અધ્યાય - : - ૧૪
ભવાટવીનું સ્પષ્ટીકરણ
શ્રીશુકદેવજી કહે છે- હે રાજન્ ! દેહાભિમાની જીવો દ્વારા સત્ત્વ વગેરે ગુણોના ભેદથી શુભ, અશુભ અને મિશ્ર એ ત્રણ પ્રકારનાં કર્મ થતાં રહે છે. તે કર્મો દ્વારા જ નિર્માયેલ જુદા જુદા પ્રકારનાં શરીરોની સાથે થતો જે સંયોગ-વિયોગ વગેરે રૂપ અનાદિ સંસાર જીવોને પ્રાપ્ત થાય છે, તેના અનુભવનાં છ દ્વાર છે. - મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો, તેનાથી વિવશ થઇને આ જીવસમૂહ માર્ગ ભૂલીને ભયંકર વનમાં ભટકતો રહીને ધનના લોભી વણઝારાની જેમ પરમ સમર્થ ભગવાન વિષ્ણુને આશરે રહેનારી માયાની પ્રેરણાથી ભયાનક જંગલની જેમ દૂર્ગમ માર્ગમાં પડીને સંસારવનમાં જઇ પહોંચે છે. આ વન સ્મશાનની સમાન અત્યંત અશુભ છે. આમ ભટકતા જીવે પોતાના શરીરથી કરેલ કર્મોનું ફળ ભોગવવું પડે છે. અહીં અનેક વિઘ્નોને કારણે તેને પોતાના વ્યાપારમાં સફળતા પણ મળતી નથી; છતાં પણ તેના પરિશ્રમને શાન્ત કરનાર શ્રીહરિ અને ગુરુદેવના ચરણારવિંદના મકરંદના મધના રસિક ભક્તોરૂપી ભ્રમરાઓના માર્ગને અનુસરતો નથી. આ સંસરાવનમાં મન સહિત છ ઇન્દ્રિઓ જ પોતાના કર્મોની દૃષ્ટિએ ડાકુઓની સમાન છે. ૧ પુરુષ ઘણું કષ્ટ સહન કરીને જે ધન કમાય છે, તેનો ઉપયોગ ધર્મમાં હોવો જોઇએ; તે જ ધર્મ જો સાક્ષાત્ ભગવાન પરમપુરુષની આરાધનાના રૂપમાં થઇ જાય છે તો પરલોકમાં નિશ્રેયસનો હેતુ થાય છે, એમ બતાવવામાં આવ્યું છે. પરન્તુ જે મનુષ્યનો બુદ્ધિરૂપી સારથિ વિવેકહીન હોય છે અને મન વશમાં હોતું નથી. તેમના તે ધર્મોપયોગી ધનને આ મન સહિત છ ઇન્દ્રિયો, જોવું, સ્પર્શ કરવો, સાંભળવું, સ્વાદ લેવો, સુંઘવું, સંકલ્પ- વિકલ્પ કરવો અને નિશ્ચય કરવો. આ પ્રવૃત્તિઓ દ્વારા ગૃહસ્થોચિત વિષયભોગોમાં ફસાવીને એવી રીતે લૂંટી લે છે કે જેમ બેઇમાન સરદારનું અનુગમન કરનારા, અસાવધાન વણઝારાના સમૂહનું ધન ચોર-ડાકૂ લૂટીને લઇ જાય છે. ૨ એટલું જ નહીં તે સંસાર વનમાં રહેનાર તેના કુટુંબીજનો કે જેઓ નામથી તો સ્ત્રી, પુત્ર વગેરે કહેવાતાં હોય છે, પરન્તુ જેમનું કર્મ સાક્ષાત્ વરુઓ અને ગીધો જેવું હોય છે તે ધનલોભી કુટુંબના ધનને તેની ઇચ્છા ન હોવા છતાં પણ તેના જોતાં જ એવી રીતે લૂંટીને લઇ જાય છે, જેમ વરુઓ ભરવાડોથી સુરક્ષિત ઘેટાંઓને લઇ જાય છે. ૩
