૪ ઋષભદેવ ભગવાનનું ચરિત્ર

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 9:03pm

અધ્યાય - : - ૪

ઋષભદેવ ભગવાનનું ચરિત્ર

શુકદેવજી કહે છે - હે રાજન્‌ ! નાભિરાજાના પુત્રનો જન્મ થયો ત્યારથી જ તેના શરીરમાં વજ્ર અંકુશ વગેરે ભગવાનના ચિહ્નો જોવામાં આવતાં હતાં. અને સમતા, શાન્તિ, વૈરાગ્ય, ઐશ્વર્ય વગેરે મહાવિભૂતિઓને કારણે તેમનો પ્રભાવ દિવસે દિવસે વધતો જતો હતો, આ જોઇને મંત્રી વગેરે આમાત્યો, પ્રજાજનો, બ્રાહ્મણો અને દેવતાઓને એવી બળવાન અભિલાષા થવા લાગી કે આ શ્રેષ્ઠ પુત્ર દ્વારા જ પૃથ્વીનું રાજ્ય થાય એવી ઇચ્છા રાખવા લાગ્યા. ૧ તેમનું રાજાના ચિહ્નોથી અંકિત સુંદર શરીર અને વિપુલ કીર્તિ, તેજ, બળ, ઐશ્વર્ય, યશ, પરાક્રમ અને શૂરવીરતા વગેરે ગુણોને કારણે નાભિરાજાએ પોતાના પુત્રનું નામ ઋષભ રાખ્યું. ૨ એકવાર ઇન્દ્ર મહારાજે ઇર્ષ્યાવશ થઇને પોતાની મૂર્ખતાથી તે ભગવાન ઋષભદેવના રાજ્યમાં વૃષ્ટિ ન કરી. તે વાત જાણી યોગેશ્વર ભગવાન ઋષભદેવજીએ ઇન્દ્રની મૂરખાઇ ઉપર હસતાં હસતાં પોતાની યોગમાયાના પ્રભાવથી પોતાના અજનાભખંડમાં પોતેજ ખૂબ પાણી વરસાવ્યું. ૩ નાભિરાજા પોતાની ઇચ્છા મુજબ શ્રેષ્ઠ પુત્ર પામીને અત્યંત આનંદમગ્ન થઇ ગયા અને પોતાની જ ઇચ્છાથી મનુષ્ય શરીર ધારણ કરનારા શ્રીહરિનું અત્યંત પ્રેમથી લાલન-પાલન કરતા હતા અને પુત્રની દરેક ક્રિયાના વિલાસથી હે પુત્ર ! હે વત્સ ! કહેતાં અત્યંત પરમ સુખ પામ્યા. ૪ જ્યારે નાભિરાજાએ જોયું કે મારા મંત્રી આદિ આમાત્યો સહિત સારા રાષ્ટ્રની પ્રજા મારા પુત્ર ઋષભદેવજી ઉપર ઘણો જ પ્રેમ કરે છે એમ જાણીને તેમજ લોકોના મતને અનુસરીને અને ધર્મમર્યાદાના રક્ષણને વાસ્તે ઋષભદેવજીનો રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી બ્રાહ્મણોના હાથમાં સોંપીને તે નાભિરાજા પોતાની પત્ની મેરુદેવી સાથે બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા, પછી શુદ્ધ અને તીવ્ર તપશ્ચર્યાથી ભગવાન શ્રીવાસુદેવની આરાધના કરતાં કરતાં પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો. ૫

હે પાંડુનંદન ! તે નાભિરાજા વિશે એવી લોકોક્તિ છે- ‘‘નાભિરાજાના ઉદાર કાર્યનું આચરણ બીજો કયો પુરુષ કરી શકે ? કે જે રાજાનાં શુદ્ધ કર્મોથી પ્રસન્ન થઇને સાક્ષાત્‌ ભગવાન શ્રીહરિ તેમના પુત્રરૂપે અવતર્યા હતા. અને તે નાભિરાજા જેવો બીજો બ્રાહ્મણ ભક્ત પણ કોણ હોઇ શકે ? કે જેમની દક્ષિણા વગેરેથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણોએ પોતાના મંત્રબળથી યજ્ઞશાળામાં સાક્ષાત્‌ ભગવાન શ્રીવાસુદેવ નારાયણનાં દર્શન કરાવ્યાં.’’ ૬-૭

