે આપની સાથે જ રહે ૧૬
શુકદેવજી કહે છે, હે રાજન્ ! આગ્નીધ્ર રાજા બુદ્ધિમાન અને સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં કુશળ હોવાથી તેમણે આ પ્રકારની માધુર્યપૂર્ણ મીઠી મીઠી વાતોથી અપ્સરાને પ્રસન્ન કરી દીધી. ૧૭ આ આગ્નીધ્ર રાજાની બુદ્ધિ, શીલ, રૂપ, અવસ્થા, લક્ષ્મી અને ઉદારતાથી આકર્ષાઇને તે અપ્સરાએ જંબુદ્વીપના તે અધીપતિની સાથે હજારો વર્ષો સુધી પૃથ્વી અને સ્વર્ગના ભોગ ભોગવ્યા ૧૮ ત્યારબાદ તે આગ્નીધ્ર રાજાને તે અપ્સરાના ગર્ભથી નાભિ, કિંપુરુષ, હરિવર્ષ, ઇલાવૃત, રમ્યક, હિરણ્મય, કુરુ, ભદ્રાશ્વ અને કેતુમાલ નામના નવ પુત્રો ઉત્પન્ન થયા. ૧૯ એ પૂર્વચિત્તિ અપ્સરાએ એક વર્ષે એક દીકરો એમ નવ વર્ષે નવ દીકરાને જન્મ આપીને તેઓને રાજ ભવનમાં જ મૂકીને પાછી બ્રહ્મા પાસે ગઇ. ૨૦ આગ્નીધ્રના આ નવ પુત્રો માતાના અનુગ્રહથી સ્વભાવિક જ બળવાન અને દૃઢ શરીરવાળા હતા, તે સર્વે દીકરાઓને આગ્નીધ્રે જંબુદ્વીપના તેમના જ જેવા નામવાળા નવ ખંડ પાડી પ્રત્યેક દીકરાને એક એક ખંડ વહેંચી આપતાં તેઓ વિભાગ પ્રમાણે પોતપોતાના ખંડમાં રાજ્ય કરવા લાગ્યા. ૨૧ મહારાજ આગ્નીધ્ર કામભોગથી તૃપ્તિ નહીં પામતો અને દિવસે દિવસે તે અપ્સરાને જ અધિક કરી માનતો તે રાજા વેદોક્ત કર્મ કરીને તે અપ્સરાના લોકને જ પામ્યો કે જ્યાં પિતૃઓ પોતાના પુણ્ય કર્માનુસાર વિવિધ ભોગો ભોગવવામાં મસ્ત રહે છે. ૨૨ પિતા આગ્નીધ્ર પરલોક સિધાવ્યા પછી નાભિ વિગેરે નવ ભાઇઓએ મેરુદેવી, પ્રતિરૂપા, ઉગ્રદ્રષ્ટ્રી, લતા, રમ્યા, શ્યામા, નારી, ભદ્રા અને દેવવીતિ નામની મેરુપર્વતની નવ દીકરીઓ સાથે લગ્ન કર્યાં. ૨૩
ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે આગ્નીધ્ર વર્ણન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. (૨)