જેમ ખેતરોમાં કોઇ બીજ અગ્નિ દ્વારા બાળી નાખવામાં આવ્યું ન હોય તો દરવર્ષે ખેડી નાખવા છતાં પણ વાવણીનો સમય આવતાં તે ખેતર ફરી પાછું ઝાડ-ઝાખરાં, વેલા અને ઘાસ વગેરેથી ગીચ થઇ જાય છે, તેવી રીતે આ ગૃહસ્થાશ્રમ પણ કર્મ ભૂમિ છે. તેમાં પણ જો કર્મોનો સંપૂર્ણ ઉચ્છેદ ક્યારેય પણ નથી થતો, કારણ કે આ સંસાર કામનાઓનો પટારો છે. ૪ ગૃહસ્થાશ્રમમાં આસક્ત થયેલ વ્યક્તિના ધનરૂપ બાહ્ય પ્રાણોને ડાંસ અને મચ્છરો જેવા નીચ પુરુષોથી તથા શલભ, (તીડ) શકુન પક્ષી, ચોર, ઉંદર વગેરેથી હાનિ પહોંચતી રહે છે. ક્યારેક આ માર્ગમાં ભટકતા-ભટકતા આ અવિદ્યા, કામના, અને કર્મોથી કલુષિત થયેલ પોતાના ચિત્તથી દૃષ્ટિદોષના કારણે આ મૃત્યુલોકને જે ગંધર્વનગરની સમાન અસત્ય છે, તેને સત્ય સમજવા લાગે છે. ૫ પછી ખાન-પાન અને સ્ત્રી સમાગમ વગેરે વ્યસનોમાં ફસાઇને મૃગજળની જેમ ખોટા વિષયો તરફ દોડવા લાગે છે. ૬ ક્યારેક બુદ્ધિના રજોગુણથી પ્રભાવિત હોવાથી બધા અનર્થોનું મૂળ અગ્નિના મળરૂપ સુવર્ણને જ સુખનું સાધન માનીને તેને મેળવવા માટે આતુર થઇને એવી રીતે દોડધામ કરવા લાગે છે; જેમ વનમાં ઠંડીથી ધ્રૂજતો પુરુષ અગ્નિ માટે વ્યાકૂળ થઇને આગિયા ( દીવા જેવું પ્રકાશ કરતું વિશેષ પ્રકારનું પતંગિયું) ને અગ્નિ માનીને તેના તરફ દોડે છે. ૭ ક્યારેક આ પંચભૂતના શરીરને જીવિત રાખનાર ઘર, અન્ન, જળ અને ધન વગેરેમાં અભિનિવેશ કરીને આ સંસારવનમાં આમ-તેમ દોડધામ કરતો રહે છે. ૮ ક્યારેક આંધીની જેમ આખમાં ધૂળ નાખનારી પત્નીને ખોળામાં બેસાડી લે છે, તો તરતજ પ્રેમમાં આંધળો થઇને સત્પુરુષોની મર્યાદાનો વિચાર કરતો નથી. તે સમયે આંખોમાં રજોગુણ રૂપી ધૂળ ભરાઇ જવાથી બુદ્ધિ એવી મલીન થઇ જાય છે કે પોતાના કર્મના સાક્ષી દશે દિશાઓના દેવતાઓને પણ ભૂલાવી દે છે. ૯ ક્યારેક પોતાની જાતે જ એકાદવાર વિષયોનું મિથ્યાપણું જાણી લેવા છતાં પણ અનાદિકાળથી શરીરમાં આત્મબુદ્ધિ ભાવ રહેવાથી વિવેકબુદ્ધિ નષ્ટ થઇ જવાને કારણે તે રણમાં દેખાતા મૃગજળ જેવા વિષયો તરફ જ ફરી દોડવા લાગે છે. ૧૦ ક્યારેક પ્રત્યક્ષ બોલનાર ઘુવડની જેમ શત્રુઓની અને પરોક્ષપણે બોલનાર તમરાંઓ જેવા રાજાની અતિ કઠોર અને દિલને દુ:ખ પહોંચાડનારી ભયાવહ ધાકધમ કીથી તેના કાન અને મનને ઘણું