મંત્ર (૮૪) ૐ શ્રી દીર્ધદશીને નમઃ
શતાનંદસ્વામી કહે છે, “હે પ્રભુ ! તમે લાંબા વિચારવાળા છો, લાંબો વિચાર કરીને કાર્યનો આરંભ કરો છો. મંદબુધ્ધિવાળાને ટૂંકા વિચાર હોય, એ વિચાર્યા વિના કાર્ય કરે, પણ ભગવાન તો દીર્ઘ દશી છે. જુગના જુગ વીતે છતાં બધાને સુખ આપનારું હોય તેવા કાર્યો કરે છે, તેને દીર્ઘદશી કહેવાય.
એકદમ ઉશ્કેરાટ આવે ને, જલદી નિર્ણય લઈ લે તેવા અલ્પ વિચારવાળા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. રાજા જો લાંબા વિચાર વાળો હોય, તો પ્રજા શાંતિથી અને સુખેથી રહે. તો ભગવાન તો રાજાના પણ રાજા છે. એના વિચાર લાંબા હોય જ. જલદી નિર્ણય ન લે, જુવો ! ભગવાને કેવા લાંબા વિચારો કર્યા. જુદા-જુદા લોક બનાવ્યા, ચૌદ લોકમાં જુદા જુદા રાખ્યા, ૧૪ માળ બનાવ્યા, અંતલ, સુતલ, મહાતલ વિગેરે પાછા કયારેય બદલાવવા ન પડે, આપણે મકાન બનાવીએ. પાંચ પચીસ વરસ થાય એટલે બદલવા પડે.
ભગવાનના કાર્ય કરનારા કેવા ! કુબેર ભંડારી કોઠારી, તેને બદલાવવા ન પડે. સૂર્ય, ચંદ્ર, વરુણ એ બધાને જે કાર્ય સોપ્યાં તે કરે છે, બદલાવવા પડતાં નથી. ભગવાનના વૈદ કોણ ? અશ્વનીકુમાર દેવના વદૈ છે, વર્ષાને સા વર્ષો જાય છતાં બદલાવવા ન પડે. આ સુષ્ટિનું સર્જન કર્યું છે, એની કોઈને કળ ન પડે, એવું અદ્ભુત કાર્ય કરે છે. બીજા કોઈથી થાય જ નહિ. એને ઓળખી લ્યો, સગા સંબંધીને ઘણાંને ઓળખ્યા, પણ જ્યાં સુધી ભગવાનને નથી ઓળખ્યા ત્યાં સુધી બધું અધૂરું છે.
આ સૃષ્ટિનો સર્જનહાર તેને તમે ઓળખી લ્યો. વાલો ભક્ત તણો રખવાળ એને તમે ઓળખી લ્યો.
જુઓ જન્મ્યા પહેલાં સાવધાન કોણે કર્યા; ! હાડ રૂધિર વચ્ચે દૂધ કોણે ભર્યાં, !
મા ... ના ... ઉદરમાં બેસી ઘડનાર .... એને તમે૦
જુએ આકાશે વાદળ કેવાં ચડ્યાં; એમાં અમૃત સમાન નીર કોણે ભર્યાં,
એ છે વરસાદનો વરસાવનાર .... એને તમે૦ જુઓ નાળિયેરનાં ઝાડ ઘણા ઊંચાં દેખાય;
તેના ફળોમાં ત્રણ ત્રણ પડદા જણાય,
એમાં પાણીનો પુરનાર .... એને તમે૦
નાળીયેરના ઝાડ કેટલા ઊંચા હોય, એમાં નાળીયેર થાય તેમાં પાણી કેમ ભર્યું હશે. વિચાર કરો શું મોટરથી પાણી ચડાવ્યું છે ? વગર યંત્રથી પાણી ઊંચે ચડે છે. આપણ તો પાણીના ટાંકા મકાન ઉપર બનાવીએ ત્યારે પાણી નીચે આવે છે. પણ વિચાર કરો, વરસાદનું પાણી અધ વચ્ચે કેમ રાખ્યું હશે, વરસે ત્યારે સરોવર છલકાઈ જાય ... આખી સૃષ્ટિ પાણીથી ભરાઈ જાય.
જુવો મોરના પીછામાં રંગ કોણે પુર્યો. એવાં કીડીના આતરડાં કોણે ઘડ્યાં.
એવી ઝીણી કળાનો જાણનાર .... એને ....
