રાગ - ગરબી
પદ - ૧
નવલ સ્નેહી નાથજી જીરે, પ્રેમી જનના છો પ્રાણ(૨)નવલ ટેક.
વ્હાલા સાંભળજો વિનતિ(૨)જીરે, છોજી જાણ સુજાણ. નવ૦ ૧
મેલી વનમાં એકલી જીરે, ગયા ધરમકુમાર(૨)
ન ઘટે તમને નાથજી(૨) જીરે, અમે અબળા અવતાર. નવ૦ ૨
આવ્યા તમારે આશરે જીરે, મેલી કુટુંબ પરીવાર(૨)
જાણ્યું અમને પાળશો(૨) જીરે, હરિવર હૈડાના હાર. નવ૦ ૩
તમે કરી જે આ સમે જીરે, એવી ન કરે કોઈ નાથ(૨)
પડ્યાં મેલ્યાં આભથી(૨) જીરે, બળવંત ઝાલીને હાથ. નવ૦ ૪
બહુ દયાળુ જાણતાં જીરે, કઠણ થયા કેમ આજ(૨)
પ્રેમાનંદના નાથજી (૨) જીરે, દયા આણો મહારાજ. નવ૦ ૫
પદ - ૨
પ્રાણજીવન ઘનશ્યામજી જીરે, આવો ભક્ત પ્રતિપાળ(૨)પ્રા૦ ટેક.
દાસ તમારા દુઃખીયા(૨)જીરે, દરશન વિના દયાળ. પ્રાણ૦ ૧
તમ વિના અમે દુઃખની જીરે, કેને કહીએ હરિ વાત(૨)
મીન વછોયાં નીરથી (૨) જીરે, એમ જાય દિન રાત. પ્રાણ૦ ૨
સુંદર મૂર્તિ સાંભરે જીરે, સુંદર કરતા વિહાર (૨)
કામ રહે સૌ હાથમાં (૨) જીરે, નેણે આંસુની ધાર. પ્રાણ૦ ૩
ઘેરે સાદે બોલતા જીરે, દેતા સાદ લઈ નામ (૨)
તે જયારે અમને સાંભરે (૨) જીરે, ખટકે ઊરમાં ઘનશ્યામ. પ્રા૦૪
ચટચટ બાજતી ચાખડી જીરે, જાણ્યું આવ્યા અલબેલ (૨)
ઉઠી ઉતાવળી હેરતી (૨) જીરે, પ્રેમાનંદના રંગછેલ. પ્રાણ૦ ૫
પદ - ૩
લોચન વ્યાકુળ કાનજી જીરે, જોવા ગજગતિ ચાલ (૨)
સામા મળતા શેરીએ(૨)જીરે, હસીને કરતા નિહાલ. લો૦ ૧
રૂમાલ જમણા હાથમાં જીરે, કટિપર ડાબો કર મેલી (૨)
ખેસ ખભે હરિ ઓઢતા (૨) જીરે, માથે પાઘ અલબેલી. લો૦ ૨
આવી ઓસરીએ બેસતા જીરે, દરશન દેવા ને દાન (૨)
તેદી’ કયારે દેખાડશો (૨) જીરે, સહજાનંદ ભગવાન. લો૦ ૩
હાર પેરાવી હેતમાં જીરે, મુખડું જોતી મુનિરાય (૨)
એ સુખ જયારે સાંભરે (૨) જીરે, કરવત મેલ્યું ઊરમાંય. લો૦ ૪
નૌતમ નિતનિત દેખતી જીરે, લટકાં કરતા હો લાલ (૨)
પ્રેમાનંદકહે વિધિ પાપીએ (૨) જીરે, એ દુઃખ લખ્યું મારે ભાલ. લો૦૫
પદ - ૪
વા’લા તારી વાટડી જીરે, જોઉં વારંવાર (૨) વા’લા. ટેક૦
વહેલા આવો વરતાલથી (૨)જીરે,રસિયા ધર્મકુમાર. વા’લા૦ ૧
તમ વિના ઘનશ્યામજી જીરે, જીવમાં જંપ નવ થાય(૨)
વિરહ તણી બહુ વેદના (૨)જીરે, પાપી પ્રાણ ન જાય. વા’લા૦ ૨
ઓસરીએ ઊભી એકલી જીરે, મુખડું જોવા જીવન (૨)
ફાળ પળે અતિ ઊરમાં(૨)જીરે, રોતાં જાય રાત-દિન. વા’લા૦ ૩
મુનિ સભામાં બેસતા જીરે, મારા પિયુનો પર્યંક (૨)
સાંભરતાં શુધ વિસરે(૨)જીરે, રોઉં થઈને નિશંકઃ. વા’લા૦ ૪
મુજ દુઃખણીના દુઃખનો જીરે, નાવે અંત ઘનશ્યામ (૨)
પ્રેમાનંદ કહે નાથજી(૨)જીરે,લેજો સાર સુખધામ. વા’લા૦ ૫