મંત્ર (૭૨) ૐ શ્રી ઉદારાય નમઃ
શતાનંદસ્વામી કહે છે, પ્રભુ ! તમે ખૂબ ઉદાર છો. આપણે દાન પુણ્ય કરીએ, પણ ઝાઝું રાખીને થોડું આપીએ. ભગવાન એવા ઉદાર છે કે પોતાનું સર્વસ્વ આપી દે. અને પોતે ભક્તના દાસ થઇ જાય. સેવકના સેવક બની જાય. દુનિયામાં ભગવાન જેવો કોઇ ઉદાર નથી.
એક મૂઠી પૌંવાને બદલે સોનાના મહેલ બનાવી દીધા. સુદામાને એમ કે આ લોભિયો શું દેશે ? આપેલું પીતાંબર પણ પાછું લઇ લીધું, એ શું દેશે ? ભગવાન કહે છે, મિત્ર જા તો ખરો ઘરે, ખબર પડશે. મેં સમૃદ્ધિનો ધોધ મૂકી દીધો છે, પૃથ્વી માતા પણ એક કણના હજાર કણ આપે છે, તો ભગવાન કેમ ન આપે ? નવસો તાતડાને બદલે નવસો નવાણું સાડીઓ આપી દીધી. આવા ઉદાર છે અવિનાશી.
ભગવાનના ભાલમાં કુબ્જાએ ફક્ત ચંદનની અર્ચા કરી, રૂપમાં વધારો કર્યો તો. ભગવાને એને રૂપનું દાન આપી સરળ, સીધી ને રૂપાળી બનાવી દીધી. આવા ભગવાન ઉદાર છે. કંથકોના કચરા ભક્તને ઘેર સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, ઘરે કોઇ નથી. શું જમાડવું ? કચરા ભક્ત ઊંડા વિચારમાં ઉતરી ગયા, એમનાં પત્ની ધનબાઇને ખબર પડી કે, મારા પતિદેવ મૂંઝવણમાં છે, પતિને મૂંઝવણ થાય તો પત્ની તેની મૂંઝવણ ટાળે અને સ્ત્રીને મૂંઝવણ થાય તો પતિ ટાળે, અરસ પરસ દુઃખનાં ભાગીદાર થાય, દેહ ભલે જુદા હોય મન એક હોવું જોઇએ.
-: તો સંસારમાં શાંતિ રહે :-
પતિદેવ મૂંઝાવ છો શા માટે ? મારી પાસે કિંમતી ચૂંદડી છે, પરણવા વખતનીતે મેં સાચવી રાખી છે, તે લઇ જાવ અને અડાણે રાખી તેમાંથી સીધું લઇ આવો જ્યારે પૈસા થશે ત્યારે ચુંદડી લઇ આવશું ને પસૈ સા દઇ આવશું. કચરા ભગત બજારમાં ગયા, સાડલાને અડાણે મૂકી સીધું લઇ આવ્યા. શ્રીજીમહારાજે મુકુંદ બ્રહ્મચારીને કહ્યું. ચાર જણા જમીએ તેટલી રસોઇ બનાવો. ભગવાન અને બ્રહ્મચારી જમ્યા બાદ દંપતીને પ્રસાદ આપ્યો.
આ બાબતનો શ્રીજીમહારાજને ખટકો થાય કે, કયારે સમય આવે ને હું ભક્તનાં ઋણમાંથી મુક્ત થાઉં. બે વરસ પછી શ્રીજીમહારાજ કંથકોટ પધાર્યા ત્યાં રાજમાતા સિંધદેશમાં વરેલાં હતાં તે રામબાઇ ભગવાન પાસે આવીને ભેટ અર્પણ કરી. બધાં સોનાનાં દાગીનાં હતાં, સતી સોહાગણનો શણગાર બધો શ્રીજીમહારાજના ચરણમાં સમર્પિત કર્યો. શ્રીજીમહારાજ કહે. ‘‘રામબાઇ ! આ દાગીના અમે બીજાને આપી દઇએ તો તમે રાજી કે નહિ ?’’ રામબાઇએ કહ્યું, ‘‘અમે તમને દઇને રાજી કર્યા પછી તમે જેમ યોગ્ય લાગે તેમ કરો. દીધેલું દાન તો મહારાજ તમારું જ થઇ ગયું હોય માટે આપની જેવી ઇચ્છા. !’’
શ્રીજીમહારાજ તરત ઊઠ્યા અને કચરા ભગતને કહ્યું. ‘‘ભગત પછેડી પાથરો.’’ ભગતને એમ કે કાંઇક કામ હશે. ત્યાં તો મહારાજે બધાં દાગીના પછેડીમાં મૂકી દીધાં અને સ્મિત કરતા બોલ્યા. ‘‘આ બધા દાગીના કચરા ભક્તને અર્પણ, આ બધું તમારું છે લઇ લો.’’
કચરા ભગત કહે, ‘‘મહારાજ ! આટલા બધાં દાગીનાં શું કામ આપો છો ? તમારી પાસેથી લેવાય નહિ.’’ ‘‘આ તો તમારી ભેટ છે.’’ ‘‘મહારાજ ! આટલી બધી સંપત્તિને હું શું કરું ?’’ શ્રીજીમહારાજે કહ્યું, ‘‘કચરા ભગત ! તમે મારી બહેન ધનબાઇનો સાડલો ગીરે મૂક્યો છે, તે લઇ આવો અને એના પૈસા ચૂકાવી આવો, ભગત અમે કોઇનો ભાર રાખતા નથી, આજે અમે તમારા લેણાંમાંથી છૂટ્યા. ઘણા દિવસથી વાટ જોતા હતા કે, ક્યારે સમય આવે ને અમે ઋણમાંથી મુક્ત થઇએ.’’ સ્વામિનારાયણ ભગવાન આવા ઉદાર છે, અનતગણું આપી દે છે. ભગવાન આપે છે ત્યારે માણસ ઝીલી ન શકે, તેટલું આપે છે.
દીવબંદરનાં પ્રેમબાઇએ ભેટ શ્રીજીના ચરણમાં અર્પણ કરી, ત્યારે શ્રીજી મહારાજે તે ભેટ તરત વિપ્ર દીનાનાથને આપી દીધી આવા ઉદાર છે ભગવાન પુરુષોત્તમ નારાયણ.