મંત્ર (૯૫) ૐ શ્રી નિર્લોભાય નમઃ
શતાનંદસ્વામી કહે છે હે પ્રભુ ! તમે નિર્લોભી છો, ભગવાન લોભીયા નથી પણ લહેરી છે. પણ આપે છે ત્યારે વિચારીને લાયકાઈ પ્રમાણે આપે છે. લાયક ન હોય તો જે હોય તે પણ લઇ લે છે. આ સમજવા જેવો સુંદર મંત્ર છે. મા ભોજન પીરસવા જાય અને ત્રણ દીકરા જમવા બેઠા હોય, તો બધાને સરખું ભોજન નહિ પીરસે, માના મનમાં લોભ નથી પણ લાયકાત પ્રમાણે પીરસે છે.
ચોવીસ વરસના દીકરાને ચાર લાડુ આપશે, બાર વરસના દીકરાને બે લાડુ આપશે,
પાંચ વરસના દીકરાને એક લાડુ આપશે.
શા માટે વધઘટ આપે છે ? એનું કારણ કે તે એટલું જ જમી શકે તેમ છે, તેથી પ્રમાણમાં જ લાડુ આપશે. મા લોભી નથી, લહેરી છે. પણ બે વરસના દીકરાને વધારે આપે તો તે પડતું મૂકશે, નકામું અનાજ બગડશે. તેમ પ્રભુ વિચારીને આપે છે. ભગવાન તો અતિ લહેરી છે, દાંતણના બદલામાં મોક્ષ આપી દે. પાણીના બદલામાં મોક્ષ આપી દે. ખોટું નાળિયેર લઇ પગે ચડાવે તો પણ તેનું કલ્યાણ કરી દે, ધામમાં લઇ જાય. જેટલા આપણે ખબરદાર નથી, તેટલા ભગવાન ખબરદાર છે, બહુ ચતુર છે.
ભગવાન નરનારાયણદેવ બદ્રિકાશ્રમમાં તપ કરે છે. એક વખત પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે, ‘‘ભગવાન બદ્રીકાશ્રમમાં તપ કરે છે, છતાં આ પૃથ્વીના દરેક મનુષ્યો સન્માર્ગે કેમ નથી ચાલતાં ? સત્સંગને કેમ નથી અનુસરતાં ? ‘‘ત્યારે ભગવાને કહ્યું,’’ ભગવાન નરનારાયણ તપ કરે છે, તે પોતાના ભક્તને માટે તપ કરે છે, પણ અભક્તને માટે નહિ, ભક્ત છે તેનું કલ્યાણ થાય છે. અભક્તનું કલ્યાણ થતું નથી.’’
અભક્તના છેડા ભગવાન સાથે સંલગ્ન નથી, તેથી કરંટ આવતો નથી. વિર્દ્યુંતબોર્ડ સાથે ઇલેક્ટ્રીકના વાયર જોઇન્ટ હોય તો પ્રકાશ થાય, છેડા જોઇન્ટ ન હોય તો, બતી થાય નહિ. ભગવાનનો સંબંધ જેને થયો તેના છેડા ભગવાન સાથે અડેલા છે, તેને તપનું પુણ્ય મળે, બાકી બીજાને મળે નહિ, કારણ કે એ લાયક થયો નથી.
-: ધર્મના ક્ષેત્રમાં વવાય છે :-
ભગવાન સાથે છેડા જોઇન્ટ રાખશો તો કદાચ કોઇ અંગમાં ઊણપ હશે, કચાશ હશે, કોઇ અંગ ઓછું રહી જતું હશે તો પણ ભગવાનની કૃપા દૃષ્ટિથી અંગ બળીયું બનાવશે, તેથી આપણે આપણા મનને સ્થિર કરી શકીએ.
ભગવાન નિર્લોભી છે. લાયકાઈ પ્રમાણે બધાને આપે છે. ચાર હાથવાળો જ્યારે દેશે ત્યારે જીવ ઝીલી નહિ શકે, એને પોતાને ખબર નહિ રહે કે આ બધું ક્યાંથી આવે છે ? પછી જો સદુપયોગ કરે તો ધન સંપત્તિ ટકી રહે ને દુરુપ્યોગ કરે તો પાછું પણ લઇ લે પણ ખરા. પ્રભુ લહેરી છે ચોક્કસ, પણ નાલાયકને આપતા નથી.
બાપ પોતાના સુપાત્ર પુત્રને મિલક્ત આપે છે, કુપાત્રને આપતા નથી. લોભ એટલે શું ? મળ્યું છતાં સંતોષ ન થાય તે. ઇચ્છા વધતી જ જાય, દિવસ ને રાત પૈસાના જ વિચાર કરે તેમાં ભગવાન ક્યાંથી સાંભળે ? ભગવાન કહે છે, ‘‘લોભ શબ્દને ઉથલાવો તો શુ થાય ? ભલો.. ભલો થા.. ભલાઇ કરીલે. પૈસાનો સદુપયોગ કરી લો. આપણને એમ થાય કે, અમે ધર્મના કાર્યમાં પૈસા વાપરીએ છીએ, સાચી હકીક્તમાં વપરાતા નથી, ધર્મના ક્ષેત્રમાં વવાય છે. વાવેલું ઊગશે, એટલે અનતગણું કરીને ભગવાન આપી દેશે, ધરતીમાં વાવીએ તો અનંતઘણું આપી દે છે, તો ભગવાન કેમ ન આપે ? ભગવાન નિર્લોભી છે, એટલે લહેરી છે.
