મંત્ર (૮૮) ૐ શ્રી ઋુજવે નમઃ
શતાનંદસ્વામી કહે છે, “હે પ્રભુ ! તમે ઋુજુ છો, સરલ સ્વભાવે વર્તો છો, કોઈનાથી આંટી રાખતા નથી, મનમાં વેર-ઝેરની ગાંઠ બાંધતા નથી. હળી-મળીને ચાલે તેને કહેવાય ઋુજુ, વાંકું ચુકું જેનું જીવન ન હોય તેને કહેવાય ઋુજુ. હઠાગ્રહ ન રાખે, દુરાગ્રહ ન રાખે તેને ઋુજુ કહેવાય. જીદીલો સ્વભાવ ન હોય, કોઈની સાથે વિવાદ ન કરે, કોઈના ઉપર દીઠા વિનાનું કલંક ન નાંખે, તેને ઋુજુ કહેવાય.
ભગવાન બાળક સાથે બાળક જેવા બની જાય, વૃધ્ધ સાથે વૃધ્ધ જેવા બની જાય, શ્રીમત સાથે પણ ભળી જાય ને શબરીની ઝૂંપડીએ પણ જાય, આ જગતની અંદર મોટા કહેવાતા માણસો જલદી ગરીબની સામે જુવે પણ નહિ, બોલાવે પણ નહિ તો એમના ઘેર કયાંથી જાય ! પણ આખી દુનિયાનો રાજા સગરામ વાઘરીને ઘેર પણ જાય, ઉઘાડા પગે એના મનોરથ પુરા કરવા જાય. ગરીબની અરજી સ્વીકારે અને બાળકની અરજી પણ સ્વીકારે. કોઈક ભક્તજન મિષ્ટાન્ન જમાડે તો જમે અને કોઈક મઠનો રોટલો જમાડે તો પણ જમે. આ જગતનો તુચ્છ જીવ કોઈ હોદેદાર હોય તેને મઠનો રોટલો જમવા દેજો તો ખબર પડે ! જોયા જેવી થાય હો ... ઝઘડો થાય છે.
મારું અપમાન કરે છે ? પણ ધન્ય છે જગતના માલિકને કે, એને મિષ્ટાન્ન પણ ફાવે અને ભાજી પણ ફાવે. એને ઝૂંપડું પણ ફાવે અને બંગલો પણ ફાવે. જંગલ ફાવે અને શહેર પણ ફાવે.
-: ચાર વસ્તુને યાદ રાખો :-
ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. આ સૂત્ર સિધ્ધ થશે તો જીવનમાં સાચો આનંદ પ્રાપ્ત થશે. પાણીના જેવા ગુણ કેળવવા જોઈએ, પાણી કોઈ પણ જગ્યાએ ગોઠવાઈ જાય, લોટામાં રહી શકે, ગ્લાસમાં રહી શકે, માટલામાં રહી શકે, ચોક્કસ એક જ આકારના વાસણની જરૂર નહિ, બધે જ ગોઠવાઈ જાય. તેમ આપણે પાણીની જેમ બધે ગોઠવાઈ જવું જોઈએ. ઉનાળામાં મને પંખા વિના ચાલે નહિ, સવારના ચા પીધા વિના ચેન પડે નહિ, રાતના એ.સી. ઓરડી ન હોય તો મને ઉંઘ આવે જ નહિં, ગરમા ગરમ ભોજન અને તીખા તમતમતા શાક વિના મને મજા આવે નહિં. મારા મનને જે જોઈએ તે મળવું જ જોઈએ, હું કહું તેમ થવું જ જોઈએ. આવી અનેક પ્રકારની વિચિત્ર માન્યતાઓને લઈને માનવી જીવન જીવી રહ્યા છે અને એટલા માટે જ ડગલે ને પગલે મનમાં કલેશ અને ઉદ્વેગ પેદા થયા કરે છે.