દુ:ખ પહોંચે છે. ૧૧ પૂર્વજન્મનાં પુણ્ય નષ્ટ થઇ જવાથી જીવતો હોવા છતાં પણ મડદા જેવો થઇ જાય છે; અને જે કારસ્કર અને કાકતુંડ વગેરે એવા જ પ્રકારની દૂષિત લતાઓ ઝેરીલા કૂવાઓની સમાન છે. તથા જેનું ધન આ લોક અને પરલોક એમ બન્ને લોકમાં કામ નથી આવતું અને જે જીવતો જ મરેલાની સમાન છે, તેવા કૃપણ પુરુષોનો આશ્રય લે છે. ૧૨ ક્યારેક દુષ્ટપુરુષોના સંગથી બુદ્ધિ નષ્ટ થઇ જવાને કારણે સૂકી નદીમાં પડીને દુ:ખીની જેમ આ લોક અને પરલોકમાં દુ:ખ આપનાર પાખંડમાં ફસાઇ જાય છે. ૧૩ જ્યારે બીજાઓને દુ:ખ પહોંચાડવાથી તેને અન્ન પણ મળતું નથી, ત્યારે પોતાના સગા પિતા-પુત્રોને અથવા જેમની પાસે પિતા, પુત્ર વગેરેનું એક કણ પણ દેખે છે તેને ફાડી ખાવા તૈયાર થઇ જાય છે. ૧૪ ક્યારેક દાવાનળ અગ્નિની જેમ પ્રિય વિષયોથી રહિત અને પરિણામે દુ:ખમય લાગતા ઘરમાં પહોંચે છે તો ત્યાં પોતાના પ્રિયજનના વિયોગ વગેરેથી તેના શોકની આગ ભભૂકી ઊઠે છે; તેનાથી દુ:ખી થઇને ઘણો જ ખિન્ન થવા લાગે છે. ૧૫ ક્યારેક કાળની સમાન ભયંકર રાજકુળરૂપ રાક્ષસ તેના પરમપ્રિય ધનરૂપ પ્રાણને હરી લે છે. તો પોતે મરેલાની જેમ નિર્જીવ થઇ જાય છે. ૧૬ ક્યારેક મનથી કલ્પિત પદાર્થોની જેમ અત્યંત અસત્ પિતા-પિતામહ વગેરે સંબંધોને સત્ય માનીને તેના સહવાસથી સ્વપ્નની જેમ ક્ષણિક સુખનો અનુભવ કરે છે. ૧૭
ગૃહસ્થાશ્રમ માટે જે કર્મવિધિનો ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે તેનું અનુષ્ઠાન કોઇ મોટા પર્વત ઉપર ચડવાની સમાન કઠિન છે. તેની તરફ પ્રવૃત્ત થયેલા લોકોને જોઇને તેની દેખાદેખી કરીને તે પણ જ્યારે તેને પૂરા કરવાનો પ્રયાસ કરે છે ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓથી દુ:ખી થઇને કાંટાં અને કાંકરાઓથી ભરાયેલી ભૂમિનાં ક્ષેત્રમાં પહોંચેલી વ્યક્તિની જેમ દુ:ખી થઇ જાય છે. ૧૮ ક્યારેક પેટની અસહ્ય ભૂખની આગથી અધીરો થઇને પોતાનાં કુટુંબીજનો ઉપર જ ગુસ્સે થાય છે. ૧૯ પછી જ્યારે નિદ્રારૂપ અજગરના પંજામાં ફસાઇ જાય છે, ત્યારે અજ્ઞાનરૂપી ઘોર અંધકારમાં ડૂબીને વેરાન જંગલમાં ફેંકાયેલ મડદાની જેમ પડ્યો રહે છે. તે સમયે તેને કોઇ પ્રકારનું ભાન રહેતું નથી. ૨૦ ક્યારેક દૂર્જનોરૂપી દંશ દેનારા જીવો એટલા કરડે છે, તિરસ્કાર કરે છે કે તેનાં ગર્વરૂપ દાંત, જેનાથી તે પોતે બીજાને કરડતો હતો તે તૂટી જાય છે. ત્યારે તેને અશાંતિને કારણે ઊંઘ પણ આવતી નથી. તથા મર્મવેદનાને કારણે ઘડીએ ઘડીએ વિવેકશક્તિ નષ્ટ થતી રહેવાથી અંતમાં આંધળાની જેમ તે નરકરૂપ અંધારા કૂવામાં પડી જાય છે. ૨૧ ક્યારેક વિષયસુખરૂપ મધના કણોને શોધતાં શોધતાં જ્યારે તે ચોરી છૂપીથી પરસ્ત્રી અથવા પરધન ઉપાડવા ઇચ્છે છે, ત્યારે તેના સ્વામી અથવા રાજાદ્વારા માર્યો જઇને એવા ભયંકર નરકમાં પડે છે જેનો કોઇ પતો નથી. ૨૨
એટલાજ માટે એવું કહેવામાં આવે છે કે પ્રવૃત્તિ માર્ગમાં રહીને કરવામાં આવેલ લૌકિક અને વૈદિક બન્ને પ્રકારનાં કર્મ જીવને સંસારની જ પ્રાપ્તિ કરાવનાર છે. ૨૩ જો કોઇ પ્રકારે રાજા વગેરેના બંધનમાંથી છૂટી પણ ગયો તો અન્યાયથી અપહરણ કરેલ તે સ્ત્રી અને ધન તે દેવદત્ત નામની કોઇ બીજી વ્યક્તિ પડાવી લે છે, અને તેનાથી વિષ્ણુમિત્ર નામની કોઇ ત્રીજી વ્યક્તિ લૂંટી લે છે. આ પ્રમાણે તે ભોગો એક પુરુષથી બીજા પુરુષ પાસે જતાં રહે છે. એક જ વ્યક્તિ પાસે ટકતાં નથી. ૨૪ ક્યારેક ક્યારેક ઠંડી અને પવન વગેરે અનેક આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુ:ખની પરિસ્થિતિને દૂર કરવામાં અસમર્થ હોવાથી તે અપાર ચિંતાઓને કારણે ઉદાસ થઇ જાય છે. ૨૫ ક્યારેક પરસ્પર આપ-લેનો વ્યવહાર કરતી વખતે બીજાનું પૈસાભાર અથવા તેનાથી પણ થોડું ધન ચોરી લે છે, તો આ બેઇમાનીને કારણે તેનાથી વેર બાંધી લે છે ૨૬ હે રાજન્ ! આ માર્ગમાં અગાઉ કહ્યાં તે પ્રમાણે વિઘ્નો ઉપરાંત સુખ-દુ:ખ, રાગ-દ્વેષ, ભય, અભિમાન, પ્રમાદ, ઉર્ન્માંઈ, શોક, મોહ, લોભ, માત્સર્ય, ઈર્ષ્યા, અપમાન, ક્ષુધા-પિપાસા, આધિ-વ્યાધિ, જન્મ-જરા અને મૃત્યુ વગેરે બીજાં પણ અનેક વિઘ્નો છે. ૨૭ આ વિઘ્ન ભરેલા માર્ગમાં આ પ્રમાણે ભટકતો રહેતો આ જીવ કોઇક સમયે દેવમાયારૂપી સ્ત્રીના બાહુપાશમાં આવી જઇને વિવેક રહિત થઇ જાય છે. ત્યારે તેના માટે વિહારભવન વગેરે બનાવવાની ચિંતામાં મગ્ન રહે છે, તથા તેને આશરે રહેનાર પુત્ર, પુત્રી અને અન્ય સ્ત્રીઓની મીઠી મીઠી વાણી, નેત્ર કટાક્ષ અને ચેષ્ટાઓમાં આસક્ત થઇને તેમનાંમાં જ ચિત્ત ફસાઇ જવાથી તે ઇંદ્રિઓનો દાસ થઇ જાય છે અને અપાર અંધકારમય નરકોમાં પડે છે. ૨૮
