અધ્યાય - : - ૧૮
બીજા ખંડોનું વર્ણન
શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્ ! ભદ્રાશ્વવર્ષ (ખંડ) માં ધર્મપુત્ર ભદ્રશ્રવા અને તેના મુખ્ય સેવક ભગવાન્ વાસુદેવની હયગ્રીવનામની ધર્મમયી પ્રિય મૂર્તિને અત્યંત સમાધિનિષ્ઠા દ્વારા હ્રદયમાં સ્થાપિત કરીને આ મંત્રનો જપ કરતા રહીને આ પ્રમાણે સ્તુતિ કરે છે. ૧ ભદ્રશ્રવા અને એમના સેવકો કહે છે - ‘ચિત્તને વિશુદ્ધ કરનાર ૐસ્વરૂપ ભગવાન્ ધર્મને નમસ્કાર છે’ ૨ અહો ભગવાનની લીલા કેવી વિચિત્ર છે ? જેને કારણે આ જીવાત્મા બધા લોકોનો સંહાર કરનાર કાળને જોઇને પણ જોતો નથી અને તુચ્છ વિષયોનું સેવન કરવા માટે પાપમય વિચારમાં રચ્યો પચ્યો રહીને પોતાના જ હાથે પોતાનો પુત્ર અને પિતા વગેરેના શબને અગ્નિદાહ આપીને પણ પોતે જીવતા રહેવાની ઇચ્છા કરે છે. ૩ વિદ્વાન્ પુરુષો જગતને નશ્વર બતાવે છે અને સૂક્ષ્મદર્શી આત્મજ્ઞાની એવું દેખે પણ છે; છતાં પણ હે અજન્મા પ્રભુ ! તમારી માયાથી લોકો મોહિત થઇ જાય છે. તમે અનાદિ છો અને આશ્ચર્યજનક લીલાને કરનારા એવા જે તમો તે તમને હું નમસ્કાર કરું છું. ૪ હે પરમાત્મા ! તમે અકર્તા અને માયાના આવરણથી રહિત છો છતાં પણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય આ તમારાં જ કર્મ માનવામાં આવ્યાં છે. તે તો બરાબર જ છે, તેમાં કોઇ આશ્ચર્ય જેવું નથી. કારણ કે સર્વાત્મારૂપથી તમે જ સંપૂર્ણ કાર્યના કારણ છો અને પોતાના શુદ્ધસ્વરૂપમાં આ કાર્ય-કારણભાવથી સર્વથા પર છો.૫ તમારું સ્વરૂપ વિગ્રહ મનુષ્ય અને ઘોડાનું સંયુક્ત રૂપ છે. પ્રલયકાળમાં જ્યારે તમઃ (અંધકાર) પ્રધાન દૈત્યગણ વેદોને ચોરી ગયા હતા, ત્યારે બ્રહ્માજીએ પ્રાર્થના કરી હતી તેથી તમે રસાતળમાંથી લાવીને બ્રહ્માજીને આપ્યા હતા. આવા અદ્ભુત લીલા કરનાર સત્યસંકલ્પ તમને નમસ્કાર કરું છું. ૬ હરિવર્ષખંડમાં ભગવાન નૃસિંહરૂપે રહે છે. એમણે આ રૂપ જે કારણથી ધારણ કર્યું હતું, તેનું વર્ણન આગળ (સપ્તમ સ્કન્ધમાં) કરવામાં આવશે. ભગવાનના તે પ્રિયરૂપની મહાભાગવત પ્રહ્લાદજી તે વર્ષના બીજા પુરુષની સાથે નિષ્કામ અને અનન્ય ભક્તિભાવથી ઉપાસના કરે છે. આ પ્રહ્લાદજી મહાપુરુષોચિત ગુણોથી સંપન્ન છે તથા તેમણે પોતાના શીલ અને આચરણથી દૈત્ય અને દાનવના કુળને પવિત્ર કર્યું હતું. તે આ મન્ત્ર જપ તથા સ્તોત્રનો પાઠ કરે છે. ૭ ‘ૐ સ્વરૂપ ભગવાન શ્રીનૃસિંહદેવને નમસ્કાર છે. તમે અગ્નિ વગેરે તેજોના પણ તેજ છો, તમને નમસ્કાર છે. હે વજ્રનખ ! હે વજ્રદંષ્ટ્ર ! તમે અમારી સામે પ્રગટ થાઓ, પ્રગટ થાઓ; અમારી કર્મવાસનાઓને બાળી નાખો, બાળી નાખો, અમારા અજ્ઞાનરૂપ અંધકારને નષ્ટ કરો, નષ્ટ કરો, ૐ સ્વાહા. અમારા અંતઃકરણમાં અભયદાન દેવા પ્રકાશિત થાઓ.૮ ૐ ક્ષૌમ્’ હે નાથ ! વિશ્વનું કલ્યાણ હો, દુષ્ટોની બુદ્ધિ શુદ્ધ હો, બધા પ્રાણિઓમાં પરસ્પર સદભાવના હો, બધા એક બીજાનું હિતચિંતન કરે, અમારું મન શુભ માર્ગમાં પ્રવૃત્ત થાય અને અમારા સર્વની બુદ્ધિ નિષ્કામભાવથી ભગવાન્ શ્રીહરિમાં પ્રવેશ કરે. ૯ હે પ્રભુ ! ઘર, સ્ત્રી, પુત્ર, ધન અને ભાઈ તથા બંધુઓમાં અમારી આસક્તિ ન થાય; જો થાય તો કેવળ ભગવાનના પ્રેમી ભક્તોમાં જ થાય. જે સંયમી પુરુષ કેવળ શરીર નિર્વાહના યોગ્ય અન્નાદિથી સંતુષ્ટ રહે છે, તેને જેટલી જલ્દી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેવી ઇન્દ્રિયલોલુપ પુરુષોને થતી નથી. ૧૦ તે ભગવાનના ભક્તના સંગથી ભગવાનના તીર્થતુલ્ય પવિત્ર ચરિત્ર સાંભળવા મળે છે, જે તેની અસાધારણ શક્તિ અને પ્રભાવનું સૂચક હોય છે. તેનું વારંવાર સેવન કરનાર લોકોના કર્ણના માર્ગથી ભગવાન હ્રદયમાં પ્રવેશ કરે છે અને તેના સર્વ પ્રકારના દૈહિક અને માનસિક મળોને નષ્ટ કરી નાખે છે. પછી કોણ એવા ભગવાનના ભક્તનો સંગ કરવા ન ઇચ્છે ? ૧૧ જે પુરુષને ભગવાનમાં નિષ્કામ ભક્તિ છે, તેના હ્રદયમાં સમસ્ત દેવતા, ધર્મ, જ્ઞાન વગેરે સંપૂર્ણ સદગુણો સહિત સદાય નિવાસ કરીને રહે છે. પરંતુ જે ભગવાનનો ભક્ત નથી, તેમાં મહાપુરુષના તે ગુણો ક્યાંથી આવી શકે ? તે તો અનેક પ્રકારના સંકલ્પો કરીને નિરંતર તુચ્છ સાંસારિક વિષયોની તરફ દોડતો રહે છે. ૧૨ જેમ માછલીઓને જળ અત્યંત પ્રિય છે અને તેના જીવનનો આધાર હોય છે. તેવી જ રીતે સાક્ષાત્ શ્રીહરિ જ સમસ્ત દેહધારિઓના પ્રિયતમ આત્મા છે. તેનો ત્યાગ કરીને જો કોઇ મહત્ત્વાભિમાની પુરુષ ઘરમાં આસક્ત રહે છે તો તે દશામાં સ્ત્રી-પુરુષોની મોટાઇ કેવળ આયુષને જોઇને માનવામાં આવે છે; પરંતુ ગુણદૃષ્ટિએ માનવામાં આવતી નથી.