રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું (૪)

Submitted by swaminarayanworld on Tue, 15/03/2016 - 8:30pm

 

રાગ - ગરબી

પદ - ૧

રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું, રે સગ૦

રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાગ્યું મન મિથ્યા ભાળી;

છે વરવા જેવા એક વનમાળી. રે સગ૦ ૧

રે સ્થિર નહિ આવરદા થોડી, રે તુચ્છ જાણી આશા  તોડી;

મેં જગના જીવન સાથે જોડી. રે સગ૦ ૨

રે ફોગટ કેરા નવ ફરીએ, રે પર ઘર પાણી શું ભરીએ;

રે વરીએ  તો નટવરને વરીએ. રે સગ૦ ૩

રે ભૂધર ભેટ્યા ભય ભાગ્યો, રે સહુ સાથે  તોડ્યો ધાગો;

એ રસિક રંગીલાથી રંગ લાગ્યો. રે સગ૦ ૪

રે એવું જાણીને સગપણ કીધું, રે મહેણું  તે શિર ઊપર લીધું;

બ્રહ્માનંદનું કારજ સીધું. રે સગ૦ ૫

 

પદ - ૨

રે લગની તો હરિવરથી લાગી, મેં તન ધનની આશા ત્યાગી. રે લગની૦

રે વાત કહું સુણ સાહેલી, રે બળિયોજી કીધા બેલી;

માથું પહેલું પાસંગમાં મેલી. રે લગની૦ ૧

રે ન ડરું હું લોક્તણી લાજે, રે શિર ઊપર ગિરિધર ગાજે;

આ દેહ ધર્યો નટવર કાજે રે લગની૦ ૨

રે શિર પર જો બીજો ધારૂં, રે તો બગડે જીવતર મારૂં;

હું જીતી બાજી  તે કેમ હારૂં રે લગની૦ ૩

રે હરિ વીના બીજાને વરવું, રે ગજ તજી ખરચડીને ફરવું;

એ જીવ્યાથી રૂંડું મરવું રે લગની૦ ૪

રે મરજાદા જગની મેટી, રે બાંધી મ પ્રેમ  તણી પેટી;

બ્રહ્માનંદનો વહાલો ભેટી રે લગની૦ ૫

 

પદ - ૩

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં  તે પગલાં નવભરીએ.રે

રે અંતરદૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું;

એ હરિ સારુ માથું ઘોળ્યું. રે શિર૦ ૧

રે સમજયા વિના નવ નીસરીએ, રે રણમધ્યે જઈને નવ ડરીએ;

ત્યાં મુખપાણી રાખીને મરીએ. રે શિર૦ ૨

રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;

તે શું જીવે ભુંડું મુખ લઈને. રે શિર૦ ૩

રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોરે હોરે યુદ્ધે નવ ચડીએ;

જો ચડીએ  તો કટકા થઈને પડીએ. રે શિર૦ ૪

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;

બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ. રે શિર૦ ૫

 

પદ - ૪

રે ધરીયા અંતર ગિરધારી, શું કરશે ઘોળ્યાં હવે સંસારી .રે ધરિ૦

રે હું કોઈની ન રહું ઝાલી, રે વહાલાને થાવા વાલી;

રે શિર કરમાં લઈને ચાલી. રે ધરિયા૦ ૧

રે જેમ ગજ જાય બજારે ધસી, રે શ્વાન મરે બહુ ભસીરે ભસી;

તે હાથીને નહીં શંકા કશી. રે ધરિયા૦ ૨

રે બળવા ગઈ જો સતી સાચી, રે રોમરોમ પિયાસંગ રાચી;

તે પળમાં જઈ ન વળે પાછી. રે ધરિયા૦ ૩

રે પળથી જો પાછી આવે, રે લાજ  તજી મન લલચાવે;

તે સતી મટીને કુત્તી કા’વે. રે ધરિયા૦ ૪

રે બ્રહ્માનંદ એમ વિચારી, રે બીક સર્વે કાઢી બારી ;

રે મળીયા મોહન સુખકારી. રે ધરિયા૦ ૫

Facebook Comments