કાળચક્ર સાક્ષાત્ ભગવાનનું આયુધ છે તે પરમાણુથી લઇને દ્વિપરાર્ધ સુધીના પળ, ઘડી આદિ અવયવોથી યુક્ત છે. તે નિરંતર સાવધાન રહીને ફર્યા કરે છે, જલ્દી જલ્દી બદલાતી બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે જીવનની અવસ્થાઓ જ તેનો વેગ છે. ભગવાન વિષ્ણુ પોતાના કાળચક્ર આયુદ્ધ દ્વારા તે બ્રહ્માથી લઇને નાનામાં નાનાં તણખલા સુધીના બધા પ્રાણીઓનો નિરંતર સંહાર કરતા રહે છે. તેની ગતિમાં કોઇ પણ અડચણ ઊભી કરી શક્તું નથી. તેનો ભય રાખવા છતાં પણ જે આ પોતાનું આયુધ છે, તે સાક્ષાત્ કાલચક્ર ભગવાન યજ્ઞપુરુષની આરાધના છોડીને મંદબુદ્ધિ મનુષ્ય પાખંડીઓના સંગમાં આવી જઇને કંક, ગીધ, બગ અને બટેર જેવાં, આર્યશાસ્ત્ર બહિષ્કૃત કરેલા દેવતાઓનો આશ્રય લે છે, કે જેમનો કેવળ વેદ- બહારના અપ્રમાણિક આગમશાસ્ત્રોએ જ ઉલ્લેખ કર્યો છે. ૨૯ આ પાખંડીઓ તો પોતેજ છેતરાયેલા છે; તો તે પાખંડીનો આશ્રય લેનાર જીવાત્મા તેનાથી છેતરાઇને દુ:ખી થાય છે, ત્યારે બ્રાહ્મણોને શરણે જાય છે, પરંતુ ઉપનયન સંસ્કાર થયા પછીનાં શ્રુતિ અને સ્મૃતિએ કહેલા કર્મોથી ભગવાન યજ્ઞપુરુષની આરાધના કરવી વગેરે જે તેમને માટે શાસ્ત્રોક્ત બ્રાહ્મણોના આચરણ છે તે તેને સારાં નથી લાગતાં; તેથી વેદોમાં બતાવેલ આચાર પ્રમાણે પોતામાં શુદ્ધિ ન હોવાને કારણે તે શૂન્ય શૂદ્રકૂળમાં પ્રવેશ કરે છે, જેનો સ્વભાવ વાંનરોની જેમ કેવળ પોતાના કુટુંબનું પોષણ કરવું અને સ્ત્રીનું સેવન કરવું એ જ છે. ૩૦ તે શૂદ્રકુળમાં કોઇની રોક-ટોક ન હોવાથી સ્વચ્છંદ વિહાર કરવાથી તેની બુદ્ધિ અત્યંત દયાજનક થઇ જાય છે, અને એકબીજાનું મુખ જોવું વગેરે વિષયભોગમાં ફસાઇને તેને પોતાનું મૃત્યુ સમયનું પણ સ્મરણ રહેતું નથી. ૩૧ ઝાડની જેમ સાંસારિક સુખ જ જેનું ફળ છે તેઓના ઘરોમાં સુખ માનીને વાનરોની જેમ સ્ત્રી, પુત્ર વગેરેમાં આસક્ત થઇને તે પોતાની સારીએ જીંદગી મૈથુન વગેરે ક્ષણિક વિષય ભોગમાં વેડફી નાખે છે.૩૨ આ પ્રમાણે પ્રવૃત્તિ માર્ગમાં ચાલી સુખ દુ:ખને ભોગવતો આ જીવાત્મા રોગરૂપી પર્વતની ગુફામાં ફસાઇને તેમાં રહેનાર મૃત્યરૂપ હાથીથી ડરતો રહે છે.૩૩