૧૩ તેથી હે અસુરો ! ‘તમે તૃષ્ણા, રાગ, વિષાદ, ક્રોધ, અભિમાન, ઇચ્છા, ભય, દીનતા અને માનસિક સંતાપનું મૂળ તથા જન્મ-મરણરૂપ સંસારચક્રનું વહન કરનાર ઘર વગેરેનો ત્યાગ કરીને ભગવાન નરસિંહના નિર્ભય ચરણકમળનો આશ્રય લો’ ૧૪ કેતુમાલ ખંડમાં લક્ષ્મીજીનો તથા સંવત્સર નામના પ્રજાપતિના પુત્ર અને પુત્રીઓનું પ્રિય કરવા માટે પદ્યુમ્ન ભગવાન કામદેવરૂપે નિવાસ કરે છે. તે રાત્રિની અભિમાની દેવતારૂપ કન્યાઓ અને દિવસના અભિમાની દેવતારૂપ પુત્રોની સંખ્યા મનુષ્યની સો વર્ષની આયુષ્યના દિવસો અને રાત્રીઓ જેટલી છે, અર્થાત્ છત્રીસ હજાર વર્ષની છે અને તેઓજ તે ખંડના અધિપતિ છે. તે કન્યાઓ પરમપુરુષ શ્રીનારાયણના શ્રેષ્ઠ અસ્ત્ર સુદર્શનચક્રના તેજથી ડરી જાય છે; તેથી દરેક વર્ષના અંતે તેઓના ગર્ભ નષ્ટ થઇને પડી જાય છે. ૧૫ ભગવાન પોતાના સુલલિત ગતિ-વિલાસથી સુશોભિત મધુર મંદ હાસ્યથી મનોહર લીલાપૂર્ણ સુકુમાર નેત્રકટાક્ષથી, સહજ ઊપસેલાં સુંદર આંખ ઉપરનાં ભીંજણની રમણીય છટાથી મુખકમળનું અપાર સૌંદર્ય ઉલેચીને સૌંદર્યદેવી શ્રીલક્ષ્મીને આનંદિત કરે છે, અને પોતે પણ સહજાનંદરૂપ છે.૧૬ શ્રીલક્ષ્મીજી પરમ સમાધિયોગ દ્વારા ભગવાનના તે માયામય સ્વરૂપની રાત્રીના સમયે પ્રજાપતિ સંવત્સરની કન્યાઓ સહિત અને દિવસમાં તેઓના પતિઓ સહિત આરાધના અને આ મંત્રનો જપ કરતી ભગવાનની સ્તુતિ કરે છે. ૧૭ જે ઇંદ્રિયોના નિયામક અને સંપૂર્ણ શ્રેષ્ઠ વસ્તુઓનો ભંડાર છે, ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ અને સંકલ્પ અધ્યવસાય વગેરે ચિત્તના ધર્મો તથા તે વિષયોના અધીશ્વર છે, અગિયાર ઇન્દ્રિયો અને પાંચ વિષય આ સોળ કળાઓથી યુક્ત છે, વેદોક્ત કર્મોથી પ્રાપ્ત થાય છે, તથા અન્નમય, અમૃતમય અને સર્વમય છે તે માનસિક, ઐન્દ્રિયિક અને શારીરિક બળસ્વરૂપ પરમ સુંદર ભગવાન કામદેવને ૐ હૃાં હ્રાં હ્રીં હૂં આ બીજમંત્ર સહિત સર્વ બાજુથી નમસ્કાર છે. ૧૮