વ્યવહારમાં સંસારમાં ને લગ્ન પ્રસંગમાં પહોળા થઇને ફરે, અને ઠાકોરજીની સેવા કરવી હોય તો દશ રૂપિયા પેટીમાં પધરાવે.
બીજે વાવરે છે ઘણું ધન, ત્યાં તો મોકળું રાખે છે મન.
બીજે મૂછે વળ દઇને ફરે, અને સેવા કરવી હોય તો કહેશે, જુઓને દેશ કાળ કેવા ખરાબ ચાલે છે, મોંઘવારીનો કોઇ પાર નથી. જગતના જીવને સારા પ્રસંગે ખુશાલીમાં જમાડશે, પાર્ટી કરશે, પૈસા ઉડાડશે, પણ સંતોને, ગરીબને, ગાયને જમાડશે નહિ. તમારી કમાણીમાંથી મેળવેલું અન્ન સાર્થક કરવું હોય તો સંતોને જમાડજો. આ એક લ્હાવો છે, સગાં સંબંઘીને ઘણા જમાડ્યા, સ્નેહીઓને મિત્રોને બધાને જમાડીએ છીએ, પણ એ તો બધા જમી જમીને ચાલતા થાય એવા હોય, પણ જેનાં હૈયામાં સદાય ભગવાન બિરાજતા હોય, એવા સંતને જમાડવાનો લાભ તો ભાગ્યશાળીને જ મળે. જેના શરીરમાં તેત્રીશ કરોડ દેવ બેઠા છે, એવી ગાય-માતાને જમાડવાનો લાભ ભાગ્યશાળીને જ મળે.
લક્ષ્મી સાત્ત્વિક બની જાય, કમાણીમાંથી ભગવાનનો ભાગ કાઢીએ તો તે લક્ષ્મી તમને આનંદથી જીવાડશે. મા જેમ બાળકનું ધ્યાન રાખે છે. તેમ સાત્ત્વિક લક્ષ્મી માતા આપનું પૂરે પૂરું ધ્યાન રાખે.
સંતોષ રાખવો, સંતોષ છે તે મુખ્ય ગુણ છે, માણસ પાસે પુષ્કળ સંપત્તિ કે વિદ્યા હોય પણ જો તેનામાં એક સંતોષ ન હોય તો તે કંગાલની પેઠે જ રહેવાનો છે. સંતોષ વિનાનો માણસ ભિખારીની પેઠે ભટક્યા જ કરતો હોય છે. તમે વિચાર કરો, મનની ઇચ્છા પ્રમાણે બધું સુખ કોને મળે છે ? કોઇને મળતું નથી. મન સદાય અંતૃપ્ત રહી સદાય દોડ્યા જ કરે છે, કારણ કે એ બધું ભગવાનને આધિન છે. માટે પુરુષાર્થ કરતા જે મળે તેમાં સંતોષ રાખવો. ખોટી હાય વોય કરવી નહિ.
હવે સંતોષ કોને કહેવાય ? તે ભાગવતમાં લખ્યું છે, તે પ્રમાણે સમજવાની જરૂર છે. પોતાની પાસે અઢળક ધન હોય અને તે ધનના વ્યાજે સંતોષ રાખીને બેસી રહેવું, તેને સંતોષ કહેવાતો નથી, પણ
યાવત મ્રિર્યેંત જઠરં તાવત્સ્વત્વં હિ દેહિનઃ । અધિકં યો અભિમર્ન્યેંત સ સ્તેનો દણ્ડમહર્તિ ।।
જેટલા અન્નથી પોતાનો જઠરાગ્નિ મૃત્યુ પામે અર્થાત આ દેહના અતકાળ સુધી જેટલું ધન જોઇએ તેટલું ધન પોતાનું છે. પણ જે જરૂરિયાત કરતા વધારે રાખીને અભિમાન ધરાવે છે, કે મારી પાસે આટલું ધન છે તે દૈવનો ચોર કહેલો છે અને દંડને પાત્ર છે.
તો શું વધારે ધન ન રાખવું ? તો વાસુદેવ માહાત્મ્યની અંદર વૈશ્યના ધર્મ બતાવતાં કહેલું છે કે, વૈશ્યવર્ણ હોય તેમણે પોતાને ગમે તેટલું ધન મળે છતાં પણ અતૃપ્તિ રાખવી. તેનો અર્થ એ છે કે, આ શરીર જ્યાં સુધી સારું હોય ત્યાં સુધી સતત કમાણી કરવી પણ તે કમાણીનું જે ધન તે દેવને અર્થે, ગાયને અર્થે, ગરીબને અર્થે, રોગી કે પશુ પક્ષીને અર્થે વાપરવું. પણ ધનમાં સંતોષ રાખીને બેસી રહેનારને ક્યારેય પણ સંતોષી કહેલો નથી, તેતો નિષ્ક્રિય કહેલો છે.
માટે પોતાના ધનમાં વધારો નહિ કરી, જે આવક હોય તેનાથી દાનવૃત્તિ રાખવી. તે જ વૈશ્યનો મુખ્ય ધર્મ બતાવેલો છે.
ભગવાન પોતે નિર્લોભી અને ભક્તજનને લોભ ન કરવાની ભલામણ આપે છે, અતિ ઉડાવ પણ ન થવું અને અતિ લોભી પણ ન થવું. પોતાની શક્તિ પ્રમાણે દાનવૃત્તિ કરતા રહેવું.