ક્યારેક ઠંડી, તોફાની પવન વગેરે અનેક પ્રકારના આધિદૈવિક, આધિ-ભૌતિક અને આધ્યાત્મિક દુ:ખોથી છૂટકારો લેવામાં અસફળ થઇ જાય છે, તે સમયે અનેક વિષયોની ચિંતાથી તે અકડાઇ જાય છે. ૩૫ ક્યારેક પરસ્પર લે વેચ વગેરે વ્યાપાર કરવામાં વધારે કંજૂસી કરવાથી તેને થોડું ધન મળે છે. ૩૬ ક્યારેક ધન નષ્ટ થઇ જાય છે ત્યારે તેની પાસે સૂવું બેસવું અને ખાવા વગેરેની પણ કોઇ સામગ્રી રહેતી નથી. ત્યારે પોતાના પ્રિય વિષયભોગ ન મળવાથી તે ચોરી વગેરે અનીતિના માર્ગથી મેળવવા પ્રયત્ન કરે છે, તેનાથી તેને ગમે ત્યારે બીજાઓના હાથેથી અપમાનિત થવું પડે છે.૩૭ આ પ્રમાણે ધનની આસક્તિથી પરસ્પર વેરભાવ વધી જવાથી પણ તે પોતાની પૂર્વવાસનાથી લાચાર થઇને પરસ્પર વિવાહ વગેરે સંબંધો બાંધે છે અને છોડતો રહે છે.૩૮
આ સંસાર માર્ગમાં ચાલનાર આ જીવ અનેક પ્રકારનાં દુ:ખ અને વિઘ્નો અડચણોથી ઘેરાઇ જવાથી માર્ગમાં જેનાં ઉપર જ્યાં સંકટો આવે છે અથવા જે કોઇ મરી જાય છે તેને ત્યાંને ત્યાં છોડી દે છે. તથા નવા જન્મેલાનો સાથ લે છે. ક્યારેક કોઇના માટે શોક કરે છે, તો ક્યારેક કોઇકનું દુ:ખ જોઇને મૂર્ચ્છિત થઇ જાય છે. અને પ્રિયજનોનો વિયોગ થવાની આશંકાથી ભયભીત થઇ જાય છે. કોઇકથી ઝગડવા લાગે છે, કોઇ આપત્તિ આવે છે તો રોવા લાગે છે. ક્યારેક મનને અનુકૂળ કોઇ વાત થઇ ગઇ હોય તો આનંદનો માર્યો ફૂલાઇ જાય છે. ક્યારેક ગાવા લાગે છે અને ક્યારેક તેમને માટે કેદખાનામાં જવા માટે પણ અટકાતો નથી. સજ્જન પુરુષો તેની પાસે ક્યારેય આવતાં ન હોવાથી તે સાધુજનોના સમાગમથી હમેશાં વંચિત રહી જાય છે. આ પ્રમાણે આ નિરંતર આગળ વધતો જાય છે. આહીંથી તેની યાત્રાનો પ્રારંભ થયો છે અને જેને આ માર્ગની અંતિમ અવધિ કહે છે, તે પરમાત્માની પાસે આ જીવાત્મા આજ સુધી પાછો ફર્યો નથી. ૩૯ પરમાત્મા સુધી પહોંચવા માટે યોગશાસ્ત્રની પણ ગતિ નથી; જેને બધા પ્રકારનાં શાસનનો ત્યાગ કર્યો છે. તે નિવૃત્તિ પરાયણ મુનિજનો જ તેને પ્રાપ્ત કરી શકે છે. ૪૦ જે દિગ્ગજોને જીતનાર અને મોટા-મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કરનાર રાજર્ષિ છે તેની પણ ત્યાં પરમાત્મા સુધી ગતિ નથી, તે યુદ્ધભૂમિમાં શત્રુઓનો સામનો કરીને કેવળ પ્રાણ પરિત્યાગ જ કરે છે તથા જેમાં આ મારું છે; એવું અભિમાન કરીને વેર બાંધ્યું હતું તે પૃથ્વીમાં જ પોતાના શરીરનો ત્યાગ કરીને સ્વયં પરલોક (કોઇક દેવના લોકમાં) સીધાવે છે. પરંતુ આ સંસારમાંથી તેઓ પણ મુક્ત થતા નથી.