હે ભગવાન ! તમે ઇન્દ્રિયોના અધીશ્વર છો. સ્ત્રીઓ જાત-જાતનાં કઠોર વ્રતોથી તમારી જ આરાધના કરીને બીજા લૌકિક પતિઓની ઇચ્છા કર્યા કરે છે. પરંતુ તે તેના પ્રિય પુત્ર, ધન અને આયુષ્યની રક્ષા કરી શકતા નથી; કારણ કે તે પોતે જ પરતંત્ર છે.૧૯ સાચા પતિ તો એ જ છે, કે જે પોતે જ સર્વથા નિર્ભય હોય અને બીજા ભયભીત લોકોની સર્વપ્રકારે રક્ષા કરી શકે. એવા પતિ એકમાત્ર તમે જ છો; જો એકથી વધારે ઈશ્વર માનવામાં આવે તો તેને એક-બીજા તરફથી ભય થવાની સંભાવના છે. તેથી જ તમે પોતાની પ્રાપ્તિ કરતાં અધિક બીજા કોઇ લાભને માનતા નથી. ૨૦ હે ભગવાન ! જે સ્ત્રી તમારા ચરણકરળનું પૂજન જ ઇચ્છે છે, અને અન્ય કોઇ વસ્તુની ઇચ્છા કરતી નથી તેની સર્વે કામનાઓ પૂર્ણ થઇ જાય છે; પરંતુ જો કોઇ એક ઇચ્છાને લઇને તમારી ઉપાસના કરે છે, તેને તમે કેવળ એ જ વસ્તુ આપો છો. અને બધા ભોગો સમાપ્ત થયા પછી તે નષ્ટ થઇ જાય છે તો તેને માટે તેમને સંતપ્ત થવું પડે છે. ૨૧ હે અજિત ! મને મેળવવા માટે ઇન્દ્રિયસુખના અભિલાષી બ્રહ્મા અને રુદ્ર વગેરે સમસ્ત દેવો અને દાનવો કઠિન તપસ્યા કરતા રહે છે. પરંતુ તમારા ચરણકરળનો આશ્રય લેનાર ભક્ત સિવાય મને કોઇ મેળવી શકતો નથી; કારણ કે મારું મન તો તમારામાં જ લાગેલું રહે છે. ૨૨ હે અચ્યુત ! તમે તમારા જે વંદનીય કરકમળ ભક્તોના શિર પર રાખો છો, તે મારા શિર પર પણ રાખો. હે વરેણ્ય ! તમે મને કેવળ શ્રીલાંછનરૂપમાં તમારા વક્ષઃસ્થળમાં જ ધારણ કરો છો; તમે તો સર્વ સમર્થ છો, અને તમારી માયાથી જે લીલા કરો છો, તેનું રહસ્ય કોણ જાણી શકે છે ? ૨૩
રમ્યક દેશમાં મત્સ્ય ભગવાને ત્યાંના અધિપતિ મનુને પૂર્વકાળમાં પોતાનું પરમ પ્રિય મત્સ્યરૂપે દર્શન આપ્યું હતું. મનુ મહારાજ પણ આજ દિવસ સુધી ભગવાનના એ જ મત્સ્યરૂપની ઘણા ભક્તિભાવથી ઉપાસના કરે છે અને આ મંત્રનો જપ કરતા રહીને સ્તુતિ કરે છે. સત્ત્વપ્રધાન મુખ્ય પ્રાણ સૂત્રાત્મા તથા મનોબળ, ઇન્દ્રિયબળ અને શરીરબળ ૐપદનો અર્થ સર્વશ્રેષ્ઠ ભગવાન મહામત્સ્યને વારંવાર નમસ્કાર છે. ૨૪-૨૫ હે પ્રભુ ! જેવી રીતે નટ કઠપુતળિઓને નચાવે છે, તેવી જ રીતે તમે બ્રાહ્મણ વગેરે નામોની દોરીથી સંપૂર્ણ વિશ્વને પોતાને આધીન કરીને નચાવી રહ્યા છો. તેથી તમે જ બધાના પ્રેરક છો. તમને બ્રહ્મા વગેરે લોકપાલગણ પણ જોઇ શકતા નથી; છતાં પણ તમે સમસ્ત પ્રાણિઓની અંદર પ્રાણરૂપથી અને બહાર વાયુરૂપથી નિરંતર સંચાર કરી રહ્યા છો. વેદ જ તમારો મહાન્ શબ્દ છે. ૨૬
