મંત્ર (૯૯) ૐ શ્રી વ્યાસસિદ્ધાંતબોધકાય નમઃ
શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમે વ્યાસજીના સિદ્ધાંતનો બોધ આપનારા છો. ભગવાને વ્યાસ સિદ્ધાતને પ્રકાશિત કર્યો છે. મર્યાદા પ્રવર્તક વ્યાસજી પોતે જ્ઞાનાવતાર છે, જ્ઞાનની જ્યોતને પ્રગટાવનારા છે. વ્યાસજી સર્વે આચાર્યોના આચાર્ય છે. વ્યાસજીના સિદ્ધાંતો ઉપર આપણા આચાર્યોએ ગ્રંથોની રચના કરેલી છે. આ દેશમાં વ્યાસજીનો અવતાર ન થયો હોય તો દેશ અજ્ઞાનના અંધારામાં ડૂબી જાત !
ભગવાન સ્વામિનારાયણ ઉપદેશ આપે છે, પણ વ્યાસજીના સિદ્ધાંતને લક્ષણાં રાખીને બોધ આપે છે. વ્યાસજીના સિદ્ધાંતોથી વિરુદ્ધ એક પણ વાત કરી નથી. વચનામૃત છે એમાં અરસ પરસ ઉત્તર આપ્યા છે, તે પણ વ્યાસજીના વચન પ્રમાણે જ આપ્યા છે. કોઇ એક વાત વ્યાસજીના સિદ્ધાત બહારની વાત નથી, અને કોઇ બહારની વાત કરે તો પણ મહારાજ કહેતા કે અમને વ્યાસજીના વચનમાં વિશ્વાસ છે. એના આધારે વાત કરશો તો માન્ય રાખશું પણ બહારની વાત કોઇ માન્ય નહી રાખીએ. વચનામૃત ભાગવત અને ગીતાજીના શ્લોક ઉપર પ્રમાણિત કરેલું છે.
ભગવાને વેદોનું સર્જન કર્યું પણ તેને ઋષિઓ સમજી શક્યા નહિ, કોઇ આચાર્ય કહે ભગવાન સાકાર છે, કોઇ કહે નિરાકાર છે. કોઇ કહે ભગવાન નિર્ગુણ છે, કોઇ કહે સગુણ છે. એમ આચાર્યો એક બીજામાં અટવાયા, જેથી સાચો માર્ગ નક્કી ન કરી શક્યા, સૌ પોતેપોતાની ખેંચ કરે. પછી વેદ વ્યાસજીએ સરખી રીતે સમજાવ્યા કે ભગવાન માયાના આકારથી રહિત છે તેથી નિરાકાર કહેલા છે, પરંતુ ભગવાનનો દિવ્ય આકાર છે તેથી ભગવાનને હંમેશાં સાકાર કહેલા છે.
વેદ વ્યાસજી જો આ પૃથ્વી ઉપર ન આવ્યા હોત તો ભારતની આર્ય સંસ્કૃતિનો અસ્ત થઇ ગયો હોત. આ દેશ અજ્ઞાનરૂપી ઊંડી ખાડમાં ઉતરી જાત. વ્યાસજી જ્ઞાનનો અવતાર છે. વ્યાસજીએ વેદના બે વિભાગ કર્યા, એક પૂર્વ મીમાંસા અને બીજો ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસાના બાર અધ્યાય છે, તેમાં કર્મકાંડનું પ્રતિપાદન કરેલું છે. ઉત્તર મીમાંસાના પણ બાર અધ્યાય છે, તેમાં જે મનુષ્ય જેવાં કર્મ કરે તેવાં ફળ તેને મળે તે બતાવેલું છે. પરંતુ કર્મને અંતે ભગવાનના ચરણોમાં પ્રીતિ રાખવા વિના મોક્ષનો કોઇ બીજો ઉપાય નથી.
વેદ વ્યાસજીએ પછી બ્રહ્મસૂત્ર બનાવ્યું. એને વ્યાસસૂત્ર કહેવાય છે. ભગવાન સ્વામિનારાયણે બહુ જ પસંદ કર્યું. આઠ સત્શાસ્ત્રોમાં એને માન્યતા આપી. વ્યાસસૂત્ર શા માટે પસંદ કર્યું ? કારણ કે એમાં કારણ તત્ત્વની ચોખવટ કરેલી છે, અને સર્વ કારણના કારણ ભગવાન નારાયણને બતાવ્યા છે. ઇંદ્ર કારણ ખરા પણ ત્રિલોકીના, બ્રહ્મા કારણ ખરા પણ એક બ્રહ્માંડના, પરંતુ અનેક બ્રહ્માંડના કારણ તો એક નારાયણ જ છે. તેથી પ્રભુને જગત કર્તા કહેલા છે.
ભગવાન સિવાય બીજાને કર્તા કહેવા તે મોટામાં મોટું અજ્ઞાન છે. ભગવાને વચનામૃતમાં કહેલું છે, કે આ વાત છે તે સર્વે શાસ્ત્રને મળતી આવે છે. વ્યાસજીના વચનને ભગવાન સ્વામિનારાયણ માન આપે છે. તો એ પરંપરા પ્રમાણે બધાને અનુસરવાનું જ હોય. આપણો સનાતન ધર્મ વ્યાસજીના વચન ઉપર ટકી રહ્યો છે, સ્વામિનારાયણ ભગવાન કહે છે, ‘‘અમને વ્યાસજીના વચનમાં વિશ્વાસ છે.’’