૪૧ પોતાના પુણ્યકર્મ રૂપ લતાઓનો આશ્રય લઇને જો કોઇ પ્રકારે તે જીવ આ આપત્તિઓથી અથવા નરકથી છૂટકારો મેળવી પણ લે છે, તો પણ એજ રીતે સંસારમાર્ગમાં ભટકતો આ જન સમુદાયમાં મળી જાય છે, એવી જ દશા સ્વર્ગ વગેરે ઉર્ધ્વલોકોમાં જનારાઓની પણ છે. ૪૨
હે રાજન્ ! (આ ભવાટવીના રૂપકનું તાત્પર્ય તમને સમજાઇ ગયું હશે હવે ભરતજીનું મહાત્મ્ય સાંભળો) મહર્ષિ ભરતના વિશે પંડિતજનો એવું કહે છે, જેમ પક્ષીરાજ ગરુડજીની સ્પર્ધા કોઇ માંખી કરી શકતી નથી, તેવી રીતે રાજર્ષિ માહાત્મા ભરતના માર્ગને કોઇ બીજા રાજાઓ મનથી પણ સનુસરણ કરી શકતા નથી.૪૩ તેઓએ પુણ્યકીર્તિ શ્રીહરિમાં અનુરક્ત થઇને અતિ મનોહર સ્ત્રી, પુત્ર, મિત્ર અને રાજ્ય વગેરેનો યુવાન વયમાં જ વિષ્ઠાની જેમ ત્યાગ કરી દીધો છે; બીજાઓ માટે આવો ત્યાગ કરવો બહુજ કઠિન છે. ૪૪ તેમણે ત્યાગ કરવો અતિ મુશ્કેલ એવી પૃથ્વી, પુત્ર, સ્વજન, સંપત્તિ અને સ્ત્રીનો તથા જેના માટે મોટા મોટા દેવતાઓ પણ કરગરતા રહે છે, પરંતુ જે સ્વયં પોતાની દયાદૃષ્ટિ માટે તેના પર દ્રષ્ટિપાત કરતી રહેલી હતી, તે લક્ષ્મીની પણ લેશમાત્ર ઇચ્છા ન રાખી. આ બધુ ભરતજી માટે યોગ્ય જ હતું, કારણ કે જે મહાનુભાવોનું ચિત્ત ભગવાન મધુસૂદનની સેવામાં અનુરક્ત થઇ ગયું છે, તેની દષ્ટિમાં મોક્ષપદ પણ અતિ તુચ્છ છે.૪૫ ભરતજીએ શરીર છોડવાની ઇચ્છા થતાં ઊંચે અવાજે કહ્યું હતું કે ધર્મની રક્ષા કરનાર, ધર્માનુષ્ઠાનમાં નિપુણ, યોગવડે જાણી શકાનાર, સાંખ્ય દ્વારા પ્રતિપાદન કરાયેલ, પ્રકૃતિના ઈશ્વર, યજ્ઞમૂર્તિ સર્વાંતર્યામી શ્રીહરિને નમસ્કાર છે. ૪૬ હે રાજન્ ! રાજર્ષિ ભરતના પવિત્ર ગુણ અને કાર્યોથી ભક્તજનો પણ પ્રશંસા કરે છે. તેમનું આ ચરિત્ર કલ્યાણકારી, આયુષ અને ધનની વૃદ્ધિ કરનાર, લોકમાં સારો યશ ફેલાવનાર અને સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. જે પુરુષ આ ભરતજીનું ચરિત્ર સાંભળે છે અથવા સંભળાવે છે અને તેનું અભિનંદન કરે છે તેની બધી ઇચ્છાઓ પોતેજ પૂર્ણ થઇ જાય છે; બીજા પાસેથી તેને કાઇ પણ માંગવું પડતું નથી. ૪૭
ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે ભવાટવી વર્ણન નામનો ચૌદમો અધ્યાય સંપૂર્ણઃ (૧૪)