મંત્ર (૪૬) ૐ શ્રી સાધુવિપ્રપૂજકાય નમઃ
શતાનંદસ્વામી કહે છે, "હે મહારાજ ! તમને બ્રહ્મા પૂજે, ઇંદ્ર પૂજે, દેવો પૂજે, અક્ષરધામના મુકતો પૂજે, સાધુસંત પૂજે અને બ્રાહ્મણો પણ પૂજે છે. તમે સર્વેથી પૂજાવ છો ! પણ એજ મહાનતા છે કે તમને બધા પૂજે છે પણ તમે સાધુ અને વિપ્રને પૂજો છો." આખા જગતના માલિક છે ભગવાન, છતાં નમ્રતા કેટલી ! સંત, બ્રાહ્મણનું પૂજન ભગવાન પણ કરે છે. સાધુ, સંત જેટલા ભગવાનને વહાલા છે તેટલાં લક્ષ્મીજી ને રાધાજી પણ નથી.
વાસુદેવાનંદ બ્રહ્મચારીને શ્રીજીમહારાજે તેડીને પોતાના ઢોલિયા પર બેસાડ્યા, વસ્ત્રો ઓઢાડ્યાં, ચંદન ચર્ચ્યુ. આરતી ઊતારી, ચરણ ધોઇને પોતે પીધું ને સૌને પાયું. ભગવાન સ્વામિનારાયણમાં અતિ નમ્રતા છે. આશ્ચર્યની વાત તો એ છે કે પોતે સર્વેશ્વર હોવા છતાં સંતોને માન આપે છે અને પૂજન પણ કરે છે. શ્રીજીમહારાજે ઘણી વખતે મુકતાનંદસ્વામીની પૂજા કરેલી છે.
આદરેજ ગામમાં શ્રીજીમહારાજે અન્નકૂટ ઊત્સવ કર્યો. ત્યારે ગામની ભાગોળે બધા સંતોને ભકતોની સભા થઇ. શ્રીજીમહારાજે બે ગાડાં સાથોસાથ ઉભાં રાખીને તેના ઊપર ગાદલા પાથરીને ગાડા ઊપર મુકતાનંદસ્વામી તથા બ્રહ્માનંદસ્વામી તથા નિત્યાનંદસ્વામી અને શામળિયા ચૈતન્યાનંદસ્વામી આ ચાર સંતોને ગાડા ઊપર બેસડ્યા. પછી શ્રીજીમહારાજે સંતોની પૂજા કરી હાર પહેરાવ્યા અને સભામાં જાહેરાત કરી કે આ ચાર સંતોને અમે સદગુરુ તરીકે નીમીએ છીએ. સદગુરુની પદવીની શરૂઆત આદરેજ ગામથી થઇ છે. શ્રીજીમહારાજે ઘણીવાર કહ્યું છે, "સાધવો હૃદયં મહ્યં, સંતો તો મારું હૃદય છે, સંત સર્વોત્તમ છે." એક વખત મુકતાનંદ સ્વામી સંત મંડળ લઇ ફરતા ફરતા સારંગપુર આવ્યા. ત્યાંની નદીમાં સ્નાન કરીને ગાડાના છાંયે બેઠા. ત્યાં રાઠોડ ભકતે આવીને કહ્યું, સ્વામી ! અત્યારે શ્રીજીમહારાજ જીવાખાચરના દરબારમાં વિરાજે છે. આ સાંભળી સંતો રાજી થયા કે શ્રીજીમહારાજનાં દર્શન થશે, પણ આજ્ઞા વિના જવાય નહિ.
મુકતાનંદસ્વામીએ રાઠોડ ભકતને કહ્યું, "શ્રીજીમહારાજ પાસે જાઓ અને કહો કે મુકતાનંદસ્વામી સંત મંડળ સહિત નદીએ બેઠા છે. જો આજ્ઞા આપે તો દર્શન કરવા આવીએ." રાઠોડ ભગત દોડતા આવ્યા અને વાત કરી ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, સ્વામીને કહો, દર્શનની આશા ન રાખે અને બીજે ગામ સત્સંગ કરાવવા જાય.
રાઠોડ ભગતે સમાચાર સ્વામીને દીધા કે, દર્શનની આશા નથી રાખવાની ત્યારે સંતોની આંખમાં આંસુ આવી ગયાં. ત્યારે મુકતાનંદસ્વામીએ ધીરજ આપતાં કહ્યું, "સંતો ચિંતા ન કરો, આજ નહિ તો બે દિવસ પછી દર્શન થશે, પણ પ્રભુનો દાસ કયારેય પણ ઊદાસ થાય નહિ." પછી ત્યાંથી સંતો ચાલતા થયા.