આ ત્રાસમાંથી મુક્તિ મેળવવી હોય તો સરલ બનો, ચાલશે, ફાવશે, ભાવશે ને ગમશે, આ મંત્રને જીવનમાં વણીલો. પાણીનો નીજી સ્વભાવ શીતળ અને ઠંડો છે, પાણીને ગમે તેટલું ગરમ કરો છેવટે ઠરવાનું જ. ઠંડુ કરવા મહેનતની જરૂર નહિ. તેમ આપણા બધાના જીવનમાં શીતળતાની ખાસ જરૂર છે, સામી વ્યક્તિ ગમે તટેલી તપાવવાનો પ્રયાસ કરે, ખૂબ તપી જવાય તા ેઆ કથા યાદ રાખજો. કદાચ આવેશ આવે તો છેવટે ઠરતાં શીખજો, એક બીજાની ભૂલને ભૂલી જશું તો જ મગજ ઠરશે. જો સ્વભાવ ઠરશે, તો તે વ્યક્તિ તરી જશે. જતું કરવાની ભાવના અને સમાધાનકારી વૃત્તિ જ માણસને શાંતિ અને સુખ આપશે, માટે સરલ બનવાની જરૂર છે. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનો સ્વભાવ ઋુજુ છે. તો આપણે રાત-દિવસ એને હૃદયમાં ધારીને ધ્યાન કરીએ છીએ, માળા ફેરવીએ છીએ અને જો સ્વભાવ વીંછી જેવો જ રહી જાય, તો શું કામનો ? સ્વભાવ પણ સુધાર્યો સુધરે છે.
જેમ કાચી કેરી એકદમ ખાટી હોય પણ એ સૂર્યનો તાપ સહન કરે, તો એમાંથી ખટાશ જતી રહે, મીઠાશ આવી જાય. એમ સહન કરતા શીખીએ તો આપણી પ્રકૃતિ બદલાઈ જાય.
એક બહેનને તીખું ખાવાની બહુ ટેવ હતી. એના બનાવેલા દાળ-ભાત હોય તો જમતાની સાથે આંખમાંથી પાણી પડવા લાગે. શાકમાં તેલ અને લાલ મરચાં તરતાં હોય આવું જોરદારતીખું ખાવાની ટેવ. પછી એ બહેનના લગ્ન થયાં એના પતિની ટેવ હતી તીખું નહિ ખાવાની, મોળું ખાવાનું હવે શું કરવું ! બેયના જમવાના માર્ગ જુદા, પત્નીએ વિચાર કર્યો. આ ઘરમાં કેમ નભાશે, દરરોજ જુદી રસોઈ બનાવવી એ તો ડબલ માથાકુટ.
હું હવેથી તીખું નહિ ખાઉં પણ મોળું ખાઈશ, સાદું ખાઈશ પણ ભાવે કેમ ! આખી જીંદગી તીખું તમતમતું ચટાકાદાર ખાધેલું, ગળે ઉતરે નહિ, મજા આવે નહિ, બે કોળીયા ખાઈને મૂકી દે. પછી મનને દૃઢ કર્યું, હું મારા પતિ સાથે પરણી છું, એમના સ્વભાવ પ્રમાણે મારે રહેવું જોઈએ, તો જ શાંતિ ને સુખ રહે. પછી ધીમે ધીમે બે ત્રણ મહિનામાં બાઈની પ્રકૃતિ બદલી ગઈ, મોળું જમવાની ટેવ પડી ગઈ. પતિને દુઃખી કરીને તમે સુખી થવા ઈચ્છતા હો તો એ ઝાંઝવાના જળ જેવા સુખ છે. પતિને રડાવીને તમે હસશો તો એક દિવસ એવો આવશે કે તમારા આંસુ લુછનાર કોઈ નહિ મળે. અથાણું બગડે તો ૧ વરસ બગડે પણ ઘરનું બૈરું બગડે તો આખી જીંદગી બગડે. શતાનંદસ્વામી કહે છે તમે ભકતોની અનુકૂળતા મુજબ જ વર્તનારા છો. ભકતોના સુખ માટે ખૂબ જ સરળતા રાખો છો.