મંત્ર (૫૫) ૐ શ્રી કૌલદ્વિષે નમઃ
શતાનંદસ્વામી કહે છેઃ ‘‘હે પ્રભુ ! તમે કૌલ મતનું ખંડન કરનારા છો. મરાઠા દેશમાં એવો કુરિવાજ હતો. દેવી આગળ જનાવરોને મારીને એનું માંસ દેવીને અર્પણ કરે. કુંવારી કન્યાને પણ મારી નાખે, વામ માર્ગીઓ સ્ત્રી લંપટ અને દુરાચાર કરનારા હતા. તેનું ધતિંગ સ્વામિનારાયણ ભગવાને મૂળમાંથી કાઢી નાખ્યું. ધરમને બહાને ધતિંગ કરતા તે ધતિંગને ઉઘાડા કરીને અસુરોનો નાશ કર્યો.
જેતલપુરની વાડીમાં ભક્તજનોએ સુંદર મજાનો હિંડોળો બાંધ્યો તેમાં શ્રીજી મહારાજ બિરાજમાન થયા. આગળ સંતો અને ભક્તજનો બેઠા છે. ત્યાં શુદ્ર દેવીનો ઉપાસક કીચક નામનો બ્રાહ્મણ આવ્યો. બહુ પાપી, દારૂ માંસનું નૈવેધ્ય દેવીને ચડાવે. પછી પોતે પીવે ને શિષ્યોને પાય. સ્ત્રીઓને પોતાની સેવામાં રાખે. પગ ચંપી કરાવે અને જમપુરીનું ભાતું બાંધે. છતાં એમ કહે કે : ‘‘અમે યોગી છીએ ને ભોગી પણ છીએ.’’ આમ ધરમને બહાને ધતિંગ કરી પાપ કરતા હતા.
આવા અધર્મીઓને પ્રભુએ નાશ કર્યા. કીચકને ભગવાને ખૂબ સમજાવ્યો છતાં સમજયો નહિ. તેથી તે ત્યાંથી ભાગી ગયો. પ્રભુએ આવા પાપી સાથે વાતચીત કરી. તેથી દેવ સરોવરમાં સ્નાન કર્યું, ને સંતોએ પણ સ્નાન કર્યું. વામાચાર્યથી બોલવામાં પણ પાપ લાગે છે. ભગવાને વામાચાર્ય મતનું ખંડન કર્યું ભગવાન કૌલાર્ણવ મતના દ્વેષી છે. એ અધર્માચરણને પ્રભુએ મૂળમાંથી કાઢી નાખ્યો.
આજે ભારત દેશમાં વામાચાર્યો કયાંય દેખાતા નથી. શ્રીજીમહારાજને વામાચાર્યનો દુરાચાર જરાય ગમતો નથી. આવા દુરાચારીથી પ્રભુ દ્વેષ રાખે છે. પ્રભુ કોઈની સાથે દ્વેષ ન કરે, પણ દૈત્યોની સાથે દ્વેષ કરે છે. પોતાના પ્યારા ભકતોને દૈત્યો પીડા કરે, હેરાન કરે, મારકૂટ કરે તો તેવા દુરાચારી પાપી સાથે ભગવાન દ્વેષ કરે છે, બાકી કોઈ ઉપર ભગવાન દ્વેષ કરતા નથી.
ગીતાજીમાં શ્રીજી કહે છે :- ‘‘સમઃ સવેષુ ભૂતેષુ મદ્ભક્તિ લભતે પરાં.’’ ભગવાન કહે છે :- ‘‘સર્વ જીવ પ્રાણી માત્ર પર સમાન દષ્ટિ રાખું છું પણ જો ભક્તને કોઈ હેરાન કરે તો પ્રભુ તેના ઉપર કુરાજી થાય છે.
