જનમંગલનો મહિમા

Submitted by swaminarayanworld on Thu, 03/03/2016 - 8:59pm

ઇત્યેત્પરમં સ્તોત્રં જનમંગલસંજ્ઞિતમ્‌ ।

યઃ પઠેત્તેન પઠિતં ભવેદ્વૈ સર્વમંગલમ્‌ ।।૨૩।।

યઃ પઠેચ્છૃણુયાદ્‌ભક્ત્યા ત્રિકાલં શ્રાવયેચ્ચ વા ।

એતત્તસ્ય તુ પાપાનિ નશ્યેયુઃ કિલ સર્વશઃ ।।૨૪।।

એતત્સંસેવમાનાનાં પુરુષાર્થચતુષ્ટયે ।

દુર્લભં નાસ્તિ કિમપિ હરિકૃષ્ણપ્રસાદત: ।।૨૫।।

છેલ્લે શતાનંદસ્વામી કહે છે, આ જનમંગલ સ્તોત્રનો જે પાઠ કરે છે, ૧૦૮ મહામંત્રનો જે જાપ કરે છે, તેને સર્વમંગલ સ્તોત્રના પાઠ કરવા બરાબર પુણ્ય મળે છે. સર્વમંગલ સ્તોત્રના પાવનકારી એક હજાર નામ છે, અને જનમંગલનાં એકસો ને આઠ નામ છે.

જે કોઇ આ જનમંગલનો પાઠ સવાર, બપોર અને સાંજે કરે અથવા સાંભળે તો સર્વ પાપાનિ નશ્યેત સર્વપાપ બળીને ભસ્ત થઇ જાય છે. ચતુષ્ટય.. આ જનમંગલ પાઠ કરે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. પુરુષાર્થ પાછળ તેને દોડવું ન પડે, સહેજે એને પ્રાપ્ત થાય. લક્ષ્મીજી જ્યાં સત્પાત્ર હોય ત્યાં ટકે છે. જ્યાં ધર્મ છે ત્યાં નીતિ છે, જ્યાં ભગવાન છે, ત્યાં બધું છે.

જંગલમાં સરોવર ભર્યું હોય ત્યાં પક્ષીઓ આવે, પશુઓ આવે, માનવો આવે, બધાંય આવે. દેડકાં, માછલાં ને મગરો એ સરોવરમાં નિવાસ કરીને રહે. હરે ફરે ને આનંદ કરે. સરોવર કોઇને બોલાવવા જતું નથી, કે આવો મારી પાસે.. આપો આપ બધાં જ આવે છે. તેમ જેનામાં સદાચાર હોય, ધર્મ ભક્તિ આદિ સદ્‌ગુણો આવે છે. સત્ય, ધર્મ, નીતિ, ન્યાય, શાંતિ, સંતોષ આદિ સદ્‌ગુણો આવે છે. જે સમયે જે જોઇએ છે તે ભગવાન આપી દે છે.

-: પ્રારબ્ધ કરતા પ્રભુનું નામ બળવાન છે :-

ભૂતપ્રેતપિશાચાનાં ડાકિનીબ્રહ્મરક્ષસામ્‌ । યોગિનીનાં તથા બાલગ્રહાદીનામુપદ્રવઃ ।૨૬।

અભિચારો રિપુકૃતો રોગશ્ચાન્યોપ્યુપદ્રવઃ । અયુતાવર્તનાદસ્ય નશ્યત્યેવ ન સંશયઃ ।૨૭।

દશાવૃત્યા પ્રતિદિનમસ્યાભિષ્ટં સુખં ભવેત । ગૃહિભિસ્ત્યાગિભિશ્ચાપિ પઠનીયમિદં તત: ।૨૮।

આ જનમંગલના પાઠ કરે તો ડાકિણી, શાકિણી, પિશાચ, ભૂત, પ્રેત અને ગ્રહ તેને નડતાં નથી. આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે, કોઇકે મૂઠ ચોટ મારી હોય અને એનાથી પીડા થતી હોય ને જો આ જનમંગલના દસહજાર પાઠ કરે, તો તેને શાંતિ થઇ જાય છે. રોગી ને રોગથી મુક્ત કરે છે.

પ્રારબ્ધમાં છ મહિનાનો ખાટલો લખેલો હોય અને જો આ જનમંગલના શ્રધ્ધાથી ભાવથી નિત્ય પાઠ કરે તો બે દિવસમાં ખાટલો છોડીને દર્દથી મુક્ત થાય છે, પ્રારબ્ધ કરતા પ્રભુનું નામ પ્રબળ છે.

ગૃહિભિસ્ત્યાગિ, ગૃહસ્થ હોય કે ત્યાગી હોય તમેણે દરરોજ આ જનમગંલના દશ પાઠ કરવા જોઇએ. આ જનમંગલની કથા કરવાનો આપણને આનંદ આવે છે. જે શતાનંદ સ્વામીએ તારવ્યું તેને આપણે બુધ્ધિને અનુસારે ગાયું. આ મંત્રનો પૂરેપૂરો અર્થ કોઇ ન સમજી શકે, એનો અર્થ ગ્રંથ કર્તા શતાનંદસ્વામી જ સમજી શકે.

આ જનમંગલના મંત્ર શ્રીજીમહારાજની લીલાચરિત્રમાંથી પ્રગટ થયા છે, સ્વામિનારાયણ ભગવાનનો જેને સાક્ષાત્કાર થયો હોય, તેજ આ મંત્રને સમજાવી શકે. શતાનંદસ્વામીને સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત્કાર થયેલો છે, ભગવાનની હયાતીમાં એ ભગવાનની સાથે રહ્યા છે, તેથી તેનો આનંદ અને અનુભવ ગજબનો હોય. એની મસ્તી તો શતાનંદ સ્વામી જ જાણે, યથાર્થ મંત્રનો મહિમા શતાનંદ સ્વામી જ જાણી શકે.

ભગવાનની કૃપાથી અને સંતોના આશીર્વાદથી જે કાંઇ સમજાયું એવું તમારી આગળ રહસ્ય રજૂ કર્યું, જનમંગલનું વ્યાખ્યાન કરવામાં કાંઇ ક્ષતિ રહી ગઇ હોય, મંત્રને યથાર્થ ન સમજી શક્યા હોઇએ અથવા એનો સમાસ કરવામાં, રહસ્ય સમજાવવામાં કોઇ દોષ આવી ગયો હોય તો ભગવાન સ્વામિનારાયણ ક્ષમા આપે, અને જે કાંઇ સારું લાગ્યું હોય તો તે ભગવાનની કૃપાનું ફળ છે.

આજથી આપણે બધા નિયમ લઇએ, ભગવાન ઇષ્ટદેવની અને સંતોના સાનિધ્યમાં વધારે ન થાય તો કાંઇ નહિ, પણ દિવસમાં દશ પાઠ જનમંગલના અવશ્ય કરવા જોઇએ, એક ધારો મહિમા રાખીને આપણા કલ્યાણ માટે અવશ્ય પાઠ કરવા જોઇએ.

જે કોઇ ભક્તજન આ જનમંગલના રહસ્યની કથા વાંચે છે, કથા કરાવે છે અથવા સાંભળે છે તો તેના ઉપર શ્રીજીમહારાજ ખૂબ રાજી થાય છે અને અંતે ઉત્તમ ગતિને પામે છે.

ઇતિશ્રીશતાનંદમુનિવિરચિતં શ્રીજનમંગલાખ્યં શ્રીહર્યષ્ટોત્તરશતનામસ્તોત્રં સંપૂર્ણમ્‌ ।।