રાઠોડ ભગતે બધી વાત શ્રીજીને કરી કે, સંતો રડતા રડતા રવાના થઇ ગયા છે, દર્શન કરવાની ખૂબ આતુરતા હતી પણ આપની મનાઇ હોવાથી ઊદાસ થઇ ગયા છે. આવું સાંભળી પ્રભુ ઊભા થઇ ગયા, "ઝટ ઘોડી લઇ આવો અમારે સંતોને મળવું છે.
-: સંતો ! તમારા થકી હું ઊજળો છું :-
શ્રીજી માણકી દોડાવતા દોડાવતા સંતો પાસે પહાચી આવ્યા,
ઝટ ઘોડેથી ઊતર્યા હરિ, પોતે પાંચ પ્રદક્ષિણા કરી;
દોડી તે સમે ધર્મકુમાર, કર્યા સંતોને દંડવત ચાર.
દંડવત કરવા લાગ્યા જયારે, મુકતાનંદે ઝાલી રાખ્યા ત્યારે.
મુકતાનંદસ્વામીએ શ્રીજીને બાથમાં ઘાલીને ઉભા કર્યા, "પ્રભુ ! આપતો પૂર્ણ પુરુષોત્તમ ભગવા છો, આ શું કરો છો ? તમે અમને દંડવત કરો છો ? મહારાજ અમારા મસ્તક તમારા ચરણમાં શોભે તમે અમને નમો, આવું ન કરો, મહારાજ !" પ્રભુની આંખમાં આંસુ આવી ગયાં, ગદ્ગદિત થઇ બોલ્યા, "સંતો, તમારા થકી હું ઊજળો છું."
સંતો તમે મહાન છો કેવા, નથી બ્રહ્માંડમાં તમ જેવા;
મારે અર્થે તજિયું તમે માન, તજયાં સારાં સારાં ખાનપાન.
તમે ત્યાગી તપસ્વી છો ભારે, માટે વંદન યોગ્ય છો મારે;
મારી આજ્ઞામાં રહે દિન રાત, એની આગળ હું કોણ માત્ર. ?
શ્રીજી કહે "સંતો આ બ્રહ્માંડમાં તમારા જેવા કોઇ નથી. મારા માટે તમે સર્વસ્વ છોડ્યું છે. મારા ગુણ ગાઇ ગાઇને અધર્મીઓના હૈયામાં મારું સ્વરૂપ ઊતારી દીધું છે અનેકને તમે અમારી ઓળખાણ કરાવો છો. અનેકના હૃદયમાં મારું સ્વરૂપ પ્રગટ કર્યું છે, માટે તમને દંડવત્ કરું છું. હે સંતો ! હું તમારો ઋુણી છું. " આટલું બોલતાની સાથે પ્રભુનું હૈયું પ્રેમથી ભરાઇ ગયું ગદ્ગદિત થઇ આંસુ પડવા લાગ્યા.
ત્યારે સંતોએ કહ્યું, "પ્રભુ ! અમને તમારા ગુણ ગાવામાં અતિ આનંદ છે."
શૂરવીર બંદા મહિમા શ્રીજીનો પ્રસરાવશું, નગરે નગરે શ્રીજી કેરો સંદેશો પહાચાડશું,
ગામે ગામે શ્રીજી કેરી, ધજા ફરકાવશું, સ્વામિનારાયણનો નાદ જગતમાં વિસ્તારશું.....
આ જગતમાં ઋુષિ મુનિઓ અને બ્રાહ્મણોને કારણે ધર્મ ટકી રહ્યો છે. યજ્ઞોનું અસ્તિત્વ ટકાવી રાખનારા બ્રાહ્મણો છે, જગતની અંદર શાસ્ત્રોની રચના ઋુષિ મુનિઓએ કરેલી છે. પ્રભુ કહે છે, "સંતોનું જે ભકતજનો સન્માન કરે છે, જમાડે છે, તે મારું સન્માન કરે છે અને મને જમાડે છે."
ભગવાનને આખું જગત પૂજે, પણ ભગવાન, સાધુ અને બ્રાહ્મણને પૂજે છે. ભગવાનના સંબંધથી સાધુ અને બ્રાહ્મણો પૂજાય છે. જેને ભગવાનનો સંબંધ નથી તે પૂજાતા નથી. ભગવાનને ભજવાથી મોટપ છે, આ કથા વિચાર માગી લે એવી છે. સંતો અને બ્રાહ્મણનું સન્માન કરજો, પણ અપમાન કયારેય (પણ) કરવું નહિ. સંત સુદામાજીનો ભગવાને ચરણ ધોયાં છે અને પૂજન કરેલું છે.
શતાનંદસ્વામી કહે છે, "પ્રભુ ! તમોને બધા પૂજે છે પણ તમો સાચા સાધુ અને સુપાત્ર બ્રાહ્મણોને પૂજો છો, એમને તમો મોટાઇ આપો છો, એ જ તમારી મહાનતા છે.