મોરના પીંછામાં કેવો સરસ રંગ ભરેલો હોય, મોરનું પીછું ભગવાનને બહુ ગમે. તેથી હંમેશાં શ્રીકૃષ્ણ પોતાના મસ્તક પર ધારણ કરે છે. વિચાર કરો, કીડી કેટલી નાની એનાં આતરડાં... સાવ દોરા જેવાં હોય તે કેમ બનાવ્યાં હશે ? વિચાર કરીએ તો ભગવાનની મહિમાની ખબર પડે. પછી દુનિયામાં ભગવાને એવો ફેર ચડાવી દીધી છે, કે ભગવાનને ફરીને દાખડો કરવો પડે નહિ, એવી કળ ચડાવી દીધી છે... ભગવાનના વિચારો બહુ લાંબા અને શ્રેષ્ઠ છે... તેથી તેમનું નામ દીર્ઘ દશી છે.
-: એ અક્ષરધામની રીત છે :-
ભગવાન સ્વામિનારાયણે બહુ લાંબા વિચારો કર્યા બાઈઓ અને ભાઈઓનાં મંદિરો જુદા બનાવ્યાં, જરાય ભેળ સેળ નહિ. લોજમાં ગોખલી હતો તેમાંથી દેવતા લે ને દે તે બંધ કરાવ્યો. વાત સાવ નાની લાગે પણ આગળ જતાં એ મોટું છીદ્ર થશે અને ધર્મ નિયમ બરાબર વ્યવસ્થિત નહિ સચવાય, ધર્મ-મર્યાદાની રીત આ લોકની નથી એ અક્ષરધામની રીત છે. તે આ કલીયુગમાં પ્રવર્તાવી છે યુગો સુધી ફેરફાર કરવા ન પડે.
ભગવાન વિચારીને કાર્ય કરે છે અને ભક્તજનોને વિચારીને કાર્ય કરવાની ભલામણ કરે છે. આત્માના સુખનો વિચાર કરવો, હું ક્યાંથી આવ્યો છું ! ક્યાં જવાનો છું. મારું અસલી ઘર ક્યાં છે ? મારો ધણી કોણ છે ? મારું સાચું સગું કોણ છે ? મારી નાત કઈ છે ? મારો બાપ કોણ છે ? મારા ઈષ્ટદેવ કોણ છે ? વિગેરેનો વિચાર કરવો.
હું કયાંથી આવ્યો છું ? ..... ભગવાન પાસેથી આવ્યો છું. ક્યાં જવાનો છું ? ..... ભગવાન પાસે જવાનો છું.
મારું અસલી ઘર કયું ? ..... અક્ષરધામ છે તે અસલી ઘર છે. મારો ધણી કોણ ? ..... મારો ધણી ભગવાન છે.
મારું સાચું સગું કોણ ? ..... સાચું સગું ભગવાન છે. મારી નાત કઈ છે? ..... અજર-અમર અમારી નાત છે.
મારો બાપ કોણ છે ? ..... પ્રભુ મારા બાપ છે. મારો ઈષ્ટદેવ કોણ ? ..... ભગવાન સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ છે.
-: વિચારીને પગલાં ભરવાં :-
અત્યારે આખા જગતે ભૌતિકવાદ તરફ આંધળી દોટ મુકી છે, ભૌતિક સુખ માટે દોડા દોડ કરે છે. તેઓ ધુંવાડાનાં બચકાં ભરે છે. પોતાના ગજા ઉપરાત મહેનત કરી, થાકી જવા છતાં કોઈ જાતનું ફળ ન મળતાં નિરાશા અનુભવે છે.
કેટલાક લોકો ઓછી મહેનતે સુખ, સમૃધ્ધિ મેળવે છે. તેમને પૈસા માટે દોડા દોડ નથી, ને ભાવીની ચિંતા નથી, કારણ કે તેઓએ પોતાનું જીવન ઈશ્વર ચરણમાં સમર્પિત કર્યું છે. ઈશ્વર સાથે એકાત્મ ભાવ કેળવેલો છે. સર્વ સુખ આપનાર એક માત્ર ભગવાન છે, કેવળ હરિ એ જ મારૂં જીવન છે. આ સુત્રને જીવનમાં ઉતારવું એને કહેવાય લાંબા વિચાર. શતાનંદસ્વામી કહે છે, સ્વામિનારાયણ ભગવાને અદ્ભૂત કાર્યો કરેલાં છે. તેથી દીર્ઘદશી એવું પ્રભુનું નામ છે.