મંત્ર (૪૮) ૐ શ્રી સાકારબ્રહ્મવર્ણનાય નમઃ
શતાનંદસ્વામી કહે છે, "હે પ્રભુ ? તમે સાકાર બ્રહ્મ છો" બ્રહ્મની ચર્ચાઓ અનેક આચાર્યો કરી ગયા છે, કોઇ કહે બ્રહ્મ નિરાકાર છે. કોઇ કહે, બ્રહ્મ આ દુનિયમાં ઊપરથી નીચે ઊતરતા નથી. કોઇ કહે, બ્રહ્મ, માયામાં વટાયેલા છે, કોઇ કહે છે જે મનુષ્ય આ દુનિયામાં ફરે છે, તે બધા બ્રહ્મ છે. કોઇ કહે, નિરાકાર નિરંજન બ્રહ્મ છે, અનેક આચાર્યોના જુદા જુદા મત છે પણ સ્વામિનારાયણ ભગવાને વિશિષ્ટાદ્વૈત મતને અનુસારે સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે.
અદ્વૈત મતવાળા કહે છે, ભગવાનનો આકાર નથી, શંકરાચાર્યાનો મત નિરાકાર છે. શ્રીજીમહારાજે એ મતને સ્વીકાર્યા નથી અને નિંદા પણ કરી નથી. વડતાલના વચનામૃતમાં શ્રીજી મહારાજે સરસ રીતે સાકાર સ્વરૂપને સમજાવ્યું છે. ગામ બુવાના કાનદાસ પટેલ કથામાં બેઠા હતા તેને શ્રીજીએ કહ્યું, "પટેલ ! તમારો કોઇ વિરોધી હોય, તે પત્રમાં એમ લખે કે, અમારા ગામના પટેલનું નાક નથી, કાન નથી, હાથ-પગ ને મોઢું નથી. આવું લખે તે પટેલનો દ્રોહી કહેવાય, તમારું અંગ સંપૂર્ણ છે, છતાં નથી એમ કહે તે દ્રોહી કહેવાય. તેમ ભગવાનના બધા અવયવો છે અને સાકાર છે છતાં નિરાકાર કહે તે દ્રોહી કહેવાય."
-: બહુ વિચારવા જેવી કથા છે. :-
ભગવાનના દ્રોહીની ગતિ થતી નથી. કોઇ એમ કહે કે, વેદમાં ભગવાનને નિરાકાર વર્ણવ્યા છે, તો એ વાત સાચી છે ! પણ બહુ વિચારવા જેવી કથા છે, ભગવાનને હાથ નથી છતાં ગ્રહણ કરે છે, ભગવાનને આંખ નથી છતાં જુએ છે, ભગવાનને પગ નથી છતાં ચાલે છે, આનું શું સમજવું ? આંખ ન હોય તો જોઇ ન શકે, હાથ ન હોય તો કાંઇ ઊપાડી ન શકે, પગ ન હોય તો ચાલી ન શકે, તો કેમ સમજવું ? વળી બીજી બાજુ વેદ કહે છે, ભગવાન જુએ છે, ગ્રહણ કરે છે ને ચાલે છે. બહુ વિચારવા જેવી આ કથા છે.
ભાગવતજીના વ્યાસજી, રામાયણના વાલ્મીકિજી, સત્સંગિજીવનના શતાનંદજી અને વેદો જે કહે છે, એ સાચું કહે છે. ભગવાના હાથ-પગ આપણા જેવા માયિક નથી, ભગવાનનું સ્વરૂપ અમાયિક છે. મનુષ્યના હાથમાં ફેકચર થાય, હાથ હોય છતાં કોઇ કામ નથી કરી શકતો, આપણા હાથને વાગી જાય, તૂટી જાય, આંખમાં ઊજાસ ઘટી જાય, હાથપગમાં રોગ થાય તો પણ શરીર સડી પણ જાય, બગડી જાય, તૂટી જાય. ભગવાનનું શરીર આપણા જેવું નથી. ભગવાનનું સ્વરૂપ અમાયિક છે.
ભગવાન દિવ્ય છે, માયિક નથી, તેથી પ્રભુ સાકાર છે. તેથી જ પૃથ્વીમાં બધા મનુષ્યો સાકાર રૂપે દેખાય છે. ભગવાન અક્ષરધામમાં સદાય સાકાર સ્વરૂપે બિરાજેલા છે, તેનું સુંદર કીર્તને કવિ ગાય છે.
બલિહારી શ્રી ગિરધર લાલની રે, વહાલો તેજોનિધિ સુખકંદ. સદા સાકાર બિરાજે બ્રહ્મ મોલમાં રે.
સતશાસ્ત્ર સાકાર મારી મૂર્તિ રે, સાચા સંત સાકાર મને ગાય.. બલિહારી શ્રી૦
શંખ ચક્ર ગદા પદ્મને ધરેરે યોગેશ્વર શ્રી જગદીશ.. બલિહારી શ્રી૦
ચાર હસ્તમાં ચાર આયુધ છે રે. રચ્યુ વિશ્વ તેમાંથી જગદીશ .... બલિહારી શ્રી
પદ્મમાંથી રચી વહાલે પૃથ્વી રે. શંખમાંથી રચ્યું જળ શ્યામ .... બલિહારીશ્રી
સાચા સંતો ભગવાનને સાકાર સ્વરૂપે ગાય છે, ભગવાને આ જગતને પોતાનાં જ આયુધમાંથી રચના કરી છે. ભગવાન નારાયણના હાથમાં ચાર આયુધ છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. પદ્મ એટલે કમળ, પદ્મમાંથી પૃથ્વી પ્રગટ કરી, શંખમાંથી જળ પ્રગટ કર્યું, ચક્રમાંથી તેજ પ્રગટ કર્યું અને ગદામાંથી વાયુ પ્રગટ કર્યો છે.
એમ વિશ્વ રચીને હરિ અવતર્યા રે. કરવા અધમનો ઊધ્ધાર... બલિહારી શ્રી૦
ભગવાન સાકાર છે, અને જે ભગવાનને નિરાકાર કહે છે. તે નાસ્તિકનો મત છે, આપણે બધા ભગવાન સાકારના ઊપાસક છીએ, તેથી સાકાર સ્વરૂપનું ધ્યાન, ધારણા ને પૂજન કરવું, સાકાર દિવ્ય સ્વરૂપનું ચિંતવન કરીએ તો જ મન તેમાં ચોંટે. નિરાકારમાં કેમ મન ચોંટાડવું ? કોનું ધ્યાન કરો ? કેને જમાડો ? બહુ વિચારવા જેવી ને સમજવા જેવી કથા છે.
આ પવન વાય તે નિરાકાર છે, દેખાતો નથી ને પકડાતો નથી એનું પૂજન કેમ કરાય ? કેમ જમાડાય ? પ્રભુ નિરાકાર નથી, પ્રભુ સદાય સાકાર છે. દિવ્ય શરીરે યુકત છે. સાકાર સ્વરૂપે સદાય બિરાજેલા છે, સચરાચર જગત બધું ભગવાનમાંથી જ પ્રગટ થયું છે.
જેમ સૂર્ય સર્વે લોકને પ્રકાશિત કરે છે, તેમ ભગવાનના અંશથી આખું જગત જીવ પ્રાણીમાત્ર સાકાર દેખાય છે.
સાકાર સ્વરૂપ સહજાનંદને નમસ્કાર કરી શતાનંદજી સર્વોપરી સ્વામિનારાયણ મંત્રનો ઊચ્ચાર કરે છે.