ભગવાન ઋષભદેવે પોતાના દેશ અજનાભખંડને કર્મભૂમિ માનીને લોક કલ્યાણને વાસ્તે થોડોક સમય ગુરુકુલમાં વાસ કર્યો, ગુરુને યોગ્ય દક્ષિણા આપીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે ગુરુની આજ્ઞા મેળવી. લોકોને ગૃહસ્થાશ્રમના ધર્મ શીખવવા સારુ શ્રુતિ, સ્મૃતિમાં કહેલા ધર્મોનું આચરણ કરતા રહીને ઇન્દ્રની કન્યા જયન્તી સાથે લગ્ન કરી તેમાં પોતાના જેવા જ ગુણીયલ સો પુત્રોને ઉત્પન્ન કર્યા. ૮ તે સો પુત્રોમાં ભરતજી સૌથી મોટા મહાયોગી અને ગુણવાન હતા, કે જેના નામ ઉપરથી આ અજનાભ ખંડનું નામ ભરતખંડ કહેવાય છે. ૯ ભરતથી નાના કુશાવર્ત, ઇલાવર્ત, બ્રહ્માવર્ત, મલય, કેતુ, ભદ્રસેન, ઇન્દ્રસ્પૃક્‌, વિદર્ભ અને કીકટ એ નવ પુત્રો બીજા નેવું ભાઇઓથી મોટા હતા. ૧૦ તેમનાથી નાના કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિપ્પલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન આ ભાગવત ધર્મનો પ્રચાર કરનારા નવ યોગેશ્વરો કહેવાયા આ નવયોગેશ્વરો મહા વૈષ્ણવ અને ભગવત્સંબંધી ધર્મનો ઉપદેશ કરનારા મહાન ભગવદ્ભક્તો હતા તેના મહિમા અને ચરિત્રનું ગાન વસુદેવ અને નારદજીના સંવાદરૂપે આગળ એકાદશ સ્કંધમાં કહેવામાં આવશે. ૧૧-૧૨ નવ યોગેશ્વરોથી નાના જયન્તીના એક્યાશી પુત્રો પિતાની આજ્ઞાનું પાલન કરનારા, અતિ વિનમ્ર, મહાન વેદજ્ઞ અને નિરંતર યજ્ઞો કરનારા હતા. તેઓ પુણ્યકર્મનું અનુષ્ઠાન કરવાથી શુદ્ધ અને વેદમાં નિપુણ એવા બ્રાહ્મણો થઇ ગયા. ૧૩ ઋષભદેવ ભગવાન પોતે પરમ સ્વતંત્ર હોવાને કારણે અનેક પ્રકારના અનર્થો તો પોતાની મેળે જ તેમનાથી દૂર રહેતા હતા, તો પણ સામાન્ય માણસની પેઠે કર્મો કરતા રહીને સમય પ્રમાણે પ્રાપ્ત ધર્મનું આચરણ કરીને તેનું તત્ત્વ નહીં જાણનારા લોકોને પોતાના આચરણથી જ ઉપદેશ આપતા હતા, તેની સાથે સમ, શાન્ત, મિત્રભાવ અને કરુણામય રહીને ધર્મ, અર્થ, યશ, સંતાન, ભોગસુખ અને મોક્ષનો સંગ્રહ કરતા જનોને ગૃહસ્થાશ્રમના નિયમવાળા બનાવ્યા. ૧૪ મહાપુરુષો જે પ્રમાણે આચરણ કરે છે, તે પ્રમાણે અન્ય લોકો તેનું જ અનુકરણ કરે છે. ૧૫ જોકે ઋષભદેવ ભગવાન પોતે બધા જ ધર્મોનું જેમાં નિરૂપણ કરેલું છે એવા વેદના ગૂઢ રહસ્યને જાણતા હતા, તો પણ બ્રાહ્મણોને પૂછીને તેમણે બતાવેલ સામ, દામ વગેરે નીતિ અનુસારે જ પ્રજાનું પાલન કરતા હતા. ૧૬ તેમણે શાસ્ત્રો અને બ્રાહ્મણોના ઉપદેશને અનુસારે સર્વે દેવતાઓને ઉદૃેશીને દ્રવ્ય, દેશ, કાળ, આયુષ્ય, શ્રદ્ધા, ઋત્વિજ વગેરેથી સંપન્ન સર્વે પ્રકારના સો સો યજ્ઞો શાસ્ત્રવિધિ પ્રમાણે કર્યા. ૧૭ ઋષભદેવ ભગવાનના શાસનકાળમાં તમામ પ્રજાજનોને પોતાને માટે કોઇની પાસેથી કોઇ પણ વસ્તુ લેવાની ઇચ્છા થતી ન હતી. એટલું જ નહીં પરંતુ ભગવાન સિવાય અન્ય કોઇ પદાર્થ તરફ દૃષ્ટિપાત પણ કરતા ન હતા, બસ ભગવાનમાં જ મારો અનુરાગ રહે. ૧૮ એક વખત ભગવાન ઋષભદેવ ફરતા ફરતા બ્રહ્માવર્ત દેશમાં પહોંચ્યા, ત્યાં મોટા મોટા બ્રહ્મર્ષિઓની સભામાં તેઓ પ્રજાની સામે જ પોતાના જિતેન્દ્રિય, નમ્રતાવાળા, વિનયી અને અતિશય પ્રેમી એવા પુત્રોને ઉપદેશ આપવા માટે આ પ્રમાણે કહેવા લાગ્યા. ૧૯

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે ઋષભદેવ જીવનકાળ વર્ણન નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. (૪)