તે વિશેની એક કથા છે. એક વખત બે સંતો કચ્છના ગામડામાં ફરતા હતા. ચારણે આ બે સંતોને દીઠા અને મનમાં થયું કે, આ સ્વામિનારાયણના મુંડિયા ગામને બગાડશે. દારૂ, ભાંગ અને ગાંજો ખાવાની મનાત કરશે. તેના પહેલાં એને પૂરા કરી નાખીએ. એવું ધારી હાકોટો માર્યો : ‘‘એય બાવલા ઊભા રહો. કયાં જાવ છો ? મારી હક્કની ધરતી ઉપર કેમ ચાલ્યા ? માર્યા વિના નહિ મૂકું. માણસોને બગાડો છો ?’’ એમ કહી પોતાને ઘરે લઈ આવ્યો.
-: શ્રીજી મહારાજ મદદ કરવા પહોંચી આવ્યા :-
ગાળો દેતા દેતા મેડી ઉપર સંતોને પૂરી દીધા. ખાવા પીવાનું કાંઈ સંતોને મળ્યું નથી. ભૂખ્યા દુઃખ્યા સંતો મનમાં ને મનમાં પ્રભુનું સ્મરણ કરે છે. બરાબર રાતના બાર વાગ્યા ને શ્રીજીમહારાજ મદદ કરવા પહોંચી આવ્યા. દરવાજો ખટખટાવ્યો, પાપી ચારણ બે ગાદલાં પાથરી સૂતો હતો. તે બોલ્યો : ‘‘કોણ છો ?’’
પ્રભુએ કહ્યું : ‘‘ગમે તે હોય જલ્દી દરવાજો ખોલ, નહિતર મારી નાખીશ.’’ ભગવાને દરવાજાને એવો જોરથી ધકકો માર્યો, ફટાક દેતા દરવાજો ખુલ્લી ગયો.
ચારણ મંડ્યો થરથર ધ્રુજવા, પ્રભુએ જમપુરીમાં મૂકી દીધો. ત્યાં જમના દૂતોએ દંડાથી ખૂબ માર્યો, અરે! પાપી તેં સાચા સંતને મેડી ઉપર મારીને પૂરી મૂકયા છે. તેની હવે ખબર પડશે, એમ કહી લોઢાના ચાબૂકથી ખૂબ માર્યો.
ભગવાન કહે :- ‘‘બરાબર જેવી સજા દેજો. જેથી ખબર પડે કે બીજાને પજવવાથી કેવું દુઃખ થતું હશે ?’’ મજાગરા નરમ કરી નાખ્યા, માર પડે જમપુરીમાં અને દેહ ઉછળે ને પછડાય આંહી ઘરમાં.
પછી ભગવાન એને દેહમાં લઈ આવ્યા, ‘‘કેમ હવે સંતને હેરાન કરીશ ?’’ બે હાથ જોડી કહ્યું :- ‘‘હવે હેરાન નહિ કરું, પછી સંતોને રવાના કરી દીધા પણ પાપીએ જમવા કાંઈ દીધું નહિ.’’
કહેવાનો હેતુ કે, ભગવાન સમદષ્ટિવાળા જરૂર છે પણ જે ભગવાનના ભક્તને દુઃભાવે, મારે, હેરાન કરે તેના ઉપર પ્રભુ દ્વેષ રાખે છે અને એને બરાબર સજા આપે છે.
પ્રભુનો સ્વભાવ મા જેવો છે. બાળક ગંદુ થઈને આવે ત્યારે મા બરાબર નવડાવીને ચોખ્ખું કરે. બાળક ભલે રાડો પાડે છતાં મા એને બરાબર સાફ કરે તેમ ગંદા જીવ પાપ કરીને આવે ત્યારે પ્રભુ એને જમપુરીમાં બરાબર સજા ભોગવાવીને સાફ કરે, ચોખ્ખો ચટ્ટ કરે અને સન્માર્ગે વાળે. પ્રભુ કૌલમતને ખંડન કરાનારા છે.