એક વાર ઇન્દ્ર વગેરે ઇંદ્રિયાભિમાની દેવતાઓને પ્રાણસ્વરૂપ તમારાથી દ્વેષ થયો હતો. ત્યારે તમારાથી અલગ થઇ જવાથી તે જુદા જુદા અથવા પરસ્પર મળીને પણ મનુષ્ય પશુ, સ્થાવર-જંગમ વગેરે જેટલાં શરીર દેખાય છે, તેમાંથી ઘણો પ્રયત્ન કરવાથી પણ કોઇની રક્ષા ન કરી શક્યા. ૨૭ હે અજન્મા પ્રભુ ! તમે મારા સહિત અને સમસ્ત ઔષધરૂપ વનસ્પતિઓ અને વેલીઓના આશ્રયરૂપ આ પૃથ્વીને લઇને મોટા મોટા પ્રચંડ મોજાંઓવાળા પ્રલયકાલીન સમુદ્રમાં ભારે ઉત્સાહથી વિહાર કરનારા અને સંસારના સમસ્ત પ્રાણસમુદાયના નિયંતા એવા તમને મારા નમસ્કાર છે. ૨૮
હિરણ્મય ખંડમાં ભગવાન કૂર્મરૂપ ધારણ કરીને રહે છે. ત્યાંના નિવાસિઓ સહિત પિતૃરાજ અર્યમા ભગવાનની તે પ્રિયતમ મૂર્તિની ઉપાસના કરે છે. અને તે મંત્રને નિરંતર જપતા સ્તુતિ કરે છે. ૨૯ જે સંપૂર્ણ સત્ત્વગુણથી યુક્ત છે, જળમાં વિચરતા રહેવાને કારણે જેનું સ્થાન કોઇ નિશ્ચિત નથી તથા જે કાળની મર્યાદાથી બહાર છે, તે ૐસ્વરૂપ સર્વવ્યાપક સર્વાધાર કૂર્મરૂપ ભગવાનને વારંવાર નમસ્કાર છે. ૩૦ હે ભગવાન ! અનેક રૂપોમાં પ્રતીત થતું આ દેખાતું પ્રપંચ જો કે મિથ્યા જ છે એવો નિશ્ચય થાય છે, તેથી એની વસ્તુતઃ કોઇ સંખ્યા નથી, છતાં પણ આ માયાથી પ્રકાશિક થનાર તમારું જ રૂપ છે. એવા અનિર્વચનીયરૂપ વાળા તમને મારા નમસ્કાર છે. ૩૧ એક માત્ર તમે જ જરાયુજ, સ્વેદજ, અંડજ, ઉદિભજ્જ, જઙ્ગમ, સ્થાવર, દેવતા, ઋષિ, પિતૃગણ, ભૂત, ઇંદ્રિય, સ્વર્ગ, આકાશ, પૃથ્વી, પર્વત, નદી, સમુદ્ર, દ્વીપ, ગ્રહ અને તારા વગેરે વિભિન્ન નામોથી પ્રસિદ્ધ છો.૩૨ તમે અસંખ્ય નામ, રૂપ અને આકૃતિઓથી યુક્ત છો; કપિલ વગેરે વિદ્વાનોએ જે તમારી ચોવીસ તત્ત્વોની સંખ્યા નિશ્ચિત કરી છે, તે જે તત્ત્વદૃષ્ટિનો ઉદય થવાથી નિવૃત્ત જઇ જાય છે, તે પણ વસ્તુતઃ તમારું જ સ્વરૂપ છે. એવા સાંખ્યસિદ્ધાન્ત સ્વરૂપ તમને મારા નમસ્કાર છે’. ૩૩
