કાનુડા કેડે ફરવું રે કોઈથી ન ડરવું (૪)

Submitted by swaminarayanworld on Tue, 15/03/2016 - 6:24pm

 

રાગ - કાફી

પદ - ૧

કાનુડા કેડે ફરવું રે કોઈથી ન ડરવું - કાનુડા૦

દૂરિજન લોક દૂર્ભાષણ બોલે,  તે હૈડે નવ ધરવું રે. કોઈ૦ ૧

સગાં કુટુંબી સરવે સંગાથે, હેતડલું પરહરવું રે. કોઈ૦ ૨

સંસારીથી સગપણ  તોડી, કાનકુંવરથી કરવું રે. કોઈ૦ ૩

બ્રહ્માનંદ કહે મન કર્મ વચને, વ્રજજીવનજીને વરવું રે. કોઈ૦ ૪

 

પદ - ૨

કાનુડા કેડે જાવું રે, સમજી છું આવું - કાનુડા૦

મોહનનું મેણું મારે માથે, કોઈ દી ’ બીજાની નહિ કા’વું રે. સમ૦૧

ચૌદ લોકમાં સર્વે અબળા,  તેને વરીને ખોટી થાવું રે. સમ૦ ૨

વરીએ  તો નટનાગર વરીએ, અંખડ એવાતન છાવું રે. સમ૦ ૩

બ્રહ્માનંદ કહે અવરપુરુષને, વરવાથી રૂડું વિખ ખાવું રે. સમ૦૪

 

પદ - ૩

કાનુડા કેડે ચાલી રે, થઈ મતવાલી રે - કાનુડા

હું જાણું લોકડીયાં કાલાં રે, લોક કહે છે મુને કાલી રે. થઈ૦ ૧

જે ચાલે કાનુડાની કેડે,  તેની ખેપ ન જાય કેદી ખાલી રે. થઈ૦ ૨

શિર જાતા નટવર નહીં છોડું, ટેક અચળ ઊર ધારી રે. થઈ૦ ૩

બ્રહ્માનંદના નાથ સંગાથે, લાગી છે રંગડાની  તાળી રે. થઈ૦ ૪

 

પદ - ૪

કાનુડા કેડે જાઈએ રે, શીદને લજાઈએ - કાનુડા૦

લાજ વિના લોકડિયાં  તેથી, દુર્બળ થઈ ન દબાઈએ રે. શીદ૦ ૧

વ્રજજીવનને ભજતા  જે વારે, નામ  તેનું લઈ નાહીએ રે. શીદ૦ ૨

કહોને સારુ શું રે થવાનું, લોક  તણી મોટાઈએ રે. શીદ૦ ૩

બ્રહ્માનંદ કહે નિઃશંક થઈને, ગોવદના ગુણ ગાઈએ રે. શીદ૦૪

Facebook Comments