ઉત્તર કુરુખંડમાં ભગવાન યજ્ઞપુરુષ વરાહમૂર્તિ ધારણ કરીને વિરાજમાન છે. ત્યાંના નિવાસિઓ સહિત સાક્ષાત્ પૃથ્વીદેવી તેની અવિચલ ભક્તિભાવથી ઉપાસના કરે છે. ૩૪ ‘જેનું તત્ત્વ મંત્રોથી જણાય છે જે યજ્ઞ અને ક્રતુરૂપ છે તથા મોટા- મોટા યજ્ઞો જેનું અંગ છે તે ૐકારસ્વરૂપ શુક્લકર્મમય ત્રિયુગમૂર્તિ પુરુષોત્તમ ભગવાન વરાહને વારંવાર નમસ્કાર છે’. ૩૫ ‘ઋત્વિજો જેમ અરણિના લાકડાના ટુકડાઓમાં છુપાયેલા અગ્નિને મંથન દ્વારા પ્રગટ કરે છે, તેવી રીતે કર્મની આસક્તિ અને કર્મફળની કામનાને લીધે છુપાયેલા તમારા રૂપનું દર્શન કરવાની ઇચ્છાથી પરમ પ્રવીણ પંડિતજનો પોતાના વિવેકયુકત મનરૂપી વલોણાથી શરીર અને ઇન્દ્રિય વગેરેને વલોવી નાખે છે. આ પ્રકારે મંથન કરવાથી પોતાના સ્વરૂપને પ્રગટ કરનાર તમને નમસ્કાર છે.૩૬ વિચાર તથા યમ, નિયમ વગેરે યોગાઙ્ગોના સાધનથી જેની બુદ્ધિ નિશ્ચયાત્મિકા થઇ ગઇ છે. તે મહાપુરુષ દ્રવ્ય, ક્રિયા (ઇન્દ્રિયનો વ્યાપાર), હેતુ (ઇન્દ્રિયાધિષ્ઠાતા દેવતા), યમન (શરીર), ઈશ, કાળ અને કર્તા (અહંકાર) વગેરે માયાના કાર્યને જોઇને જેના વાસ્તવિક સ્વરૂપનો નિશ્ચય કરે છે એવા માયિક આકૃતિઓથી રહિત તમને વારંવાર નમસ્કાર છે. ૩૭ જેમ લોઢું જડ પદાર્થ હોવા છતાં ચુમ્બકના સાન્નિધ્ય માત્રથી હલન-ચલન કરે છે. તેવી રીતે જે સર્વસાક્ષીની ઇચ્છામાત્રથી જે પોતા માટે નથી, પરંતુ સમસ્ત પ્રાણિઓ માટે હોય છે, પ્રકૃતિ પોતાના ગુણો દ્વારા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરતી રહે છે; એવા સંપૂર્ણ ગુણો અને કર્મોના સાક્ષી તમને નમસ્કાર છે. ૩૮ તમે જગતના કારણભૂત આદિવરાહ છો. જેમ એક હાથી બીજા હાથીને પછાડે છે, તેવી રીતે ગજરાજની જેમ ક્રીડા કરતા તમે યુદ્ધમાં પોતાના પ્રતિદ્વન્દ્વી હિરણ્યાક્ષ દૈત્યને કચડી નાખીને મને (પૃથ્વીને) પોતાની દાઢોની અણી પર રાખીને રસાતળથી પ્રલય સમુદ્રમાંથી બહાર નીકળ્યા હતા. હું એવા સર્વશક્તિમાન પ્રભુને વારંવાર નમસ્કાર કરું છું.’ ૩૯
ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે ખંડ વર્ણન નામનો અઢાર અધ્યાય સંપૂર્ણઃ (૧૮)